સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઊંઘતા રાક્ષસની ગોદમાં જીવન

ઊંઘતા રાક્ષસની ગોદમાં જીવન

ઊંઘતા રાક્ષસની ગોદમાં જીવન

કોઈ ઇન્સાન જ્વાળામુખી વિષે બધું જાણતો નથી. જ્વાળામુખી સદીઓ સુધી એકદમ શાંતિથી પડ્યા હોય છે. પછી અચાનક જાગે છે. ફાટે છે. એ મુગ્ધ કરી દે છે. જોઈને અનેરો આનંદ થાય છે. પણ જ્વાળામુખી ફાટ્યા પછી પલ દો પલમાં એ સુંદર જંગલ કે પહાડી જગ્યાનો સાવ નાશ કરી નાખે છે. લોકોનું જીવન ખાકમાં મળી જાય છે.

બધાને ખબર છે કે જ્વાળામુખી ફાટે ત્યારે કેવું નુકસાન કરે છે. છેલ્લાં ત્રણસો વર્ષમાં એ હજારો ને હજારો લોકોને ગળી ગયો છે. જોકે આજે મોટા ભાગના લોકો એવા ઊંઘતા રાક્ષસથી ઘણા જ દૂર રહે છે. તોપણ લાખો ને લાખો લોકો એવા રાક્ષસની ગોદમાં રહે છે. અમુક દાખલા લઈએ: ઇક્વેડોરના પાટનગર કિટોથી થોડે દૂર ઉત્તર-પશ્ચિમમાં પિનચીચા જ્વાળામુખી પર્વત છે. મૅક્સિકો સીટીથી સાઠેક કિલોમીટર દૂર પોપોકાટેપેટલ પર્વત છે. વર્ષો પહેલાં એઝટેક જાતિના લોકો ત્યાં રહેતા. તેઓ પોતાની ભાષામાં એ પર્વતને “ધુમાડો કાઢતો પર્વત” કહેતા. ન્યૂઝીલૅન્ડનું સૌથી મોટું શહેર ઑકલૅન્ડ ને ઇટાલીનું નેપલ્સ જ્વાળામુખી પર્વતની પાસે જ વસેલા છે. આજે લાખો લોકો એવી જગ્યાએ રહે છે. તેઓ જાણે છે કે પોતાના પગ નીચેની જમીન આજકાલમાં જોર-શોરથી ગાજી શકે. ગડગડાટની સાથે ચીસો સંભળાઈ શકે. અચાનક એ રાક્ષસ જાગીને ધમાલ કરી શકે.

રાક્ષસી જ્વાળામુખી

વિસુવિયસ પર્વત ઇટાલીના નેપલ્સ શહેરથી અગિયાર કિલોમીટર દૂર છે. ત્રણેક હજાર વર્ષથી નેપલ્સ શહેરના લોકો વિસુવિયસ પર્વતની ગોદમાં રહેતા આવ્યા છે. વિસુવિયસની બાજુમાં મન્ટી સૉમા પર્વત પણ છે. વિસુવિયસ તો દુનિયામાં સૌથી ખતરનાક જ્વાળામુખી છે. એનું તળિયું સમુદ્ર સપાટીથી પણ નીચું છે. એટલે એ સાવ નાનો દેખાય છે. હકીકતમાં એ બહુ જ મોટો છે.

સદીઓથી વિસુવિયસ વારંવાર ફાટે છે. ઈસવીસન ૭૯માં એ ફાટ્યો હતો ત્યારે હિસાબ વગરનું નુકસાન કર્યું હતું. લાવાથી હરક્યુલેનિયમ ને પોમ્પે શહેર નાશ પામ્યાં. આમ એ પ્રખ્યાત બની ગયો. ત્યાર પછી એ પચાસથી વધારે વખત ફાટ્યો છે. ૧૬૩૧માં એ ફાટ્યો ત્યારે ચારેક હજાર લોકો મોતને ભેટ્યા. એ બનાવ પછી લોકો પહેલી વાર “લાવા” શબ્દ વાપરવા લાગ્યા. એને લૅટિનમાં લાબિ કહે છે, જેનો અર્થ થાય “સરકવું.”

