સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’

‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’

‘સત્ય ખરીદો અને એને વેચી ન દો; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ વેચી ન દો.’—નીતિ. ૨૩:૨૩.

ગીતો: ૩૭, ૩૪

૧, ૨. (ક) આપણી પાસે સૌથી કીમતી વસ્તુ કઈ છે? (ખ) સત્યની કઈ કીમતી વાતો આપણા માટે ખજાના જેવી છે? શા માટે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

તમારી પાસે સૌથી કીમતી વસ્તુ કઈ છે? યહોવાના ભક્તો માટે આ સવાલનો જવાબ સહેલો છે. યહોવા સાથેનો સંબંધ આપણા માટે સૌથી કીમતી છે. કોઈ વસ્તુ મેળવવા આપણે એ આપી દઈશું નહિ. બીજી એક વસ્તુને પણ આપણે કીમતી ગણીએ છીએ. એ છે, બાઇબલમાં ઈશ્વરે જણાવેલી વાતો, જેને આપણે સત્ય પણ કહીએ છીએ. એનાથી આપણે યહોવાને ઓળખી શકીએ છીએ, તેમની સાથે સંબંધ મજબૂત કરી શકીએ છીએ.—કોલો. ૧:૯, ૧૦.

યહોવા મહાન શિક્ષક છે. તે આપણને ઘણી વાતો શીખવે છે, જે બાઇબલમાં આપેલી છે. તેમણે પોતાનું નામ અને સુંદર ગુણો વિશે જણાવ્યું છે. એ પણ જણાવ્યું છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. અરે, તેમણે આપણા માટે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપી દીધું. તેમણે મસીહના રાજ્ય વિશે પણ જણાવ્યું છે. તેમણે અભિષિક્તો માટે સ્વર્ગમાં અને “બીજાં ઘેટાં” માટે પૃથ્વી પર, હંમેશ માટેના જીવનની આશા આપી છે. (યોહા. ૧૦:૧૬) તે શીખવે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. સત્યની એ વાતો આપણને સર્જનહારની નજીક લઈ જાય છે. એનાથી આપણને જીવનમાં સાચી ખુશી અને સંતોષ મળે છે. એ વાતો સાચે જ ખજાના જેવી છે!

૩. સત્ય શીખવવા માટે શું યહોવા આપણી પાસે પૈસા માંગે છે?

યહોવા ઉદાર છે. એટલી હદે કે તેમણે પોતાના વહાલા દીકરાનું જીવન આપણા માટે આપી દીધું. જે લોકો સત્ય શોધે છે, તેઓને યહોવા મદદ કરે છે. સત્ય શીખવવા તે ક્યારેય આપણી પાસે પૈસા માંગતા નથી. પીતર પાસે પવિત્ર શક્તિ હતી. સીમોન નામના માણસે પીતર પાસેથી એ શક્તિ ખરીદવાનો પ્રયત્ન કર્યો. પીતરે જણાવ્યું કે તેના વિચારો ખોટા છે. તેમણે કહ્યું, “તને લાગ્યું કે તું ઈશ્વરની ભેટ પૈસાથી મેળવી શકે છે. એટલે, તારી સાથે તારી ચાંદી પણ નાશ પામો.”—પ્રે.કા. ૮:૧૮-૨૦.

સત્ય ‘ખરીદવાનો’ શો અર્થ થાય?

૪. આ લેખમાં આપણે સત્ય વિશે કયા સવાલો જોઈશું?

નીતિવચનો ૨૩:૨૩ વાંચો. આપણે ‘સત્ય ખરીદવું જોઈએ,’ એટલે કે સત્ય શીખવું જોઈએ. બાઇબલમાંથી સત્યની વાતો શીખવી મહેનત માંગી લે છે. એ માટે આપણે બીજી વસ્તુઓ જતી કરવી પડે છે. સત્ય ખરીદ્યા પછી ધ્યાન રાખીએ કે એને ક્યારેય ‘વેચી ન દઈએ,’ એટલે કે સત્ય છોડી ન દઈએ. આપણે સત્યને કેવી રીતે ‘ખરીદી’ શકીએ? એની કિંમત કેટલી છે? ચાલો, આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીએ. એ જાણીને આપણે સત્યને વધારે કીમતી ગણીશું અને એને કદી પણ છોડીશું નહિ. આપણે સમજી શકીશું કે યહોવા તરફથી મળતું સત્ય શા માટે સૌથી કીમતી છે.

