સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | શું મરણ મનુષ્યોનો અંત છે?

મરણ પછી શું?

મરણ પછી શું?

યરૂશાલેમથી ત્રણ કિલોમીટર દૂર બેથાનીઆ નામનું નાનું ગામ આવેલું હતું. (યોહાન ૧૧:૧૮) ઈસુના મરણના થોડાં અઠવાડિયાં પહેલાં ત્યાં એક દુર્ઘટના થઈ હતી. ઈસુના ખાસ મિત્રોમાંનો એક લાજરસ, અચાનક ખૂબ બીમાર પડ્યો અને મરણ પામ્યો.

ઈસુને એની જાણ થઈ ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે લાજરસ ઊંઘી ગયો છે અને પોતે તેને ઉઠાડવા માંગે છે. (યોહાન ૧૧:૧૧) પણ ઈસુના શિષ્યો એનો અર્થ સમજી ન શક્યા. એટલે ઈસુએ સ્પષ્ટ જણાવ્યું કે, “લાજરસ મરી ગયો છે.”—યોહાન ૧૧:૧૪

લાજરસને દફનાવ્યાના ચાર દિવસ પછી તેમની બહેન મારથાને દિલાસો આપવા ઈસુ બેથનિયા આવ્યા. મારથાએ કહ્યું, ‘જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.’ (યોહાન ૧૧:૧૭, ૨૧) ઈસુએ કહ્યું, ‘પાછો ઉઠાડનાર અને જીવન આપનાર હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે મરી જાય તોપણ જીવતો થશે.’—યોહાન ૧૧:૨૫.

“લાજરસ, બહાર આવ”

એ શબ્દો ફક્ત કહેવા ખાતર ન હતા એની સાબિતી આપવા ઈસુએ કબર પાસે જઈને પોકાર કર્યો, “લાજરસ, બહાર આવ.” (યોહાન ૧૧:૪૩) ગુજરી ગયેલો લાજરસ બહાર આવ્યો એ જોઈને લોકો નવાઈ પામ્યા.

આ બનાવ પહેલાં ઈસુએ બે વ્યક્તિઓને જીવતી કરી હતી. એક પ્રસંગે, તેમણે યાઈરસની યુવાન દીકરીને જીવતી કરી. ઈસુએ તેને જીવતી કરતાં પહેલાં કહ્યું હતું કે તે ઊંઘી ગઈ છે.—લુક ૮:૫૨.

નોંધ લો કે લાજરસ અને યાઈરસની દીકરીના મરણને ઈસુએ ભરઊંઘ સાથે સરખાવ્યું હતું. એ સરખામણી યોગ્ય છે. શા માટે? ભરઊંઘમાં વ્યક્તિને કંઈ ખબર પડતી નથી. તેને કોઈ દુઃખ થતું નથી કે પીડા થતી નથી. (સભાશિક્ષક ૯:૫;  “મરણ ભરઊંઘ જેવું છે” બૉક્સ જુઓ.) મૂએલાઓની ખરી સ્થિતિ વિશે ઈસુના શિષ્યોને સ્પષ્ટ જાણકારી હતી. ‘ઈસુના અનુયાયીઓ માટે જેઓ ગુજરી ગયા છે તેઓનું મરણ ઊંઘ સમાન હતું અને કબર એ આરામ કરવાની જગ્યા,’ * એવું ધર્મ અને સંસ્કાર વિશેનો જ્ઞાનકોશ (અંગ્રેજી) જણાવે છે.

એ જાણીને આપણને દિલાસો મળે છે કે મૂએલાઓની સ્થિતિ જાણે ભરઊંઘ જેવી છે અને તેઓને કોઈ પીડા થતી નથી. મરણનું કોઈ રહસ્ય નથી અને એનાથી આપણે ડરવાની કોઈ જરૂર નથી.

“શું મૂએલો માણસ સજીવન થાય?”

રાતની ઊંઘનો આનંદ માણ્યા પછી કોણ હંમેશ માટે સૂઈ જવા ઇચ્છશે? લાજરસ અને યાઇરસની દીકરીને પાછા ઉઠાડ્યા હતા. એ જ રીતે, જેઓ મરણની ઊંઘમાં છે તેઓને પાછા ઉઠાડવામાં આવશે, એવી કઈ ખાતરી છે?

