સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૧: સાવધ રહેવું

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૧: સાવધ રહેવું

 જાતીય અત્યાચાર એટલે શું?

જુદા જુદા દેશોના કાયદા-કાનૂન પ્રમાણે એનો અર્થ અલગ અલગ હોય શકે. પણ સામાન્ય રીતે “જાતીય અત્યાચાર” શબ્દોનો અર્થ થાય કે, કોઈની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે જાતીય સંબંધ બાંધવો અને ક્યારેક તો બળજબરીથી એવું કરવું. એમાં બાળકો અને તરુણો સાથે કરવામાં આવતી જાતીય સતામણી તથા બળાત્કારનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહિ, જ્યારે ખૂબ જ નજીકનાં સગાં એવું શોષણ કરે અથવા ડૉક્ટર, શિક્ષક કે પાદરી જેવા લોકો વ્યક્તિને પોતાની વાસનાનો શિકાર બનાવે તો એને પણ જાતીય અત્યાચાર કહેવામાં આવે છે. જાતીય અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિને ઘણી વખત ધમકી આપવામાં આવે છે કે જો તે પોતાનું મોં ખોલશે, તો તેનું આવી બનશે, પછી ભલેને તેની જોડે જાતીય અત્યાચાર થયો હોય અથવા ફક્ત ગંદી બાબતો કહેવામાં આવી હોય.

એક અભ્યાસ પરથી જોવા મળે છે કે એકલા અમેરિકામાં દર વર્ષે લગભગ ૨૫ ટકા લોકો જાતીય અત્યાચારનો ભોગ બને છે. એમાંય લગભગ અડધા ભાગના લોકોની ઉંમર ૧૨થી ૧૮ વર્ષની વચ્ચે છે.

 તમારે શું જાણવું જોઈએ?

  • બાઇબલ જાતીય અત્યાચારને ધિક્કારે છે. બાઇબલમાં એક બનાવ વિશે જણાવવામાં આવ્યું છે, જે આશરે ૪,૦૦૦ વર્ષ પહેલાં બન્યો હતો. બે માણસો સદોમ શહેરમાં આવ્યા હતા. પોતાની વાસના પૂરી કરવા માંગતું એક કામાતુર ટોળું એ બે માણસો પર બળાત્કાર કરવા ચાહતું હતું. એટલે જ યહોવાએ એ શહેરનો નાશ કરી દીધો. (ઉત્પત્તિ ૧૯:૪-૧૩) આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં ઈશ્વરે મુસા નામના ઈશ્વરભક્ત દ્વારા નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં પણ ઈશ્વરે ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેઓ નજીકનાં સગાં સાથે જાતીય સંબંધ ન બાંધે અને તેઓ પર જાતીય અત્યાચાર ન કરે.—લેવીય ૧૮:૬.

  • જાતીય અત્યાચાર મોટા ભાગે ઓળખીતાઓ કરે છે. ટોકીંગ સેક્સ વીથ યોર કીડ નામનું પુસ્તક કહે છે, ‘બળાત્કારના ત્રણ કિસ્સામાંથી બે કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ પોતાના પર બળાત્કાર કરનાર વ્યક્તિને ઓળખતી હોય છે. બળાત્કાર કરનાર કંઈ અચાનક કચરાપેટી પાછળથી આવી ટપકેલી કોઈ અજાણી વ્યક્તિ હોતી નથી.’

  • છોકરા અને છોકરી બંને પર જાતીય અત્યાચાર થાય છે. અમેરિકામાં જાતીય અત્યાચારનો ભોગ બનેલા લોકોમાં આશરે ૧૦ ટકા છોકરાઓ હોય છે. જાતીય અત્યાચાર વિરુદ્ધ લડતા એક સંગઠનના (Rape, Abuse & Incest National Network, RAINN) કહેવા પ્રમાણે જાતીય અત્યાચારનો ભોગ બનેલા છોકરામાં ‘એવો ડર પેસી જાય છે કે આવા અત્યાચારથી તે ગે બની જશે’ અથવા ‘નપુંસક બની જશે.’

