યશાયા ૫૫:૧-૧૩

  • મફત ખાવા-પીવાનું આમંત્રણ (૧-૫)

  • યહોવા અને તેમનું ભરોસાપાત્ર વચન શોધો (૬-૧૩)

    • ઈશ્વરના માર્ગો અને માણસના માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક (૮, ૯)

    • ઈશ્વરનું વચન જરૂર પૂરું થશે (૧૦, ૧૧)

૫૫  હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+  ૨  જે ખાવાથી પેટ ભરાતું નથી એના માટે તમે શું કામ પૈસા ખર્ચો છો? જેનાથી સંતોષ મળતો નથી, એમાં શું કામ તમારી કમાણી* ઉડાવો છો? મારું ધ્યાનથી સાંભળો, જે સારું છે એ ખાઓ+અને તમે ઉત્તમ* ભોજનની મજા માણશો.+  ૩  કાન દઈને સાંભળો અને મારી પાસે આવો.+ મારું સાંભળો અને જીવતા રહો. હું ચોક્કસ તમારી સાથે કાયમનો કરાર કરીશ.+ મને દાઉદ પર અતૂટ પ્રેમ હોવાથી, મેં જે વચનો આપ્યાં હતાં એ પ્રમાણે કરીશ. એ વચનો ભરોસાપાત્ર* છે.+  ૪  જુઓ, મેં તેને પ્રજાઓ માટે સાક્ષી બનાવ્યો છે,+પ્રજાઓનો આગેવાન+ અને અધિકારી બનાવ્યો છે.+  ૫  તું* એ પ્રજાને બોલાવશે, જેને તું જાણતો નથી. પ્રજામાંથી જેઓ તને જાણતા નથી, એ લોકો તારી પાસે દોડી આવશે. યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરને લીધે આમ થશે,+કેમ કે તે તને ગૌરવ આપશે.+  ૬  યહોવા મળી શકે એમ છે ત્યાં સુધી તેમની પાસે પાછા ફરો.+ તે પાસે છે ત્યાં સુધી તેમને પોકારો.+  ૭  દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે+અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+ તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+  ૮  યહોવા જાહેર કરે છે, “મારા વિચારો તમારા વિચારો જેવા નથી+અને મારા માર્ગો તમારા માર્ગો જેવા નથી.  ૯  જેમ આકાશ પૃથ્વી કરતાં ઊંચું છે,તેમ મારા વિચારો તમારા વિચારો કરતાં ઊંચા છે. મારા માર્ગો ને તમારા માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક છે.+ ૧૦  આકાશમાંથી વરસાદ અને બરફ પડે છે. એ કંઈ આમ જ પાછા ફરતા નથી. એ ધરતીને સિંચે છે અને અનાજ ઉગાડે છે. એ વાવનારને બી અને ખાનારને રોટલી આપે છે. ૧૧  એ જ રીતે મારા મોંમાંથી નીકળેલું વચન+ પણપૂરું થયા વગર પાછું ફરશે નહિ.+ એ મારા દિલની ઇચ્છા જરૂર પૂરી કરશે.+ મારા કહેવા પ્રમાણે ચોક્કસ થશે, મારું વચન જરૂર પૂરું થશે. ૧૨  તમે ખુશ થતાં થતાં નીકળશો+અને તમને સહીસલામત પાછા લાવવામાં આવશે.+ પર્વતો અને ડુંગરો તમારી આગળ આનંદનો પોકાર કરતા ઝૂમી ઊઠશે.+ બધાં વૃક્ષો ખુશીથી તાળી પાડશે.+ ૧૩  ઝાડી-ઝાંખરાંને બદલે ગંધતરુનાં* વૃક્ષો ઊગશે.+ કુવેચને* બદલે મેંદી ઊગી નીકળશે. એનાથી યહોવાનું નામ મહાન થશે.+ હંમેશ માટેની એ નિશાનીનો કદી નાશ થશે નહિ.”

ફૂટનોટ

અથવા, “મજૂરી.”
મૂળ, “ચરબીવાળા.”
અથવા, “વિશ્વાસુ.”
એ યાકૂબ અથવા ઇઝરાયેલને બતાવે છે.
અથવા, “પૂરેપૂરી માફી આપશે.”
દેવદારની જાતનું એક ઝાડ.
અથવા, “કૌવચને.” એક વનસ્પતિ જેનાં પાન, ફૂલ અને ફળને રુવાંટી હોય છે અને એને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે.