સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મનની શાંતિ - તમે ક્યાંથી મેળવી શકો?

મનની શાંતિ - તમે ક્યાંથી મેળવી શકો?

મનની શાંતિ - તમે ક્યાંથી મેળવી શકો?

આજે આપણા અને લેખક થોરાના સમય વચ્ચે આભ-જમીનનો તફાવત છે. કારણ કે આજે આપણને મનની શાંતિ ક્યાંથી મેળવવી એ વિષે પુષ્કળ સલાહ મળે છે, જે પહેલા મળતી ન હતી. મનોવૈજ્ઞાનિકો અને ‘જાતે શીખો’ પુસ્તકોના લેખકો તેમ જ વર્તમાનપત્રના તંત્રી પણ પોતાના વિચારો જણાવતા હોય છે. તેઓની સલાહ ફક્ત થોડા સમય માટે મદદ કરી શકે; પરંતુ કાયમી હલ માટે એથી પણ કંઈક વધારે જરૂરી છે. અગાઉના લેખમાં જણાવવામાં આવેલી વ્યક્તિઓએ મનની શાંતિ મેળવવાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે.

એ ન્ટોનિયો, મારકોસ, જેરસન, વાનિયા અને મારશેલો અલગ અલગ પાર્શ્વભૂમિકામાંથી આવે છે. તેથી, તેઓની સમસ્યાઓ પણ જુદી જુદી હતી. પરંતુ, તેઓના કિસ્સામાં ત્રણ બાબત સામાન્ય હતી. પ્રથમ, તેઓ એક સમયે “જગતમાં આશારહિત તથા દેવ વગરના, એવા હતા.” (એફેસી ૨:૧૨) બીજું, તેઓ મનની શાંતિ શોધતા હતા. અને ત્રીજું એ કે તેઓએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરીને મનની શાંતિ મેળવી. પછી તેઓ જોઈ શક્યા કે પરમેશ્વર તેઓમાં રસ ધરાવે છે. ખરેખર, જેમ પ્રેષિત પાઊલે એથેન્સના રહેવાસીઓને મનની શાંતિ વિષે કહ્યું હતું તેમ, પરમેશ્વર ‘આપણામાંના કોઈથી વેગળા નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭) પરંતુ મનની શાંતિ મેળવવા માટે પરમેશ્વરમાં પૂરો ભરોસો હોવો જરૂરી છે.

શા માટે શાંતિ નથી?

એના બાઇબલ બે મહત્ત્વનાં કારણો આપે છે. યિર્મેયાહ ૧૦:૨૩ પહેલું કારણ બતાવે છે: “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” પરમેશ્વરની મદદ વિના માણસો પોતાની બુદ્ધિથી રાજ કરી શકે એમ નથી. તેઓ પરમેશ્વરના માર્ગદર્શનને નહિ શોધે તો કદી શાંતિ મેળવશે નહિ. બીજું કારણ પ્રેષિત યોહાનના શબ્દોમાં જોવા મળે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) તેથી પરમેશ્વરના માર્ગદર્શન વગર શાંતિ લાવવાનું ઇચ્છનારાઓ કદી સફળ થશે નહિ, કેમ કે આ જગત “દુષ્ટ” વ્યક્તિ શેતાનની સત્તામાં છે. તે અદૃશ્ય અને ઘણો શક્તિશાળી છે.

આમ, આજે દુનિયાની હાલત બહુ જ ખરાબ છે. આપણે એના મુખ્ય બે કારણો જોયાં કે મોટા ભાગના લોકો પરમેશ્વરનું માર્ગદર્શન શોધતા નથી અને શેતાન આખા જગતને ભમાવી રહ્યો છે. પ્રેષિત પાઊલે એનું આ રીતે વર્ણન કર્યું: “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રૂમી ૮:૨૨) આ કથન સાથે કોણ સહમત નહિ થાય? ધનવાન હોય કે ગરીબ, બધા જ દેશોમાં કૌટુંબિક સમસ્યાઓ, ગુના, અપ્રમાણિકતા, એકબીજા સાથે મતભેદ, આર્થિક અસલામતી, જ્ઞાતિય અને જાતિય ભેદભાવ, જુલમ, માંદગી અને એના જેવી બીજી ઘણી બાબતો લોકોના મનની શાંતિ છીનવી લે છે.

