સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો

તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો

તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો

“પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે.”—૧ કોરીં. ૭:૧૦.

તમે સમજાવી શકો?

કયા અર્થમાં ઈશ્વરે લગ્‍નસાથીઓને જોડ્યા છે?

જેઓના લગ્‍નમાં મુશ્કેલીઓ છે, તેઓને વડીલો કેવી મદદ આપી શકે?

લગ્‍નને આપણે કેવું ગણવું જોઈએ?

૧. ખ્રિસ્તીઓએ લગ્‍નને કેવું ગણવું જોઈએ અને શા માટે?

 બે ખ્રિસ્તી વ્યક્તિઓ જ્યારે લગ્‍ન કરે છે, ત્યારે તેઓ ઈશ્વર આગળ વચન લે છે. એટલે, લગ્‍નની જવાબદારીને તેઓએ ખૂબ ગંભીર ગણવી જોઈએ. (સભા. ૫:૪-૬) યહોવાએ લગ્‍નની ગોઠવણ કરી છે. તેથી, જ્યારે બે વ્યક્તિઓ લગ્‍ન કરે છે, ત્યારે યહોવા જાણે તેઓને લગ્‍નબંધનમાં ‘જોડે છે.’ (માર્ક ૧૦:૯) કોઈ દેશના નિયમો ભલે ગમે તે હોય ઈશ્વરની નજરમાં પતિ-પત્ની એકબીજા સાથે જોડાયેલા છે. યહોવાના ભક્તો પણ લગ્‍નબંધનને તેમની નજરે જુએ છે. આ સિદ્ધાંત એવા ખ્રિસ્તી પતિ-પત્નીઓને પણ લાગુ પડે છે, જેઓએ લગ્‍ન કર્યાં ત્યારે યહોવાની ભક્તિ કરતા ન હતા.

૨. આ લેખમાં આપણે કયા સવાલોને ચર્ચા કરીશું?

સફળ લગ્‍નજીવનથી ઘણી ખુશી મળે છે. પરંતુ, જો પતિ-પત્ની વચ્ચે તણાવ ઊભો થાય તો શું કરવું જોઈએ? શું એક કમજોર લગ્‍નબંધનને મજબૂત બનાવી શકાય? જેઓનું લગ્‍ન જોખમમાં છે, શું તેઓ માટે કોઈ મદદ છે?

તમારું લગ્‍ન સફળ જશે કે નિષ્ફળ?

૩, ૪. લગ્‍નસાથી પસંદ કરતી વખતે, જો વ્યક્તિ સમજદારી વગરનો નિર્ણય લઈએ તો શું થઈ શકે?

ખ્રિસ્તી યુગલનું લગ્‍ન સફળ બને છે, ત્યારે યહોવાને ઘણો આનંદ અને મહિમા મળે છે. પરંતુ, લગ્‍ન નિષ્ફળ જાય તો, એનાથી યુગલને ઘણું દુઃખ સહેવું પડે છે. જો અપરિણીત વ્યક્તિ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે લગ્‍ન કરશે, તો તેના લગ્‍નજીવનની શરૂઆત સારી બનશે. પરંતુ, એક વ્યક્તિ ખોટું પગલું ભરશે, તો તેણે કદાચ ઘણું દુઃખ સહેવું પડશે. દાખલા તરીકે, અમુક યુવાનો લગ્‍નજીવનની જવાબદારીઓ ઉપાડવા તૈયાર નથી હોતા, છતાં કોર્ટશીપ કરવાનું શરૂ કરી દે છે. અમુક વ્યક્તિઓ ઇંટરનેટ પર લગ્‍નસાથી શોધે છે અને ઉતાવળે લગ્‍નમાં ઝંપલાવી દે છે. એમ કરવાથી માઠાં પરિણામ આવે છે. જ્યારે કે બીજાઓ કોર્ટશીપ કરતી વખતે ગંભીર પાપ કરી બેસે છે. એમ કરીને તેઓ એકબીજા માટેનું માન ગુમાવી દે છે. જો તેઓ પછીથી લગ્‍ન કરે, તો તેઓના લગ્‍નબંધનની શરૂઆત બહુ નબળી થાય છે.

