સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ અગાઉથી જ પરિણામો જણાવે છે

યહોવાહ અગાઉથી જ પરિણામો જણાવે છે

યહોવાહ અગાઉથી જ પરિણામો જણાવે છે

“આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.”—યશાયાહ ૪૬:૧૦.

૧, ૨. બાબેલોનનો જે રીતે નાશ થયો એ કેમ નવાઈ પમાડે છે? એમાંથી આપણે યહોવાહ વિષે શું શીખી શકીએ?

 ઈસવી સન પૂર્વે ૫૩૯ની એક રાત્રે અંધારામાં, બાબેલોનના દુશ્મનનું લશ્કર યુફ્રેટીસ (ફ્રાત) નદીનાં પાણીમાંથી ધીમે ધીમે બાબેલોન શહેર તરફ આવતું હતું. બાબેલોન જેવું તેવું શહેર ન હતું. એ તો શક્તિશાળી હતું. દુશ્મનનું લશ્કર શહેરના દરવાજા પાસે આવી પહોંચ્યું. દરવાજા જોઈને તેઓને નવાઈ લાગી. એના મોટા મોટા દરવાજા ખુલ્લા હતા! બાબેલોનના દુશ્મનો તરત પાણીમાંથી બહાર નીકળ્યા, નદીના કાંઠા પર ચડીને શહેરમાં પહોંચી ગયા. કોરેશ એ લશ્કરનો આગેવાન હતો. તેણે ઝડપથી એ શહેર કબજે કરી લીધું. પોતે એના પર રાજ કરવા લાગ્યો. પછી તેણે ઈ.સ. પૂર્વે ૫૩૭માં ફરમાવ્યું કે જે ઈસ્રાએલીઓ બાબેલોનમાં ગુલામ છે તેઓને આઝાદ કરો. આમ હજારો ઈસ્રાએલી બાબેલોનથી પાછા ઈસ્રાએલ ગયા. તેઓ યરૂશાલેમમાં ફરીથી મંદિર બાંધીને યહોવાહની ભક્તિ કરવા લાગ્યા.—૨ કાળવૃત્તાંત ૩૬:૨૨, ૨૩; એઝરા ૧:૧-૪.

ઇતિહાસકારો સહમત થાય છે કે ઉપરના બનાવો ચેક્કસ બન્યા હતા. બાબેલોનનો નાશ થયો એના બસોએક વર્ષ પહેલાં, યહોવાહે એના વિષે યશાયાહને લખવાની પ્રેરણા આપી હતી, એનો વિચાર કરો! (યશાયાહ ૪૪:૨૪–૪૫:૭) યહોવાહે ફક્ત એ જ જણાવ્યું ન હતું કે બાબેલોનનો કઈ રીતે નાશ થશે. પણ તેમણે નામ આપીને જણાવ્યું હતું કે કોણ એનો નાશ કરશે. * ઈસ્રાએલીઓ યશાયાહના સમયમાં યહોવાહના ભક્તો હતા. એટલે યહોવાહે તેઓને યશાયાહ મારફતે કહ્યું: “પુરાતન કાળની બીનાઓનું સ્મરણ કરો; કેમ કે હું દેવ છું, ને બીજો કોઈ નથી; હું દેવ છું, ને મારા જેવો કોઈ નથી; આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.” (યશાયાહ ૪૬:૯, ૧૦) યહોવાહ જ એવા ઈશ્વર છે જે પહેલેથી જાણી શકે છે કે પરિણામો શું આવશે.

૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

શું યહોવાહ પહેલેથી જ બધું જાણે છે કે આવતા દિવસોમાં શું બનશે? શું યહોવાહ આપણા દરેક વિષે પહેલેથી જ બધું જાણે છે? શું તેમણે આપણું નસીબ લખી નાખ્યું છે? ચાલો આપણે જોઈએ કે આ અને એના જેવા બીજા સવાલો વિષે બાઇબલ શું કહે છે? એના વિષે આપણે આ અને હવે પછીના લેખમાં જોઈશું.

યહોવાહ પહેલેથી પરિણામ જણાવી શકે છે

૪. બાઇબલમાં લખેલી ભવિષ્યવાણીઓ કોની પાસેથી આવે છે?

