સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’

‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’

‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’

‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સારા આચરણથી પોતાની કરણીઓ દેખાડે.’—યાકૂબ ૩:૧૩.

૧, ૨. જેઓ પોતાને બુદ્ધિશાળી સમજે છે, તેઓ વિષે યહોવાહ શું વિચારે છે?

 તમે કોને સમજુ કહેશો? અમુક તેઓના માબાપને કહેશે. અમુક બીજી મોટી ઉંમરની વ્યક્તિઓ કે કોઈ કૉલેજના પ્રોફેસરનું નામ આપશે. યહોવાહના ભક્તો તરીકે આપણે જોવું જોઈએ કે યહોવાહ કોને સમજુ ગણે છે.

દુનિયાના લોકો માને છે કે ભણેલા-ગણેલા બુદ્ધિશાળી હોય છે. પણ ઈશ્વરની નજરમાં એવું નથી. દાખલા તરીકે અયૂબે અમુક માણસો સાથે વાત કરી હતી. તે માણસો માનતા કે તેઓના જેટલા કોઈ બુદ્ધિમાન નથી. પણ અયૂબે કહ્યું: “તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી.” (અયૂબ ૧૭:૧૦) જેઓએ ઈશ્વરનું શિક્ષણ સ્વીકાર્યું નહિ, તેઓ વિષે પાઊલે લખ્યું: “અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.” (રૂમી ૧:૨૨) યહોવાહે કહ્યું: ‘જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન છે, તેઓને અફસોસ!’—યશાયાહ ૫:૨૧.

૩, ૪. ઈશ્વર કેવી વ્યક્તિઓને સમજુ ગણે છે?

આપણે જાણવાની જરૂર છે કે ઈશ્વર કોને સમજુ ગણે છે. તે કોના પર આશીર્વાદ વરસાવે છે. નીતિવચનો ૯:૧૦ કહે છે: ‘યહોવાહનો ભય એ જ્ઞાનની શરૂઆત છે; અને ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિ છે.’ સમજુ વ્યક્તિઓ ઈશ્વરનો ડર રાખશે. તેમનાં શિક્ષણની કદર કરશે. પણ એટલું પૂરતું નથી કે તે બસ સ્વીકારે કે ‘હા ઈશ્વર છે.’ વિચાર કરો કે યાકૂબે શું કહ્યું. (યાકૂબ ૩:૧૩ વાંચો.) ઈશ્વર એવા લોકોને સમજુ ગણે છે જેઓ વાણી-વર્તનમાં તેમનું શિક્ષણ પાળે છે. એટલે યાકૂબે કહ્યું: ‘સારા આચરણથી પોતાની કરણીઓ દેખાડો.’

સમજુ વ્યક્તિઓ ઈશ્વરનું શિક્ષણ જીવનમાં ઉતારે છે. સારા નિર્ણયો લે છે. જો આપણી પાસે ઈશ્વરથી આવેલી બુદ્ધિ હશે તો એ કઈ રીતે જોવા મળશે? યાકૂબે તેમના પુસ્તકમાં એ બતાવ્યું છે. * તેમણે એ પણ જણાવ્યું છે કે કઈ રીતે મંડળના ભાઈ-બહેનો અને બીજા લોકો સાથે સારો વહેવાર રાખી શકીએ.

સમજુ માણસ કેવી રીતે વર્તશે?

૫. બુદ્ધિમાન વ્યક્તિ શું કરશે?