મનની શાંતિ ક્યાંથી મળી શકે?

એન્ટોનિયો, મારકોસ, જેરસન, વાનિયા અને મારશેલો બાઇબલનો અભ્યાસ કરવાથી જે શીખ્યા, એનાથી તેઓના જીવનમાં ઘણા સારા ફેરફારો થયા. તેઓ શીખ્યા કે એક દિવસે જગતની સ્થિતિ બદલાઈ જશે અને સર્વત્ર સુખ-શાંતિ હશે. આમ, તેઓએ વિચાર્યું પણ ન હતું એટલું સુખ અને મનની શાંતિ મેળવી. એ કંઈ સ્વપ્ન નથી પણ ભરોસાપાત્ર છે કે બધુ ઠીક થઈ જશે. કેમ કે માણસજાત માટે એ પરમેશ્વરનો હેતુ છે, અને આપણે તેમની ઇચ્છા પ્રમાણે જીવીએ તો હમણાં પણ એમાંથી લાભ લઈ શકીએ છીએ.

એન્ટોનિયો હવે હડતાલોમાં અને સરઘસોમાં ભાગ લેતો નથી. હવે તે જાણે છે કે એમાં ભાગ લઈને લોકોનું સારું કરવા માટે ફક્ત થોડો જ સમય છે. આ અગાઉનો યુનિયન નેતા પરમેશ્વરના રાજ્ય વિષે શીખ્યો છે. એવા પરમેશ્વરનું રાજ્ય, જેમને લાખો લોકો પ્રભુની પ્રાર્થનામાં કહે છે: “તારૂં રાજ્ય આવો.” (માત્થી ૬:૧૦ક) એન્ટોનિયો શીખ્યો કે પરમેશ્વરનું રાજ્ય એ જ સાચી સ્વર્ગીય સરકાર છે, જે માણસજાત માટે સાચી શાંતિ લાવશે.

મારકોસે બાઇબલ અભ્યાસ કરીને સુખી કુટુંબ વિષે બાઇબલની સલાહ પોતાના જીવનમાં લાગુ પાડી. આ અગાઉનો નેતા પોતાની પત્નીથી છૂટો થઈ ગયો હતો. બાઇબલ શીખ્યા પછી, હવે તે ફરીથી પોતાની પત્ની સાથે આનંદથી રહે છે. તે હવે રાહ જુએ છે કે જલદી જ આ લોભી અને સ્વાર્થી જગતના સ્થાને પરમેશ્વરનું રાજ્ય આવશે. તે હવે પ્રભુની આ પ્રાર્થનાની ઊંડી સમજણ ધરાવે છે: “આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦ખ) પરમેશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થશે ત્યારે, મનુષ્ય કદી પણ અનુભવ્યા ન હોય એવા જીવનનો અનુભવ કરશે.

જેરસન વિષે શું? તે હવે ટ્રકમાં રખડતો નથી અને ચોરી પણ કરતો નથી. તે પોતે ફુટપાથ પર મોટો થયો હતો. પરંતુ, હવે તે બીજાઓને મનની શાંતિ શોધવા મદદ કરી રહ્યો છે. આ અનુભવો બતાવે છે તેમ, બાઇબલનો અભ્યાસ કરવાથી અને એ લાગુ પાડવાથી વ્યક્તિઓ જીવનમાં ઘણા સારા ફેરફારો લાવી શકે છે.

