સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારાં ઉદાહરણો - શું તમે એમાંથી લાભ મેળવો છો?

સારાં ઉદાહરણો - શું તમે એમાંથી લાભ મેળવો છો?

સારાં ઉદાહરણો - શું તમે એમાંથી લાભ મેળવો છો?

“ત મે મકદોનિયા તથા આખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.” પ્રેષિત પાઊલે આ શબ્દો થેસ્સાલોનીકામાં રહેતા સાચા ખ્રિસ્તીઓને લખ્યા. સાથી ખ્રિસ્તીઓ માટે તેઓએ બેસાડેલું ઉદાહરણ સાચે જ પ્રશંસાપાત્ર હતું. થેસ્સાલોનીકીઓ પાઊલ અને તેમના સાથીદારોએ બેસાડેલા ઉદાહરણને અનુસરતા હતા. પાઊલે કહ્યું: “તમને જે શુભસંદેશ આપ્યો તે ઠાલા શબ્દો જ ન હતા, પરંતુ તેમાં સામર્થ્ય હતું. તેની તમારા ઉપર ભારે અસર થઈ કારણ કે પવિત્ર આત્માએ તમને ખાતરી કરી આપી કે તે સત્ય છે. વળી તમારી ખાતર અમે કેવું જીવન જીવ્યા એ તમે જાણો છો. માટે તમે અમને અને પ્રભુને અનુસરનારા થયા.”—૧ થેસ્સાલોનીકી ૧:૫-૭, IBSI.

પાઊલે પ્રચાર કરવા કરતાં પણ વધારે કર્યું. તેમણે વિશ્વાસ, ધીરજ અને આત્મ-ત્યાગનાં ઉદાહરણો બેસાડ્યાં. આથી, પાઊલ અને તેમના સાથીદારોની થેસ્સાલોનીકીમાં રહેતા લોકો પર સારી અસર પડી, અને તેઓએ “દુઃખ સહન” કરીને પણ સત્ય સ્વીકાર્યું. તેમ છતાં, ફક્ત પાઊલ અને તેમના સાથીદારોએ જ એ રહેવાસીઓ પર સારી અસર પાડી ન હતી. બીજા ખ્રિસ્તીઓના ઉદાહરણે પણ તેઓને ઉત્તેજન આપ્યું, જેઓએ દુઃખ સહન કર્યું હતું. પાઊલે થેસ્સાલોનીકીઓને લખ્યું: “ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખનારી દેવની જે મંડળીઓ યહુદાહમાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમકે જેમ તેઓએ યહુદીઓ તરફથી દુઃખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુઃખ સહન કર્યાં છે.”—૧ થેસ્સાલોનીકી ૨:૧૪.

ઈસુ ખ્રિસ્ત—સર્વોત્તમ ઉદાહરણ

પાઊલે પોતે સારું ઉદાહરણ બેસાડ્યું હોવા છતાં, તેમણે ખ્રિસ્તીઓને ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરવાની સલાહ આપી. (૧ થેસ્સાલોનીકી ૧:૬) ઈસુ ખ્રિસ્ત આપણા માટે સર્વોત્તમ ઉદાહરણ હતા અને છે. પ્રેષિત પાઊલે કહ્યું: “એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમકે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.”—૧ પીતર ૨:૨૧.

ઈસુએ ૨૦૦૦ વર્ષ અગાઉ પૃથ્વી પર માનવ તરીકે જીવન વીતાવ્યું. હવે તે અમર આત્મિક વ્યક્તિ તરીકે ‘એવા પ્રકાશમાં રહે છે, જેને કોઈ માણસે જોયો નથી, ને જોઈ શકતો પણ નથી.’ (૧ તીમોથી ૬:૧૬) તો પછી, કઈ રીતે આપણે તેમનું અનુકરણ કરી શકીએ? એક રીત છે, ઈસુના જીવન વિષે બાઇબલના ચાર અહેવાલોનો અભ્યાસ કરવો. એ તેમના વ્યક્તિત્વ, જીવનઢબ અને “મન” વિષે સમજણ પૂરી પાડે છે. (ફિલિપી ૨:૫-૮) વધારાની સમજણ કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ * પુસ્તકનો અભ્યાસ કરીને તમે મેળવી શકો. આ પુસ્તક ઈસુ ખ્રિસ્તના જીવન વિષેના બનાવોની સમયક્રમાનુસાર ચર્ચા કરે છે.

ઈસુના આત્મ-ત્યાગી ઉદાહરણે પ્રેષિત પાઊલ પર સારી અસર પાડી. તેથી તેમણે કોરીંથના ખ્રિસ્તીઓને લખ્યું: “તમારા આત્મિક હિતને ખાતર હું પોતાને તેમ જ મારી પાસે જે કાંઈ છે તે સર્વને આપી દેવામાં આનંદ માનું છું.” (૨ કોરીંથી ૧૨:૧૫, IBSI.) આમ, તેમણે ઈસુ ખ્રિસ્ત જેવું વલણ બતાવ્યું. ખ્રિસ્તના ઉત્તમ ઉદાહરણનો વિચાર કરીએ તેમ, આપણે પણ આપણી જીવનઢબમાં તેમનું અનુકરણ કરવા પ્રેરાવા જોઈએ.

