સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

દુનિયા ફરતે વધતી જતી મોંઘવારી—બાઇબલ શું કહે છે?

દુનિયા ફરતે વધતી જતી મોંઘવારી—બાઇબલ શું કહે છે?

 વર્લ્ડ બૅંક ગ્રુપના પ્રમુખે જૂન ૨૦૨૨ના એક રિપૉર્ટમાં કહ્યું, “આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા ફરી એકવાર ખોરવાઈ રહી છે. મોંઘવારી પહેલેથી જ આસમાને છે, ઉપરથી લોકોને ઘર ચલાવવાના પૈસા પણ ઓછા પડી રહ્યા છે.”

 ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ જણાવે છે, “પેટ્રોલ-ડીઝલ અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની સૌથી વધારે અસર ગરીબ દેશોના લોકોને થઈ રહી છે.”

 મોંઘવારી અને પૈસાની તંગી કેમ દિવસે ને દિવસે વધી રહી છે? આપણે શું કરી શકીએ? શું ક્યારેય એવો સમય આવશે જ્યારે આવી તકલીફોને જડમૂળથી કાઢી નાખવામાં આવશે? આ સવાલોના જવાબ તમને બાઇબલમાંથી મળશે.

“છેલ્લા દિવસોમાં” વધતી જતી મોંઘવારી

  •   આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એને બાઇબલમાં “છેલ્લા દિવસો” કહેવામાં આવ્યા છે.—૨ તિમોથી ૩:૧.

  •   ઈસુએ કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં “ડરાવી નાખતા બનાવો” બનશે, એટલે એવા બનાવો જેનાથી આપણે હચમચી જઈશું. (લૂક ૨૧:૧૧) ખરેખર એવું જ બની રહ્યું છે. વધતી જતી મોંઘવારીને લીધે લોકોની ચિંતા વધી રહી છે. તેઓના મનમાં રાત-દિવસ બસ એ જ ચાલે છે કે ‘ખબર નહિ આગળ શું થશે, શું હું મારા કુટુંબને બે ટંકનું ખાવાનું પણ પૂરું પાડી શકીશ?’

  •   પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધતા જશે. એમાં લખ્યું છે, ‘મેં એવો એક અવાજ સાંભળ્યો: એક દીનારના એક કિલો ઘઉં. એક દીનારના ત્રણ કિલો જવ.’ અહીં એક દીનારનો અર્થ થાય, એક દિવસની મજૂરી.—પ્રકટીકરણ ૬:૬.

 “છેલ્લા દિવસો” અને પ્રકટીકરણમાં જણાવેલી ભવિષ્યવાણી વિશે વધુ જાણવા ૧૯૧૪થી દુનિયા બદલાઈ ગઈ છે વીડિયો જુઓ અને “ચાર ઘુડસવાર—યે કૌન હૈં?” લેખ વાંચો.

પૈસાની દરેક પ્રકારની સમસ્યાનો એક જ ઉકેલ

  •   “તેઓ ઘરો બાંધશે અને એમાં રહેશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે. એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે, તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય.”—યશાયા ૬૫:૨૧, ૨૨.

  •   “પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે, મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

  •   “યહોવા કહે છે: ‘દુખિયારા પર થતો જુલમ જોઈને, નિરાધારના નિસાસા સાંભળીને, હું પગલાં ભરવા ઊભો થઈશ.’”—ગીતશાસ્ત્ર ૧૨:૫. a

 બહુ જલદી જ ઈશ્વર દરેક પ્રકારની આર્થિક સમસ્યાને દૂર કરશે જેના લીધે લોકોએ ઘણું વેઠવું પડે છે. તે આવું કોઈ એક દેશમાં જ નહિ પણ આખી દુનિયામાં કરશે. એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો: “શું ગરીબી વગરની દુનિયા શક્ય છે?

 જોકે, વધતી જતી મોંઘવારીનો સામનો કરવા તમને બાઇબલમાંથી આજે પણ મદદ મળી શકે છે. કેવી રીતે? રોજબરોજના જીવનમાં પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે એમાં સલાહ આપી છે. (નીતિવચનો ૨૩:૪, ૫; સભાશિક્ષક ૭:૧૨) એ સલાહથી તમને ફાયદો થઈ શકે છે. એ વિશે વધુ જાણવા આ લેખો વાંચો: “તમે સમજી-વિચારીને પૈસા વાપરો” અને “કરકસરથી જીવો.

a બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.