યાકૂબે કહ્યું કે વ્યક્તિ પોતાના વાણી-વર્તનથી બતાવશે કે તે બુદ્ધિમાન છે કે નહિ. જે વ્યક્તિ યહોવાહનો ડર રાખે છે, તે જાણે બુદ્ધિના માર્ગ પર ચાલે છે. તે ઈશ્વરનું શિક્ષણ ને ધોરણો જીવનમાં લાગુ પાડવા કોશિશ કરે છે. પણ ઈશ્વરનું જ્ઞાન આપમેળે આવી જતું નથી. બાઇબલ વાંચવાથી ને એના પર વિચાર કરવાથી આવે છે. જો એમ કરીશું તો એફેસી ૫:૧ પ્રમાણે આપણે “દેવનું અનુકરણ કરનારાં” હોઈશું. યહોવાહના જ્ઞાનની સરખામણીમાં માનવી ડહાપણ કંઈ એટલે કંઈ જ નથી. (યશાયાહ ૫૫:૮, ૯) જો યહોવાહના જ્ઞાન પ્રમાણે જીવીશું, તો બધા એ જોઈ શકશે કે આપણે દુનિયાના લોકોથી અલગ છીએ.

૬. નમ્ર ને દયાળુ વ્યક્તિ કેવી હશે? તે કોને અનુસરે છે?

યહોવાહ પોતે દયાળુ છે. ઈસુ પણ તેમના પિતા જેવા જ છે. એટલે તે કહી શક્યા: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.” (માત્થી ૧૧:૨૮, ૨૯) આપણે કઈ રીતે યહોવાહની જેમ વર્તી શકીએ? એક રીત યાકૂબે જણાવી. તેમણે કહ્યું: “જ્ઞાનથી આવેલી નમ્રતા” બતાવો. નમ્ર વ્યક્તિ ઠંડા મિજાજની હોય છે. તે દયાથી વર્તે છે. પણ એનો અર્થ એ નથી કે તે કોઈ પણ બાબત ચલાવી લેશે. જરૂર પડે ત્યારે તે હિંમત બતાવે છે. તે ઈશ્વરના માર્ગ પરથી જરાય ડગશે નહિ.—ફિલિપી ૨:૫-૮.

૭. આપણે મુસાને કેમ અનુસરવું જોઈએ?

બાઇબલ કહે છે કે બીજા ઈશ્વરભક્તો પણ નમ્ર ને ઠંડા મિજાજના હતા. દાખલા તરીકે મુસા. તેમની પાસે ભારે જવાબદારી હતી. તોપણ ‘પૃથ્વી પરના સર્વ લોક કરતાં તે નમ્ર હતા.’ (ગણના ૧૧:૨૯; ૧૨:૩) પોતાનું વચન પૂરું કરવા યહોવાહે મુસાને ખૂબ શક્તિ અને હિંમત આપ્યા. યહોવાહ નમ્ર ને ઠંડા મિજાજના લોકોનો ઉપયોગ કરે છે.

૮. આપણે કઈ રીતે ઈશ્વરના “જ્ઞાનથી આવેલી નમ્રતા” બતાવી શકીએ?

ભલે દરરોજ ભૂલ કરતા હોઈએ, તોપણ આપણે ઈશ્વરના “જ્ઞાનથી આવેલી નમ્રતા” બતાવી શકીએ. નમ્રતા ને ઠંડો મિજાજ એ સદ્‍ગુણો છે. એ બતાવવા યહોવાહની મદદ માંગવી પડે. (ગલાતી ૫:૨૨, ૨૩) એ ગુણો દરરોજ બતાવવા પ્રયત્ન કરીએ. યહોવાહ પર ભરોસો મૂકીએ. તે આપણને નમ્રતા જેવા સારા ગુણો બતાવવા મદદ કરશે. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: ‘ઈશ્વર નમ્ર લોકોને પોતાને માર્ગે ચલાવશે.’—ગીતશાસ્ત્ર ૨૫:૯.

૯, ૧૦. લોકો તમને ચીડ ચઢાવે ત્યારે શું કરવું જોઈએ? કેમ?

