સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વરને જોઈ શકો છો?

શું તમે ઈશ્વરને જોઈ શકો છો?

‘ઈશ્વર અદૃશ્ય છે.’ (૧ તીમોથી ૧:૧૭) તેમને કોઈ જોઈ શકતું નથી. તોપણ, બાઇબલ જણાવે છે કે અમુક ઈશ્વરભક્તોએ તેમને જોયા હતા. (હિબ્રૂ ૧૧:૨૭) એ કઈ રીતે બની શકે? શું “અદૃશ્ય ઈશ્વર”ને ખરેખર જોઈ શકાય?—કોલોસી ૧:૧૫.

ચાલો, આપણી સરખામણી જન્મથી જ અંધ વ્યક્તિ સાથે કરીએ. શું અંધ વ્યક્તિ તેની આસપાસની દુનિયાને જરાય પારખી શકતી નથી? ના, અમુક હદે પારખે છે. અંધ વ્યક્તિ અનેક રીતે માહિતી મેળવે છે, જેથી તે આસપાસની ચીજવસ્તુઓ, લોકો અને પ્રવૃત્તિઓ પારખી શકે છે. એક અંધ વ્યક્તિએ કહ્યું: ‘ભલે હું જોઈ નથી શકતો, પણ મનની આંખોથી આસપાસની દુનિયા પારખી શકું છું.’

એવી જ રીતે, આપણે નરી આંખે ઈશ્વરને જોઈ શકતા નથી. પણ, આપણા “જ્ઞાનચક્ષુ”થી એટલે કે મનની આંખોથી ઈશ્વરને જોઈ શકીએ છીએ. (એફેસી ૧:૧૮) એ વિશે ચાલો ત્રણ રીતની ચર્ચા કરીએ.

‘સર્જન કરેલી વસ્તુઓથી સ્પષ્ટ જણાય છે’

અંધ વ્યક્તિની સાંભળવાની અને સ્પર્શ કરવાની ઇંદ્રિયો વધારે તેજ હોય છે. તે જોઈ શકતી નથી તોપણ વસ્તુઓને પારખી શકે છે. એવી જ રીતે, આપણે પોતાની ઇંદ્રિયોનો ઉપયોગ કરીને આપણી આસપાસની દુનિયાને પારખી શકીએ છીએ. તેમ જ, એના પરથી સર્જનહારને જોઈ શકીએ છીએ. બાઇબલ જણાવે છે: ‘તેમના અદૃશ્ય ગુણો જગત ઉત્પન્ન થયું ત્યારથી સર્જન કરેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.’—રોમનો ૧:૨૦.

દાખલા તરીકે, આપણી પૃથ્વી. એને સુંદર રીતે બનાવવામાં આવી છે. આપણે ફક્ત જીવીએ એ રીતે નથી બનાવી. પણ, જીવનનો ખરો આનંદ માણી શકીએ એ રીતે બનાવી છે. જેમ કે, આપણે મંદ મંદ પવન અને કૂણો કૂણો તાપ અનુભવીએ, મધ-મીઠા ફળોનો સ્વાદ અને પક્ષીઓના મધુર કલરવનો આનંદ માણીએ છીએ. એ બધામાં આપણને સર્જનહારનું ડહાપણ, તેમની કોમળ લાગણી અને ઉદારતા જોવા મળે છે.

વિશ્વનું નિરીક્ષણ કરવાથી ઈશ્વર વિશે શું શીખવા મળે છે? વિશ્વની રચના પરથી જોવા મળે છે કે ઈશ્વર પાસે કેટલી શક્તિ છે! તાજેતરમાં વૈજ્ઞાનિક પુરાવાઓથી જાણવા મળ્યું છે કે વિશ્વનું વિસ્તાર વધી રહ્યું છે. એ પણ બહુ ઝડપથી વધી રહ્યું છે. રાતના આપણે આકાશમાં તારાઓ જોઈએ તેમ, આ સવાલનો વિચાર કરીએ: ઝડપથી વધી રહેલા વિશ્વના વિસ્તાર પાછળ રહેલી શક્તિ ક્યાંથી આવે છે? બાઇબલ જણાવે છે કે સર્જનહાર “મહા સમર્થ” છે. એટલે કે, તેમની પાસે અપાર શક્તિ છે. (યશાયા ૪૦:૨૬) ઈશ્વરની કરામત દર્શાવે છે કે તે ‘સર્વશક્તિમાન અને મહા પરાક્રમી છે.’—અયૂબ ૩૭:૨૩.

‘ઈશ્વરને ઈસુએ પ્રગટ કર્યા’

બે અંધ બાળકોની માતા કહે છે: “અંધ બાળકો શીખી શકે માટે વાણી ખૂબ જ મહત્ત્વની છે. તમે જે કંઈ જુઓ કે સાંભળો એ તેઓને કાયમ જણાવતા રહેવું પડે. આમ, તમે જાણે તેઓની આંખો છો.” એવી જ રીતે, ‘ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી.’ પણ, ઈશ્વરના દીકરા ઈસુ ‘જે તેમની ગોદમાં છે તેમણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.’ (યોહાન ૧:૧૮) ઈશ્વરે સ્વર્ગમાં સૌથી પ્રથમ ઈસુનું સર્જન કર્યું. એટલે, બાઇબલ તેમને એકાકીજનિત દીકરા તરીકે ઓળખાવે છે. સ્વર્ગનું દૃશ્ય જોવા માટે ઈસુ જાણે આપણી “આંખો” બને છે. ફક્ત તે જ આપણને ઈશ્વર વિશે ખરી માહિતી આપી શકે છે.

