સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હું ઘર છોડવા તૈયાર છું?

શું હું ઘર છોડવા તૈયાર છું?

યુવાનો પૂછે છે

શું હું ઘર છોડવા તૈયાર છું?

હું ૧૯ વર્ષની થઈ છતાં હજુ માબાપ સાથે જ રહું છું. અમુક વખતે મને લાગે છે કે લોકો મારા વિષે શું વિચારતા હશે? જ્યાં સુધી મારા પગ પર ઊભી ન રહું ત્યાં સુધી મારા વિષે કોઈ સારું નહિ વિચારે.—કેટી. *

હું લગભગ ૨૦ વર્ષની છું. હું જે ચાહું છું એ મમ્મી-પપ્પા કરવા નથી દેતા. હું કંઈ પણ કરવા જાઉં તો તેઓ તરત જ ટોકે છે, અને કહે છે કે “તું નાની છે, તને કંઈ ખબર નહિ પડે.” હું તેઓથી કંટાળી ગઈ છું. મારે બીજે જતાં રહેવું છે.—ફિઓના.

તમે યુવાન થાવ ત્યારે કદાચ ઘર છોડીને એકલા રહેવા ચાહો. જોકે આવી લાગણી થાય એ સામાન્ય છે. પરમેશ્વરનો હેતુ પણ એ જ છે કે બાળકો મોટા થાય અને પોતાનું ઘર વસાવે. પોતાની એક આગવી ઓળખ ઊભી કરે. (ઉત્પત્તિ ૨:૨૩, ૨૪; માર્ક ૧૦:૭, ૮) જો તમને વધારે છૂટ જોઈતી હોય, તો શું એનો અર્થ એ થાય કે તમારે ઘર છોડવું જોઈએ? કદાચ એવું હોઈ શકે. પણ શું તમે ખરેખર ઘર છોડવા તૈયાર છો? આ સવાલનો જવાબ મેળવવા ત્રણ મહત્ત્વના સવાલોનો વિચાર કરો. એમાંનો એક છે . . .

ઘર છોડવાના કારણો શું છે?

તમે કેમ ઘર છોડવા માંગો છો, એ માટેના કારણોનું લિસ્ટ આપ્યું છે. આપેલાં લિસ્ટમાં ૧, ૨, ૩ . . . એવી રીતે નંબર આપી શકો છો. એમાં નંબર ૧ સૌથી મહત્ત્વનો છે.

․․․ ઘરની સમસ્યાથી દૂર ભાગવું

․․․ વધારે છૂટ જોઈએ

․․․ મિત્રો સામે માન મેળવવું હોય

․․․ મિત્રનો રૂમમેટ બનીને કંપની આપવી હોય

․․․ વૉલન્ટિયર કામ કરવા માટે બીજી જગ્યાએ જવું હોય

․․․ અનુભવ મેળવવો હોય

․․․ માબાપ પર બોજ બનવા ન માગતા હોવ

․․․ બીજા કોઈ કારણે

ઉપર જે બધા કારણો આપ્યા છે એમાં કંઈ વાંધો તો નથી. તમે કયા ઇરાદાથી ઘર છોડો છો એના આધારે નક્કી થશે કે તમે બીજે રહેશો ત્યાં ખુશ રહેશો કે નાખુશ. દાખલા તરીકે જો તમે ઘરના પ્રૉબ્લેમથી છૂટવા માગતા હો, અથવા વધારે સ્વતંત્રતા જોઈતી હોય તો કદાચ બીજે રહેવા જશો ત્યાં પણ જીવન સહેલું હશે એની કોઈ ગેરંટી નથી.

