સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોકમાં ડૂબેલાં બાળકોને મદદ કરવી

શોકમાં ડૂબેલાં બાળકોને મદદ કરવી

શોકમાં ડૂબેલાં બાળકોને મદદ કરવી

કુટુંબની વ્યક્તિ ગુજરી ગઈ છે એવી ખબર કોઈને પણ આપવી સહેલી નથી એ આપણે જાણીએ છીએ. એમાંય બાળકને તો એ જણાવવું બહુ અઘરું છે.

કુટુંબની કોઈ વ્યક્તિ કે મિત્ર ગુજરી જાય ત્યારે, ઘણા બાળકો ડરી જાય છે અને સમજી નથી શકતાં કે શું થઈ રહ્યું છે. આવા સમયે બાળકને મદદ કરવી ખૂબ અઘરી લાગી શકે. ખાસ કરીને જ્યારે માતા-પિતા પોતે શોકમાં ડૂબેલા હોય. આખરે, તેઓને પણ દિલાસાની જરૂર છે.

અમુક માબાપને લાગે છે કે સાચી હકીકત છુપાવવી સારી રહેશે. એટલે તેઓ બાળકોને કહે છે કે ગુજરી ગયેલી વ્યક્તિ ‘તેઓને છોડીને ચાલી ગઈ છે’ અથવા ‘ક્યાંક દૂર રહેવા જતી રહી છે.’ હકીકતમાં, એ બાળકના મનમાં ખોટા વિચારો ઊભા કરે છે. તો પછી, મરણ વિશે તમે બાળક સાથે કેવી રીતે વાત કરી શકો?

રૅનેટો અને ઈઝાબેલ પણ આવા દુઃખદ સંજોગોમાંથી પસાર થયા છે. તેઓની સાડા ત્રણ વર્ષની દીકરી નિકૉલ ગુજરી ગઈ ત્યારે, મોટો દીકરો ફેલીપ ફક્ત પાંચ વર્ષનો હતો. તેઓએ ફેલીપને પોતાની નાની બહેનની ખોટ સહેવા મદદ કરવાની હતી.

સજાગ બનો!: તમે નિકૉલના મરણ વિશે ફેલીપને કેવી રીતે જણાવ્યું?

ઈઝાબેલ: અમે કંઈ જ છુપાવ્યું નહિ, બધું સાચે સાચું કહી દીધું. તેના કોઈ પણ સવાલને ટાળતા ન હતા. બાળક સમજી શકે એ રીતે એનો જવાબ આપતા. નિકૉલને બૅક્ટેરિયાનું ઇન્ફૅક્શન થયું હોવાથી તે ગુજરી ગઈ. એ સમજાવવા ફેલીપને અમે કહ્યું કે નિકૉલના શરીરમાં બહુ નાના જીવડાં આવી ગયા હતા, જેને ડૉક્ટર મારી શક્યા નહિ.

સજાગ બનો!: શું તમે ફેલીપને મરણ વિશેની ધાર્મિક માન્યતાઓ જણાવી?

રૅનેટો: અમે યહોવાના સાક્ષીઓ છીએ. અમને ખાતરી હતી કે મરણ વિશે બાઇબલ જે શીખવે છે એ ફેલીપને જણાવવાથી દિલાસો મળશે. બાઇબલ સાફ કહે છે કે મર્યા પછી વ્યક્તિ કંઈ જ કરી શકતી નથી, તેને કશાનું ભાન હોતું નથી. (સભાશિક્ષક ૯:૫) અમને થયું કે, એ સમજાવવાથી ફેલીપને કોઈ બીક હોય તો એ જતી રહેશે. દાખલા તરીકે, રાતના સમયે તે એકલો હોય તો ગભરાશે નહિ.