ઈશ્વર જેવા ગુણો બતાવવા એ મહેનત માંગી લે છે. આપણા ઉછેરના લીધે ઠંડા મિજાજના રહેવું અઘરું હોય શકે. કદાચ કોઈ આપણને ખોટી સલાહ આપે. તેઓ કહે કે ‘ઈંટનો જવાબ પથ્થરથી આપો.’ જો એવું કરીશું તો આપણે ઈશ્વરની નજરમાં બુદ્ધિમાન નથી. ધારો કે ઘરમાં નાની આગ લાગી છે. શું તમે એના પર ઘી રેડશો? જરાય નહિ! ઘી રેડવાથી આગ વધુ બળશે. પણ જો એના પર ઠંડું પાણી રેડીશું, તો એ હોલવાઈ જશે. એ જ કારણે બાઇબલ આ સલાહ આપે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧, ૧૮) તેથી મંડળમાં કે બીજી કોઈ જગ્યામાં કોઈ આપણને ચીડ ચઢે એવું કહે તો શું કરવું જોઈએ? સમજુ બનીને શાંત રહેવા કોશિશ કરીશું.—૨ તીમોથી ૨:૨૪.

૧૦ દુનિયાની હવાને લીધે લોકો જરાય નમ્ર નથી. શાંતિ ચાહનાર નથી. મોટા ભાગના લોકો ઘમંડી છે, ક્રૂર છે. યાકૂબના જમાનામાં પણ લોકો એવા હતા. તેથી તેમણે મંડળોને દુન્યવી સ્વભાવથી દૂર રહેવાની ચેતવણી આપી. એ સલાહમાંથી આપણે બીજું શું શીખી શકીએ?

ઈશ્વર કોને બુદ્ધિમાન ગણતા નથી?

૧૧. જેઓ ઈશ્વરનાં જ્ઞાન મુજબ જીવશે નહિ, તેઓ કેવા હશે?

૧૧ જેઓ જાણીજોઈને ઈશ્વરનાં જ્ઞાન મુજબ જીવશે નહિ, તેઓ કેવાં હશે? એના વિષે યાકૂબે લખ્યું હતું. (યાકૂબ ૩:૧૪ વાંચો.) તેઓ ઇર્ષાળુ હશે. એકબીજા સાથે કજિયા કરશે. આના વિષે એક દાખલાનો વિચાર કરો. યરૂશાલેમમાં હૉલી સેપુલ્કર નામનું ચર્ચ છે. એના સભ્યો માને છે કે આ ચર્ચ એ જ જમીન પર બંધાયું છે જ્યાં ઈસુને મારી નાખ્યા હતા, અને પછી દફનાવવામાં આવ્યા હતા. ચર્ચની દેખરેખ રાખવા છ ગ્રૂપ છે. તેઓ બધા વચ્ચે ખૂબ ઝઘડા થયા કરે છે. આ ચર્ચ વિષે ૨૦૦૬માં ટાઇમ મૅગેઝિને એક બનાવ વિષે આમ જણાવ્યું: પાદરીઓ ‘કલાકો સુધી ઝઘડ્યા અને ધક્કામુક્કી કરી. અરે તેઓ મીણબત્તીનું મોટું સ્ટેન્ડ લઈને એકબીજાને મારવા લાગ્યા.’ તેઓમાંથી કોઈ એકબીજા પર ભરોસો મૂકવા તૈયાર ન હતા. એટલે તેઓએ એક મુસલમાનને ચર્ચની ચાવીઓ સાચવવા આપી!

૧૨. ભાઈ-બહેનો ઈશ્વરનાં જ્ઞાન મુજબ ન ચાલે તો શું થઈ શકે?

૧૨ યહોવાહના મંડળમાં આવા ઝઘડા કદીયે થવા ન જોઈએ. તેમ છતાં, માનવીઓ ભૂલને પાત્ર હોવાથી અમુક ખૂબ જીદ્દી હોઈ શકે. કદાચ કોઈ ભાઈ બીજા ભાઈના વિચારો સ્વીકારે નહિ. એમાંથી ખટપટ શરૂ થઈ શકે. પ્રથમ સદીના કોરીંથ મંડળમાં આવું જ કંઈક થયું હતું. એટલે પાઊલે લખ્યું: ‘તમારામાં ઇર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની જેમ વર્તતા નથી?’ (૧ કોરીંથી ૩:૩) આપણે એવી રીતે ના વર્તવું જોઈએ.