સદીઓથી વિસુવિયસ પર્વત અંદરથી ઊકળી રહ્યો છે. ૧૯૪૪માં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એ ફરીથી ફાટ્યો. ઇટાલીની મદદે આવેલા લશ્કરો પર એની રાખનો વરસાદ વરસ્યો. વિસુવિયસની બાજુમાં માસા અને સાન સિભાસ્ટિનૉ ગામ હતાં. તેઓ જ્વાળામુખીની ધૂળ ને રાખથી દફન થઈ ગયાં. વિસુવિયસના તળિયાથી ટોચ સુધી તારની મદદથી દોડતી ટ્રેન (કેબલ કાર) પણ એની ધૂળથી નાશ પામી. આ ટ્રેન એક ઇટાલિયન લોકગીતને લીધે ખૂબ પ્રખ્યાત બની હતી.

લોકો જાણે છે કે નેપલ્સમાં રહેવું ખતરો છે. તોય લોકો ત્યાં રહે છે. ટૂરિસ્ટો પણ ત્યાંનું જૂનું બાંધકામ જોવા આવે છે. એમાંય તેઓ વિસુવિયસ પર્વત જોવા ખાસ નેપલ્સ આવે છે. ત્યાંની દુકાનો ને હોટલો ગ્રાહકોથી ઊભરાતી હોય છે. નેપલ્સના અખાતમાં સફેદ સઢવાળી અનેક બોટ કે નાવડી આમ-તેમ ફરતી હોય છે. લોકો વિસુવિયસના જ્વાળામુખીથી જરાય ગભરાતા નથી. તેઓને મન તો એ રાક્ષસ જિગરી દોસ્ત છે, જે શાંતિથી ઊંઘે છે.

જ્વાળામુખીઓનું શહેર ઑકલૅન્ડ

ઑકલૅન્ડ ન્યૂઝીલૅન્ડનું શહેર છે. એમાં નાના-નાના અડતાળીસ જ્વાળામુખી શંકુ આકારના છે. દસ લાખથી પણ વધારે લોકો ત્યાં વસે છે. વર્ષો પહેલાં ત્યાં જ્વાળામુખી ફાટ્યો ત્યારે અનેક ઊંડી ખીણો રચાઈ ને અનેક ટાપુઓ ઉભરાઈ આવ્યા. વચ્ચેથી જમીન બેસી ગઈ અને એ દરિયાના પાણીથી ભરાઈ ગઈ છે. એ કારણથી બંને ભાગમાં બંદર બની ગયા. છસો વર્ષ પહેલાં ત્યાં જ્વાળામુખી ફાટ્યો ત્યારે પાણીમાંથી રાંગીટોટો ટાપુ પ્રગટ થયો. એનો આકાર, કદ ને ઊંચાઈ વિસુવિયસ પર્વત જેવા છે. એ ટાપુ પ્રગટ થયો ત્યાં એની નજીકનું માઑરિ ગામ લાવાથી ઢંકાઈ ગયું હતું.

ઑકલૅન્ડના રહેવાસીઓ જ્વાળામુખીથી ટેવાઈ ગયા છે. આજે મઉનગાકીકી જ્વાળામુખી શહેરની વચોવચ આવેલો છે. એ મૃત હોવાથી એના પર ઘેટાં ઉછેરવા વાડી ને પાર્ક બનાવ્યા છે. બીજા અમુક મૃત જ્વાળામુખી પર તળાવો, પાર્ક અને રમતનાં મેદાનો બનાવવામાં આવ્યાં છે. એક પર કબ્રસ્તાન પણ છે. ઘણા રહેવાસીઓ જ્વાળામુખી પર્વતના ઢોળાવ ભાગમાં રહેવાનું પસંદ કરે છે. ત્યાંથી અનોખું દૃશ્ય જોવા મળે છે.

