સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુજરી ગયેલા શું જીવતાઓને મદદ કરી શકે?

ગુજરી ગયેલા શું જીવતાઓને મદદ કરી શકે?

બાઇબલ શું કહે છે?

ગુજરી ગયેલા શું જીવતાઓને મદદ કરી શકે?

ઘણા લોકો વર્ષોથી માનતા આવ્યા છે કે ગુજરી ગયેલાઓ માર્ગદર્શન આપી શકે છે. આ વિચાર એક પ્રાચીન ગ્રીક કાવ્ય રચના ‘ઓડિસી’ જેને ‘યુલિસી’ પણ કહેવાય છે, એમાં જોવા મળે છે. ગ્રીક કવિ હોમેરે લખેલી આ કવિતાનો નાયક જાણવા ચાહતો હોય છે કે પોતાની માતૃભૂમિ ઈથાકા ટાપુમાં પાછો કઈ રીતે જઈ શકે. એ માટે મરી ગયેલા જ્યોતિષનો સંપર્ક સાધવા તે મૃત્યુલોક જાય છે.

ગુજરી ગયેલા લોકો પાસેથી અમુક પ્રશ્નોના જવાબ મેળવવા ઘણા લોકો મેલીવિદ્યાનો સહારે લે છે. તેઓ સગાંઓની કબરમાં સૂએ છે અથવા જંતરમંતર કરે છે. પણ શું ગુજરી ગયેલા પાસેથી આવું માર્ગદર્શન મેળવવું શક્ય છે?

ફેલાયેલું ચલણ

દુનિયાના ઘણા ધર્મો શીખવે છે કે ગુજરી ગયેલા સાથે વાતચીત કરવી શક્ય છે. ઍન્સાઇક્લોપીડિયા ઑફ રીલિજ્યન કહે છે: ‘જે લોકો મરેલાઓનો આત્મા પાછો બોલાવે છે તેઓ હકીકતમાં મેલીવિદ્યા કરતા હોય છે. આ રીત ઘણી ફેલાયેલી છે.’ ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા પણ આવું જ કંઈ કહે છે: ‘આખી દુનિયામાં મેલીવિદ્યા એક અથવા બીજા રૂપમાં કરવામાં આવે છે.’ તેથી એમાં નવાઈ નથી કે ઘણા ધાર્મિક લોકોએ ગુજરી ગયેલા લોકો પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કર્યો છે.

ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા કહે છે કે મરેલાનો સંપર્ક કરવાની પ્રથાને ‘ચર્ચ ખરાબ માનતું હતું. છતાં, પાંચથી સોળ સદીના સમયગાળામાં એનું ચલણ હતું એવો ઘણી વાર ઉલ્લેખ થયો છે.’ ગુજરી ગયેલા લોકોનો સંપર્ક કરવા વિશે બાઇબલ શું કહે છે?

શું ગુજરી ગયેલાનો સંપર્ક કરવો જોઈએ?

પ્રાચીન સમયમાં યહોવાએ પોતાના લોકોને આજ્ઞા આપી: ‘તમારામાંથી કોઈ મરેલા લોકોનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ.’ (પુનર્નિયમ ૧૮:૯-૧૩, કોમન લેંગ્વેજ) યહોવાએ કેમ ગુજરી ગયેલાનો સંપર્ક કરવાની મના કરી? જો મરેલા વાતચીત કરી શકતા હોત, તો એની પરવાનગી પ્રેમાળ ઈશ્વરે ચોક્કસ આપી હોત. પણ હકીકતમાં તો ગુજરી ગયેલી કોઈ પણ વ્યક્તિ વાતચીત કરી શકે નહિ. આપણે કેવી રીતે ખાતરીથી કહી શકીએ?

શાસ્ત્ર વારંવાર જણાવે છે કે ગુજરી ગયેલાઓ કંઈ જ કરી શકતા નથી. સભાશિક્ષક ૯:૫ કહે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” બાઇબલ આમ પણ જણાવે છે: “મદદ માટે માણસો તરફ દૃષ્ટિ ન કરશો. તેઓના શ્રેષ્ઠ આગેવાનો નિષ્ફળ જાય છે. કેમ કે દરેક માણસે મરવાનું છે. તેના શ્વાસોશ્વાસ બંધ થઈ જાય છે, જીવનનો અંત આવે છે અને તેણે કરેલી દરેક યોજના એક ક્ષણમાં ખતમ થઈ જાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪, IBSI) એ જ રીતે પ્રબોધક યશાયાએ કહ્યું કે “મરણ પામેલાઓ કઈ કરવાને કાબેલ હોતા નથી.”—યશાયા ૨૬:૧૪, NW.