૫, ૬. (ક) સત્ય શીખવા માટે આપણે પૈસા આપવાની જરૂર નથી, સમજાવો. (ખ) સત્યથી આપણને કેવો ફાયદો થાય છે?

કોઈ વસ્તુ મફત મળતી હોય તો, એનો અર્થ એ નથી કે એની કોઈ કિંમત નથી. નીતિવચનો ૨૩:૨૩માં ‘ખરીદવું’ શબ્દ વપરાયો છે. એના મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ ‘મેળવવું’ પણ થાય છે. આ બંને શબ્દો એક જ વિચાર દર્શાવે છે. કીમતી વસ્તુ મેળવવા વ્યક્તિએ મહેનત કરવી પડે છે અથવા કંઈક જતું કરવું પડે છે. પણ એનો અર્થ એ નથી કે કંઈક મેળવવા હંમેશાં પૈસા જ આપવા પડે. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. બજારમાં મફત કેળાં મળી રહ્યાં છે. શું આપણે એવું વિચારીશું કે કેળાં આપોઆપ આપણા ઘરમાં આવી જાય? એવું આપણે નહિ વિચારીએ. આપણે બજારમાં જવું પડશે અને એ લાવવાં પડશે. ભલે કેળાં મફત મળતાં હોય, પણ એ મેળવવા મહેનત તો કરવી પડશે. એવી જ રીતે, સત્ય શીખવા માટે આપણે પૈસા આપવાની જરૂર નથી. પણ એ માટે મહેનત કરવી પડશે અને કંઈક જતું કરવું પડશે.

યશાયા ૫૫:૧-૩ વાંચો. આ કલમોમાં ‘સત્ય ખરીદવાનો’ શો અર્થ થાય એ સમજાવવામાં આવ્યું છે. યહોવા પોતાના સત્ય વચનોને પાણી, દૂધ અને દ્રાક્ષદારૂ સાથે સરખાવે છે. જેમ પાણી તરસ્યાને તાજગી આપે છે, તેમ ઈશ્વરની વાણી આપણને તાજગી આપે છે. જેમ દૂધ પીવાથી બાળક મજબૂત થાય છે, તેમ સત્યથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. યહોવાએ સત્યને દ્રાક્ષદારૂ સાથે પણ સરખાવ્યું છે. શા માટે? બાઇબલ જણાવે છે કે દ્રાક્ષદારૂથી વ્યક્તિને ખુશી મળે છે. (ગીત. ૧૦૪:૧૫) યહોવા કહે છે કે ‘દ્રાક્ષદારૂ વેચાતો લો.’ એનો અર્થ થાય કે તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી આપણને ખુશી મળે છે. (ગીત. ૧૯:૮) આ સરખામણીથી યહોવા આપણને શું શીખવે છે? સત્ય શીખીને જીવનમાં લાગુ પાડીશું તો આપણને ફાયદો થશે. ‘સત્ય ખરીદવા’ આપણે કંઈક જતું પણ કરવું પડે છે. ચાલો, એવી પાંચ બાબતો પર ધ્યાન આપીએ.

સત્ય ખરીદવા માટે તમે શું જતું કર્યું છે?

૭, ૮. (ક) સત્ય શીખવા શા માટે સમયની જરૂર પડે છે? (ખ) મેરીકોએ શું જતું કર્યું અને એને શું મળ્યું?

