સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે!

તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે!

તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે!

ઘણા લોકો માને છે કે દુઃખ-દર્દમાંથી છુટકારો તો ઉપર જઈશું ત્યારે જ મળશે. ભલેને દુનિયા આખી એમ માનતી હોય, પણ બાઇબલ હકીકત જણાવે છે. એ પૃથ્વી પર જ સુખી, અમર જીવનની આશા આપે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૧૧૫:૧૬) એ કાયમી જીવનમાં ન તો બીમારી હશે, ન કોઈ દુઃખ-તકલીફ હશે.

સવાલ એ થાય છે કે આપણે કેમ બીમાર થઈએ છીએ ને મરીએ છીએ? શું એવો જમાનો સાચે જ આવશે, જ્યારે બીમારી નહિ હોય? બાઇબલ એના જવાબ આપે છે.

બીમારીની શરૂઆત ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા. તેઓની રચના એવી રીતે થઈ હતી કે ન તેઓ બીમાર થાય કે ન મરણ પામે. (ઉત્પત્તિ ૧:૩૧; પુનર્નિયમ ૩૨:૪) તેઓનું જીવન, અમર જીવન હતું. પણ તેઓએ જાણીજોઈને ઈશ્વરનું કહેવું માન્યું નહિ. તેમની આજ્ઞા તોડી. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) જાણે એક ઝાડમાંથી ડાળી કાપી નાખીએ તેમ, તેઓએ જીવન આપનાર ઈશ્વર સાથેનો નાતો કાપી નાખ્યો. ઝાડની કપાયેલી ડાળીની જેમ તેઓ જાણે સૂકાઈને મરવા લાગ્યા. ઈશ્વરે ચેતવણી આપી હતી એમ જ, બીમારી ને મોત તેઓના દરવાજા ખખડાવવા લાગ્યા.—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૫:૫.

આદમ અને હવાએ એ વારસો બધા મનુષ્યોને આપ્યો. એટલે આપણે પણ બીમાર થઈએ અને મરીએ છીએ. (રૂમી ૫:૧૨) આગળના લેખમાં જોઈ ગયા તેમ, આજે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે બીમારી અને મોત લાવતી ખામીઓ આપણને વારસામાં મળી છે. ઘણી શોધ-ખોળ પછી, હમણાં હમણાં સાયન્ટિસ્ટોના એક ગ્રૂપે આમ કહ્યું: ‘માનો યા ના માનો પણ હકીકત એ છે કે વ્યક્તિનો જન્મ થાય ત્યારથી શરીર પોતે જ પોતાના નાશના બી વાવવા માંડે છે.’

ઇન્સાન પાસે જવાબ નથી બીમારી સામે લડવા સાયન્સ ઘણી મહેનત કરે છે. પણ બીમારીના મૂળ ઉખેડવા સાયન્સના હાથની વાત નથી. ઈશ્વરભક્તોને એમાં કંઈ નવાઈ લાગતી નથી, કેમ કે બાઇબલ એમ જ કહે છે: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

બાઇબલ એ પણ જણાવે છે કે ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’ (લુક ૧૮:૨૭) ઈશ્વર યહોવાહ બીમારીને જડમૂળથી ઉખેડી નાખશે. બધા રોગો મટાડી દેશે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૩) શાસ્ત્ર આ વચન આપે છે: ‘જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, તે તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને તે પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

એ આશીર્વાદો માટે શું કરવું? એવો સોનેરી યુગ આવનાર છે, જેમાં કોઈ એટલે કોઈ જ બીમારી નહિ હોય. ઈસુએ એ આશીર્વાદો માટેનો ઇલાજ બતાવ્યો: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

સાચા ઈશ્વરને ઓળખવા માટેનું જ્ઞાન અને ઈસુનું શિક્ષણ આપણને બાઇબલમાં મળે છે. અરે એમાંની સલાહથી આપણે હમણાં પણ સુખી બની શકીએ છીએ. ઈશ્વર પોતાના ભક્તોને એવી દુનિયાનું વચન આપે છે, જેમાં ના કોઈ દુઃખ હશે, ના કોઈ દર્દ. એવી દુનિયામાં ઈશ્વર હરેક ઇન્સાનને જીવન આપવા માંગે છે, જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪. (g 1/07)

[Box/Pictures on page 11]

તબિયત સાચવવી

ઈશ્વરે જીવનની ભેટ આપી છે. યહોવાહના લોકો પોતાની તબિયતની બને એટલી સંભાળ રાખીને જીવન સાચવે છે. તેઓ ડ્રગ્સ લેતા નથી, સિગારેટ પીતા નથી, જે શરીર બગાડે છે. ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના ભક્તો ખાવા-પીવામાં કંટ્રોલ રાખે. (નીતિવચનો ૨૩:૨૦; તીતસ ૨:૨, ૩) એની સાથે સાથે પૂરતો આરામ કરીએ. કસરત કરીએ. આ રીતે કદાચ બીમારીમાંથી બચી શકીએ. જેઓ બીમાર છે તેઓને કદાચ સારા ડૉક્ટરની સારવાર કરાવવી પડે.

બાઇબલ આપણને સમજુ બનવાની સલાહ આપે છે. આજે ઘણા લોકો રોગનો ઇલાજ શોધવામાં બધું ખર્ચી નાખે છે. અરે, તેઓ ઈશ્વરને પણ ભૂલી જાય છે. અમુક તો મન ફાવે એવી સારવાર લેવા માંડે છે, જે તેઓને જ નુકસાન કરી શકે છે. બીજા વળી જાતજાતની સારવાર પાછળ ટાઇમ અને પૈસા બગાડે છે. એનાથી તેઓને કંઈ ફાયદો તો નહિ, પણ નુકસાન થાય છે.

હકીકત એ છે કે અત્યારે ફર્સ્ટ-ક્લાસ તબિયત શક્ય જ નથી. ફક્ત ઈશ્વર જ એવી દુનિયા લાવશે, જેમાં બીમારીનું જ મોત થશે. ત્યાં સુધી બાઇબલનું અમૃત પાણી પીતા રહીએ. એ જ્ઞાનથી સમજી-વિચારીને નિર્ણયો લઈને, બને એટલી તબિયત ફાઇન રાખી શકીશું.