સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૈસા સાચવીને વાપરવા શું કરવું?

પૈસા સાચવીને વાપરવા શું કરવું?

બાઇબલ શું કહે છે?

પૈસા સાચવીને વાપરવા શું કરવું?

“મારી આવક કરતાં જાવક વધતી જાય છે. એટલે ઘણી વાર મને રાતના ઊંઘ નથી આવતી. હું વિચાર્યા કરું છું કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરું.”—જેમ્સ.

‘મને લાગે છે કે મારા માટે બધાં જ દરવાજા બંધ થઈ ગયા છે. મને કંઈ સૂઝતું નથી.’—શેરી.

વિશ્વભરમાં આવેલ મંદીને લીધે ઘણા લોકો આવું કહેતા હોય છે. મંદીને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ લેબર ઑફિસના ડાયરેક્ટર જનરલ હ્‍વાન સોમાવિયાએ કહ્યું: ‘ફક્ત અમેરિકાની વૉલ સ્ટ્રીટની આ વાત નથી પણ આની અસર આખી દુનિયાને થઈ છે.’

અચાનક નોકરીમાંથી પાણીચું મળી જાય અથવા રોજિંદી જરૂરિયાત માટે નાણાંભીડ ઊભી થાય ત્યારે પરિવાર પર આભ તૂટી પડે છે. શું કરવું એ કંઈ સૂઝતું નથી. બાઇબલના લેખક દાઊદને પણ આવી જ કંઈક લાગણી થઈ હતી. તેમણે પરમેશ્વરને પ્રાર્થનામાં કહ્યું: “મારા મનનું દુઃખ વધી ગયું છે; તું મને મારાં સંકટમાંથી કાઢ.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૭) આપણા સમય વિષે બાઇબલમાં શું લખવામાં આવ્યું છે? એમાં જે લખવામાં આવ્યું છે શું એ આપણને સાચી શાંતિ અને સલામતીની આશા આપે છે?

સંકટના દિવસો માટે સલાહ

આપણી પાસે બાઇબલ છે જે ઈશ્વર તરફથી છે. એમાં અગાઉથી કહેવામાં આવ્યું હતું કે “છેલ્લા સમયમાં” દુનિયાભરમાં “દુઃખોનો આરંભ” થશે, અને “સંકટના વખતો” હશે. (૨ તીમોથી ૩:૧; માત્થી ૨૪:૮) એ શબ્દો સો ટકા સાચા પડ્યા છે. જોકે આપણે આશા વગરના નથી. આ આર્થિક મંદીના સમયમાં બાઇબલ આપણને જીવવા માટે લાભદાયી માર્ગદર્શન આપે છે.

દાખલા તરીકે, બાઇબલ આપણને પૈસાને યોગ્ય સ્થાને રાખવા ઉત્તેજન આપે છે. સભાશિક્ષક ૭:૧૨ આ રીતે વંચાય છે: “જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” એ સાચું છે કે અમુક અંશે પૈસાથી આપણને મદદ મળે છે. પણ ફક્ત બાઇબલમાં આપેલું ઈશ્વરનું જ્ઞાન આપણને હંમેશાં સલામત રાખી શકે છે. અમુક માર્ગદર્શનનો વિચાર કરો.

મંદીના સમયમાં શું કરવું?

મહેનતુ બનો. ‘આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ મહેનતુના જીવને પુષ્ટ કરવામાં આવશે.’ (નીતિવચનો ૧૩:૪) બોધપાઠ આ છે: પ્રમાણિક અને મહેનતુ બનો. આવા કર્મચારીઓની કદર કરવામાં આવે છે. તેઓને જલદી કામ મળે છે અને છૂટા કરવાનો ચાન્સ ઓછો છે.—એફેસી ૪:૨૮.

ખરીદતા પહેલા ખર્ચ ગણો. ઈસુએ કહ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?” (લુક ૧૪:૨૮) આ વચનમાં ઈસુ કહેતા હતા કે જેઓ તેમના શિષ્ય બનવા ચાહે છે તેઓને સમજી-વિચારીને એ નિર્ણય લેવો જોઈએ. જોકે, તેમના શબ્દો પૈસાની બાબતમાં પણ સાચા છે. એટલા માટે જરૂરી છે કે આવક-જાવકનો હિસાબ રાખો. તમારી જરૂરિયાત અને એની પાછળ થનાર ખર્ચનું લિસ્ટ બનાવો.

કુટેવો પાછળ પૈસા ના વેડફો. જુગાર રમવો, ધૂમ્રપાન કરવું, ડ્રગ્સ લેવા, દારૂડિયાપણું જેવી ખરાબ આદતો પરમેશ્વરને પસંદ નથી.—નીતિવચનો ૨૩:૨૦, ૨૧; યશાયાહ ૬૫:૧૧; ૨ કોરીંથી ૭:૧.

