સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૨

સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ

સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ

“શ્રદ્ધા એટલે કે . . . જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.”​—હિબ્રૂ. ૧૧:૧.

ગીત ૧૫ સૃષ્ટિ આપે યહોવાની ઓળખ

ઝલક *

૧. તમે નાનપણથી યહોવા વિશે શું શીખ્યા છો?

શું તમારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે? જો એમ હોય તો તમે નાનપણથી શીખ્યા હશો કે યહોવાએ જ બધું બનાવ્યું છે અને તેમનામાં અદ્‍ભુત ગુણો છે. એ પણ શીખ્યા હશો કે તે આપણને બહુ પ્રેમ કરે છે અને તે જલદી જ આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે.—ઉત. ૧:૧; પ્રે.કા. ૧૭:૨૪-૨૭.

૨. જેઓ સર્જનહારમાં માને છે તેઓ વિશે અમુક લોકો શું કહે છે?

ઘણા લોકો ઈશ્વરમાં માનતા નથી. તેઓ એ પણ માનતા નથી કે ઈશ્વરે બધું બનાવ્યું છે. તેઓનો દાવો છે કે સૃષ્ટિ આપોઆપ આવી ગઈ. કોઈએ એને બનાવી નથી પણ ધીરે ધીરે એનો વિકાસ થયો. સાદા જીવોમાં ધીરે ધીરે ફેરફાર થયો અને તેઓ અલગ અલગ જટિલ જીવો બન્યા. જેઓ એવું માને છે તેઓમાંથી અમુક લોકો બહુ ભણેલા-ગણેલા છે. તેઓ વિજ્ઞાન પર ભરોસો રાખે છે. તેઓનું માનવું છે કે વિજ્ઞાને બાઇબલના શિક્ષણને ખોટું સાબિત કર્યું છે. વધુમાં તેઓનું કહેવું છે કે સર્જનહારમાં માનનારાઓ ઓછું ભણેલા અને મૂર્ખ છે, તેમજ તેઓ બીજાઓની વાતમાં સહેલાઈથી આવી જાય છે.

૩. આપણે શા માટે શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ?

શું તમે માનો છો કે યહોવા સર્જનહાર છે કે પછી લોકોની વાતોમાં આવીને શંકા કરો છો? એવું ત્યારે થાય જ્યારે તમે લોકોના કહેવાથી યહોવામાં શ્રદ્ધા રાખી હશે. પણ તમે જાતે પુરાવાની તપાસ કરી હશે તો એવું નહિ થાય. (૧ કોરીં. ૩:૧૨-૧૫) ભલે વર્ષોથી સત્યમાં હોઈએ તોપણ આપણે શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. જો આપણે એમ કરીશું તો એવાં ‘દુનિયાના વિચારો અને માણસોની માન્યતાઓમાં’ નહિ ફસાઈએ જે બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી. (કોલો. ૨:૮; હિબ્રૂ. ૧૧:૬) આ લેખમાં આપણે ત્રણ સવાલોની ચર્ચા કરીશું: (૧) ઘણા લોકો કેમ સર્જનહારમાં માનતા નથી? (૨) આપણે કઈ રીતે સર્જનહાર યહોવામાં શ્રદ્ધા મજબૂત કરી શકીએ? (૩) આપણી શ્રદ્ધા નબળી ન પડે માટે શું કરી શકીએ?

લોકો સર્જનહારમાં માનતા નથી

૪. હિબ્રૂઓ ૧૧:૧ પ્રમાણે ખરી શ્રદ્ધા એટલે શું?