ઈસુએ યુગોના યુગ ઈશ્વરપિતા સાથે સમય વિતાવ્યો છે. ઈશ્વર વિશે તેમણે શું કહ્યું એની નોંધ કરો:

  • ઈશ્વર કામ કરતા થાકતા નથી. ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે.’—યોહાન ૫:૧૭.

  • ઈશ્વર આપણી જીવન જરૂરિયાતો જાણે છે. ‘જેની તમને જરૂર છે, એ આપણા ઈશ્વરપિતા પાસે માગ્યા અગાઉ તે જાણે છે.’—માથ્થી ૬:૮.

  • ઈશ્વર ઉદાર રીતે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. ‘ઈશ્વરપિતા સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.’—માથ્થી ૫:૪૫.

  • ઈશ્વર આપણને મૂલ્યવાન ગણે છે. ‘પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’—માથ્થી ૧૦:૨૯-૩૧.

ઈશ્વર જેવા જ ઈસુના ગુણો

અંધ વ્યક્તિની પારખવાની રીત સામાન્ય વ્યક્તિ કરતાં અલગ હોય છે. અંધ વ્યક્તિ સૂરજનો તાપ કે છાંયો જોઈ શકતી નથી. તેને કોઈની મદદની જરૂર પડે જેથી એ સમજી અને પારખી શકે. એવી જ રીતે મનુષ્ય પણ પોતાની મેળે યહોવાને જોઈ કે સમજી શકતા નથી. એટલે, યહોવાએ એક વ્યક્તિની ગોઠવણ કરી, જેમનામાં તેમના જેવા જ સ્વભાવ અને ગુણો હતા.

એ છે ઈસુ ખ્રિસ્ત. (ફિલિપી ૨:૭) ઈસુએ પિતા વિશે વાતો જ ન કરી, પણ ઈશ્વરના ગુણો વિશે આપણને વાણી-વર્તનથી બતાવ્યું. ઈસુના શિષ્ય ફિલિપે કહ્યું: ‘પ્રભુ, અમને પિતા દેખાડ.’ ઈસુએ કહ્યું: ‘જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે.’ (યોહાન ૧૪:૮, ૯) ઈસુના જીવનથી આપણને ઈશ્વર વિશે શું ‘જોવા’ મળે છે?

ઈસુ નમ્ર, પ્રેમાળ અને મળતાવડા હતા. (માથ્થી ૧૧:૨૮-૩૦) એવા સ્વભાવને લીધે લોકો તેમની પાસે આવતા અચકાતા નહિ. લોકોનું દુઃખ જોઈને ઈસુને દુઃખ થતું અને તેઓના આનંદમાં તે હરખાતા. (લુક ૧૦:૧૭, ૨૧; યોહાન ૧૧:૩૨-૩૫) ઈસુ વિશે બાઇબલમાંથી વાંચીએ તેમ કલ્પના કરીએ કે આપણે ત્યાં છીએ અને બનાવો નજરે જોઈ રહ્યાં છીએ. ઈસુ જે રીતે લોકો સાથે વર્ત્યા એના પર મનન કરવાથી, આપણે ઈશ્વરનો સ્વભાવ અને ગુણો સારી રીતે સમજી શકીશું. તેમ જ, ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકીશું.

માહિતી ભેગી કરવી

અંધ વ્યક્તિ દુનિયાને જે રીતે પારખે છે એ વિશે એક લેખિકા જણાવે છે: ‘અંધ વ્યક્તિ માહિતીને અનેક રીતે મેળવે છે. જેમ કે, સ્પર્શીને, સૂંઘીને અને સાંભળીને. મળેલી માહિતીને ભેગી કરીને તે મનમાં ચિત્ર ઊભું કરે છે.’ એ જ રીતે, આપણે ઈશ્વરની કરામતો તપાસવી જોઈએ. યહોવા વિશે ઈસુએ જે કહ્યું એ વાંચવું જોઈએ. ઈશ્વરના ગુણો ઈસુએ કઈ રીતે બતાવ્યા એ પર મનન કરવું જોઈએ. એમ કરવાથી મનની આંખોથી યહોવા ઈશ્વરનું સુંદર ચિત્ર જોઈ શકીશું. તેમના ગુણો અને સ્વભાવ સારી રીતે પારખી શકીશું.

ઘણી સદીઓ પહેલાં ઈશ્વરભક્ત અયૂબને પણ એવો અનુભવ થયો હતો. શરૂઆતમાં તે ‘સમજ્યા’ વગર બોલ્યા હતા. (અયૂબ ૪૨:૩) પરંતુ, ઈશ્વરની અનોખી કરામતો ધ્યાનથી તપાસ્યા પછી, કદર બતાવતા તેમણે આમ કહ્યું: ‘મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું; પણ હવે હું તમને નજરે જોઉં છું.’—અયૂબ ૪૨:૫.

‘જો તમે યહોવાને શોધશો તો તે તમને જડશે’

તમારા કિસ્સામાં પણ એવું બની શકે. ‘જો તમે યહોવા ઈશ્વરને શોધશો તો તે તમને જડશે.’ (૧ કાળવૃત્તાંત ૨૮:૯) ઈશ્વરને શોધવા અને તેમને ઓળખવા યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી તમને મદદ કરશે. (w14-E 07/01)