સ્કીપ ટુ કન્ટેન્ટ

ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?

ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?

શાસ્ત્રમાંથી જવાબ

 “ગુજરી ગયેલાઓનું જીવતા થવું” અથવા “પુનરુત્થાન” માટે બાઇબલમાં મૂળ ગ્રીક શબ્દ એનાસ્તાસીસ વપરાયો છે, જેનો અર્થ થાય, “ઊઠવું; ઊભા થવું.” જ્યારે એક વ્યક્તિને મરણમાંથી જીવતી કરવામાં આવે છે, ત્યારે તેને ફરી જીવન આપવામાં આવે છે. (૧ કોરીંથીઓ ૧૫:૧૨, ૧૩) તેનો ફરી જન્મ (પુનર્જન્મ) નથી થતો.

 ભલે “ગુજરી ગયેલાઓનું જીવતા થવું” શબ્દો હિબ્રૂ શાસ્ત્રવચનો અથવા જૂના કરારમાં જોવા નથી મળતા, પણ એ શિક્ષણ વિશે ત્યાં જોવા મળે છે. દાખલા તરીકે, હોશિયા પ્રબોધક દ્વારા ઈશ્વરે વચન આપ્યું હતું: “હું મારા લોકોને કબરના બંધનમાંથી છોડાવીશ, હું તેઓને મોતના પંજામાંથી મુક્ત કરીશ.”—હોશિયા ૧૩:૧૪; અયૂબ ૧૪:૧૩-૧૫; યશાયા ૨૬:૧૯; દાનિયેલ ૧૨:૨, ૧૩.

 લોકોને ક્યાં જીવતા કરવામાં આવશે? અમુક લોકોને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજાઓ તરીકે રાજ કરશે. (૨ કોરીંથીઓ ૫:૧; પ્રકટીકરણ ૫:૯, ૧૦) બાઇબલમાં લખ્યું છે કે ‘મરણમાંથી જીવતા થવામાં તેઓ પહેલા છે’ અને તેઓને ‘પ્રથમ જીવતા કરવામાં આવશે.’ (પ્રકટીકરણ ૨૦:૬; ફિલિપીઓ ૩:૧૧) એનાથી જાણવા મળે છે કે, બીજાઓને પછીથી જીવતા કરવામાં આવશે. તેઓને પૃથ્વી પર જીવન આપવામાં આવશે. એવા લાખો-કરોડો લોકો આ પૃથ્વી પર રહેશે અને હંમેશ માટેના જીવનનો આનંદ માણશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

 લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે? ઈશ્વરે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ ઈસુને આપી છે. (યોહાન ૧૧:૨૫) ઈસુ એ બધાને જીવતા કરશે, “જેઓ કબરમાં છે.” તેઓને પોતાનું વ્યક્તિત્વ, યાદશક્તિ અને ઓળખ પાછાં આપવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯) જેઓને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે, તેઓને સ્વર્ગદૂતો જેવું શરીર આપવામાં આવશે. પણ જેઓને પૃથ્વી પર જીવતા કરવામાં આવશે, તેઓને ખોડખાંપણ વગરનું તંદુરસ્ત શરીર આપવામાં આવશે.—યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬; ૧ કોરીંથીઓ ૧૫:૪૨-૪૪, ૫૦.

 કોને જીવતા કરવામાં આવશે? બાઇબલમાં લખ્યું છે: “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) સારા લોકોમાં નૂહ, સારાહ અને ઇબ્રાહિમ જેવા વફાદાર ભક્તોનો સમાવેશ થાય છે. (ઉત્પત્તિ ૬:૯; હિબ્રૂઓ ૧૧:૧૧; યાકૂબ ૨:૨૧) ખરાબ લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓએ ઈશ્વરની આજ્ઞા પાળી નથી, કેમ કે તેઓને કદી ઈશ્વરને ઓળખવાની તક મળી નથી.

 પણ અમુક લોકો એટલા ખરાબ છે કે તેઓ કદી નહિ સુધરે. એવા લોકોને મરણમાંથી જીવતા કરવામાં નહિ આવે.—માથ્થી ૨૩:૩૩; હિબ્રૂઓ ૧૦:૨૬, ૨૭.

 ગુજરી ગયેલાઓને ક્યારે જીવતા કરવામાં આવશે? બાઇબલમાં લખ્યું છે કે જેઓને સ્વર્ગમાં જીવન મળવાનું છે, તેઓને ખ્રિસ્તની હાજરી દરમિયાન ઉઠાડવામાં આવશે. (૧ કોરીંથીઓ ૧૫:૨૧-૨૩) એ સમયની શરૂઆત ઈસુ રાજા બન્યા ત્યારથી, એટલે કે ૧૯૧૪થી થઈ છે. જેઓને પૃથ્વી પર જીવન મળવાનું છે, તેઓને ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજ દરમિયાન ઉઠાડવામાં આવશે. (લૂક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૦:૬, ૧૨, ૧૩) એ સમયે પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં આવશે.