ઘણા લોકો આંધળો વિશ્વાસ કરે છે. કારણ કે તેઓ માટે પુરાવા જરૂરી નથી. પણ બાઇબલ સાફ જણાવે છે કે એ ખરી શ્રદ્ધા નથી. (હિબ્રૂઓ ૧૧:૧ અને ફૂટનોટ વાંચો.) શ્રદ્ધા મૂકવા પુરાવા હોવા જરૂરી છે. ભલે આપણે યહોવા, ઈસુ, ઈશ્વરના રાજ્યને જોઈ નથી શકતા, પણ આપણને પૂરો ભરોસો છે કે તેઓ ખરેખર છે. કારણ કે એના ઠોસ પુરાવા છે. (હિબ્રૂ. ૧૧:૩) એક ભાઈ જે વૈજ્ઞાનિક છે, તે કહે છે: “યહોવાના સાક્ષીઓ આંખો બંધ કરીને શ્રદ્ધા નથી મૂકતા. તેઓ પુરાવા સારી રીતે તપાસે છે, અરે વિજ્ઞાનના પુરાવા પણ તપાસે છે.”

૫. ઘણા લોકો સર્જનહારમાં કેમ ભરોસો કરતા નથી?

સર્જનહાર છે એના પુરાવા હોય તો કેમ આજે ઘણા લોકો તેમના પર ભરોસો કરતા નથી? કારણ કે તેઓ એ પુરાવા પર ધ્યાન આપતા નથી. રોબર્ટભાઈ હવે યહોવાના સાક્ષી છે, તે કહે છે: “સ્કૂલમાં મને ક્યારેય શીખવવામાં આવ્યું નહોતું કે સર્જનહાર છે. એટલે હું એ વાત પર ભરોસો કરતો ન હતો. પણ હું ૨૨ વર્ષનો થયો ત્યારે યહોવાના સાક્ષીઓને મળ્યો. તેઓએ મને બાઇબલમાંથી ઘણા બધા પુરાવા બતાવ્યા. એ વાંચીને મને ભરોસો થયો કે એક સર્જનહાર છે અને તેમણે આ બધું બનાવ્યું છે.” *—“ માતા-પિતા માટે એક જરૂરી સંદેશો” બૉક્સ જુઓ.

૬. બીજા કયા કારણને લીધે લોકો સર્જનહારમાં ભરોસો કરતા નથી?

અમુક લોકોને લાગે છે કે જેને જોઈ ન શકીએ એના પર ભરોસો કઈ રીતે કરી શકીએ. એટલે તેઓ સર્જનહાર પર ભરોસો કરતા નથી. પણ એવું ઘણું છે કે જેને જોઈ શકાતું નથી, જેમ કે હવા. તોપણ લોકો એના પર ભરોસો કરે છે, કારણ કે એના પુરાવા છે. બાઇબલમાં લખ્યું છે કે “જે હકીકત નજરે જોઈ નથી” એના પર આપણે શ્રદ્ધા મૂકી શકીએ છીએ, કારણ કે એના પુરાવા છે. (હિબ્રૂ. ૧૧:૧) એ પુરાવા જાતે તપાસવામાં સમય અને મહેનત લાગે છે. પણ ઘણા એમ કરવા માંગતા નથી, એટલે તેઓ કહે છે કે કોઈ ઈશ્વર છે જ નહિ.

૭. શું બધા ભણેલા લોકો સર્જનહારમાં વિશ્વાસ કરતા નથી?

અમુક વૈજ્ઞાનિકોને પુરાવા તપાસ્યા પછી ખાતરી થઈ કે ઈશ્વરે જ આ દુનિયા બનાવી છે. * અગાઉ જોઈ ગયા એ રોબર્ટભાઈની જેમ ઘણા વૈજ્ઞાનિકો પહેલાં સર્જનહારમાં માનતા ન હતા. કારણ કે તેઓને કોલેજમાં એ વિશે ક્યારેય શીખવવામાં આવ્યું ન હતું. તેઓ યહોવા વિશે શીખ્યા પછી તેમનામાં વિશ્વાસ કરવા લાગ્યા. એ વૈજ્ઞાનિકોની જેમ આપણે પણ ઈશ્વર પર વિશ્વાસ મજબૂત કરવો જોઈએ, પછી ભલે આપણે વધારે ભણેલા હોઈએ કે ઓછું. આપણે જાતે વિશ્વાસ મજબૂત કરી શકીએ છીએ, બીજા કોઈ આપણા માટે કરી શકશે નહિ.

