સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અન્યાયનું મૂળ

અન્યાયનું મૂળ

અન્યાયનું મૂળ

આપણા સમયમાં કેવા લોકો હશે એ વિશે બાઇબલમાં લગભગ બે હજાર વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું: ‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, અનુપકારી, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, સત્યનો નકાર કરનારા, વિશ્વાસઘાતી, ઉદ્ધત, અહંકારી, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા હશે.’—૨ તીમોથી ૩:૧-૪.

ભાગ્યે જ કોઈ કહે કે આજે આવું ખરાબ વલણ જોવાં નથી મળતું. એવું ખરાબ વલણ ઘણી બાબતોમાં જોવા મળે છે. જેમ કે લોભ, ભેદભાવ, અસામાજિક વર્તન, ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતા. ચાલો એ બાબતોનો એક પછી એક વિચાર કરીએ.

લોભ. “લોભ સારો છે” અને “લોભ કરે લાભ” એવાં વાક્યો કદાચ તમે સાંભળ્યાં હશે. પણ એ બધું જૂઠું છે. લોભ દુઃખનું મૂળ છે! દાખલા તરીકે, પૈસાના ગોટાળા, છેતરપિંડીથી પૈસા પડાવવાની યોજનાઓ, ઊંચા વ્યાજે પૈસાની લેવડદેવડનું કારણ લોભ છે. પરિણામે, પૈસેટકે પાયમાલ થવાથી ઘણા લોકોને તકલીફ વેઠવી પડે છે. ખરું કે અમુક લોકો લોભિયા હોવાને કારણે એનો ભોગ બને છે. જોકે, ઘણી વાર મહેનતુ લોકો પણ એનો ભોગ બને છે. અમુકે તો પોતાના ઘર અને પેન્શન ગુમાવ્યાં છે.

ભેદભાવ. ઘણા લોકો સમુદાય, રંગ, જાતિ, આર્થિક સ્થિતિ અથવા ધર્મના આધારે ગેરવાજબી ભેદભાવ કરતા હોય છે. દાખલા તરીકે, સંયુક્ત રાષ્ટ્રસંઘની કમિટીને જોવા મળ્યું કે દક્ષિણ અમેરિકાના એક દેશના દવાખાનામાં એક ગર્ભવતી સ્ત્રીએ જીવ ગુમાવ્યો. કેમ? તેની સાથે સમુદાય અને આર્થિક પરિસ્થિતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો. આ તો કંઈ નથી! ઇતિહાસ બતાવે છે કે પૂરેપૂરા સમુદાયનો નાશ કરવાના પ્રયાસો પણ થયેલાં છે.

અસમાજિક વર્તન. હેન્ડબુક ઑફ એન્ટીસોસ્યલ બિહેવ્યર નામના પુસ્તકનો સારાંશ કહે છે: ‘અસામાજિક વર્તનના લીધે હજારો કુટુંબો દર વર્ષે ભાંગી પડે છે. લાખો પોતાનું જીવન ગુમાવે છે અને કરોડો ડૉલરની સંપત્તિનો નાશ થાય છે. આપણા સમયમાં હિંસા અને બળવો ખૂબ વધી ગયાં છે. તેથી એમાં કંઈ નવાઈ નથી કે ભાવિમાં ઇતિહાસકારો આ વીસમી સદીનું વર્ણન “આંતરિક્ષ યુગ” કે “માહિતી યુગ”ને બદલે “અસામાજિક યુગ” કરે. એવો યુગ જેમાં સમાજ પોતાને જ ખતમ કરી રહ્યો હતો.’ એ પુસ્તક ૧૯૯૭માં બહાર પડ્યું હતું. એ સમયથી લઈને અત્યાર સુધી લોકોના વલણ અને વર્તનમાં કોઈ સુધારો થયો નથી.