સમય. જેઓ સત્ય ખરીદે છે, તેઓએ સામે કંઈક આપવું પડે છે. તેઓએ આવી બાબતો માટે ‘સમય’ આપવો પડે છે: ખુશખબર સાંભળવી, બાઇબલ અને આપણું સાહિત્ય વાંચવું, એનો જાતે અભ્યાસ કરવો, સભાની તૈયારી કરવી અને સભામાં જવું. આ બધા માટે આપણે ‘સમય ખરીદવો’ જોઈએ. એટલે કે, જરૂરી ન હોય એવાં કામો પાછળ સમય વેડફવો ન જોઈએ. (એફેસીઓ ૫:૧૫, ૧૬ અને ફુટનોટ વાંચો.) બાઇબલની મૂળ વાતો શીખતા કેટલો સમય લાગે? દરેક વ્યક્તિને અલગ અલગ સમય લાગે છે. યહોવાની બુદ્ધિ, તેમનાં માર્ગો અને કામો અપાર છે. એ વિશે જેટલું શીખીએ એટલું ઓછું છે! (રોમ. ૧૧:૩૩) ચોકીબુરજના પહેલા અંકમાં સત્યને ‘નાનકડા ફૂલ’ સાથે સરખાવવામાં આવ્યું હતું. એમાં જણાવ્યું હતું: ‘સત્યનું એક ફૂલ મળી જાય ત્યારે, ખુશ થઈને બેસી જવું ન જોઈએ. સત્યનાં બીજાં ફૂલો પણ મહત્ત્વનાં છે. આપણે એ ફૂલો પણ શોધવાં જોઈએ.’ આપણે પોતાને પૂછવું જોઈએ, ‘હું યહોવા વિશે કેટલું શીખ્યો છું?’ યહોવા વિશે શીખવા તો યુગોના યુગો પણ ઓછા પડે! આજે આપણા માટે શું મહત્ત્વનું છે? એ જ કે, સત્ય શીખવા વધારે ને વધારે સમય કાઢીએ. ચાલો, એક અનુભવ જોઈએ.

જાપાનની એક યુવતી, મેરીકો * ભણવા માટે ન્યૂ યૉર્ક શહેરમાં રહેવા આવી. આપણી એક પાયોનિયર બહેન મેરીકોના ઘરે ખુશખબર જણાવવા ગઈ. મેરીકો બીજો ધર્મ પાળતી હતી. મેરીકો સાથે એ બહેન બાઇબલ અભ્યાસ કરવા લાગી. એ સત્ય તેના દિલને સ્પર્શી ગયું. તેણે બહેનને અઠવાડિયામાં બે વખત આવવા કહ્યું. ભણવાની સાથે સાથે તે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી. તોપણ, તેણે સભાઓમાં જવાનું શરૂ કર્યું. તે મનોરંજન પાછળ ઓછો સમય આપવા લાગી. પણ યહોવા વિશે શીખવા વધારે ને વધારે સમય કાઢવા લાગી. આમ, તેણે ઘણી બાબતો જતી કરી. તે યહોવાની વધુ નજીક આવી. એક વર્ષની અંદર જ તેણે બાપ્તિસ્મા લીધું. છ મહિના પછી તે પાયોનિયર બની અને આજે પણ તે પાયોનિયર છે.

૯, ૧૦. (ક) સત્ય શીખવાથી માલમિલકત વિશે આપણા વિચારો કેવી રીતે બદલાય છે? (ખ) મારિયાએ શું જતું કર્યું અને એ વિશે તેને કેવું લાગે છે?

માલમિલકત. સત્ય શીખવા આપણે દુનિયાની સફળ કારકિર્દી, સારી નોકરી કે માલમિલકત પણ જતી કરવી પડે. પીતર અને આંદ્રિયાનો વિચાર કરો. તેઓ માછીમાર હતા. જ્યારે ઈસુએ તેઓને શિષ્યો બનવા બોલાવ્યા, ત્યારે તેઓએ પોતાનો ધંધો છોડી દીધો. (માથ. ૪:૧૮-૨૦) એનો અર્થ એ નથી કે, સત્ય શીખવા તમારે નોકરી છોડવી પડશે. પોતાના કુટુંબની સંભાળ રાખવા વ્યક્તિએ કામ કરવું પડે છે. (૧ તિમો. ૫:૮) પણ તમે સત્ય શીખો છો ત્યારે, માલમિલકત વિશે તમારા વિચારો બદલાય છે. તમને જાણવા મળે છે કે જીવનમાં ખરેખર શું મહત્ત્વનું છે. ઈસુએ કહ્યું હતું: “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.” તેમણે ઉત્તેજન આપ્યું કે, “તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.” (માથ. ૬:૧૯, ૨૦) મારિયા નામની યુવાન બહેને એવું જ કર્યું હતું.