દાખલા તરીકે, ઈસુએ શીખવ્યું કે આપણે ભૌતિક બાબતો માટે પરમેશ્વરના વચન પર આધાર રાખવો જોઈએ, પરંતુ તેમણે એના કરતાં પણ વધારે કર્યું. તેમણે રોજિંદા જીવનમાં પણ યહોવાહ દેવમાં વિશ્વાસ અને ભરોસો રાખ્યો. તેમણે કહ્યું: “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનો ઠામ નથી.” (માત્થી ૬:૨૫; ૮:૨૦) શું તમે ભૌતિક બાબતોમાં રચ્યાપચ્યાં રહો છો? શું તમે તમારા જીવનમાં દેવના રાજ્યને પ્રથમ સ્થાને મૂકો છો? શું યહોવાહ દેવની સેવા કરવા વિષે તમારું વલણ ઈસુ ખ્રિસ્ત જેવું છે? બાઇબલ બતાવે છે કે ઈસુએ ઉત્સાહથી ફક્ત પ્રચાર જ કર્યો ન હતો, પરંતુ ઘણા પ્રસંગોએ તેમણે જ્વલંત ઉત્સાહ પણ બતાવ્યો હતો. (યોહાન ૨:૧૪-૧૭) વધુમાં, ઈસુએ પ્રેમનું કેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું! તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું. (યોહાન ૧૫:૧૩) શું તમે ખ્રિસ્તી ભાઈઓને પ્રેમ કરીને ઈસુનું અનુકરણ કરો છો? કે પછી વ્યક્તિના અવગુણોને કારણે તેઓને ધિક્કારો છો?

આપણે સંપૂર્ણ રીતે ઈસુનું અનુકરણ કરી શકતા નથી. પરંતુ, ઈસુ ખ્રિસ્તને અનુસરવાના આપણા પ્રયત્નોથી યહોવાહ દેવને ખરેખર આનંદ થાય છે.—રૂમી ૧૩:૧૪.

“ટોળાને આદર્શરૂપ થાઓ”

શું આજે મંડળમાં એવી વ્યક્તિઓ છે જે આપણા માટે ઉદાહરણરૂપ હોય? હા છે જ. મંડળમાં જવાબદારીવાળા ભાઈઓએ સારું ઉદાહરણ બેસાડવું જ જોઈએ. તીતસ ક્રીતનાં મંડળોમાં નિરીક્ષક તરીકે સેવા આપતા હતા. પાઊલે તેમને કહ્યું કે દરેક વડીલ “નિર્દોષ” હોવા જોઈએ. (તીતસ ૧:૫, ૬) એવી જ રીતે પ્રેષિત પીતર “વડીલો”ને સલાહ આપે છે કે “ટોળાને આદર્શરૂપ થાઓ.” (૧ પીતર ૫:૧-૩) તો પછી સેવકાઈ ચાકર તરીકે સેવા આપનારાઓ વિષે શું? તેઓએ પણ “સેવકનું કામ સારી રીતે” કરવું જોઈએ.—૧ તીમોથી ૩:૧૩.

દરેક વડીલ અને સેવકાઈ ચાકર ખ્રિસ્તી સેવાકાર્યના દરેક પાસાઓમાં કુશળ હોય એવી આશા રાખવી યોગ્ય નથી. પાઊલે રોમના ખ્રિસ્તીઓને લખ્યું: “જુદાં જુદાં કાર્યો યોગ્ય રીતે કરવા માટે ઈશ્વરે આપણ પ્રત્યેકને વિવિધ કૃપાદાનો આપ્યાં છે.” (રૂમી ૧૨:૬, IBSI.) આમ, અલગ અલગ ભાઈઓ અલગ અલગ પાસાઓમાં કુશળ હોય છે. વડીલો દરેક બાબત સંપૂર્ણ રીતે કરશે અને કહેશે એવી આશા રાખવી પણ યોગ્ય નથી. બાઇબલમાં યાકૂબ ૩:૨ કહે છે, “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” અપૂર્ણતા હોવા છતાં વડીલો “વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં” નમૂનારૂપ બની શકે. (૧ તીમોથી ૪:૧૨) વડીલો આમ કરશે તો, ભાઈબહેનો પણ હેબ્રી ૧૩:૭ની સલાહને સહેલાઈથી લાગુ પાડશે. જે કહે છે: ‘તમારા આગેવાનના, . . . ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.’

