સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

પયગંબર દાનિયેલ જણાવે છે કે મસીહ ક્યારે આવશે

પયગંબર દાનિયેલ જણાવે છે કે મસીહ ક્યારે આવશે

ઈસુનો જન્મ આ ધરતી પર થયો, એના લગભગ ૫૦૦ વર્ષ પહેલાં પયગંબર દાનિયેલ થઈ ગયા. યહોવાએ દાનિયેલને જણાવ્યું હતું કે પોતે ક્યારે ઈસુને ખાસ કામ માટે મસીહ કે ખ્રિસ્ત તરીકે પસંદ કરશે, અભિષિક્ત કરશે. યહોવાએ દાનિયેલને કહ્યું: ‘એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે, પછી બાસઠ અઠવાડિયાં.’—દાનિયેલ ૯:૨૫.

ઈશ્વરનું ખાસ કામ કરવા મસીહ કયા વર્ષે આવવાના હતા? એ નક્કી કરતા પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે આ સમયની ગણતરી ક્યાંથી શરૂ કરવી. દાનિયેલની ભવિષ્યવાણી મુજબ, ‘યરુશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થાય’ ત્યારથી એ ગણતરી શરૂ થાય. એ ‘હુકમ’ ક્યારે પ્રગટ થયો? બાઇબલમાં નહેમ્યા નામના ઈશ્વરભક્તે જણાવ્યું કે યરૂશાલેમની દીવાલો ફરીથી બાંધવાનો હુકમ ‘આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે’ થયો હતો. (નહેમ્યા ૨:૧, ૫-૮) ઇતિહાસકારો સાબિતી આપે છે કે ઈસવીસન પૂર્વે ૪૭૫માં આર્તાહશાસ્તા રાજા બન્યા. તેમના રાજનું વીસમું વર્ષ ઈ.સ. પૂર્વે ૪૫૫ થાય. એટલે કે મસીહ વિશેની દાનિયેલની ભવિષ્યવાણી ઈ.સ. પૂર્વે ૪૫૫ના વર્ષમાં શરૂ થઈ.

પછી દાનિયેલ જણાવે છે કે ઈશ્વરે પસંદ કરેલા ‘સરદાર’ એટલે મસીહ માટે ‘સાત અઠવાડિયાં, ને બાસઠ અઠવાડિયાં’ રાહ જોવી પડશે. એટલે કે કુલ ૬૯ અઠવાડિયાં. ઘણા બાઇબલ અનુવાદો જણાવે છે તેમ, એ દરેક અઠવાડિયું સાત દિવસનું નહિ, પણ સાત વર્ષનું હતું. પહેલાના જમાનામાં યહૂદીઓ સાત વર્ષનાં અઠવાડિયાંની આ ગણતરીથી સારી રીતે જાણકાર હતા. દાખલા તરીકે, તેઓ દરેક સાતમું વર્ષ ‘સાબ્બાથનું વર્ષ’ તરીકે પાળતા હતા. (નિર્ગમન ૨૩:૧૦, ૧૧) દાનિયેલની ભવિષ્યવાણીમાં એક અઠવાડિયું સાત વર્ષનું હતું. એટલે ૬૯ અઠવાડિયાં કુલ ૪૮૩ વર્ષનાં હતાં.

હવે આપણે થોડી ગણતરી કરવી પડશે. જો આપણે ઈ.સ. પૂર્વે ૪૫૫થી ૪૮૩ વર્ષો ગણવાનું શરૂ કરીએ, તો ઈસવીસન ૨૯ની સાલમાં આવીએ છીએ. એ જ વર્ષે ઈસુ બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વરના ખાસ કામ માટે પસંદ થયા. તે મસીહ બન્યા! * (લૂક ૩:૧, ૨, ૨૧, ૨૨) દાનિયેલની ઘણાં વર્ષો પહેલાંની આ ભવિષ્યવાણી સોએ સો ટકા સાચી પડી!

^ ફકરો. 3 ઈ.સ. પૂર્વે ૪૫૫થી ઈ.સ. પૂર્વે એક સુધી ગણો તો ૪૫૪ વર્ષ થાય. પછી, ઈ.સ. પૂર્વે એકથી ઈસવીસન એકનું એક વર્ષ ગણો. (વચ્ચે શૂન્ય વર્ષ નથી.) ઈ.સ. એકથી ૨૯ની સાલ ગણો તો ૨૮ વર્ષ થશે. હવે આ ત્રણેનો સરવાળો કરીએ તો, કુલ ૪૮૩ વર્ષ થાય છે. સિત્તેરમા ‘અઠવાડિયામાં,’ એટલે કે ઈ.સ. ૩૩માં ઈસુ ‘કાપી નંખાયા,’ એટલે કે તેમને મારી નાખવામાં આવ્યા. (દાનિયેલ ૯:૨૪, ૨૬) દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પ્રકરણ ૧૧ અને ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સનો બીજો ગ્રંથ, પાન ૮૯૯-૯૦૧ જુઓ. યહોવાના સાક્ષીઓએ આ પુસ્તકો બહાર પાડ્યાં છે.