ડાન્યેલા ૨૦ વર્ષની થઈ ત્યારે તેણે ઘર છોડ્યું. તે એકલી રહેવાથી ઘણું બધું શીખી શકી. તેણે કહ્યું: “આપણે બધાએ કોઈને કોઈ રીતે જવાબદારી નિભાવવી પડે છે. જ્યારે તમે એકલા હો ત્યારે બધું કામ જાતે કરીને નોકરી પર સમયસર પહોંચવું પડે. જો પૈસાની તંગી હોય તો મરજી-મુજબ ખર્ચ નહિ કરી શકો.” કાર્મિનનો વિચાર કરો. તે છ મહિના માટે બીજા દેશમાં રહેવા ગઈ હતી. તે કહે છે: “હું ખુશ છું કે મને આવો મોકો મળ્યો. અનુભવથી મને ઘણું શીખવા મળ્યું. જોકે ઘણી વખતે મને લાગતું કે મારી પાસે ફુરસદ જ નથી. ઘરને અંદર-બહારથી સાફ રાખવું, કશું તૂટી ગયું હોય તો રિપૅર કરવું, બાગની સંભાળ રાખવી, કપડાં ધોવા, આવા તો અનેક કામ દરરોજ કરવા પડતા.”

જોકે એ સાચું છે કે માબાપથી અલગ રહેવાથી તમને વધારે છૂટ મળશે. કદાચ મિત્રોમાં તમારું માન વધે. એ વાત પણ સાચી છે કે હવે બધા કામ તમારે માથે આવશે. જેમ કે બિલ ભરવા, જમવાનું બનાવવું, ઘર સાફ કરવું વગેરે. જ્યારે મિત્રો કે પરિવારના સભ્યો સાથે રહેતા ન હોય ત્યારે એકલા જ સમય પસાર કરવો પડશે. એટલા માટે જરૂરી છે કે બીજાઓના વાદે ચઢીને ઉતાવળે ઘર છોડવાનો નિર્ણય ના લો. (નીતિવચનો ૨૯:૨૦) જો ઘર છોડવાનું યોગ્ય કારણ હોય તો પણ તમારે સમજી-વિચારીને નિર્ણય લેવાનો છે. તમે પોતાના પગ પર ઊભા રહી શકો એવી આવડત જરૂરી છે. એ માટે બીજા મહત્ત્વના સવાલનો વિચાર કરો . . .

શું હું એકલો રહેવા તૈયાર છું?

પોતાની જાતે ઘર છોડવું એ જાણે ટ્રૅકિંગમાં નીકળ્યા હોય એના જેવું છે. તમને જો ખબર ના હોય કે કેવી રીતે તંબૂ બાંધવો, આગ સળગાવવી, ખાવાનું બનાવવું, નકશો જોવો તો શું તમે ટ્રૅકિંગમાં જશો? તમે ચોક્કસ નહિ જાવ! જોકે, આજે ઘણા એવા યુવાનો છે જેઓ પાસે ઘર ચલાવવાનો અનુભવ નથી છતાં ઘર છોડીને બીજે રહેવા ગયા છે.

બાઇબલ સમયના રાજા સુલેમાને લખ્યું, ‘ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર રાખે છે.’ (નીતિવચનો ૧૪:૧૫) શું તમે ઘર છોડવા તૈયાર છો? એનો જવાબ મેળવવા નીચે અમુક મુદ્દા આપ્યા છે. તમારી પાસે જે આવડત છે એ મુદ્દાની બાજુમાં ટિક કરો. અને જે આવડત તમારે વિકસાવવાની છે એ મુદ્દાની બાજુમાં આ નિશાની કરો.

પૈસા સાચવીને વાપરવા ૧૯ વર્ષની સરીનાએ કહ્યું કે “મેં કદી મારા પૈસાથી કોઈ બિલ ભર્યું નથી. એટલે ઘર છોડીને પોતાનો ખર્ચ જાતે કરવાના વિચારથી જ હું ગભરાઈ જાઉં છું.” તમે પોતાના પૈસે ખર્ચ કરતા કેવી રીતે શીખી શકો?