  • જાતીય અત્યાચારના વધતા બનાવોથી આપણને આશ્ચર્ય થતું નથી. બાઇબલની એક ભવિષ્યવાણી જણાવે છે કે “છેલ્લા દિવસોમાં” અમુક લોકો ‘પ્રેમભાવ વગરના, સંયમ ન રાખનારા અને ક્રૂર’ બની જશે. (૨ તિમોથી ૩:૧-૩) આવું વલણ એ લોકોમાં સાફ જોવા મળે છે, જેઓ પોતાની વાસના સંતોષવા બીજાઓનો ખોટો ઉપયોગ કરે છે.

  • જાતીય અત્યાચાર થાય ત્યારે ભોગ બનેલી વ્યક્તિનો વાંક હોતો નથી. વ્યક્તિ સાથે જાતીય અત્યાચાર થાય એમાં તેનો જ વાંક છે એવું કહેવું ખોટું છે. હકીકત તો એ છે કે જાતીય અત્યાચાર કરનાર વ્યક્તિ જ એના માટે જવાબદાર છે. પણ, કેટલીક સાવધાની રાખીને આપણે એવા અત્યાચારનો ભોગ બનતા બચી શકીએ છીએ.

 તમે શું કરી શકો?

  • તૈયાર રહો. અગાઉથી જ વિચારી રાખો કે જો કોઈ તમને સેક્સ કરવા દબાણ કરે, તો તમે શું કરશો, પછી ભલે એ વ્યક્તિ તમારી સંબંધી હોય અથવા તમે જેની સાથે લગ્‍ન કરવા માંગો છો તે હોય. એરીન નામની યુવતી સલાહ આપે છે કે જો તમે એવા કોઈ પણ સંજોગ વિશે તૈયાર રહેવા માંગો છો, તો તમારે પહેલેથી વિચારવું પડશે કે કેવા જોખમો આવી શકે અને એ વખતે તમે શું કરશો. તે જણાવે છે, ‘એવું કરવું કદાચ યોગ્ય ન લાગે, પણ જ્યારે એવા સંજોગો ઊભા થાય ત્યારે તમે પોતાને બચાવી શકો છો.’

    બાઇબલ કહે છે, “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. . . , કેમ કે દિવસો બહુ ખરાબ છે.”—એફેસીઓ ૫:૧૫, ૧૬.

    પોતાને પૂછો: ‘જો કોઈ મને અયોગ્ય રીતે અડકે તો હું શું કરીશ?’

  • છટકવાની તૈયારી રાખો. આરએઆઈએનએન સંગઠન સલાહ આપે છે કે ‘તમે કોઈ સંકેત કે કોઈ શબ્દ (code word) નક્કી કરી શકો જેનાથી તમારા કુટુંબીજનો કે મિત્રો જાણી શકે કે તમે મુસીબતમાં છો. પછી જો તમે કોઈ વ્યક્તિ સાથે હો અને તેનું વર્તન તમને યોગ્ય ન લાગે, તો તમે તરત જ તમારા કુટુંબીજનોને ફોન કરીને એ શબ્દ કહી શકશો અને સામેવાળી વ્યક્તિને ખબર પણ નહિ પડે. આમ, તમારા મિત્રો અથવા કુટુંબીજનો તમને આવીને લઈ જઈ શકે અથવા કોઈ બહાનું બનાવીને તમને ત્યાંથી બહાર કાઢી શકે.’

    બાઇબલ કહે છે, “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩

    પોતાને પૂછો: ‘મુસીબતમાંથી છટકવા મેં કઈ યોજના બનાવી છે?’

    હંમેશાં છટકવાની તૈયારી રાખો

  • હદ નક્કી કરો અને એને વળગી રહો. જો તમે ડેટિંગ કરતા હો, તો તમારા ભાવિ સાથી જોડે ચર્ચા કરીને નક્કી કરો કે કેવું વર્તન યોગ્ય કહેવાશે અને કેવું અયોગ્ય. જો તેને લાગે કે આવી રીતે હદ નક્કી કરવી મૂર્ખામી છે, તો તમે ખોટી વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહ્યા છો. તમારે એવી વ્યક્તિ શોધવી જોઈએ જે તમારા સંસ્કારોની અને નૈતિક ધોરણોની કદર કરે.

    બાઇબલ કહે છે: “પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનો જ લાભ જોતો નથી.”—૧ કોરીંથીઓ ૧૩:૪, ૫.

    પોતાને પૂછો: “મારાં નૈતિક ધોરણો કયાં છે? કેવું વર્તન યોગ્ય નહિ કહેવાય?”