૧૩, ૧૪. દાખલાથી સમજાવો કે ખોટા વિચારોને લીધે મંડળમાં શું થઈ શકે?

૧૩ મંડળમાં કજિયો કેવી રીતે શરૂ થઈ શકે? એક નાની બાબતમાંથી. ધારો કે ભાઈઓ નવો કિંગ્ડમ હૉલ બાંધી રહ્યા છે. એકનો વિચાર આમ, ને બીજાનો વિચાર સાવ અલગ. પણ એક ભાઈને ખોટું લાગે છે કે કોઈએ તેના સૂચનો સ્વીકાર્યાં નહિ. તે બીજા ભાઈઓ સામે ફરિયાદ કરે છે. અરે, તે કંટાળીને પોતાનું કામ પણ છોડી દે છે! આ ભાઈએ કઈ ભૂલ કરી? મંડળમાં સંપ અને શાંતિ જાળવી રાખવાને બદલે તેમણે પોતાને જ ખરા સાબિત કરવાની કોશિશ કરી. યહોવાહ એવી વ્યક્તિને નહિ પણ નમ્ર ને ઠંડા મિજાજની વ્યક્તિને આશીર્વાદ આપે છે.—૧ તીમોથી ૬:૪, ૫.

૧૪ બીજા દાખલાનો વિચાર કરો. એક ભાઈ વર્ષોથી વડીલ તરીકે સેવા કરી રહ્યા છે. પણ છેલ્લાં અમુક વર્ષથી તેમને અનેક વાર સલાહ આપવામાં આવી છે. પણ તેમણે સ્વભાવમાં કોઈ ફેરફાર કર્યો નહિ. તેથી બીજા વડીલો ફેંસલો લે છે કે તે હવે શાસ્ત્ર મુજબ જવાબદારી નિભાવવા લાયક નથી. સરકીટ ઓવરસિયર પણ વડીલો સાથે સહમત થાય છે. પરિણામે એ ભાઈ જવાબદારી ગુમાવે છે. હવે તે શું કરશે? શું તે દિલથી એ નિર્ણયને સ્વીકારશે? શું તે સ્વભાવમાં સુધારો કરશે જેથી ભાવિમાં તે ફરી વડીલ બની શકે? કે પછી દિલમાં ખાર રાખશે? ઇર્ષા બતાવશે? હકીકત એ છે કે જો કોઈ વડીલ ઈશ્વર કહે તેમ વર્તતા નથી, તો તે ખરેખર કઈ રીતે એ જવાબદારી ઉપાડવા લાયક છે? પણ જો તે નમ્ર રહે ને સમજુ માણસ બને તો કેટલું સારું!

૧૫. યાકૂબ ૩:૧૫, ૧૬ની સલાહ તમને કેમ અગત્યની લાગે છે?

૧૫ અનેક સંજોગોને લીધે ખરાબ સ્વભાવ પેદા થઈ શકે છે. પણ ભલે ગમે તેવો સંજોગ હોય, ખરાબ ગુણને ટાળવા જોઈએ. (યાકૂબ ૩:૧૫, ૧૬ વાંચો.) યાકૂબે કહ્યું કે ખરાબ વલણ “ઐહિક” કે દુન્યવી છે. એટલે એ ઈશ્વરથી આવેલા જ્ઞાનને બદલે પાપી માણસોમાંથી આવે છે. વળી એ “વિષયી” છે. એટલે કે જાનવરની જેમ વિચાર્યા વગર વર્તે છે. ખરેખર ખરાબ વલણ “શેતાની” છે. યહોવાહના ભક્ત ખરાબ વલણ બતાવે તો તેમને અફસોસ!