બાઇબલમાં જણાવ્યું છે કે “જ્ઞાની વધુ સાંભળે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.” (નીતિવચનો ૧:૫, IBSI) તમે તમારા માબાપને અમુક બાબતો વિષે પૂછી શકો. જેમ કે એક વ્યક્તિ દીઠ ઘરનું ભાડું કે લોનના હપ્તા, કરિયાણાનો ખર્ચ, વાહન કે મુસાફરીનો ખર્ચ કેટલો આવે છે. તેઓ પાસેથી શીખો કે કેવી રીતે પૈસાનો યોગ્ય ઉપયોગ કરવો અને ખર્ચને પહોંચી વળવું. શા માટે કરકસરથી જીવવાની આવડત વિકસાવવી જોઈએ, એ વિષે ૨૦ વર્ષનો કેવિન કહે છે કે “એક વખત તમે ઘરમાંથી નીકળી ગયા પછી તમે ધાર્યા પણ નહિ હોય એવા ખર્ચા કરવા પડે છે. જો તમે ધ્યાન નહિ રાખો તો દેવાળિયા બની જશો. અને દેવું ભરપાઈ કરવામાં નાકે દમ આવી જશે.”

શું તમે પોતાની જાતે ઘર ચલાવી શકો છો? કેમ નહિ કે તમે જોબ કરતા હોવ તો અમુક મહિનાઓ માટે તમારા રહેવાની, ખાવા-પીવાની અને બીજી જરૂરિયાતોના ખર્ચની રકમ માબાપને આપો. જો તમે એ ખર્ચ આપવા તૈયાર ના હોવ કે ખર્ચને પહોંચી ના વળતા હોવ તો તમે જુદા રહેવા માટે તૈયાર નથી.—૨ થેસ્સાલોનીકી ૩:૧૦, ૧૨.

પોતાની સંભાળ રાખવી ૧૭ વર્ષનો બ્રાયન કહે છે કે મને કપડાં ધોવાનું અને ઈસ્ત્રી કરવાનું સહેજ પણ ગમતું નથી. એ જાતે કરવું પડશે એ કારણથી મારે ઘર છોડવું નથી. તમે કેવી રીતે જાણી શકો કે તમારી કાળજી પોતે લઈ શકો એમ છો? ૨૦ વર્ષનો એરન કહે છે કે “તમે એક અઠવાડિયું એકલા હોય એ રીતે રહેવાની કોશિશ કરો. જમવાનું બનાવવા માટે જરૂરી સામગ્રી પોતાના પૈસે લાવો અને જાતે બનાવીને ખાવ. કપડાં જાતે ધોઈને ઈસ્ત્રી કરો. બધું ઘરકામ જાતે કરો. જ્યાં પણ જવાનું હોય ત્યાં પોતાની જાતે જાવ.” આ સજેશનથી બે લાભ થશે: (૧) પોતાની સંભાળ રાખવા તમે સારી આવડત કેળવી શકશો. (૨) માબાપ તમારા માટે જે કરી રહ્યા છે એની વધારે કદર બતાવી શકશો.

બીજાઓ સાથે હળવું-મળવું શું તમે માબાપ અને ભાઈ-બહેનો સાથે હળીમળીને રહી શકો છો? જો ના રહી શકતા હોવ, તો તમે ઘર છોડીને બીજે રહેવા જશો તો તમને કદાચ રાહત મળશે. કદાચ એવું ના પણ બને. ૧૮ વર્ષની ઇવ શું કહે છે એનો વિચાર કરો: “મારી બે બેનપણીઓ સાથે રહેવા લાગી. પણ તેઓને એકબીજા સાથે બહુ ફાવ્યું નહિ. એકને બધું ચોખ્ખું હોય એવું ગમતું હતું, જ્યારે કે બીજીને બધું જેમ તેમ રાખવાની ટેવ હતી. એક ધાર્મિક હતી, તો બીજીને ધર્મમાં બહુ રસ ન હતો. તેઓ હળીમળીને રહી જ ના શકી.”