ભવિષ્યમાં શું બનશે એ યહોવાહ પહેલેથી જ જાણી શકે છે. એટલે બાઇબલના જમાનામાં તેમણે પોતાના ભક્તો પાસે ઘણી ભવિષ્યવાણીઓ લખાવી છે. જેથી આપણે પહેલેથી જાણી શકીએ કે યહોવાહ આવતા દિવસોમાં શું કરવાના છે. યહોવાહે યશાયાહ દ્વારા કહ્યું: “જુઓ, અગાઉથી કહી દેખાડેલી બીનાઓ થઈ ચૂકી છે, ને નવીની ખબર હું આપું છું; તેઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભળાવું છું.” (યશાયાહ ૪૨:૯) યહોવાહના ભક્તો માટે એ કેટલો મોટો આશીર્વાદ!

૫. યહોવાહ ભવિષ્યમાં શું કરવાના છે એ જાણ્યા પછી તેમના ભક્તો પર કઈ જવાબદારી આવે છે?

ઈશ્વરભક્ત આમોસ આપણને ખાતરી અપાવે છે: “પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.” બાઇબલના જમાનામાં યહોવાહ પોતાના ભક્તોને અગાઉથી જણાવતા કે આગળ શું બનવાનું છે. એ જાણ્યા પછી લોકોને જણાવવાની તેઓ પર ભારે જવાબદારી આવતી. એને વધારે સમજવા આમોસે જે જોરદાર દાખલો આપ્યો એની નોંધ કરો: “સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે?” સિંહ ગર્જના કરે ત્યારે માણસો અને જાનવરો બેસી નહિ રહે, પણ તરત પગલાં લેશે. એ જ રીતે આમોસે યહોવાહનો સાદ સાંભળીને તેમનો સંદેશો લોકોને જણાવ્યો: “પ્રભુ યહોવાહ બોલ્યો છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?”—આમોસ ૩:૭, ૮.

યહોવાહનું વચન ‘સફળ થશે’

૬. યહોવાહના “સંકલ્પ” પ્રમાણે બાબેલોનનું શું થયું?

યહોવાહે ઈશ્વરભક્ત યશાયાહ મારફતે કહ્યું: “મારો સંકલ્પ દૃઢ રહેશે, ને મારા સર્વ મનોરથો [મારી સર્વ ઈચ્છાઓ] હું પૂરા કરીશ.” (યશાયા ૪૬:૧૦) ઈશ્વરે “સંકલ્પ” કર્યો હતો કે ઈરાનમાંથી કોરેશ આવીને બાબેલોનનો નાશ કરે. એ માટે તેમણે બાબેલોનના નાશ વિષે ઘણા વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી. આપણે આગળ જોઈ ગયા તેમ ઈ.સ. પૂર્વે ૫૩૯માં યહોવાહના કહેવા પ્રમાણે જ બાબેલોનનો નાશ થયો હતો.

૭. આપણી પાસે શું પુરાવો છે કે યહોવાહનું વચન કદી નિષ્ફળ નહિ જાય?

કોરેશે બાબેલોનનો નાશ કર્યો એની ચારેક સદીઓ પહેલાં યહુદાના રાજા યહોશાફાટને આમ્મોન અને મોઆબ સામે લડવાનું થયું હતું. ત્યારે તેમણે શું કર્યું? યહોશાફાટે પૂરી શ્રદ્ધાથી યહોવાહને પ્રાર્થના કરી: “હે અમારા પિતૃઓના દેવ, યહોવાહ, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી.” (૨ કાળવૃત્તાંત ૨૦:૬) એવી જ શ્રદ્ધાથી યશાયાહે પણ પ્રાર્થના કરી: “સૈન્યોના દેવ યહોવાહે જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?” (યશાયાહ ૧૪:૨૭) યશાયાહના ઘણા વર્ષો પછી રાજા નબૂખાદનેસ્સારની સમજશક્તિ ચાલી ગઈ. યહોવાહે તેને એ પાછી આપી ત્યારે તેણે નમ્રભાવે કબૂલ્યું: “કોઈ તેનો [ઈશ્વરનો] હાથ અટકાવી શકતો નથી, અથવા તું શું કરે છે, એવું કોઈ તેને કહી શકતો નથી.” (દાનીયેલ ૪:૩૫) યહોવાહ તેમના ભક્તોને ખાતરી આપે છે: ‘મારું વચન સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.’ (યશાયાહ ૫૫:૧૧) યહોવાહનું વચન કદી નિષ્ફળ જશે નહિ, એવો આપણને તેમનામાં અતૂટ ભરોસો હોવો જોઈએ.