૧૬. આપણે કેવા ફેરફારો કરવા પડી શકે? એ ફેરફારો કઈ રીતે કરી શકીએ?

૧૬ આપણે દરેકે તપાસવું જોઈએ કે શું મારામાં કોઈ ખોટું વલણ છે? જો હોય તો એને દિલમાંથી કાઢો. ખાસ કરીને વડીલોએ આ કરવાની જરૂર છે. પણ આપણે મામૂલી ઇન્સાન હોવાથી એ કરવું સહેલું નથી. ધારો કે તમે કોઈ ટેકરી પર ચડી રહ્યા છો. ઘડી ઘડી લપસી જવાય છે. પણ જો તમે કશું પકડીને ચઢશો તો પડશો નહિ. જેમ ટેકરી પર ચઢવું અઘરું છે એવી જ રીતે ખોટું વલણ દિલમાંથી કાઢવું અઘરું છે. કદાચ કોશિશ કરતા ઘડી ઘડી પડી જવાય. પણ જો બાઇબલ શિક્ષણ પકડી રાખીશું ને મંડળમાંથી આવતું માર્ગદર્શન પાળીશું, તો આપણે જીતીશું.—ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪.

બુદ્ધિમાન વ્યક્તિ કેવી હશે?

૧૭. ઈશ્વરની નજરમાં બુદ્ધિમાન વ્યક્તિ બૂરાઈ સામે શું કરશે?

૧૭ યાકૂબ ૩:૧૭ વાંચો. ‘જે જ્ઞાન ઉપરથી’ આવે છે એ આપણને જરૂર લાભ કરશે. ચાલો જોઈએ કે એ જ્ઞાનમાંથી કેવા સદ્‍ગુણો આવે છે. પ્રથમ એ આપણને નિર્મળ બનવા મદદ કરે છે. એટલે કે એ આપણને સારા સંસ્કાર જાળવવા અને વિચારોને પવિત્ર કે શુદ્ધ રાખવા મદદ કરે છે. આથી આપણે કોઈ ખરાબ વસ્તુ કે વર્તનથી દૂર રહીશું. દાખલા તરીકે, કોઈ તમારી આંખને અડવા જાય ત્યારે તમે શું કરશો? તમે તરત જ તમારું મોઢું ફેરવી લેશો અથવા તો આંખ બંધ કરી દેશો. આ સાવ આપમેળે જ થાય છે. આ દાખલો બતાવે છે કે જ્યારે આપણી સામે કોઈ બૂરાઈ હોય, તો વિચાર્યા વગર એનાથી દૂર ભાગવું જોઈએ. જો આપણા સંસ્કાર સારા હશે ને બાઇબલનાં શિક્ષણ મુજબ ચાલીશું, તો ખરાબ બાબતોનો તરત જ નકાર કરીશું. (રૂમી ૧૨:૯) બાઇબલમાં યુસફ ને ઈસુ જેવા અનેક દાખલા છે, જેમણે સારા સંસ્કાર જાળવી રાખ્યા હતા.—ઉત્પત્તિ ૩૯:૭-૯; માત્થી ૪:૮-૧૦.

૧૮. (ક) યાકૂબે કઈ સલાહ આપી? (ખ) શાંતિ જાળવવા આપણે શું કરવું જોઈએ?