અઢાર વર્ષની એરિનને બીજે રહેવા જવું છે. તેમ છતાં તે કહે છે: “બહારના લોકો સાથે કેવી રીતે હળવું-મળવું એ તમે ઘરમાં શીખી શકો છો. ઘરનાઓ સાથે કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તો એને કેવી રીતે થાળે પાડવો અને કેવી રીતે સમાધાન કરવું એ શીખી શકો છો. મેં જોયું છે કે અનેક યુવાનો માબાપ સાથેના ઝઘડાને લીધે ઘર છોડતા હોય છે. પ્રૉબ્લેમને સોલ કરવાનું શીખવાને બદલે એનાથી દૂર ભાગતા હોય છે.”

ધાર્મિક રૂટિન અમુક યુવાનો ઘર છોડે છે, કેમ કે તેઓને માબાપનું ધાર્મિક રૂટિન બહુ પસંદ નથી. જ્યારે કે બીજા યુવાનો ધ્યેય રાખે છે કે તેઓ દરરોજ બાઇબલ વાંચશે અને ભક્તિમાં મંડ્યા રહેશે. પણ સમય જતાં તેઓ એમાં ધીમા પડી જાય છે, અને ધીમે ધીમે તેઓ ખરાબ આદતોનો શિકાર બની જાય છે. તમે શું કરી શકો જેથી ઈશ્વર પરના તમારા ‘વિશ્વાસને વળગી’ રહી શકો?—૧ તીમોથી ૧:૧૯, IBSI.

વગર વિચાર્યે તમારા માબાપનો ધર્મ અપનાવશો નહિ. યહોવાહ પરમેશ્વર ચાહે છે કે આપણને જે શીખવવામાં આવે એની ખાતરી પોતે કરીએ. (રૂમી ૧૨:૧, ૨) એટલા માટે જરૂરી છે કે નિયમિત રીતે બાઇબલ અભ્યાસ અને ભક્તિ કરવાની ટેવ પાડીએ. પછી એને વળગી રહીએ. માબાપ તમને ફોર્સ કરે એના બદલે તમે પોતે મહિના દરમિયાન શું કરવા માગો છો એ કેલેન્ડરમાં લખી લો. જેમ કે સ્ટડી ક્યારે કરશો, પ્રચારમાં ક્યારે જશો, વગેરે વગેરે. પછી જુઓ કે તમે એને વળગી રહ્યા છો કે નહિ.

છેલ્લે તમારે આ સવાલનો વિચાર કરવાનો છે . . .

મારો ધ્યેય શું છે?

અમુક યુવાનોને માબાપનું કહેલું કરવું નથી, અથવા કોઈ સમસ્યાથી દૂર ભાગવા ઘર છોડી દેતા હોય છે. તેઓ ક્યાં જશે, શું કરશે એનો બહુ વિચાર કરતા નથી. એમ કરવાથી તેઓ વધારે મુસીબતમાં ફસાશે. એ સમજવા એક દાખલો લઈએ. જો ગાડી ચલાવનાર ફક્ત અરીસામાંથી પાછળનું દૃશ્ય જ જોયા કરશે, તો તે સામેની બાજુ ધ્યાન આપી નહિ શકે. પરિણામે ઍક્સિડન્ટ થશે. એવી જ રીતે જો તમે ઘરમાં શું થયું હતું ફક્ત એના પર જ વિચાર કરશો, તો જીવનની રાહ પર તમારું ધ્યાન ભટકી જશે. સફળ થવા માટે તમારે ઇતિહાસ પર નહિ, પણ ભાવિ પર નજર રાખવી જોઈએ. એ માટે સારા ધ્યેય બાંધો.