‘ઈશ્વરનો સનાતન હેતુ’

૮. યહોવાહનો “સનાતન હેતુ” શું છે?

પ્રેરિત પાઊલે એફેસસમાં રહેતા ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે તેમણે ઈશ્વરના “સનાતન હેતુ” વિષે વાત કરી હતી. (એફેસી ૩:૧૧, કોમન લેંગ્વેજ) ‘સનાતન હેતુ’ એટલે શું? એનો અર્થ એ નથી કે ઈશ્વર પહેલેથી બધી નાની નાની વિગતો લખી નાખે છે. પણ એનો અર્થ એ થાય કે યહોવાહે માણસ અને પૃથ્વી માટે જે ધાર્યું છે તે પૂરું કરશે જ. (ઉત્પત્તિ ૧:૨૮) આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહે જે ધાર્યું છે તે ચોક્કસ પૂરું કરશે? એનો પુરાવો આપણને બાઇબલની પહેલી ભવિષ્યવાણીમાં જોવા મળે છે. ચાલો આપણે એ તપાસીએ. એનાથી યહોવાહ માટે આપણું માન વધશે.

૯. ઉત્પત્તિ ૩:૧૫ પ્રમાણે યહોવાહે શું ધાર્યું હતું?

આદમ અને હવાએ જાણી-જોઈને યહોવાહની આજ્ઞા તોડીને પાપ કર્યું. ઉત્પત્તિ ૩:૧૫ જણાવે છે તેમ, યહોવાહે તરત જ વચન આપ્યું કે એમાંથી છોડાવનારને (‘સ્ત્રીનું સંતાન’ કહેવાય છે એને) પોતે મોકલશે. યહોવાહ જાણતા હતા કે પોતાના સંગઠન અને શેતાન (“સાપ” કહેવાય છે એની) વચ્ચે દુશ્મની થશે. ખરું કે યહોવાહ આપણને બચાવનાર, ઈસુની એડી શેતાનના હાથે છૂંદાવા દેશે. તોપણ, આખરે તો ઈસુ સાપ કે શેતાનનું માથું છૂંદી નાખશે. સમય જતાં, યહોવાહે પસંદ કરેલા વંશમાંથી મસીહ તરીકે ઈસુ આવ્યા.—લુક ૩:૧૫, ૨૩-૩૮; ગલાતી ૪:૪.

યહોવાહે અગાઉથી શું નક્કી કર્યું છે?

૧૦. શું યહોવાહ અગાઉથી જાણતા હતા કે આદમ અને હવા પાપ કરશે? સમજાવો.

૧૦ યહોવાહે માણસ અને પૃથ્વી માટે જે ધાર્યું હતું એમાં ઈસુ કયો ભાગ ભજવે છે? એના વિષે પ્રેરિત પીતરે લખ્યું: “સૃષ્ટિના [જગતના] સર્જન અગાઉ ઈસુને પસંદ કર્યા હતા અને તેમને તમારે માટે આ છેલ્લા દિવસોમાં પ્રગટ કર્યા છે.” (૧ પિતર ૧:૨૦, કોમન લેંગ્વેજ) શું યહોવાહે પહેલેથી નક્કી કર્યું હતું કે આદમ અને હવા જાણી-જોઈને તેમની આજ્ઞા તોડશે, જે યહોવાહની નજરમાં પાપ છે? પછી મનુષ્યોને એ પાપમાંથી છોડાવવા ઈસુએ કુરબાની આપવી પડશે? જરાય નહિ. ગ્રીકમાં “સર્જન” માટે વપરાયેલા શબ્દનો અર્થ થાય, ગર્ભ ધરવો. (૧ પીતર ૧:૨૦) શું એનો એવો અર્થ થાય કે આદમ અને હવાએ પાપ કર્યું એ પહેલાં તેઓને બાળક હતું? ના. તેઓએ પાપ કર્યા પછી હવાને ગર્ભ રહ્યો હતો. (ઉત્પત્તિ ૪:૧) એ બતાવે છે કે તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી એ પછી, અને તેઓને બાળક થયું એ પહેલાં યહોવાહે “સંતાન” વિષે ભવિષ્યવાણી કરી. એ સંતાન ઈસુ છે. તો તેમની કુરબાનીથી આપણને શું ફાયદો થશે? આદમ પાસેથી વારસામાં મળેલા પાપ ને મરણમાંથી સર્વ મનુષ્યોને આઝાદી મળશે. શેતાનનાં સર્વ કામોનો પણ સર્વનાશ થશે.—માત્થી ૨૦:૨૮; હેબ્રી ૨:૧૪; ૧ યોહાન ૩:૮.

