નીતિવચનો ૨૩:૧-૩૫

  • સમજી-વિચારીને આમંત્રણનો સ્વીકાર કર ()

  • સંપત્તિ પાછળ દોડીશ નહિ ()

  • દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે ()

  • જેઓ વધારે પડતો દારૂ પીએ છે, તેઓના જેવો બનીશ નહિ (૨૦)

  • દારૂ સાપની જેમ ડંખ મારે છે (૩૨)

૨૩  જ્યારે તું રાજા સાથે જમવા બેસે,ત્યારે ધ્યાન રાખજે કે તારી આગળ શું પીરસવામાં આવ્યું છે.  ૨  જો તને ઠૂંસી ઠૂંસીને ખાવાનું મન થાય,તો પોતાના પર કાબૂ રાખજે.*  ૩  તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ,નહિતર એ તારા માટે ફાંદો બની જશે.  ૪  ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.*  ૫  દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+  ૬  કંજૂસને* ત્યાં જમીશ નહિ,તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ.  ૭  તે કહે છે ખરો, “ખાઓ, પીઓ,” પણ તે દિલથી કહેતો નથી. તે તો એકેએક દાણાનો હિસાબ રાખે છે.  ૮  તેં ખાધેલો કોળિયો તારે ઓકી કાઢવો પડશે,તેં કરેલાં વખાણ નકામાં જશે.  ૯  મૂર્ખ સાથે વાત ન કર,+કેમ કે તે તારી બુદ્ધિની વાતોને તુચ્છ ગણશે.+ ૧૦  વર્ષો પહેલાં જે હદની નિશાની મૂકી હતી, એને તું ખસેડીશ નહિ+અથવા કોઈ અનાથની* જમીન પચાવી પાડીશ નહિ. ૧૧  કેમ કે તેઓને બચાવનાર* શક્તિશાળી છે,તે તારી વિરુદ્ધ તેઓનો મુકદ્દમો લડશે.+ ૧૨  શિસ્ત* પર તારું દિલ લગાડઅને જ્ઞાનની વાતોને કાન ધર. ૧૩  બાળકને* શિક્ષા* કરવાથી તારો હાથ પાછો ન રાખ.+ જો તું તેને સોટી* મારીશ, તો તે કંઈ મરી નહિ જાય. ૧૪  તું તેને સોટીથી ફટકાર,જેથી તેને કબરમાં* જતાં બચાવી શકે. ૧૫  બેટા, જો તું બુદ્ધિમાન બનીશ,તો મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે.+ ૧૬  તારા હોઠો સત્ય વાતો કહેશે ત્યારે,મારું દિલ* આનંદથી ઊભરાઈ જશે. ૧૭  તારું દિલ પાપી લોકોની ઈર્ષા ન કરે,+પણ તું આખો દિવસ યહોવાનો ડર રાખીને ચાલ.+ ૧૮  એવું કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે+અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ. ૧૯  બેટા, મારું સાંભળ અને બુદ્ધિમાન બન. તારા દિલને સત્યના માર્ગે દોરી જા. ૨૦  જેઓ વધારે પડતો દારૂ પીએ છે+અને માંસના ખાઉધરા છે,+ તેઓના જેવો બનીશ નહિ.* ૨૧  કેમ કે દારૂડિયા અને ખાઉધરા કંગાળ થઈ જશે+અને ઘેન તેઓને ચીંથરાં પહેરાવશે. ૨૨  તને જન્મ આપનાર તારા પિતાનું સાંભળઅને તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.+ ૨૩  સત્ય ખરીદ,* એને વેચી ન દે.+ બુદ્ધિ,* શિસ્ત અને સમજણ પણ ખરીદ, એને વેચી ન દે.+ ૨૪  નેક દીકરાનો પિતા ચોક્કસ ખુશ થશેઅને બુદ્ધિમાન દીકરાનો પિતા હરખાઈ ઊઠશે. ૨૫  તારાં માતા-પિતા પ્રસન્‍ન થશેઅને તારી જનેતાની ખુશીનો પાર નહિ રહે. ૨૬  મારા દીકરા, તારું દિલ મને સોંપી દેઅને મારા માર્ગો પર ચાલવાનો આનંદ માણ.+ ૨૭  કેમ કે વેશ્યા ઊંડી ખાઈ જેવી છેઅને વ્યભિચારી* સ્ત્રી સાંકડા કૂવા જેવી છે.+ ૨૮  તે લુટારાની જેમ લાગ જોઈને બેસી રહે છે,+તે બેવફા માણસોની સંખ્યા વધારે છે. ૨૯  કોણ અફસોસ કરે છે? કોણ ચિંતામાં છે? કોણ ઝઘડો કરે છે? કોણ ફરિયાદ કરે છે? કોને વિના કારણ ઘા પડ્યા છે? કોની આંખો લાલચોળ* છે? ૩૦  એવા લોકો, જેઓ કલાકો સુધી દ્રાક્ષદારૂ પીધે રાખે છે+અને વધારે નશો ચઢે એવો દારૂ શોધે છે.* ૩૧  દ્રાક્ષદારૂના લાલ રંગ સામે જોઈશ નહિ,એ પ્યાલામાં ચમકે છે અને સહેલાઈથી ગળે ઊતરી જાય છે. ૩૨  છેવટે તે સાપની જેમ ડંખ મારે છેઅને ઝેરી સાપની જેમ ઝેર ઓકે છે. ૩૩  તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશેઅને તારું દિલ આડી વાતો કહેશે.+ ૩૪  તને લાગશે કે તું સમુદ્રની વચ્ચોવચ પડ્યો છે,જાણે વહાણના સઢની ટોચે ઝોલાં ખાય છે. ૩૫  તું કહીશ: “તેઓએ મને ફટકાર્યો, પણ મને કંઈ થયું નહિ.* તેઓએ મને માર માર્યો, પણ મને તો યાદ પણ નથી. હું ક્યારે હોશમાં આવીશ,+જેથી હજી એક પ્યાલો દારૂ પી* શકું?”

ફૂટનોટ

મૂળ, “તો તારી ગરદન પર છરી મૂકજે.”
અથવા કદાચ, “પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરવાનું બંધ કર.”
અથવા, “દુષ્ટ આંખવાળા માણસને.”
અથવા, “પિતા વગરના બાળકની.”
મૂળ, “છોડાવનાર.”
અથવા, “દીકરાને; યુવાનને.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
અહીં “સોટી” સુધારા કે અધિકારને રજૂ કરે છે.
મૂળ, “મારાં મૂત્રપિંડો.”
અથવા, “તેઓની સંગત કરીશ નહિ.”
અથવા, “મેળવ.”
અથવા, “ડહાપણ.”
મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.
અથવા, “ઝાંખી.”
અથવા, “એવો દારૂ પીવા ભેગા થાય છે.”
અથવા, “પણ મને પીડા થઈ નહિ.”
અથવા, “શોધી.”