ઈઝાબેલ: બાઇબલ એ પણ શીખવે છે કે ગુજરી ગયેલાઓને સુંદર ધરતી પર સજીવન કરવામાં આવશે. અમે એ આશામાં માનીએ છીએ અને અમને લાગ્યું કે એનાથી ફેલીપને પણ મદદ મળશે. તેથી અમે તેને બાઇબલમાંથી શીખવીએ છીએ. જેમ કે, ઈસુએ યાઐરસની ૧૨ વર્ષની ગુજરી ગયેલી દીકરીને જીવતી કરી હતી. અમે ફેલીપને બાઇબલમાંથી સમજાવ્યું કે, એક દિવસે નિકૉલને પણ જીવતી કરવામાં આવશે.—માર્ક ૫:૨૨-૨૪, ૩૫-૪૨; યોહાન ૫:૨૮, ૨૯.

સજાગ બનો!: તમને લાગે છે કે ફેલીપ એ બાબતો સમજી શક્યો?

રૅનેટો: હા, અમને લાગે છે. જો બાળકોને સાદા શબ્દોમાં બધું સાચે સાચું કહીશું, તો તેઓ મરણને સમજી શકશે અને એનું દુઃખ સહી શકશે. એ વિશે કશું છુપાવવાની જરૂર નથી. મરણ એક હકીકત છે. દુઃખની વાત છે કે દરેકને એનો સામનો કરવો પડે છે. એ માટે માબાપે બાળકોને શીખવવું જોઈએ કે એને કેવી રીતે સહેવું. અમે નાના દીકરા વેનેસસને પણ એ વિશે શીખવ્યું છે. *

સજાગ બનો!: દફનવિધિમાં તમે ફેલીપને સાથે લઈ ગયા હતા?

રૅનેટો: અમુક બાબતો પર વિચાર કર્યા પછી તેને ન લઈ જવાનું અમે નક્કી કર્યું. આ ઉંમરે બાળકના મગજ પર આવી બાબતની ઊંડી અસર પડી શકે. જોકે અમુક માબાપ બાળકને લઈ જવાનું નક્કી કરી શકે. કેમ કે, દરેક બાળકની માનસિક ક્ષમતા જુદી હોય છે. જો તમે બાળકને દફનવિધિમાં લઈ જતા હો, તો ત્યાં શું થશે એ વિશે પહેલેથી જણાવવું જોઈએ.

સજાગ બનો!: નિકૉલનું મરણ તમારા માટે એક દુઃખદ પ્રસંગ હતો. શું તમને એવી ચિંતા હતી કે ફેલીપ તમને રડતાં ન જોઈ લે?

ઈઝાબેલ: અમે ક્યારેય ફેલીપથી લાગણીઓ છુપાવી નથી. ઈસુ જો પોતાની વહાલી વ્યક્તિના મરણથી ‘રડ્યા’ હોય, તો અમે કેમ આંસુ રોકીએ? (યોહાન ૧૧:૩૫, ૩૬) ફેલીપ અમને રડતાં જુએ એમાં શું વાંધો છે! અરે, એનાથી ફેલીપ સમજી શક્યો કે રડીને દુઃખ વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. એ તો લાગણીઓ બતાવવાની એક રીત છે. અમે ચાહતા હતા કે ફેલીપ દુઃખને દબાવી રાખવાને બદલે બહાર કાઢે.

રૅનેટો: કુટુંબમાં જ્યારે આવા દુઃખદ પ્રસંગ બને, ત્યારે મોટા ભાગે બાળકો ડરી જતાં હોય છે. જો માબાપ લાગણીઓ વ્યક્ત કરે, તો બાળકો પણ દિલ ખોલીને વાત કરશે. બાળકોની મૂંઝવણ ધ્યાનથી સાંભળવાથી આપણે તેમને દિલાસો આપી, તેમની બીક દૂર કરી શકીએ છીએ.

સજાગ બનો!: શું તમને બીજાઓ પાસેથી કોઈ મદદ મળી?

રૅનેટો: હા, અમને મંડળના ભાઈબહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો. તેઓ અમને મળવા આવતા, ફોન કરતા અને કાર્ડ લખતા. એનાથી ફેલીપ સમજી શક્યો કે તેઓ અમને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે.

ઈઝાબેલ: કુટુંબીજનો પાસેથી પણ અમને ઘણી મદદ મળી. નિકૉલના ગુજરી ગયા પછી મારા પપ્પા રોજ સવારે અમારી સાથે નાસ્તો કરવા આવતા. આ રીતે તેમણે પ્રેમ બતાવ્યો. દાદાનો સાથ હોવાથી ફેલીપને મદદ મળી.