૧૧. યહોવાહે માણસ અને પૃથ્વી માટે જે ધાર્યું છે તે પૂરું કરવા પહેલેથી બીજી કઈ બાબત નક્કી કરી હતી?

૧૧ યહોવાહે માણસ અને પૃથ્વી માટે જે ધાર્યું છે તે પૂરું કરવા પહેલેથી બીજી એક બાબત નક્કી કરી હતી. એ શું છે? એના વિષે પાઊલે એફેસસ મંડળને પત્રમાં જણાવ્યું કે ઈશ્વર ‘સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વને ઈસુ ખ્રિસ્ત સાથે એક સંપમાં લાવશે.’ “સ્વર્ગમાં” કોણ જશે? યહોવાહે જેઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે તેઓની અહીં વાત થાય છે. પાઊલે તેઓ વિષે લખ્યું: “આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેમના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યું હતું, કારણ કે દેવ એ જ ઈચ્છતા હતા.” (એફેસી ૧:૧૦, ૧૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાહે પહેલેથી નક્કી કર્યું હતું કે પૃથ્વી પરથી તે અમુક વ્યક્તિઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કરશે. તેઓ યહોવાહના વફાદાર દૂતો સાથે જોડાઈને એ સ્ત્રીના સંતાનનો બીજો ભાગ બનશે. તેઓ લોકોને ઈસુ ખ્રિસ્તની કુરબાનીથી આવતા આશીર્વાદો પામવા મદદ કરશે. (રૂમી ૮:૨૮-૩૦) પીતર તેઓને “પવિત્ર પ્રજા” તરીકે ઓળખાવે છે. (૧ પીતર ૨:૯) પ્રેરિત યોહાનને સ્વર્ગનું અદ્‍ભુત દર્શન થયું હતું. એમાં તેમને જોવા મળ્યું કે યહોવાહે પૃથ્વી પરથી એક લાખ ચુમ્માળીસ હજારને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. (પ્રકટીકરણ ૭:૪-૮; ૧૪:૧,) તેઓ રાજા ખ્રિસ્ત સાથે સંપીને “તેના [ઈશ્વરના] મહિમાની સ્તુતિને સારુ” સેવા આપે છે.—એફેસી ૧:૧૨-૧૪.

૧૨. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહે પહેલેથી જ એક લાખ ચુમ્માળીસ હજારના નામ લખ્યા ન હતા?

૧૨ યહોવાહે પહેલેથી એવું નક્કી કર્યું ન હતું કે ઈસુ સાથે સ્વર્ગમાં કોણ કોણ રાજ કરશે. પણ એ નક્કી કર્યું હતું કે કેટલી વ્યક્તિઓ રાજ કરશે. એ પૃથ્વી પરથી એક લાખ ચુમ્માળીસ હજાર સ્ત્રી-પુરુષો હશે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્ર ખાસ કરીને તેઓ માટે લખવામાં આવ્યું હતું. જેથી એ વાંચીને તેઓ ઉત્તેજન અને ખરું માર્ગદર્શન મેળવે. એનાથી યહોવાહને વફાદાર રહેવા તેઓને મદદ મળે છે અને તેઓ સ્વર્ગીય જીવન માટે લાયક ઠરે છે. (ફિલિપી ૨:૧૨; ૨ થેસ્સાલોનીકી ૧:૫, ૧૧; ૨ પીતર ૧:૧૦, ૧૧) યહોવાહ પહેલેથી જાણે છે કે, એક લાખ ચુમ્માળીસ હજાર તેમનું કામ કરવા માટે લાયક ઠરશે. એ જવાબદારી માટે કોણ યોગ્ય ગણાશે? એક વાર સ્વર્ગીય જીવન માટે પસંદ કરાયા પછી દરેકે પોતાના જીવનથી બતાવી આપવું પડશે કે તેઓ એ જવાબદારી માટે યોગ્ય છે.—માત્થી ૨૪:૧૩.