૧૦ મારિયાને બાળપણથી જ ગોલ્ફ રમવું ખૂબ ગમતું. સ્કૂલમાં હતી ત્યારે તે ગોલ્ફની સારી ખેલાડી બની ચૂકી હતી. એટલે તેને યુનિવર્સિટીની સ્કૉલરશિપ પણ મળી. મારિયાનો ધ્યેય હતો કે તે ગોલ્ફની મોટી ખેલાડી બને અને ઢગલાબંધ પૈસા કમાય. તેણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેને એ ખૂબ ગમ્યું અને એ પ્રમાણે જીવવા લાગી. તેણે કહ્યું: ‘ધીમે ધીમે હું બાઇબલનાં ધોરણો પ્રમાણે મારાં વાણી-વર્તન અને જીવનશૈલીમાં ફેરફાર કરવા લાગી. એનાથી મારી ખુશી પણ વધતી ગઈ.’ મારિયાને અહેસાસ થયો કે તે દૂધમાં ને દહીંમાં પગ રાખી શકતી નથી. તે યહોવા સાથેના સંબંધ પર અને ગોલ્ફની કારકિર્દી પર એકસાથે ધ્યાન આપી શકતી નથી. (માથ. ૬:૨૪) તેણે ગોલ્ફની મોટી ખેલાડી બનવાનો વિચાર પડતો મૂક્યો. આજે મારિયા પાયોનિયર તરીકે સેવા આપી રહી છે. તે જણાવે છે, ‘હવે મને જીવનમાં ખરી મંજિલ મળી છે અને હું ઘણી ખુશ છું.’

૧૧. બાઇબલ પ્રમાણે ફેરફારો કરીએ છીએ ત્યારે, બીજાઓ સાથેના સંબંધ પર કેવી અસર પડે છે?

૧૧ બીજાઓ સાથેનો સંબંધ. બાઇબલ પ્રમાણે ફેરફારો કરીએ છીએ ત્યારે, મિત્રો અને કુટુંબીજનો સાથેના સંબંધ પર એની અસર પડે છે. એનું કારણ શું છે? ઈસુએ પ્રાર્થનામાં કહ્યું હતું: “સત્ય દ્વારા તેઓને પવિત્ર કરો; તમારો સંદેશો સત્ય છે.” (યોહા. ૧૭:૧૭, ફુટનોટ) “તેઓને પવિત્ર કરો” એટલે શું? એનો અર્થ એ પણ થાય, “તેઓને અલગ કરો.” આપણે સત્ય પ્રમાણે જીવવા લાગીએ છીએ ત્યારે, દુનિયાથી અલગ તરી આવીએ છીએ. બાઇબલનાં ધોરણો અને દુનિયાનાં ધોરણો અલગ અલગ છે. કદાચ આપણે મિત્રો અને કુટુંબીજનો સાથે સારો સંબંધ રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ. તોપણ, બની શકે કે અમુક લોકો આપણને પહેલાં જેટલા પસંદ ન કરે અથવા આપણી માન્યતાઓનો વિરોધ કરે. એનાથી આપણને નવાઈ લાગવી ન જોઈએ. ઈસુએ કહ્યું હતું: “ખરેખર, માણસના દુશ્મન તેના પોતાના ઘરના હશે.” (માથ. ૧૦:૩૬) ઈસુએ વચન આપ્યું હતું કે સત્ય માટે ભલે ગમે એ જતું કરીએ, એનાથી અનેક ગણું પાછું મળશે.—માર્ક ૧૦:૨૮-૩૦ વાંચો.

૧૨. એરને સત્ય શીખવા શું જતું કર્યું?