સર્જનહારમાં વિશ્વાસ મજબૂત કરવાની રીતો

૮-૯. (ક) હવે આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું? (ખ) સૃષ્ટિ વિશે શીખવાથી કેવા ફાયદા થાય છે?

તમે સર્જનહાર પર તમારો વિશ્વાસ કઈ રીતે મજબૂત કરી શકો? ચાલો એની ચાર રીતો જોઈએ.

સૃષ્ટિમાંથી શીખીએ. તમે પશુ-પક્ષીઓ, ઝાડ-પાન અને તારાઓને ધ્યાનથી જોશો તો સર્જનહાર પર તમારો વિશ્વાસ મજબૂત થશે. (ગીત. ૧૯:૧; યશા. ૪૦:૨૬) એ વિશે શીખતા જશો તેમ તમને પાકી ખાતરી થશે કે યહોવા જ આપણા સર્જનહાર છે. આપણાં સાહિત્યોમાં પણ સૃષ્ટિ વિશે ઘણા લેખ આપ્યા છે. બની શકે કે એ લેખો સમજવા તમને અઘરા લાગે, તેમ છતાં એ લેખો વાંચવાનું છોડી ન દેતા. એમાંથી શીખવાનો પૂરો પ્રયત્ન કરજો. પાછલા અમુક મહાસંમેલનોમાં સૃષ્ટિને લગતા ઘણા વીડિયો બતાવ્યા હતા. એ વીડિયો તમે jw.org પર ફરીથી જોઈ શકો.

૧૦. દાખલો આપીને સમજાવો કે સૃષ્ટિમાંથી આપણને સર્જનહાર વિશે શું શીખવા મળે છે? (રોમનો ૧:૨૦)

૧૦ સૃષ્ટિમાંથી આપણને સર્જનહાર વિશે ઘણું શીખવા મળે છે. (રોમનો ૧:૨૦ વાંચો.) દાખલા તરીકે, સૂર્ય માણસો માટે ખૂબ જરૂરી છે. એનાથી માણસોને ગરમી અને અજવાળું મળે છે. સૂર્યમાંથી અમુક હાનિકારક કિરણો પણ નીકળે છે. જોકે એ કિરણોથી માણસોને કોઈ નુકસાન થતું નથી. કેમ કે પૃથ્વીની ચારેબાજુ ગેસનું એક પડ છે, જેને ઑઝોન કહે છે. એ સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણો શોષી લે છે. સૂર્યના હાનિકારક કિરણો વધતા જાય તેમ ઑઝોનની માત્રા પણ વધતી જાય છે. શું એ જોઈને તમને નથી લાગતું આપણા સર્જનહાર પ્રેમાળ અને બુદ્ધિમાન છે?

૧૧. તમે સૃષ્ટિ વિશે ક્યાંથી જાણકારી મેળવી શકો? (“ સર્જનહારમાં વિશ્વાસ મજબૂત કરવા મદદ” બૉક્સ જુઓ.)

૧૧ તમે સંશોધન માર્ગદર્શિકા અને jw.org પર સૃષ્ટિ વિશે સંશોધન કરી શકો છો. એમ કરવાથી સર્જનહાર પર તમારો વિશ્વાસ વધશે. તમે ચાહો તો પહેલા “આનો રચનાર કોણ?” શૃંખલામાં આપેલા લેખ અને વીડિયો જોઈ શકો છો. એ લેખો અને વીડિયો નાના નાના છે. એમાં પશુ-પક્ષી અને ઝાડ-પાન વિશે જોરદાર જાણકારી મળે છે. એમાં એ પણ જણાવ્યું છે કે સૃષ્ટિને જોઈને વૈજ્ઞાનિકોએ કેટકેટલું બનાવ્યું છે.

૧૨. બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે કઈ વાતોને ધ્યાન આપીશું?