યહોવાહના સાક્ષીઓના અનેક યુવાન ભાઈ-બહેનો પ્રચાર કરવા માટે જરૂર હોય એવા વિસ્તારમાં કે દેશોમાં જતાં હોય છે. તો અમુક ભાઈ-બહેનો કિંગ્ડમ હૉલ બાંધવાનું કામ કરવા અથવા સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં કામ કરવા ઘર છોડતા હોય છે. અમુક લગ્‍ન કરતાં પહેલા પોતાના પગ પર ઊભા રહેવા માટે પણ માબાપથી અલગ રહેતા હોય છે. *

તમે ઘર છોડીને શું કરવા માગો છો એ નીચે લખી લો. ․․․․․

અમુક કિસ્સાઓમાં બાળકો મોટાં થઈ ગયાં પછી પણ માબાપની સાથે જ રહેતાં હોય છે. પરિણામે તેઓ પોતાના પગ પર ઊભા રહેતા શીખ્યા નથી કે પોતાની સંભાળ રાખવાની આવડત કેળવી નથી. જોકે એવું હોય તો પણ ઉતાવળે નિર્ણય લેવાને બદલે સમજી-વિચારીને નિર્ણય લો. બાઇબલ કહે છે કે, ‘બુદ્ધિશાળીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયાએ તંગી વેઠવી પડે છે.’ (નીતિવચનો ૨૧:૫) તમારા માબાપની સલાહ માનો. (નીતિવચનો ૨૩:૨૨) આ બાબતો વિષે પ્રાર્થના કરો. આ લેખમાં જે બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરી એના પર વિચાર કરો.

સવાલ એ નથી કે તમે ઘર છોડવા તૈયાર છો કે નહિ. પણ સવાલ એ છે કે શું તમે એકલા રહીને પોતાની અને ઘરની સંભાળ રાખી શકો છો? જો આ સવાલનો જવાબ તમે હા આપી શકતા હોવ, તો કદાચ તમે ઘર છોડવા વિચારી શકો. (g10-E 07)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ અમુક સમાજમાં સંતાનો, ખાસ કરીને છોકરીઓ લગ્‍ન ના કરે ત્યાં સુધી માબાપની સાથે રહેતી હોય છે. બાઇબલ એ વિષે કોઈ ખાસ સલાહ આપતું નથી.

^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

● ભલે ઘરે રહેવું સહેલું ના હોય, તોપણ ત્યાં અમુક સમય રહેવાથી તમને કેવા ફાયદા થશે?

● ઘરમાં તમે શું કરી શકો, જેથી તમારા પરિવારને મદદ મળે અને તમે પોતાના પગ પર ઊભા રહેતા શીખી શકો?

[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]

બીજા યુવાનો શું કહે છે?

જો તમે માબાપ પાસેથી જવાબદારી નિભાવતા શીખશો, તો તમને ઘણું શીખવા મળશે. પછી તમે બીજે રહેવા જશો તો તકલીફો વેઠીને બધું શીખવું નહિ પડે.

સારાહ

મમ્મી-પપ્પાથી સ્વતંત્ર રહેવામાં કંઈ ખોટું નથી. પણ જો તમારો ઇરાદો બસ માબાપના બંધનોથી છૂટવાનો હોય, તો ખરેખર તમે તમારા પગ પર ઊભા રહેવા તૈયાર નથી.

એરન

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

ઘર છોડીને જવું એ જાણે ટ્રૅકિંગમાં જવા જેવું છે. જતાં પહેલા પોતાની સંભાળ રાખતા શીખવાની જરૂર છે

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

માબાપ માટે સંદેશો

આ લેખમાં સરીનાએ જણાવ્યું કે તે ઘર છોડતા ગભરાય છે. એનું એક કારણ શું છે? તે જણાવે છે: “જ્યારે હું મારા પૈસાથી કંઈ ખરીદવા માગું છું તો પપ્પા મને ખરીદવા દેતા નથી અને પોતે ખરીદી આપે છે. તે કહે છે કે એ ‘મારી જવાબદારી છે.’ એટલે કોઈ પણ બિલ મારે જાતે ભરવું પડશે એ વિચારથી જ હું ચિંતામાં પડી જાઉં છું.” તેના પપ્પા એક રીતે જોઈએ તો સારું વિચારે છે. પણ તમને નથી લાગતું કે આ રીતે તે દીકરીને પોતાના પગ પર ઊભા રહેવાથી અટકાવી રહ્યા છે?—નીતિવચનો ૩૧:૧૦, ૧૮, ૨૭.