૧૨ એરન નામના એક યહુદી ભાઈ માનતા હતા કે ઈશ્વરનું નામ વાપરવું ન જોઈએ. તેમને ઈશ્વર વિશે સત્ય જાણવું હતું. યહોવાના સાક્ષીએ તેમને જણાવ્યું કે ઈશ્વરના નામમાં જે ચાર હિબ્રૂ મૂળાક્ષરો છે, એનો આવો ઉચ્ચાર થઈ શકે, “યહોવા.” એ સાંભળીને એરનની ખુશીનો પાર ન રહ્યો. તે સીધા યહુદી સભાસ્થાન (સિનેગોગ) ગયા અને ધર્મગુરુઓને એની વાત કરી. તેમણે ધાર્યું હતું કે ઈશ્વરના નામ વિશે સત્ય જાણીને તેઓ ખુશ થશે. પણ તેઓ એરન પર થૂંક્યા અને તેમને કાઢી મૂક્યા. એરનનું કુટુંબ પણ નારાજ થયું. પણ, એરને યહોવા વિશે શીખવાનું બંધ કર્યું નહિ. તે યહોવાના સાક્ષી બન્યા. જિંદગીભર તેમણે યહોવાની સેવા કરી. આપણે પણ સત્ય શીખીએ ત્યારે, મનથી તૈયાર રહેવું જોઈએ. યાદ રાખીએ કે બીજાઓ સાથેના સંબંધ પર એની અસર પડી શકે છે.

૧૩, ૧૪. સત્યને જીવનમાં લાગુ પાડીને આપણે કેવા ફેરફાર કરી શકીએ? દાખલો આપો.

૧૩ ખરાબ વિચારો અને વાણી-વર્તન. સત્ય શીખીને બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવા શું કરવું જોઈએ? પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફારો કરવા જોઈએ. પ્રેરિત પીતરે લખ્યું હતું: ‘તમે આજ્ઞા પાળનારાં બાળકો હોવાથી, પહેલાંની ઇચ્છાઓ પ્રમાણે ચાલવાનું બંધ કરો. એ સમયે તમારી પાસે ઈશ્વરનું જ્ઞાન ન હતું. તમારાં સર્વ વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ.’ (૧ પીત. ૧:૧૪, ૧૫) કોરીંથ શહેરમાં ઘણા લોકો વ્યભિચાર જેવાં ખરાબ કામો કરતા હતા. યહોવાની કૃપા મેળવવા તેઓએ જીવનમાં મોટા ફેરફારો કરવાના હતા. (૧ કોરીં. ૬:૯-૧૧) આજે પણ સત્ય શીખનારાઓ એવા જ ફેરફારો કરે છે. પીતરે એ વિશે લખ્યું હતું: “દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે. એ સમયે તમે બેશરમ કામો, બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ, દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.”—૧ પીત. ૪:૩.

૧૪ ડેવન અને જાસ્મિન વર્ષોથી દારૂની લતે ચઢી ગયાં હતાં. ડેવન એક સારો એકાઉન્ટન્ટ હતો. પણ એ લતના કારણે તેણે નોકરીથી હાથ ધોવા પડ્યા. જાસ્મિન નાની નાની વાતે ગુસ્સે થઈ જતી અને મારામારી પર ઊતરી આવતી. લોકો તેને માથાભારે ગણતા. એક દિવસે તે પીધેલી હાલતમાં હતી ત્યારે, રસ્તામાં એક મિશનરી યુગલ મળ્યું. યુગલે જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયે તેના ઘરે આવશે અને બાઇબલમાંથી શીખવશે. જ્યારે તેઓ ગયાં ત્યારે, ડેવન અને જાસ્મિન નશામાં ચકચૂર થઈને પડ્યાં હતાં. તેઓએ ધાર્યું ન હતું કે યુગલ ઘરે આવશે. બીજી વાર યુગલ તેઓના ઘરે ગયું ત્યારે, પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. બાઇબલમાંથી શીખવા ડેવન અને જાસ્મિન રાહ જોઈને બેઠાં હતાં! તેઓએ શીખેલી વાતો લાગુ પાડી. ત્રણ મહિનાની અંદર જ તેઓએ દારૂ પીવાનું છોડી દીધું. પછી બંનેએ કાયદેસર લગ્ન કર્યા. ડેવન અને જાસ્મિને કરેલા ફેરફારો લોકોની નજર બહાર ગયા નહિ. એ જોઈને ઘણા લોકો બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થયા.