ભ્રષ્ટાચાર. દક્ષિણ આફ્રિકામાં થતા ભ્રષ્ટાચાર વિશે એક રિપૉર્ટ લખવામાં આવ્યો. એ જણાવે છે કે, સાત વર્ષનાં ગાળામાં એક પ્રાંતના સ્વાસ્થ્ય વિભાગને ચાર અબજ યુએસ ડૉલર જેટલી રકમ અપાઈ હતી. એની ૮૧ ટકાથી વધુ રકમ ખોટી રીતે વાપરવામાં આવી. ધ પબ્લિક મૅનેજર મૅગેઝિને લખ્યું: જે રકમનો ઉપયોગ “હૉસ્પિટલ, ક્લિનિક કે સ્વાસ્થ્ય કેન્દ્રોનાં જાળવણી માટે થવો જોઈએ” એની પાછળ થયો નહિ.

આર્થિક અસમાનતા. ટાઇમ મૅગેઝિનના એક અહેવાલ પ્રમાણે ૨૦૦૫માં બ્રિટનની કુલ વાર્ષિક આવકમાંથી ૩૦ ટકા રકમ ફક્ત “પાંચ ટકા લોકોને” મળી. તેમ જ, અમેરિકામાં ત્યાંની વાર્ષિક આવકની “૩૩ ટકાથી વધુ રકમ ફક્ત પાંચ ટકા લોકોને મળી.” બીજી બાજુ, આખી દુનિયામાં લગભગ ૧.૪ અબજ લોકો દિવસના આશરે ૫૦ રૂપિયા (૧.૨૫ ડૉલર) અથવા એથી ઓછી રકમ મેળવે છે. અને દરરોજ ૨૫,૦૦૦ બાળકો ગરીબીને લીધે જીવ ગુમાવે છે.

શું આવા અન્યાયનો કોઈ ઉકેલ છે?

૧૯૮૭માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ધ્યેય બાંધ્યો કે ૧૯૯૦ સુધીમાં ત્યાંનું કોઈ પણ બાળક ગરીબ નહિ હોય. એમ ક્યારેય બન્યું નહિ. અરે, પછીથી વડાપ્રધાનને એ ધ્યેય બાંધવાનો પસ્તાવો થયો.

ભલેને વ્યક્તિ બહુ પ્રભાવશાળી, પૈસાદાર કે સત્તા ધરાવતી હોય, આખરે તો તે માણસ જ છે. તેથી અન્યાયને દૂર કરવાની તેનામાં શક્તિ નથી. હકીકતમાં તો, તે પણ અન્યાયનો ભોગ બનતી હોય છે, ઘરડી થાય છે અને મરણ પામે છે. આ બધું જોતાં બાઇબલની બે કલમો યાદ આવે છે:

“પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”યિર્મેયા ૧૦:૨૩.

‘તમે રાજાઓ પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉગારવાની શક્તિ નથી.’ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

માણસોના પ્રયત્નો નિષ્ફળ થતા જોઈ કદાચ નિરાશ થઈએ. પણ બાઇબલના એ શબ્દોને દિલમાં ઉતારીશું તો નિરાશ નહિ થઈએ. અન્યાયના ઉકેલ વિશે આપણે આશા ન છોડી દેવી જોઈએ. પાન ૧૪ના લેખમાં જોઈશું કે દરેક રીતે ન્યાયી દુનિયા બહુ જલદી જ આવવાની છે. જોકે એ દરમિયાન આપણે કંઈક કરી શકીએ છીએ. આપણે પોતાના વાણી-વર્તન પર વિચાર કરવો જોઈએ. એ માટે આ સવાલો મદદ કરશે: ‘શું હું બીજાઓ જોડે હરવખત ન્યાયથી વર્તું છું? શું મારે એમાં કોઈ સુધારો કરવાની જરૂર છે?’ આ સવાલો વિશે આવતા લેખમાં વધારે જોઈશું. (g12-E 05)

[પાન ૧૧ પર ચિત્રો]

ક. ચીનમાં કોમી હુલ્લડમાં ભાગ લેતી વ્યક્તિને પકડતી પોલીસ

ખ. ઇંગ્લૅન્ડ, લંડનમાં લૂંટફાટ અને તોડફોડ

ગ. રુવાન્ડાના રેફ્યુજી કૅમ્પમાં ખૂબ જ ગરીબ લોકો

[ક્રેડીટ લાઈન્સ]

Top left: © Adam Dean/Panos Pictures; top center: © Matthew Aslett/Demotix/CORBIS; top right: © David Turnley/CORBIS