પૈસાનો લોભ ન રાખો. (હેબ્રી ૧૩:૫) ઘણા લોકો પૈસાની પાછળ પડીને એના ગુલામ બની ગયા છે. આવા લોકોએ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’ (૧ તીમોથી ૬:૯, ૧૦) તેઓની પાસે ઢગલો રૂપિયા હોય તો પણ તેઓની પૈસાની ભૂખ સંતોષાતી નથી.—સભાશિક્ષક ૫:૧૦.

સંતોષી રહો. ‘આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે ખોરાક અને વસ્ત્ર મળે છે એનાથી સંતોષી રહીએ.’ (૧ તીમોથી ૬:૭, ૮) જેઓ થોડામાં સંતોષી છે તેઓ આર્થિક મંદીમાં પણ બહુ ચિંતા કરતા નથી. ટૂંકમાં તમારી પાસે જે પણ છે એનાથી સંતોષી રહો, ચાદર જોઈને સૉડ તાણો.—બાજુનું બૉક્સ જુઓ.

આપણામાંના કોઈને ખબર નથી કે કાલે શું થશે. સભાશિક્ષક ૯:૧૧ કહે છે, ‘સમય અને સંજોગોની અસર સર્વને લાગુ પડે છે.’ એટલા માટે જેઓ સમજદાર છે તેઓ ‘પૈસા પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો રાખે’ છે. ઈશ્વરે પોતાના ભક્તોને વચન આપ્યું છે કે “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—૧ તીમોથી ૬:૧૭; હેબ્રી ૧૩:૫. (g10-E 05)

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

શું તમે કદી વિચાર્યું છે?

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

● આપણા સમય વિષે બાઇબલમાં શું લખવામાં આવ્યું છે?૨ તીમોથી ૩:૧-૫.

● લાભદાયી માર્ગદર્શન ક્યાંથી મળી શકે?—ગીતશાસ્ત્ર ૧૯:૭.

● હું શું કરું જેથી મારો પરિવાર હંમેશાં સલામત રહી શકે?—સભાશિક્ષક ૭:૧૨.

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

પૈસા બચાવવાની રીત

ખરીદી કરો ત્યારે: વસ્તુઓનું લિસ્ટ બનાવો. મનફાવે એમ વસ્તુઓ ખરીદશો નહિ. જ્યાં વસ્તુઓ સસ્તી અને સારી મળતી હોય ત્યાંથી ખરીદો. ડિસ્કાઉન્ટ અને કૂપનનો ઉપયોગ કરો. જરૂરી વસ્તુઓ સેલમાં અથવા સીઝનમાં ખરીદો. કોઈ પણ વસ્તુ એક કરતાં વધારે ખરીદવાથી સસ્તી પડતી હોય તો એ પ્રમાણે ખરીદો.

ઘરના બિલ: બધા બિલ સમયસર ભરો, જેથી વધારાનો ચાર્જ ના ભરવો પડે. બહાર જમવાને બદલે ઘરે બનાવીને જમો. જમવાનું વધારે પડતું બનાવવાને બદલે જરૂરિયાત પ્રમાણે બનાવો. શરાબ પીવામાં લિમિટ રાખો. * જરૂર ના હોય ત્યારે લાઇટો અને ઇલેક્ટ્રિક સાધનો બંધ રાખો. એવી વસ્તુઓ વસાવો જેમાં ઓછો પાવર વપરાતો હોય અને લાઇટ બિલ ઓછું આવતું હોય. જો શક્ય હોય તો મોટા ઘરને બદલે નાના ઘરમાં રહેવા વિચારો.

 મુસાફરી: બળતણ ઓછું વપરાય અને ખર્ચ ઓછો આવે એવું વાહન ખરીદો. જરૂરી નથી કે એ નવું જ હોય. ખર્ચ વહેંચાઈ જાય એ માટે બીજાની સાથે જાવ અથવા પોતાના વાહનમાં બીજાને લિફ્ટ આપો. એક કામને બદલે વધારે કામ ભેગા થાય ત્યારે જ વાહનનો ઉપયોગ કરો. ચાલીને, સાઇકલનો અથવા પબ્લિક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ કરો. જો કંઈ ફરવા જવાના હોવ તો ઑફ સીઝનમાં જાવ. દૂર જવાને બદલે નજીકમાં જ કંઈક જાવ.

ફોન અને મનોરંજન: શું તમને લેન્ડલાઇન અને મોબાઇલ ફોન બંનેની જરૂર છે? શું તમારા બાળકો મોબાઇલનો ઓછો ઉપયોગ કરે અથવા મોબાઇલ વગર ચલાવી શકે છે? જરૂરી ના હોય એવી ચેનલ ના લો. બુક્સ અને સીડી ખરીદવાને બદલે લાઇબ્રેરીમાંથી લાવી શકો. *

[ફુટનોટ્‌સ]

^ અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.

^ વધારે સૂચનો માટે એપ્રિલ-જૂન, ૨૦૦૯ના સજાગ બનો!નો લેખ “પૈસાનો સદુપયોગ કરો” જુઓ. ઉપરાંત જૂન ૨૦૦૬ના અવેક!નો યંગ પીપલ આસ્ક લેખ પણ જુઓ.