દુઃખી જગતમાં મનની શાંતિ

ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી લોકો યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરે છે ત્યારે, તેમના વિષે ઘણું શીખે છે. તેમનો જન્મ થયો એ રાત્રે, સ્વર્ગદૂતોએ દેવની સ્તુતિ કરતા ગીત ગાયું: “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.” (લુક ૨:૧૪) ઈસુ મોટા થયા તેમ તે પણ લોકોના જીવનમાં સુધારો લાવવાનું ઇચ્છતા હતા. તે લોકોની લાગણી સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ માંદા અને દુઃખી લોકો પ્રત્યે તેમણે દયા પણ બતાવી. વળી, સ્વર્ગદૂતોએ કહ્યું તેમ, તેમણે નમ્ર લોકોને મનની શાંતિ આપી. પોતાના પ્રચારકાર્યના અંતે, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.”—યોહાન ૧૪:૨૭.

ઈસુ ફક્ત સમાજ સેવક ન હતા. તેમણે પોતાની સરખામણી ઘેટાંપાળક સાથે કરી. તેમણે પોતાના નમ્ર અનુયાયીઓની તુલના ઘેટાં સાથે કરતા કહ્યું: “તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારૂ પોતાનો જીવ આપે છે.” (યોહાન ૧૦:૧૦, ૧૧) આજના આગેવાનો પ્રથમ પોતાનું જ પેટ ભરે છે, જ્યારે કે ઈસુએ પોતાનું જીવન પોતાના ઘેટાં માટે આપી દીધું.

ઈસુએ જે કર્યું એમાંથી આપણને શું લાભ થશે? ઘણા લોકો તેમના આ શબ્દોથી પરિચિત છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) આમ, ઈસુમાં વિશ્વાસ કરવાનો અર્થ ઈસુ ખ્રિસ્ત અને તેમના પિતા યહોવાહ વિષે શીખવું થાય છે. પરમેશ્વર યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત વિષે શીખીને આપણે તેઓની સાથે મૈત્રી બાંધી શકીએ, જે આપણને મનની શાંતિ મેળવવા મદદ કરે છે.

ઈસુએ કહ્યું: “મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.” (યોહાન ૧૦:૨૭, ૨૮) કેવા દિલાસો આપનારા શબ્દો! એ સાચું છે કે ઈસુએ આ શબ્દો બે હજાર વર્ષ પહેલાં કહ્યા હતા, પરંતુ આજે પણ એ એટલા જ મહત્ત્વના છે. આપણે એ કદી ન ભૂલવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવંત છે. તે સ્વર્ગમાં દેવના રાજ્યના રાજા તરીકે રાજ કરી રહ્યા છે. તે પૃથ્વી પર હતા ત્યારે નમ્ર લોકોની ચિંતા કરતા હતા, એમ આજે પણ કરે છે. વળી, તે હજુ પણ પોતાના ઘેટાંના રખેવાળ છે. આપણે તેમને અનુસરીએ તો, તે આપણને મનની શાંતિ મેળવવા મદદ કરશે. તેમ જ તે હિંસા, યુદ્ધ અને ગુનાખોરીને કાઢી નાખશે અને સુખ-શાંતિવાળું જગત લાવશે એની રાહ જોવા આપણને મદદ કરશે.

યહોવાહ પરમેશ્વર ઈસુ દ્વારા મદદ કરશે એ જાણવાથી આપણને ખરેખર લાભ થશે. વાનિયાનો વિચાર કરો, જેના માથે ભારે જવાબદારી આવી પડી હતી. શું પરમેશ્વર તેને ભૂલી ગયા હતા? હવે વાનિયા જાણે છે કે પરમેશ્વર તેને વીસરી ગયા ન હતા. તે કહે છે: “હું જોઈ શકી કે દેવ ખરેખર છે અને તે પ્રેમાળ છે. એટલે જ તો તેમણે માણસજાત માટે પોતાના દીકરાને પૃથ્વી પર મોકલ્યો, જેથી આપણને જીવન મળે. એ જાણવું ખરેખર ઘણું જ મહત્ત્વનું છે.”