માઑરિ નામથી ઓળખાતા લોકો ન્યૂઝીલૅન્ડના મૂળ વતની હતા. આજથી એકસો એંસી વર્ષ પહેલાં યુરોપિયન લોકો ત્યાં વસતા હતા. તેઓ ત્યાં રહેવા ગયા ત્યારે ન્યૂઝીલૅન્ડના જ્વાળામુખી વિષે કંઈ જાણતા ન હતા. તેઓને એમ જ હતું કે દરિયા પાસેની જમીન બહુ જ સારી છે ને આમ જ પડી રહી છે. એવું જોવા મળ્યું છે કે જ્વાળામુખી પાસેની બધી જ જમીન સારી હોય છે. ઇંડોનેશિયાનો દાખલો લઈએ. એ દેશમાં જ્યાં પણ જ્વાળામુખી જાગૃત છે, એની આજુબાજુની જમીન બહુ જ સારી છે. એ જમીનમાંથી સૌથી સારી ડાંગરની પેદાશ થાય છે. પશ્ચિમ અમેરિકામાં મોટા ભાગે એની આસપાસની જમીન જ્વાળામુખીની રાખથી બનેલી છે. ખેતી-વાડી માટે એ સૌથી સારી જમીન છે. જ્વાળામુખીની રાખથી જમીન ઢંકાઈ ગઈ હોય તોપણ વર્ષની અંદર તો ત્યાં ઝાડ-પાન ઊગવા લાગે છે.

ચેતવણી આપવાની ગોઠવણો

તમને કદાચ સવાલ થશે કે ‘જ્વાળામુખી પાસે રહેવું એ ખતરો નથી શું?’ છે જ ને! એમાં કોઈ શંકા નથી. એટલે વૈજ્ઞાનિકો ધરતીકંપ ને જ્વાળામુખી ફાટતા વિસ્તારો પર ચાંપતી નજર રાખે છે. ધરતી પર નજર રાખવા અમેરિકામાં જિઓલૉજિકલ સંસ્થા છે. તેઓ દુનિયાના જ્વાળામુખી પર બરાબર નજર રાખે છે. એમાં ઑકલૅન્ડ ને નેપલ્સ જ્વાળામુખી આવી જાય છે. ત્યાં એવી ગોઠવણ કરવામાં આવી છે કે એ ફાટે તે પહેલાં લોકોને ચેતવવામાં આવે. ભૂકંપમાં થતા ફેરફારો માપવાથી અને સૅટેલાઇટથી વૈજ્ઞાનિકો જાણી શકે છે કે જમીનના પેટાળમાં શું થઈ રહ્યું છે. આમ તેઓ દુનિયામાં ચોવીસે કલાક કડક નજર રાખી શકે છે.

ઇટાલિયન અધિકારીઓ વિસુવિયસ પર્વત પર બારે માસ ને ચોવીસે કલાક નજર રાખે છે. તેઓએ એવી ગોઠવણ કરી છે કે ૧૬૩૧માં વિસુવિયસ જ્વાળામુખી જે રીતે ફાટ્યો એમ ફરી ફાટે તોપણ વાંધો ન આવે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેઓ જ્વાળામુખીની ગોદમાં રહે છે એવા લોકોને એ ફાટે એના ઘણા સમય પહેલાં ચેતવી શકાય.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઑકલૅન્ડ એવી જગ્યાએ આવેલું છે જ્યાં નવી નવી જગ્યાએ નવો જ્વાળામુખી જનમવાની શક્યતા રહેલી છે. તેઓનું કહેવું છે કે આવા જ્વાળામુખી એવી જગ્યાએ જન્મે છે જ્યાં અમુક દિવસો કે અઠવાડિયાં સુધી ધરતીકંપો થયા કરે છે. એવું થાય ત્યારે ત્યાંથી નીકળીને સલામત જગ્યાએ જવા માટે લોકો પાસે પૂરતો સમય રહેશે.