રૅનેટો: સભાઓમાં જઈ ઈશ્વરની ભક્તિ કરવાથી અમને ખાસ ઉત્તેજન મળ્યું. ખરું કે ત્યાં નિકૉલની ઘણી યાદો તાજી થઈ જતી અને અમે આંસુ રોકી શકતા નહિ. તોપણ અમે સભા નહિ ચૂકવાનો પૂરો પ્રયત્ન કરતા. અમે જાણતા હતા કે ફેલીપને માટે અમારે ખાસ હિંમત રાખવાની જરૂર છે. (g12-E 07)

[ફુટનોટ]

^ વધુ માહિતી માટે ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? મોટી પુસ્તિકા જુઓ, જે યહોવાના સાક્ષીઓએ બહાર પાડી છે.

[પાન ૩૧ પર બોક્સ/ચિત્રો]

જેઓએ પોતાના પ્રિયજન મોતમાં ગુમાવ્યાં છે, તેઓ નીચે આપેલાં પુસ્તકોમાંથી દિલાસો મેળવી શકે. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

મોટાંઓ માટે:

પવિત્ર બાઇબલ શું શીખવે છે?

પ્રકરણ ૬: ગુજરી ગયેલા ક્યાં છે?

પ્રકરણ ૭: તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે?

ભૂલકાંઓ માટે:

My Book of Bible Stories

વાર્તા ૯૨: ઈસુ મૂએલાઓને ઊઠાડે છે

તરૂણ બાળકો માટે:

Learn From the Great Teacher

પ્રકરણ ૩૪: ગુજરી ગયા પછી આપણું શું થશે?

પ્રકરણ ૩૫: આપણે સજીવન થઈ શકીશું!

પ્રકરણ ૩૬: કોને સજીવન કરવામાં આવશે? તેઓ ક્યાં રહેશે?

યુવાનો માટે:

Questions Young People Ask​—Answers That Work, Volume 1

પ્રકરણ ૧૬: હું જે રીતે શોક કરું છું, શું એ સ્વાભાવિક છે?

[પાન ૩૨ પર બોક્સ/ચિત્ર]

કઈ રીતે મદદ કરશો?

● બાળકોને સવાલો પૂછવા દો. મરણ અને એને લગતા સવાલો બાળક પૂછે ત્યારે એનો જવાબ આપવા તૈયાર છો એવું બતાવો.

● બાળકોથી હકીકત છુપાવશો નહિ. તેમને આવા કારણો ન આપો કે ગુજરી ગયેલી વ્યક્તિ ‘દૂર રહેવા જતી રહી છે’ અથવા ‘છોડીને ચાલી ગઈ છે.’

● મરણ વિશેની હકીકત સાદા શબ્દોમાં સમજાવો. અમુક લોકો સાદી રીતે આમ કહે છે કે, ગુજરી ગયેલી વ્યક્તિનું શરીર ‘કામ કરતું બંધ થઈ ગયું’ અને ‘એને સરખું કરી શકાયું નહિ.’

● દફનવિધિ વખતે શું બનશે એ બાળકને પહેલેથી જણાવો. તેમને સમજાવો કે ત્યાં જે થશે એ બધું ગુજરી ગયેલી વ્યક્તિ કંઈ જોઈ શકશે નહિ કે સાંભળી શકશે નહિ.

● તમારી લાગણીઓ છુપાવશો નહિ. એનાથી તમારું બાળક સમજી શકશે કે શોક વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી.

● યાદ રાખો કે શોક વ્યક્ત કરવાની કોઈ એક જ રીત નથી. દરેક બાળકની માનસિક ક્ષમતા જુદી હોય છે. બધાના સંજોગો સરખા હોતા નથી.

[ક્રેડીટ લાઈન]

Source: www.kidshealth.org

[પાન ૩૨ પર ચિત્ર]

ડાબે ફેલીપ, વચ્ચે રૅનેટો, જમણે ઈઝાબેલ અને નીચે વેનેસસ