૧૨ બાઇબલનો અભ્યાસ કરીએ. ફકરા ૪માં જણાવેલા વૈજ્ઞાનિકને શરૂઆતમાં સર્જનહાર પર વિશ્વાસ ન હતો. પણ પછી તેમને વિશ્વાસ થયો. તે જણાવે છે, “ફક્ત વિજ્ઞાનનો અભ્યાસ કરવાથી નહિ, પણ બાઇબલનો અભ્યાસ કરવાથી મારો વિશ્વાસ વધ્યો.” બની શકે કે આપણી પાસે બાઇબલનું જ્ઞાન હોય, પણ સર્જનહારમાં વિશ્વાસ મજબૂત કરવા આપણે એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. (યહો. ૧:૮; ગીત. ૧૧૯:૯૭) દાખલા તરીકે, ઇતિહાસમાં બનેલા અમુક બનાવો તપાસીએ, જે વિશે બાઇબલમાં ઝીણામાં ઝીણી માહિતી આપી છે. બાઇબલનો અભ્યાસ કરતી વખતે એ પણ ધ્યાન આપીએ કે એમાં આપેલી ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ. બાઇબલને ભલે અલગ અલગ લેખકોએ લખ્યું છે, પણ શરૂઆતથી લઈને અંત સુધી એના વિચારો એકબીજા સાથે ગૂંથાએલા છે. એ જાણવાથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે. એ પણ જાણી શકીએ છીએ કે આપણને બનાવનાર સર્જનહાર પ્રેમાળ અને બુદ્ધિમાન છે અને તેમણે જ બાઇબલ લખાવ્યું છે. *૨ તિમો. ૩:૧૪; ૨ પિત. ૧:૨૧.

૧૩. દાખલો આપીને સમજાવો કે બાઇબલમાં આપેલી સલાહથી ફાયદો થાય છે.

૧૩ બાઇબલનો અભ્યાસ કરતી વખતે એ પણ ધ્યાન આપીએ કે એની સલાહથી ફાયદો થાય છે. દાખલા તરીકે વર્ષો પહેલાં બાઇબલમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિને પૈસાનો પ્રેમ હોય છે, તે ઘણાં ‘દુઃખોથી વીંધાય’ છે. (૧ તિમો. ૬:૯, ૧૦; નીતિ. ૨૮:૨૦; માથ. ૬:૨૪) શું એ આજે પણ સાચું છે? એક પુસ્તકમાં લખ્યું છે કે “જે વ્યક્તિ વિચારે છે કે પૈસો જ બધું છે, તેને હાથ નિરાશા અને દુઃખ જ આવે છે. જે વ્યક્તિ વધુ પૈસા કમાવવા માંગે છે, તે તણાવમાં રહે છે અને ઘણી બીમારીઓનો ભોગ બને છે.” સાચે જ, પૈસાનો મોહ ન રાખવાની બાઇબલની સલાહથી કેટલો ફાયદો થાય છે! શું એવા બીજા બાઇબલ સિદ્ધાંતો વિશે તમે વિચારી શકો જેનાથી તમને ફાયદો થયો છે? જ્યારે આપણે જોઈશું કે બાઇબલમાં આપેલી સલાહથી ફાયદો થાય છે, ત્યારે સર્જનહાર પર આપણો વિશ્વાસ મજબૂત થશે. કારણ કે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. (યાકૂ. ૧:૫) એટલે આપણે તેમની સલાહ માનીશું તો જીવનમાં સુખી રહીશું.—યશા. ૪૮:૧૭, ૧૮.

૧૪. બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે યહોવા વિશે શું શીખી શકીશું?

૧૪ આપણે બાઇબલનો અભ્યાસ એટલે કરીએ કારણ કે આપણે યહોવાને ઓળખવા માંગીએ છીએ. (યોહા. ૧૭:૩) એનાથી આપણને યહોવાના ગુણો અને સ્વભાવ વિશે શીખવા મળે છે. તેમનામાં જે ગુણો છે એ જ સૃષ્ટિમાં દેખાય આવે છે. એનાથી ખાતરી મળે છે કે યહોવા ખરેખર છે. (નિર્ગ. ૩૪:૬, ૭; ગીત. ૧૪૫:૮, ૯) યહોવાને ઓળખતા જઈશું તેમ તેમના પર વિશ્વાસ મજબૂત થશે. એટલું જ નહિ તેમના માટે આપણો પ્રેમ વધશે અને તેમની સાથે આપણો સંબંધ પાકો થશે.