ખતરો તો છે જ

જ્વાળામુખી પર ચાંપતી નજર તો રાખવી જ જોઈએ. પણ જો કોઈ તેઓની ચેતવણીને ધ્યાન ન આપે તો શું ફાયદો? ૧૯૮૫માં, કોલંબિયાના આરમૅરો શહેરના અધિકારીઓને ચેતવવામાં આવ્યા હતા કે નવાડો દ રિઝ જ્વાળામુખી ગમે ત્યારે ફાટશે. એ પર્વત શહેરથી પચાસ કિલોમીટર દૂર આવેલો હતો. એ ખૂબ જ ગાજતો હતો જેનો અવાજ શહેરમાંય સંભળાતો હતો. તોય અધિકારીઓએ લોકોને કહ્યું કે તમે જરાય ગભરાશો નહિ. એ ફાટ્યો ત્યારે શું થયું? ગરમ કાદવ-કીચડનો રગડો ધસી આવ્યો ને આખા શહેર પર ફરી વળ્યો. એમાં ૨૧,૦૦૦થી વધારે લોકો મોતના મોંમાં ઊતરી ગયા.

જોકે આવી દુર્ઘટનાઓ તો ક્યારેક જ થાય છે. જ્વાળામુખી શાંતિથી સૂતો હોય છે ત્યારે વૈજ્ઞાનિકો એના વિષે સંશોધન કરતા રહે છે. તેઓ એના પર બરાબર નજર રાખતા જઈને એનાથી બચવા શું કરવું જોઈએ એ લોકોને શીખવતા રહે છે. એમ કરવાથી ઊંઘતા રાક્ષસની ગોદમાં રહેતા લોકો પોતાનું જીવન બચાવવા સારી રીતે તૈયાર થઈ શકે. (g 2/07)

[Box/Picture on page 24]

તૈયાર રહો!

કુદરતી આફતથી બચવા શું તમે તૈયાર છો? તમારા વિસ્તારમાં રહેલા ખતરાથી જાણકાર બનો. પહેલેથી નક્કી કરો કે કોઈ કારણથી તમે કુટુંબથી છૂટા પડી જાવ તો તેઓને ક્યાં મળશો, અમુક દિવસ માટે પૂરતું ખાવા-પીવાનું શું રાખશો. ઇમર્જન્સીમાં કામ આવે એવી વસ્તુ ભૂલશો નહિ. જેમ કે પાટાપિંડી કરવા જોઈતી વસ્તુ, અમુક કપડાં, રેડિયો, વરસાદમાં કામ કરે એવી ટૉર્ચ અને વધારાની બૅટરી.

[Picture on page 23]

વિસુવિયસ જ્વાળામુખીના મુખ પાસે ફરતા ટૂરિસ્ટો

[Credit Line]

©Danilo Donadoni/Marka/age fotostock

[Picture on page 23]

ઇટાલીનું નેપલ્સ શહેર, વિસુવિયસ પર્વતની આગળ

[Credit Line]

© Tom Pfeiffer

[Picture on page 23]

આર્ટિસ્ટનું ચિત્ર બતાવે છે કે ઈ.સ. ૭૯માં, જ્વાળામુખી હરક્યુલેનિયમ ને પોમ્પે શહેરનો નાશ લાવ્યો

[Credit Line]

© North Wind Picture Archives

[Picture on page 24]

ઑકલૅન્ડના અનેક ટાપુઓમાં જ્વાળામુખી છે, રાંગીટોટો એમાંનો એક છે

[Pictures on page 24, 25]

ઉપર ને જમણી બાજુ: મૅક્સિકોનો પોપોકાટેપેટલ પર્વત

[Credit Lines]

AFP/Getty Images

Jorge Silva/AFP/Getty Images

[Picture Credit Line on page 22]

USGS, Cascades Volcano Observatory