તેમ છતાં, ઘણા લોકોનું માનવું છે કે મેલીવિદ્યાના માધ્યમથી ગુજરી ગયેલા સગાંઓનો તેઓ સંપર્ક કરી શક્યા છે. આવા બનાવો ઘણા બની રહ્યા છે. તેથી એ વાત ચોક્કસ છે કે કોઈક તો છે જે ગુજરી ગયેલાનું રૂપ લઈને લોકો સાથે વાત કરે છે. જ્યારે કે, ઉપર જોઈ ગયા એ કલમો પ્રમાણે ગુજરી ગયેલા વાત કરી શકતા નથી. તો પછી, લોકો સાથે કોણ વાત કરે છે?

કોની સાથે વાત કરી રહ્યાં છો?

બાઇબલ જણાવે છે કે કેટલાક સ્વર્ગદૂતો સર્જનહાર ઈશ્વરની વિરુદ્ધ ગયા અને દુષ્ટ બન્યા. (ઉત્પત્તિ ૬:૧-૫; યહુદા ૬, ૭) આ દુષ્ટ દૂતો જૂઠાણું ફેલાવે છે કે મર્યા પછી પણ માણસ જીવતો રહે છે. આ જૂઠાણાને સાબિત કરવા તેઓ મરેલા માણસના રૂપમાં લોકો સાથે વાત કરે છે.

બાઇબલનો અહેવાલ બતાવે છે કે યહોવા ઈશ્વરની આજ્ઞા ઈસ્રાએલના રાજા શાઊલે પાળી ન હતી. તેથી યહોવાએ તેને તરછોડી દીધો. એ પછી શાઊલે મેલીવિદ્યાના માધ્યમથી ગુજરી ગયેલા પ્રબોધક શમૂએલની સલાહ લેવા સંપર્ક કર્યો. શાઊલને એ માધ્યમ દ્વારા જવાબ તો મળ્યો પણ ગુજરી ગયેલા શમૂએલથી નહિ. એ કઈ રીતે આપણે ખાતરીથી કહી શકીએ? શમૂએલ જીવતા હતા ત્યારે જ તે રાજાને જોવા પણ માંગતા ન હતા. તેમ જ, તે પોતે મેલીવિદ્યાની સખત વિરુદ્ધ હતા. આ બતાવે છે કે, શાઉલને જવાબ શમૂએલે નહિ પણ તેમનું રૂપ લઈ દુષ્ટ દૂતે આપ્યો હતો.—૧ શમૂએલ ૨૮:૩-૨૦.

દુષ્ટ દૂતો ઈશ્વરના દુશ્મનો છે. આવા દૂતોનો સંપર્ક કરવો જોખમકારક છે. એટલે જ, બાઇબલ ચેતવે છે: ‘તમે ભૂવાઓ તથા જાદુગરોની તરફ ન ફરો; તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ.’ (લેવીય ૧૯:૩૧) ‘તમારામાંથી કોઈ મરેલા લોકોનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ. એવા કાર્યો કરનારને ઈશ્વર ધિક્કારે છે.’ (પુનર્નિયમ ૧૮:૯-૧૩, કોમન લેંગ્વેજ) જોકે, શાઊલે ન કરવાનું કર્યું. તેણે યહોવાની બીજી આજ્ઞાઓ તોડવાની સાથે સાથે “મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી.” એ કારણોને લીધે તે મરણ પામ્યો.—૧ કાળવૃત્તાંત ૧૦:૧૩, ૧૪.

તો પછી, માર્ગદર્શન મેળવવા અથવા પસંદગી વિશે સૌથી સારી સલાહ લેવા તમે કોની પાસે જઈ શકો? બાઇબલ યહોવા ઈશ્વરને મહાન ‘શિક્ષક’ તરીકે વર્ણવે છે. તમે અને તમારાં સગાં ઈશ્વરનો શબ્દ બાઇબલની સલાહ લઈ શકો. એ પ્રમાણે કરશો તો જાણે ‘તમારા કાનો પાછળ એવું સંભળાશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.’ (યશાયા ૩૦:૨૦, ૨૧) ખરું કે આજે યહોવાના ભક્તો એવી આશા રાખતા નથી કે તે સ્વર્ગમાંથી સીધેસીધી વાત કરે. યહોવા તેઓને બાઇબલથી માર્ગદર્શન પૂરું પાડે છે. આમ, યહોવા તેઓના દોરનારા છે અને તે કહે છે કે ‘મને તમારો દોરનાર બનાવી લો.’ (g12-E 06)

શું તમે કદી વિચાર્યું છે?

● ગુજરી ગયેલાઓનો સંપર્ક કરવા વિશે યહોવાને કેવું લાગે છે?—પુનર્નિયમ ૧૮:૯-૧૩.

● શું ગુજરી ગયેલા કોઈ માર્ગદર્શન આપી શકે છે? શાના પરથી કહી શકો?—સભાશિક્ષક ૯:૫.

● માર્ગદર્શન લેવા કોના પર ભરોસો રાખી શકો?—યશાયા ૩૦:૨૦, ૨૧.