૧૫. સર્જનહાર વિશે બીજાઓને જણાવવાથી આપણને કેવો ફાયદો થાય છે?

૧૫ યહોવા વિશે જે શીખીએ એ બીજાઓને પણ જણાવીએ. એનાથી આપણો વિશ્વાસ મજબૂત થશે. ધારો કે કોઈ કહે છે કે ઈશ્વર છે જ નહિ. આપણને ખબર નથી કે તેને શું કહીશું. એવા સમયે આપણે શું કરી શકીએ? એ વિશે આપણાં સાહિત્યમાં શોધખોળ કરીએ અને એમાંથી વ્યક્તિને જવાબ આપીએ. (૧ પિત. ૩:૧૫) આપણે કોઈ ભાઈ કે બહેનની મદદ લઈ શકીએ. આપણો જવાબ સાંભળીને એ વ્યક્તિ સર્જનહાર પર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણો વિશ્વાસ ચોક્કસ મજબૂત થશે. આપણે એવા લોકોની વાતોમાં નહિ આવીએ જેઓ માને છે કે સર્જનહાર છે જ નહિ, પછી ભલે ને દુનિયાની નજરે તેઓ ભણેલા-ગણેલા કે બુદ્ધિમાન હોય.

શ્રદ્ધા નબળી પડવા ન દઈએ

૧૬. શ્રદ્ધાને મજબૂત કરવા મહેનત નહિ કરીએ તો શું થશે?

૧૬ વર્ષોથી આપણે યહોવાની ભક્તિ કરતા હોઈએ તોપણ શ્રદ્ધા મજબૂત કરવા મહેનત કરવી જોઈએ. જો ધ્યાન નહિ આપીએ તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. આપણે શીખી ગયા કે શ્રદ્ધા એટલે જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો. જે વસ્તુ આપણે જોઈ શકતા નથી એને સહેલાઈથી ભૂલી શકીએ છીએ. પાઉલે કહ્યું હતું કે નબળી શ્રદ્ધા એવું ‘પાપ છે જે સહેલાઈથી ફસાવે’ છે. (હિબ્રૂ. ૧૨:૧) એ ફાંદામાં ન ફસાવા આપણે શું કરી શકીએ?—૨ થેસ્સા. ૧:૩.

૧૭. આપણી શ્રદ્ધા વધારવા શું કરી શકીએ?

૧૭ પહેલું, યહોવા પાસે પવિત્ર શક્તિ માટે વારંવાર વિનંતી કરીએ. શા માટે? કારણ કે શ્રદ્ધા પવિત્ર શક્તિનો એક ગુણ છે. (ગલા. ૫:૨૨, ૨૩) સર્જનહારમાં શ્રદ્ધા રાખવા અને એને મજબૂત કરવા આપણને પવિત્ર શક્તિની જરૂર પડે છે. જો આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગતા રહીશું તો તે ચોક્કસ આપશે. (લૂક ૧૧:૧૩) આપણે પ્રાર્થનામાં કહી શકીએ કે “અમારી શ્રદ્ધા વધારો.”—લૂક ૧૭:૫.

૧૮. ગીતશાસ્ત્ર ૧:૨, ૩ પ્રમાણે આજે આપણી પાસે કઈ ભેટ છે?

૧૮ બીજું, બાઇબલનો નિયમિત અભ્યાસ કરીએ. (ગીતશાસ્ત્ર ૧:૨, ૩ વાંચો.) ગીતશાસ્ત્રનો એ અધ્યાય લખાયો ત્યારે રાજાઓ, યાજકો અને અમુક ઈઝરાયેલીઓ પાસે આખા નિયમશાસ્ત્રના વીંટાઓ હતા. દર સાત વર્ષે “પુરુષો, સ્ત્રીઓ, બાળકો” અને પરદેશીઓને ઈશ્વરના નિયમો વાંચી સંભળાવવામાં આવતા. (પુન. ૩૧:૧૦-૧૨) ઈસુના સમયમાં અમુક લોકો પાસે જ વીંટાઓ હતા. મોટા ભાગના વીંટાઓ સભાસ્થાનમાં રાખવામાં આવતા. પણ આજે ઘણા લોકો પાસે આખું બાઇબલ કે એનો અમુક ભાગ છે. બાઇબલ આપણી પાસે હોવું એ ખરેખર કેટલો મોટો લહાવો છે! એ ભેટ માટે આપણી કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૯. આપણે કઈ રીતે શ્રદ્ધા મજબૂત કરી શકીએ?