૧૮ આપણામાં ઈશ્વરનું જ્ઞાન હશે તો આપણે શાંતિ કરાવનારા હોઈશું. ઝઘડા નહિ કરીએ, પણ શાંતિ ચાહીશું. એના વિષે યાકૂબે કહ્યું: “જે સલાહ [શાંતિ] કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.” (યાકૂબ ૩:૧૮) અહીં કલમ ‘શાંતિ વાવવા’ વિષે કહે છે. મંડળમાં શું આપણે એ કરીએ છીએ? કે પછી શાંતિ તોડીએ છીએ? શું એકબીજા વચ્ચે ઘડી-ઘડી મતભેદો ઊભા થાય છ? શું બીજાને ખોટું લગાડીએ છીએ? શું તરત જ ગુસ્સે થઈએ છીએ? શું એમ કહીએ છીએ કે ‘હું બદલાવાનો નથી, તેઓને ગમે કે ના ગમે.’ કે પછી શાંતિ રાખીને ખરાબ ટેવો સુધારવા કોશિશ કરીએ છીએ? આપણે ગમે તેમ કરીને શાંતિ જાળવવા કોશિશ કરીએ છીએ એવું બીજાઓ જાણે છે? શું આપણે જલદીથી બીજાઓને માફ કરીએ છીએ? આપણે આ પ્રશ્નોને ધ્યાનથી વિચારવા જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ ફેરફાર કરવા જોઈએ. એમ કરવાથી આપણે ઈશ્વરથી આવેલું જ્ઞાન જીવનમાં લાગુ પાડીએ છીએ.

૧૯. નમ્ર વ્યક્તિઓ કેવી હશે?

૧૯ ઈશ્વરથી આવેલું જ્ઞાન જીવનમાં ઉતારીશું તો યાકૂબે લખ્યું તેમ આપણે નમ્ર રહીશું. દાખલા તરીકે કોઈ નિર્ણય લેવાનો હોય અને કોઈ ભાઈ કે બહેન પોતાના વિચારો જણાવે છે તો શું કરશો? જો એ વિચારો બાઇબલ સિદ્ધાંત પ્રમાણે બરાબર હોય, તો શું આપણે એ સ્વીકારીએ છીએ? કે પછી પોતાના જ વિચારો પકડી રાખીએ છીએ? શું એકબીજા સાથે પ્રેમથી વાત કરીએ છીએ કે પછી લોકો આપણી સાથે વાત કરતા ડરે છે? આ પ્રશ્નોના જવાબથી પારખી શકીશું કે આપણે નમ્ર છીએ કે કેમ.

૨૦. ઈશ્વર જેવા ગુણો બતાવીશું તો શું પરિણમશે?

૨૦ યાકૂબે અનેક સદ્‍ગુણો વિષે લખ્યું હતું. ભાઈ-બહેનો એ વિકસાવવા કોશિશ કરે ત્યારે મંડળમાં ખુશી ને શાંતિ આવે છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) જો આપણે ઠંડા મિજાજના રહીએ, શાંતિ ચાહીએ ને નમ્ર રહીએ તો શું પરિણમશે? એક તો એકબીજા સાથે આપણો નાતો સારો હશે. બીજું એ બતાવશે કે ‘જે જ્ઞાન ઉપરથી છે’ એ આપણે જીવનમાં પાળીએ છીએ. હવે પછીનો લેખ બતાવશે કે આપણે કઈ રીતે લોકોને યહોવાહની નજરથી જોઈ શકીએ. (w08 3/15)

[ફુટનોટ]

^ આગળ-પાછળની કલમો બતાવે છે કે યાકૂબ પ્રથમ મંડળના વડીલો કે “ઉપદેશકો” વિષે વાત કરતા હતા. (યાકૂબ ૩:૧) તેઓએ મંડળ માટે સારો દાખલો બેસાડવાનો હતો. આપણે બધાયે તેઓને આપેલી સલાહ દિલમાં ઉતારવી જોઈએ.

તમે સમજાવી શકો?

• સમજુ વ્યક્તિ કોને કહેવાય?

• સમજુ વ્યક્તિ બનવા આપણે શું કરીશું?

• ‘જે જ્ઞાન ઉપરથી છે’ એનો નકાર કરનારાઓ કેવા હશે?

• તમે ખાસ કરીને કયા ગુણો વધારે બતાવવા કોશિશ કરશો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

આજે કજિયો કઈ રીતે શરૂ થઈ શકે?