 આપણે કેમ ભરોસો કરી શકીએ કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે? બાઇબલમાં એવા નવ લોકો વિશે જણાવ્યું છે, જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા હતા. લોકોએ એ બનાવ નજરોનજર જોયા હતા. (૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; ૨ રાજાઓ ૪:૩૨-૩૭; ૧૩:૨૦, ૨૧; લૂક ૭:૧૧-૧૭; ૮:૪૦-૫૬; યોહાન ૧૧:૩૮-૪૪; પ્રેરિતોનાં કાર્યો ૯:૩૬-૪૨; ૨૦:૭-૧૨; ૧ કોરીંથીઓ ૧૫:૩-૬) દાખલા તરીકે, લાજરસનો વિચાર કરો. તેને ગુજરી ગયે ચાર દિવસ થયા હતા. તોપણ ઈસુએ તેને જીવતો કર્યો. ઈસુએ એ ચમત્કાર ટોળાની સામે કર્યો હતો. (યોહાન ૧૧:૩૯, ૪૨) ઈસુના વિરોધીઓએ પણ સ્વીકારવું પડ્યું કે ઈસુએ લાજરસને જીવતો કર્યો છે. એ કારણે તેઓએ ઈસુ અને લાજરસને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.—યોહાન ૧૧:૪૭, ૫૩; ૧૨:૯-૧૧.

 બાઇબલ જણાવે છે કે ઈશ્વર પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ છે અને તે એમ કરવા ચાહે પણ છે. ઈશ્વરની યાદશક્તિ અપાર છે. તે જેઓને જીવતા કરવાના છે, તેઓની એકેએક વાત તેમને યાદ છે. એટલે તે પોતાની શક્તિથી તેઓને જીવતા કરી શકે છે. (અયૂબ ૩૭:૨૩; માથ્થી ૧૦:૩૦; લૂક ૨૦:૩૭, ૩૮) ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે અને એમ કરવાની તેમના દિલની તમન્‍ના પણ છે. એ વિશે બાઇબલમાં લખ્યું છે: “તમે તમારા હાથની રચના જોવા ખૂબ આતુરતાથી રાહ જોશો.”—અયૂબ ૧૪:૧૫.

ગુજરી ગયેલાઓના જીવતા થવા વિશે ખોટી માન્યતાઓ

 ખોટી માન્યતા: મરણમાંથી જીવતા થવાનો અર્થ થાય કે વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, તે બીજા ખોળિયામાં જન્મ લે છે.

 હકીકત: બાઇબલ શીખવે છે કે કોઈ વ્યક્તિનું મરણ થાય છે ત્યારે તે ધૂળમાં મળી જાય છે, તેનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. બાઇબલ એમ પણ શીખવે છે કે આપણામાં આત્મા જેવું કંઈ હોતું નથી. (ઉત્પત્તિ ૨:૭; સભાશિક્ષક ૯:૫, ૧૦) એટલે આત્મા બીજા ખોળિયામાં જન્મ લેતો નથી. મરણમાંથી જીવતા થવાનો અર્થ એ છે કે ગુજરી ગયેલી વ્યક્તિને જ ફરી જીવન આપવામાં આવે છે.

 ખોટી માન્યતા: અમુક લોકોને જીવતા કરવામાં આવે છે અને પછી તેઓનો તરત જ નાશ કરવામાં આવે છે.

 હકીકત: બાઇબલમાં લખ્યું છે: “જેઓએ દુષ્ટ કામો કર્યાં છે, તેઓ સજાને [અથવા, ન્યાયને] લાયક ઠરશે.” (યોહાન ૫:૨૯) કયાં કામો માટે ન્યાય કરવામાં આવશે? તેઓને જીવતા કરવામાં આવ્યા એ પહેલાંનાં કામો માટે નહિ, પણ તેઓને જીવતા કરવામાં આવશે એ પછીનાં કામો માટે તેઓનો ન્યાય કરવામાં આવશે. ઈસુએ કહ્યું હતું: “ગુજરી ગયેલા લોકો ઈશ્વરના દીકરાનો અવાજ સાંભળશે. જેઓએ તેની વાત માની છે તેઓ જીવશે.” (યોહાન ૫:૨૫) જેઓને જીવતા કરવામાં આવશે, તેઓ જો ઈશ્વરની વાત માનશે, એટલે કે તેમની આજ્ઞાઓ પાળશે, તો તેઓનું નામ ‘જીવનના વીંટામાં’ લખવામાં આવશે.—પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩.

 ખોટી માન્યતા: વ્યક્તિને જીવતી કરવામાં આવે છે ત્યારે, તેને એ જ શરીર આપવામાં આવે છે, જે મરણ પહેલાં હતું.

 હકીકત: મરણ પછી વ્યક્તિનું શરીર ધૂળમાં મળી જાય છે, એનો પૂરેપૂરો નાશ થાય છે.—સભાશિક્ષક ૩:૧૯, ૨૦.