૧૯ આપણે રોજ બાઇબલ વાંચવું જોઈએ. એનો અભ્યાસ કરવા આપણે સમય નક્કી કરવો જોઈએ. એવું ન વિચારીએ કે જ્યારે સમય હશે ત્યારે અભ્યાસ કરીશું. જો બાઇબલનો નિયમિત અભ્યાસ કરતા રહીશું તો આપણી શ્રદ્ધા મજબૂત થશે.

૨૦. આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૨૦ આપણે દુનિયાના ‘શાણા અને જ્ઞાની લોકો’ જેવા નથી. આપણી શ્રદ્ધા મજબૂત છે, કારણ કે એ બાઇબલમાં આપેલા પુરાવાના આધારે છે. (માથ. ૧૧:૨૫, ૨૬) બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડે છે કે આજે દુનિયાની હાલત કેમ આટલી ખરાબ છે. એ પણ જાણી શકીએ છીએ કે ભાવિમાં યહોવા શું કરવાના છે. ચાલો આપણે નિર્ણય લઈએ કે આપણી શ્રદ્ધા મજબૂત રાખીશું અને બને તેટલા લોકોને સર્જનહારમાં વિશ્વાસ મજબૂત કરવા મદદ કરીશું. (૧ તિમો. ૨:૩, ૪) આપણે એ સમયની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે પૃથ્વી પર રહેનારા બધા લોકો યહોવાનો જયજયકાર કરશે: “હે યહોવા અમારા ભગવાન! મહિમા . . . મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.”—પ્રકટીકરણ ૪:૧૧.

ગીત ૧૩૮ યહોવા તારું નામ

^ ફકરો. 5 બાઇબલ સાફ સાફ જણાવે છે કે યહોવા જ આપણા સર્જનહાર છે. પણ ઘણા લોકોનું માનવું છે કે બધું આપોઆપ આવી ગયું છે, કોઈ બનાવનાર નથી. જો આપણે ચાહતા હોઈએ કે લોકોની વાતો આપણને અસર ન કરે, તો ઈશ્વર અને બાઇબલ પર આપણી શ્રદ્ધા મજબૂત કરીએ. આ લેખમાં જોઈશું કે એવું કઈ રીતે કરી શકીએ.

^ ફકરો. 5 ઘણી સ્કૂલોમાં ટીચરો એમ પણ નથી કહેતા કે ઈશ્વરે બધું બનાવ્યું હોઈ શકે. તેઓને લાગે છે કે જો તેઓ એમ કહેશે તો તેઓ બાળકો પર ઈશ્વરમાં ભરોસો મૂકવાનું દબાણ કરી રહ્યા છે.

^ ફકરો. 7 ભણેલા-ગણેલા લોકો અને વૈજ્ઞાનિકોનાં ઇન્ટરવ્યૂ યહોવાના સાક્ષીઓની સંશોધન માર્ગદર્શિકામાં આપ્યાં છે. તમે એને “વિજ્ઞાન અને ટેક્નૉલૉજી” વિષય નીચે “‘ઇન્ટરવ્યૂ’ (સજાગ બનો! શૃંખલા)” વિભાગમાં જોઈ શકો.

^ ફકરો. 12 દાખલા તરીકે જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૧નું સજાગ બનોનો આ લેખ “શું બાઇબલ અને વિજ્ઞાન સુમેળમાં છે?” અને જાન્યુઆરી–માર્ચ ૨૦૦૮નું ચોકીબુરજનો (હિંદી) આ લેખ “યહોવા કા વચન પથ્થર કી લકીર હે” જુઓ.