સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

શું એ ખરેખર બન્યું હતું?

શું એ ખરેખર બન્યું હતું?

સાલ ૩૩ની વસંતઋતુમાં ઈસુ નાઝારીને મારી નાંખવામાં આવ્યા હતા. તેમના પર બળવાખોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો, તેમને ક્રૂર રીતે મારવામાં આવ્યા અને છેલ્લે સ્તંભ પર ખીલાથી જડી દેવામાં આવ્યા. આમ, તે સખત પીડામાં મરણ પામ્યા. જોકે, ઈશ્વરે તેમને પાછા જીવતા કર્યા અને ૪૦ દિવસ પછી ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા.

એ મહત્ત્વનો અહેવાલ આપણને બાઇબલમાં સુવાર્તાનાં ચાર પુસ્તકોમાં જોવા મળે છે. એ પુસ્તકો ગ્રીક શાસ્ત્રવચનોનો ભાગ છે, જેને “નવો કરાર” પણ કહેવાય છે. એ બનાવો શું ખરેખર બન્યા હતા? એ એક મહત્ત્વનો સવાલ છે. કેમ કે, એ બનાવો જો ન બન્યા હોય, તો ખ્રિસ્તીઓની શ્રદ્ધા નકામી કહેવાય અને સુંદર દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા પણ ફક્ત એક સપનું કહેવાય. (૧ કોરીંથી ૧૫:૧૪) પણ, જો એ બનાવો ખરેખર બન્યા છે, તો મનુષ્યો માટે ખૂબ જ ઉજ્જવળ ભાવિ રહેલું છે, જે તમે પણ મેળવી શકો છો. તો સવાલ થાય કે સુવાર્તાના એ અહેવાલો હકીકત છે કે વાર્તાઓ?

વિગતો શું બતાવે છે

સુવાર્તાનાં પુસ્તકો કાલ્પનિક વાર્તાઓ જેવાં નથી. એમાં તો ખૂબ જ કાળજીપૂર્વક લખેલી સચોટ અને વિગતવાર માહિતી છે. દાખલા તરીકે, એમાં જે જગ્યાઓ વિશે જણાવ્યું છે, એ આજે પણ જોવા મળે છે. એમાં જે વ્યક્તિઓ વિશે જણાવ્યું છે, તેઓ ખરેખર થઈ ગઈ છે, જેઓના વિશે કેટલાક ઇતિહાસકારોએ પણ નોંધ્યું છે.—લુક ૩:૧, ૨, ૨૩.

પહેલી અને બીજી સદીના લેખકોએ પણ પોતાનાં લખાણોમાં ઈસુ વિશે ઉલ્લેખ કર્યો છે. * સુવાર્તાનાં પુસ્તકોમાં જણાવેલી ઈસુના મરણની વિગતો, એ સમયના રોમનોની સજા કરવાની રીતના સુમેળમાં છે. વધુમાં, એ વિગતો એકદમ સચોટ અને કંઈ પણ છુપાવ્યા વગર જણાવવામાં આવી છે. અરે, ઈસુના શિષ્યોની ભૂલો પણ છુપાવવામાં આવી નથી! (માથ્થી ૨૬:૫૬; લુક ૨૨:૨૪-૨૬; યોહાન ૧૮:૧૦, ૧૧) આ બધા મુદ્દા સાબિત કરે છે કે સુવાર્તાના લેખકો એકદમ પ્રમાણિક હતા અને તેઓએ ઈસુ વિશે સચોટ માહિતી લખી.

ઈસુના સજીવન થવા વિશે શું?

મોટા ભાગના લોકો સ્વીકારે છે કે ઈસુ હતા અને તે મરણ પામ્યા. પરંતુ, અમુકને ઈસુના સજીવન થવા વિશે શંકા છે. અને કેમ ન હોય! ઈસુ પાછા જીવતા થયા છે, એ વિશે શરૂ શરૂમાં તેમના શિષ્યોએ પણ વિશ્વાસ કર્યો નહિ. (લુક ૨૪:૧૧) જોકે, તેઓની શંકાઓ ત્યારે દૂર થઈ ગઈ, જ્યારે બીજા શિષ્યોએ પણ સજીવન થયેલા ઈસુને અલગ અલગ જગ્યાએ જોયા હતા. એક કિસ્સામાં તો આશરે ૫૦૦ લોકોએ ઈસુને જોયા હતા.—૧ કોરીંથી ૧૫:૬.

શિષ્યોને ખબર હતી કે જો તેઓ ઈસુ વિશે જણાવશે, તો ધરપકડ અને મોતની સજા થવાનું તેઓને જોખમ રહેલું છે. તેમ છતાં, તેઓએ ઈસુના સજીવન થવા વિશે બધાને હિંમતથી જણાવ્યું. તેઓએ એવા લોકોને પણ જણાવ્યું, જેઓએ ઈસુને મારી નાંખ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૩, ૧૦, ૧૯, ૨૦; ૫:૨૭-૩૨) શું ખાતરી વગર શિષ્યોએ એ વિશે જણાવવાની હિંમત કરી હોત? અરે, ઈસુના સજીવન થવાના બનાવને લીધે તો, ખ્રિસ્તી ધર્મનો ત્યારે અને આજના સમયમાં પણ આટલો બધો પ્રભાવ પડે છે!

ઈસુના મરણ અને સજીવન થવા વિશે સુવાર્તાનાં પુસ્તકોમાં સચોટ ઐતિહાસિક અહેવાલ છે. એને ધ્યાનપૂર્વક વાંચવાથી તમને ખાતરી થઈ જશે કે એ બનાવો ખરેખર બન્યા હતા. એ બનાવો શા માટે બન્યા એ જાણવાથી તમારો ભરોસો હજી વધારે મજબૂત થશે. હવે પછીનો લેખ એની સમજણ આપશે. (w૧૬-E No. ૨)

^ ફકરો. 7 સાલ ૫૫માં જન્મેલા ટેસીટસે લખ્યું, ‘ખ્રિસ્તી નામ મૂળ લૅટિન ક્રિસટીસ એટલે કે, ખ્રિસ્ત પરથી આવે છે. ઈસુ ખ્રિસ્તને તીબેરિયસના રાજમાં રોમન અધિકારી પોંતિયસ પીલાતે મરણની સજા આપી હતી.’ ઈસુનો ઉલ્લેખ આ લોકોએ પણ કર્યો: સુટોનીઅસ (પહેલી સદી), યહુદી ઇતિહાસકાર જોસેફસ (પહેલી સદી) અને પ્લીની ધ યંગર, બિથુનીઆનો સૂબેદાર (બીજી સદીની શરૂઆતમાં).