શું તમે બાળક જે માગે એ બધું હાજર-હાજર કરી દો છો? એમ કરશો તો શું બાળક જવાબદારી નિભાવતા શીખશે? આ સવાલોના જવાબ તમે કેવી રીતે જાણી શકો? ચાલો આપણે જોઈ ગયા એ ચાર આવડતોને માબાપની દૃષ્ટિથી વિચારીએ.

પૈસા સાચવીને વાપરવા. શું તમારા બાળકોને ખબર છે કે ટૅક્સ અને એને લગતા ફોર્મ કેવી રીતે ભરવા? ટૅક્સ ક્યારે ભરવો એના નિયમોથી શું તેઓ જાણકાર છે? (રૂમી ૧૩:૭) શું તેઓને ખબર છે કે પૈસાને કેવી રીતે સાચવીને વાપરવા જોઈએ? (નીતિવચનો ૨૨:૭) શું તેઓ પોતાની આવકમાં જ ખર્ચ કરે છે, અને કરકસરથી જીવે છે? (લુક ૧૪:૨૮-૩૦) શું તેઓને પોતાની કમાણીમાંથી કોઈ વસ્તુ ખરીદવાથી ખુશી મળે છે? શું બીજાઓના ભલા માટે સમય, શક્તિ અને પૈસા વાપરવાથી તેઓને ખુશી મળે છે?—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

પોતાની સંભાળ રાખવી. શું તમારી દીકરીઓ અને દીકરાઓને રાંધતા આવડે છે? શું તમે તેઓને કપડાં ધોતા અને ઈસ્ત્રી કરતા શીખવ્યું છે? જો તેઓ કોઈ વાહન ચલાવતા હોય, તો શું તેઓને વાહનનો ફ્યુઝ બદલતા, ઑઇલિંગ કરતા કે ટાયર બદલતા આવડે છે?

બીજાઓ સાથે હળવું-મળવું. જ્યારે તમારા યુવાન સંતાનો એકબીજા સાથે ઝઘડે ત્યારે શું તમે એક અમ્પાયરની જેમ છેવટનો નિર્ણય સંભળાવી દો છો? કે પછી તમે તેઓને એવી ટ્રેનિંગ આપી છે કે તેઓ ભેગાં મળીને શાંતિથી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરે?—માત્થી ૫:૨૩-૨૫.

ધાર્મિક રૂટિન. શું તમે તમારી માન્યતા બાળકો પર થોપી બેસાડો છો, કે પછી એ રીતે રજૂ કરો છો કે બાળક પોતે સમજીને માની લે? (૨ તીમોથી ૩:૧૪, ૧૫) ધર્મ અને નૈતિકતાને લઈને ઊભા થતાં દરેક સવાલના જવાબ આપવા કરતાં, શું તમે તેઓને “વિવેકબુદ્ધિ” કેળવવા અને ‘ખરૂંખોટું પારખવા’ મદદ કરો છો? (નીતિવચનો ૧:૪; હેબ્રી ૫:૧૪) શું તમે ચાહો છો કે બાઇબલ સ્ટડી કરવામાં તેઓ તમને અનુસરે? અથવા તમારા કરતાં વધારે સારું કરે?

ઉપર જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોને ટ્રેનિંગ આપવી, પૂરતો સમય અને મહેનત માગી લે છે. જો એમ કરશો તો બાળકને ફાયદો થશે. ખાસ કરીને જ્યારે તે ઘર છોડીને બીજે રહેવા જશે. એ વખતે ભલે તમને દુઃખ લાગશે, પણ તમને પૂરી ખાતરી છે કે બાળક સારી રીતે ઘર ચલાવી શકશે.

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

આના વિષે વિચાર કરો