યહોવાહ પહેલેથી શું જાણે છે?

૧૩, ૧૪. યહોવાહ કયા ગુણોના સુમેળમાં ભવિષ્ય જુએ છે? શા માટે?

૧૩ યહોવાહ ધારે એ કરી શકે છે. તે ચાહે તો દરેક બાબતમાં ભાવિ જોઈ શકે છે. પણ તે કેવી રીતે પોતાની આ ક્ષમતાનો ઉપયોગ કરે છે? પહેલા આ બાબતો પર વિચાર કરો. પ્રથમ તો આપણને ખાતરી મળે છે કે ઈશ્વર હંમેશાં પ્રેમ અને સચ્ચાઈથી વર્તે છે. તે ઇન્સાફમાં માને છે. પહેલી સદીમાં પ્રેરિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને લખીને પુરાવો આપ્યો કે યહોવાહનાં વચન અને સમ કેટલા ભરોસાપાત્ર છે. તેમણે કહ્યું: “બે બાબતો છે કે તે કદી જ બદલાય શકે નહીં તથા જેના સંબંધી ઈશ્વર કદી જૂઠું બોલી શકે નહીં.” (હિબ્રૂ ૬:૧૭, ૧૮, પ્રેમસંદેશ) એ જ રીતે પાઊલે તીતસને પત્ર લખીને કહ્યું કે “દેવ કદી જૂઠું બોલી શકતો નથી.”—તીતસ ૧:૨.

૧૪ ખરું કે યહોવાહ પાસે અપાર શક્તિ છે. તોપણ તે કદી એનો દૂરુપયોગ કરતા નથી. મુસાએ યહોવાહ વિષે લખ્યું: “વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) યહોવાહ જે કંઈ કરે છે એ હંમેશાં પોતાના સ્વભાવમાં રહેલા ગુણો પ્રમાણે કરે છે. જેમ કે, તેમના સર્વ કામોમાં પ્રેમ, બુદ્ધિ કે ડહાપણ, ન્યાય અને શક્તિ જોવા મળે છે.

૧૫, ૧૬. યહોવાહે આદમ અને હવાની સામે પહેલેથી કઈ પસંદગી મૂકી હતી?

૧૫ યહોવાહે આદમને જે રીતે એદન પ્રદેશમાં મૂક્યો એમાંથી આપણને તેમના ચાર મુખ્ય ગુણો જોવા મળે છે, એનો જરા વિચાર કરો. યહોવાહે એક પ્રમાણિક પિતાની જેમ તેઓને બધું જ આપ્યું હતું. આદમને મગજ અને બુદ્ધિ આપ્યા હતા. તે સમજી-વિચારી શકતો. નિર્ણયો લઈ શકતો. યહોવાહે આદમને પશુ-પંખી ને જાનવર જેવો બનાવ્યો ન હતો. પણ તેને પસંદ કરવાની ક્ષમતા આપી હતી. આદમને બનાવ્યા પછી યહોવાહે સ્વર્ગમાંથી પૃથ્વી પર જોયું: “સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ” હતું.—ઉત્પત્તિ ૧:૨૬-૩૧; ૨ પીતર ૨:૧૨.

૧૬ પછી યહોવાહે આદમને આજ્ઞા કરી કે “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ.” યહોવાહે તેમને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું, જેથી તેઓ ખરો નિર્ણય લઈ શકે. યહોવાહે આદમને “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ” ખાવાની રજા આપી હતી. પણ એક જ ફળ ખાવાની મના કરી હતી. એ ખાશે તો શું થશે એ પણ જણાવ્યું હતું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) ઈશ્વરે આદમને જણાવ્યું હતું કે પોતે જે વાવશે તે જ લણશે. આદમે શું કર્યું?

૧૭. આપણે શા માટે કહી શકીએ કે ભાવિમાં શું થશે એ વિષે યહોવાહ પહેલેથી જ બધું જાણવાનું પસંદ કરતા નથી?