મારશેલો પણ તેની સાથે સહમત થાય છે જે પરમેશ્વર સાથે મૈત્રી બાંધી શક્યો છે. તે જણાવે છે: “મોટા ભાગે યુવાનોને ખબર હોતી નથી કે શું કરવું, અને તેથી તેઓ પોતાને જ નુકશાન પહોંચાડે છે. હું ડ્રગ્સમાં ફસાયો હતો તેમ તેઓ પણ ફસાય છે. હું આશા રાખું છું કે, બીજા ઘણા લોકો પરમેશ્વર અને તેમના પુત્ર વિષે સત્ય શીખે અને મારી જેમ આશીર્વાદ પામે.”

બાઇબલનો અભ્યાસ કરવાથી હવે વાનિયા અને મારશેલો પરમેશ્વરમાં દૃઢ વિશ્વાસ કરે છે કે તે તેઓની મુશ્કેલીઓ હલ કરવામાં મદદ કરશે. તેઓની જેમ આપણે પણ બાઇબલનું શિક્ષણ લઈને તેમની સલાહ લાગુ પાડીશું તો, આપણને મનની પુષ્કળ શાંતિ મળશે. પ્રેષિત પાઊલના ઉત્તેજન આપતા શબ્દો આજે પણ આપણને લાગુ પડે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.

આજે સાચી શાંતિ શોધવી

આજે સત્ય માટે ભૂખ્યા છે તેઓને ઈસુ ખ્રિસ્ત ન્યાયી નવી દુનિયા તરફ દોરી રહ્યા છે, જેથી તેઓ હંમેશ માટે જીવે. તે તેઓને પરમેશ્વરની શુદ્ધ ભક્તિ તરફ દોરે છે તેમ, તેઓ બાઇબલમાં વર્ણવેલી શાંતિનો અનુભવ કરે છે: “મારા લોક શાંતિના સ્થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.” (યશાયાહ ૩૨:૧૮) વળી, ભાવિમાં જે ખરી શાંતિ આવવાની છે એનો થોડા પ્રમાણમાં તેઓ હમણાં આનંદ માણી રહ્યા છે. બાઇબલ કહે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

શું આજે આપણને મનની શાંતિ મળી શકે? હા જરૂર! એ ઉપરાંત આપણે ખાતરી રાખી શકીએ કે, જલદી જ પરમેશ્વર તેમના ભક્તોને પુષ્કળ શાંતિનો અનુભવ કરાવશે. તેથી, કેમ નહિ કે તમે શાંતિ માટે પરમેશ્વર યહોવાહને પ્રાર્થના કરો? મુશ્કેલીઓના લીધે તમને મનની શાંતિ ન હોય તો, રાજા દાઊદની જેમ પ્રાર્થના કરો: “મારા મનનું દુઃખ વધી ગયું છે; તું મને મારાં સંકટમાંથી કાઢ. મારાં દુઃખ તથા વેદના ભણી જોઈને મારાં સર્વ પાપની ક્ષમા કર.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૭, ૧૮) યાદ રાખો કે, પરમેશ્વર યહોવાહ આવી પ્રાર્થનાઓ સાંભળે છે. ખરેખર સાચા દિલથી જેઓ શાંતિ શોધે છે તેઓને તે ઉદારતાથી આપે છે. આપણને વચન આપવામાં આવ્યું છે: “જેઓ તેને [યહોવાહને] વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.

[પાન ૫ પર બ્લર્બ]

પરમેશ્વરની મદદ વિના માણસો પોતાની બુદ્ધિથી રાજ કરી શકે એમ નથી

[પાન ૬ પર બ્લર્બ]

પરમેશ્વર યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત વિષે શીખીને, તેઓ સાથે ગાઢ મૈત્રી બાંધવાથી, આપણે મનની શાંતિ મેળવી શકીશું

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલની સલાહ લાગુ પાડવાથી કૌટુંબિક જીવનમાં શાંતિ વધશે