આધુનિક દિવસનાં ઉદાહરણો

ઘણા દાયકાઓથી અસંખ્ય લોકોએ સારું ઉદાહરણ બેસાડ્યું છે. હજારો આત્મ-ત્યાગી મિશનરિઓ સેવા કરવા “પોતાનાં ઘર, ભાઈબહેનો, પિતા, માતા, પત્ની, સંતાનો, અને સંપત્તિનો ત્યાગ” કરીને પરદેશ ગયા છે તેઓ વિષે શું? (માત્થી ૧૯:૨૯, IBSI) પ્રવાસી નિરીક્ષકો, તેમની પત્નીઓ અને વૉચટાવર સોસાયટીમાં સ્વયંસેવક તરીકે કામ કરતા આપણા ભાઈઓ અને બહેનોનો વિચાર કરો. અને મંડળમાં સેવા આપતા પાયોનિયરોનો પણ વિચાર કરો. શું આવાં ઉદાહરણો બીજાઓને ઉત્તેજન આપી શકે? એશિયામાં એક ખ્રિસ્તી સુવાર્તિક ગિલયડ શાળાના આઠમાં વર્ગના એક મિશનરિને યાદ કરે છે. તેમણે કહ્યું કે આ વિશ્વાસુ ભાઈ સેવા કરવા માટે “ઘણા મચ્છરો અને અતિશય ભેજવાળા વિસ્તારમાં પણ રહેવા તૈયાર હતા. . . . અસરકારક બાબત તો એ હતી કે તે ઇંગ્લૅંડના હોવા છતાં ચીની અને મલાય ભાષામાં પ્રચાર કરતા હતા.” કેવું સરસ ઉદાહરણ! ભાઈએ કહ્યું: “તેમના શાંત સ્વભાવ અને ભરોસાએ મને પણ હું મોટો થાઉં ત્યારે મિશનરિ બનવા પ્રેરણા આપી.” પછીથી, આ ભાઈ મિશનરિ બન્યા એમાં કંઈ આશ્ચર્યની વાત નથી.

વૉચટાવર અને સજાગ બનો! સામયિકમાં આવતા સંખ્યાબંધ જીવન વૃતાંતોનો સમાવેશ વૉચટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્ષમાં થાય છે. આ વૃતાંતો એવી વ્યક્તિઓના છે જેઓ દુન્યવી કારકિર્દી અને ધ્યેયોનો ત્યાગ કરીને પોતાની નબળાઈઓમાંથી બહાર આવ્યા છે. તેઓએ મોટાપાયે જીવનમાં ફેરફારો કર્યા છે અને મુશ્કેલીઓ હોવા છતાં, હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. તેઓએ મહેનત, ધીરજ, વફાદારી, નમ્રતા તથા આત્મ-ત્યાગ પણ બતાવ્યા છે. એક વાચકે આ વિષે ટીકા આપતા લખ્યું: “તેઓએ જે સતાવણી સહન કરી, એ વિષે વાંચતા હું વધારે નમ્ર થતી ગઈ અને એ અનુભવોએ મને સ્વાર્થી બનતા રોકી.”

વધુમાં તમારા મંડળના સારાં ઉદાહરણોને ભૂલશો નહિ: કુટુંબના વડાઓ, જેઓ પોતાના કુટુંબની આત્મિક અને ભૌતિક જરૂરિયાતોની કાળજી રાખે છે; બહેનો સેવાકાર્યમાં સહભાગી થઈને પણ બાળકોની સંભાળ રાખે છે, એમાં એકલવાયી માતાનો પણ સમાવેશ થાય છે. વૃદ્ધો અને શારીરિક રીતે અશકત વ્યક્તિઓ પણ કમજોરી અને સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં વિશ્વાસુ બનીને સેવા કરી રહ્યા છે. શું આવાં ઉદાહરણોથી તમને ઉત્તેજન નથી મળતું?

સાચે જ, આજે દુનિયા દુષ્ટ માણસોથી ભરેલી છે. (૨ તીમોથી ૩:૧૩) પરંતુ યહુદાહમાં રહેતા ખ્રિસ્તીઓને પાઊલે આપેલી સલાહનો વિચાર કરો. પ્રાચીન સમયના વિશ્વાસુ ભાઈબહેનોના સારાં ઉદાહરણોને યાદ કરીને પ્રેષિત પાઊલે તેઓને સલાહ આપી: “આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાંદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક . . . આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૧, ૨) આજે પણ ખ્રિસ્તીઓ આધુનિક અને પ્રાચીન સમયના સારાં ઉદાહરણોની “વાંદળારૂપ ભીડ”થી ઘેરાયેલા છે. શું તમે ખરેખર એમાંથી લાભ મેળવો છો? તમે “ભૂંડાનું નહિ, પણ સારાનું અનુકરણ” કરવાનો નિર્ણય લીધો હશે તો, તમે પણ લાભ લઈ શકશો.—૩ યોહાન ૧૧.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

[પાન ૨૦ પર બ્લર્બ]

દરેક વડીલ અને સેવકાઈ ચાકર ખ્રિસ્તી સેવાકાર્યના દરેક પાસાઓમાં કુશળ હોય એવી આશા રાખવી યોગ્ય નથી

[પાન ૨૧ પર ચિત્રો]

વડીલો “ટોળાને આદર્શરૂપ થાઓ”