સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

શાસ્ત્રમાંથી જવાબ

 ઘણા લોકોને સવાલ થાય છે કે ઈશ્વરે તેઓને કેમ બનાવ્યા. એટલે તેઓ આવા સવાલ પૂછે છે: ‘આપણે દુનિયામાં કેમ આવ્યા? અથવા શું મારા જીવનનો કોઈ હેતુ છે?’ પવિત્ર શાસ્ત્રમાં આપણા જીવનનો હેતુ જણાવ્યો છે. એ છે, આપણે ઈશ્વરના દોસ્ત બનીએ. એને લગતી માહિતી શાસ્ત્રમાં આપી છે. ચાલો એ વિશે જોઈએ:

  •   ઈશ્વર આપણા સર્જનહાર છે. બાઇબલ કહે છે: “[ઈશ્વરે] આપણું સર્જન કર્યું છે,” આપણે પોતાને નથી બનાવ્યા.—ગીતશાસ્ત્ર ૧૦૦:૩; પ્રકટીકરણ ૪:૧૧.

  •   ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે એની પાછળ કોઈ ને કોઈ હેતુ છે. આપણને બનાવવાનો પણ એક હેતુ છે.—યશાયા ૪૫:૧૮.

  •   ઈશ્વરે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણામાં તેમનું ‘માર્ગદર્શન મેળવવાની ભૂખ છે.’ (માથ્થી ૫:૩) એમાં જીવનનો હેતુ જાણવાનો પણ સમાવેશ થાય છે. ઈશ્વર આપણી એ ઇચ્છા પૂરી કરવા ચાહે છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

  •   ઈશ્વર સાથે દોસ્તી બાંધીને આપણે એ ઇચ્છા પૂરી કરી શકીએ છીએ. પણ ઘણાને લાગે છે, ‘ઈશ્વર તો બહુ દૂર રહે છે, તેમની સાથે દોસ્તી કઈ રીતે કરી શકાય?’ એટલે શાસ્ત્રમાં ઈશ્વરે પોતે વચન આપ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮; ૨:૨૩.

  •   ઈશ્વરના દોસ્ત બનવા જરૂરી છે કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે જીવીએ. તેમની ઇચ્છા શું છે? એ વિશે સભાશિક્ષક ૧૨:૧૩માં લખ્યું છે: “સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી, એ જ માણસની ફરજ છે.”

  •   ઈશ્વર બહુ જલદી બધી જ તકલીફો દૂર કરશે અને તેમના દોસ્તોને, એટલે કે તેમના ભક્તોને હંમેશ માટેનું જીવન આપશે. એ સમયે આપણે પૂરી રીતે એ હેતુ પ્રમાણે જીવી શકીશું, જે માટે તેમણે આપણને બનાવ્યા છે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.