૧૭ યહોવાહ ચાહત તો તે પહેલેથી જોઈ શક્યા હોત કે આદમ અને હવા શું કરશે. પણ તેમણે એમ કર્યું નહિ. એટલે સવાલ એમ નથી કે ભાવિમાં શું થશે એ યહોવાહ જોઈ શકે છે કે નહિ. પણ એમ કરવું કે નહિ તે યહોવાહ પોતે પસંદ કરે છે. એની સાથે આપણે કહી શકીએ કે યહોવાહ પ્રેમના સાગર છે. એટલે યહોવાહે આદમ અને હવાનું નસીબ લખ્યું ન હતું કે તેઓ જાણીજોઈને તેમની આજ્ઞા તોડશે. પછી મનુષ્ય પર બીમારી, ઘડપણ, મરણ અને જુલમ ત્રાટકશે. એમ કરવું તો ક્રૂરતા કહેવાય. (માત્થી ૭:૧૧; ૧ યોહાન ૪:૮) ભાવિમાં શું થશે એ બારામાં યહોવાહ પહેલેથી જ બધી બાબતો વિષે જાણવાનું પસંદ કરતા નથી. તે ફક્ત અમુક જ બાબતો વિષે જાણવાનું પસંદ કરે છે.

૧૮. ભવિષ્ય વિષે યહોવાહ પહેલેથી જ બધું જાણવાનું પસંદ કરતા ન હોવાથી, શું એમ કહી શકીએ કે તેમનામાં કોઈ ખામી છે?

૧૮ ભવિષ્યમાં શું થશે એ વિષે યહોવાહ પહેલેથી જ બધું જાણવાનું પસંદ કરતા ન હોવાથી, શું એમ કહી શકીએ કે તેમનામાં કોઈ ખામી છે? એવું નથી. મુસાએ યહોવાહ વિષે કહ્યું: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે.” મનુષ્ય પર પાપ આવ્યું એ માટે ઈશ્વર જવાબદાર નથી. આદમે જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડીને પાપ કર્યું હતું. એટલે આપણે સર્વ એની અસર અનુભવી રહ્યા છીએ. પ્રેરિત પાઊલે સાદી રીતે જણાવ્યું કે “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—પુનર્નિયમ ૩૨:૪, ૫; રૂમી ૫:૧૨; યિર્મેયાહ ૧૦:૨૩.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાના વિષે ચર્ચા કરીશું?

૧૯ આ લેખમાં આપણને શીખવા મળ્યું કે યહોવાહ અન્યાયી નથી. (ગીતશાસ્ત્ર ૩૩:૫) તે પોતાના દરેક કામમાં મુખ્ય ચારેય ગુણો બતાવે છે. તેમનામાં ખરું-ખોટું પારખવાની શક્તિ છે. પોતે જે ધારે છે એ પૂરું કરવાની તેમની પાસે આવડત છે. (રૂમી ૮:૨૮) યહોવાહ ભવિષ્યવાણી કરી શકતા હોવાથી તે “આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર” છે. (યશાયાહ ૪૬:૯, ૧૦) આપણે એ પણ શીખ્યા કે યહોવાહ પહેલેથી બધી બાબતો વિષે બધું જ જાણવાનું પસંદ કરતા નથી. એનો આપણા માટે શું અર્થ થાય? યહોવાહના હેતુ પ્રમાણે નિર્ણયો લેવા આપણને શું મદદ કરી શકે? અને એમ કરવાથી આપણા પર કયા આશીર્વાદો આવશે? આ પછીના લેખમાં એની ચર્ચા કરીશું. (w06 6/1)

[ફુટનોટ]

^ સર્વ લોકો માટેનું પુસ્તક પાન ૨૮ જુઓ. આ પુસ્તિકા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

શું તમને યાદ છે?

• આપણી પાસે કયા પુરાવા છે કે યહોવાહનું વચન કાયમ સાચું પડે છે?

• યહોવાહે પોતાના “સનાતન હેતુ” વિષે શું નક્કી કર્યું છે?

• યહોવાહ દરેક બાબતમાં ભાવિ જોઈ શકે છે. પણ તે એનો કેવી રીતે ઉપયોગ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

યહોશાફાટને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી

[પાન ૨૩ પર ચિત્ર]

ઈશ્વરે ભાખ્યું હતું કે ઈસુને મરણ પછી સજીવન કરવામાં આવશે

[પાન ૨૪ પર ચિત્ર]

શું યહોવાહે આદમ અને હવાનું નસીબ લખ્યું હતું?