૧૫. અમુક લોકો માટે કઈ બાબત જતી કરવી ઘણું અઘરું છે? શા માટે?

૧૫ યહોવાને પસંદ નથી એવા રીત-રિવાજો. અમુક લોકો માટે એવા રીત-રિવાજો છોડી દેવા સહેલું હોય છે. પણ, બીજાઓ માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું હોય છે. કુટુંબીજનો, મિત્રો કે સાથે કામ કરનારાઓ શું વિચારશે એની તેઓને ઘણી ચિંતા હોય છે. તેઓ જાણે છે કે અમુક રીત-રિવાજો લોકો માટે ઘણા મહત્ત્વના છે. અરે, તેઓની લાગણીઓ પણ જોડાયેલી હોય છે. જેમ કે, ગુજરી ગયેલા સગાંઓ માટે થતી વિધિઓ. (પુન. ૧૪:૧) તો પછી, એવા રીત-રિવાજોથી આપણે કઈ રીતે દૂર રહી શકીએ? બાઇબલમાં જણાવેલા દાખલાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ. તેઓએ યહોવાને પસંદ પડે એવા ફેરફારો કર્યા હતા. જેમ કે, એફેસસના ખ્રિસ્તીઓએ કરેલા ફેરફાર.

૧૬. એફેસસના અમુક ખ્રિસ્તીઓએ શું જતું કર્યું હતું?

૧૬ એફેસસ શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો જાદુવિદ્યામાં ડૂબેલા હતા. તેઓમાંથી અમુક ખ્રિસ્તી બન્યા ત્યારે તેઓએ શું કર્યું? એ વિશે બાઇબલમાં આમ લખ્યું છે: ‘જાદુ કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં. તેઓએ એની કિંમત ગણી તો, એ ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા થઈ. આમ, યહોવાનો સંદેશો જોરદાર રીતે વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો.’ (પ્રે.કા. ૧૯:૧૯, ૨૦) યહોવાના એ ભક્તો પોતાનાં મોંઘાં પુસ્તકો બાળી નાખતાં અચકાયા નહિ. યહોવાએ તેઓને ખૂબ આશીર્વાદો આપ્યા.

૧૭. (ક) સત્ય માટે આપણે કેવી કેવી બાબતો જતી કરી છે? (ખ) આવતા લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું

૧૭ સત્ય માટે તમે શું જતું કર્યું છે? આપણે બધાએ સમય આપ્યો છે. અમુકે ધનવાન બનવાની તક જતી કરી છે. બીજા અમુકે સંબંધો જતા કર્યા છે એટલે કે, કુટુંબ અને મિત્રો સાથેના તેઓના સંબંધો પહેલાં જેવા રહ્યા નથી. આપણામાંથી ઘણાએ પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફાર કર્યો છે. યહોવાને પસંદ નથી એવા રીત-રિવાજો પણ જતા કર્યા છે. બાઇબલનું સત્ય આપણા માટે કીમતી ખજાનો છે! એની તોલે કંઈ જ આવી ન શકે. એના માટે જેટલું જતું કરીએ એટલું ઓછું છે. બાઇબલ સત્ય આપણને યહોવાની નજીક દોરી જાય છે. યહોવા સાથેનો સંબંધ આપણા જીવનમાં સૌથી મહત્ત્વનો છે. એટલે આપણને જીવનમાં અપાર આશીર્વાદો મળ્યા છે. એના પર ધ્યાન આપીશું તો સત્યને ‘વેચવાનું’ સપનેય નહિ વિચારીએ. કોઈ વ્યક્તિ સત્યને કઈ રીતે ‘વેચી’ શકે? આપણે એવું ન કરી બેસીએ માટે શાનું ધ્યાન રાખવું જોઈએ? આવતા લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું.

^ ફકરો. 8 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.