અયૂબને લાગ્યું કે પોતે મરણની નજીક છે ત્યારે તેમણે એવો જ સવાલ પૂછ્યો હતો કે, “શું મૂએલો માણસ સજીવન થાય?”—અયૂબ ૧૪:૧૪.

અયૂબે પોતાના સવાલનો જવાબ સર્વશક્તિમાન ઈશ્વરને આમ કહેતા આપ્યો: ‘તું બોલાવીશ ત્યારે હું તને ઉત્તર આપીશ; તારા હાથનાં કામો પર તું મમતા રાખીશ.’ (અયૂબ ૧૪:૧૫) અયૂબને ખાતરી હતી કે યહોવા એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે તે પોતાના વફાદાર ભક્તોને પાછા ઉઠાડશે. શું અયૂબ અશક્ય વાત વિચારતા હતા? બિલકુલ નહિ.

ઈસુએ ગુજરી ગયેલાઓને પાછા ઉઠાડ્યા એ સાબિતી આપે છે કે, ઈશ્વરે ઈસુને મરણ પર અધિકાર આપ્યો હતો. હકીકતમાં બાઇબલ જણાવે છે કે, હમણાં ઈસુ પાસે ‘મરણની ચાવીઓ’ છે. (પ્રકટીકરણ ૧:૧૮) લાજરસને મરણમાંથી પાછા ઉઠાડવાનો ઈસુ પાસે અધિકાર હતો, એવી જ રીતે ભવિષ્યમાં લોકોને પાછા ઉઠાડવાનો તેમની પાસે પૂરો અધિકાર છે.

ગુજરી ગયેલાઓને પાછા જીવતા કરવાના વચન વિશે બાઇબલ વારંવાર જણાવે છે. એક સ્વર્ગદૂતે દાનીયેલને ખાતરી આપતા કહ્યું: ‘તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું પાછો ઊઠીશ.’ (દાનીયેલ ૧૨:૧૩, કોમન લેંગ્વેજ) સાદુકીઓ અને યહુદી ધર્મગુરુઓ માનતા ન હતા કે ગુજરી ગયેલી વ્યક્તિને પાછી જીવતી કરવામાં આવશે. તેથી, ઈસુએ તેઓને કહ્યું: “ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો.” (માથ્થી ૨૨:૨૩, ૨૯) પ્રેરિત પાઊલે કહ્યું: ‘ન્યાયીઓ તથા અન્યાયીઓને પાછા ઉઠાડવામાં આવશે, એવી હું પણ ઈશ્વર વિશે આશા રાખું છું.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

ગુજરી ગયેલાઓ ક્યારે જીવતા થશે?

ન્યાયીઓ અને અન્યાયીઓને ક્યારે પાછા ઉઠાડવામાં આવશે? દાનીયેલને સ્વર્ગદૂતે કહ્યું હતું કે “અંતના સમયે” તને પાછો ઉઠાડવામાં આવશે. મારથા પણ માનતી હતી કે પોતાનો ભાઈ લાજરસ ‘છેલ્લા દિવસે પાછો ઊઠશે.’—યોહાન ૧૧:૨૪.

બાઇબલ ‘છેલ્લા દિવસને’ ખ્રિસ્તના રાજ્ય સાથે સાંકળે છે. પાઊલે લખ્યું: “તે [ખ્રિસ્ત] પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.” (૧ કોરીંથી ૧૫:૨૫, ૨૬) આ પણ એક કારણ છે કે આપણે ઈશ્વરનું રાજ્ય આવે અને ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ.  *

અયૂબ સારી રીતે જાણતા હતા કે ગુજરી ગયેલાઓને ફરી ઉઠાડવાની ઈશ્વરની ઇચ્છા છે. એ દિવસ આવશે ત્યારે મરણને કાઢી નાખવામાં આવશે. ત્યારે કોઈ નહિ કહે કે, ‘મરણ એટલે જીવનનો અંત.’ (w14-E 01/01)

^ ફકરો. 8 “કબ્રસ્તાન” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, “સૂવાની જગ્યા.”

^ ફકરો. 18 ઈશ્વરના રાજ્ય વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૮ જુઓ, આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.jw.org.