અમુક ભાઈ-બહેનોએ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાની આજ્ઞા પાળી નથી. તેઓના જીવનસાથી યહોવાના ભક્ત ન હોવાને લીધે ઘણું દુઃખ ભોગવવું પડ્યું છે. (૧ કોરીં. ૭:૩૯) જો તમે આવી સ્થિતિમાં હો, તો ઈશ્વર પાસે પ્રાર્થનામાં માફી અને મદદ માંગો. અગાઉ કરેલી ભૂલોને લીધે આવેલું પરિણામ ઈશ્વર દૂર નહિ કરે. પરંતુ, આગળ આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા જરૂર મદદ કરશે. (ગીત. ૧૩૦:૧-૪) ઈશ્વરને હમણાં અને સદા ખુશ કરતા રહેવા બનતું બધું કરો. એમ કરશો તો “યહોવાનો આનંદ” તમને મજબૂત કરશે.—નહે. ૮:૧૦.

લગ્‍નબંધન જોખમમાં હોય ત્યારે . . .

૫. જેઓનું લગ્‍નજીવન દુઃખી છે, તેઓએ કેવા વિચારો મનમાં ન લાવવા જોઈએ?

જેઓનું લગ્‍નજીવન દુઃખી છે, તેઓ કદાચ આવું કંઈક વિચારશે: ‘શું મારે લગ્‍નજીવન બચાવવું જોઈએ? કાશ, હું સમયમાં પાછો જઈ શકતો હોત, તો બીજા કોઈને જીવનસાથી પસંદ કરીને સુખી તો થયો હોત!’ પતિ કે પત્ની કદાચ પોતાનું લગ્‍ન તોડી નાંખવા આમ પણ વિચારે: ‘સ્વતંત્ર થવા કેમ નહિ કે હું છુટાછેડા લઈ લઉં. ભલે મને બાઇબલ આધારે છુટાછેડા ન મળે તોપણ, હું અલગ રહીને જીવનની મજા તો માણું!’ એવા ખોટા વિચારો અને સપના જોવાનું ટાળવું જોઈએ. જેઓનું લગ્‍નજીવન દુઃખી છે, તેઓએ ઈશ્વરનું માર્ગદર્શન લેવું જોઈએ અને પોતાના સંજોગો સુધારવા બનતું બધું જ કરવું જોઈએ.

૬. માત્થી ૧૯:૯માં ઈસુએ જે કહ્યું એ સમજાવો.

જો એક ખ્રિસ્તી પતિ કે પત્ની છુટાછેડા લેવા ઇચ્છે, તો તે બાઇબલને આધારે કદાચ ફરીથી પરણી શકે અથવા કદાચ નહિ. ઈસુએ કહ્યું: “વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” (માથ. ૧૯:૯) બાઇબલમાં “વ્યભિચાર” શબ્દનો અર્થ થાય કે લગ્‍નસાથી સિવાય કોઈની પણ સાથે જાતીય સંબંધ રાખવો. એ શબ્દમાં બીજા જાતીય પાપનો પણ સમાવેશ થાય છે.

૭. કોઈ સાક્ષીનું લગ્‍ન નિષ્ફળ જવાની અણીએ હોય તો, લોકો કદાચ શું વિચારશે?

મંડળમાં કોઈ ભાઈ કે બહેનનું લગ્‍નજીવન નિષ્ફળ જવાની અણીએ હોય તો, કદાચ શંકા ઊઠી શકે કે ‘શું તેઓ ખરેખર યહોવાનું કહ્યું કરે છે?’ પ્રેરિત પાઊલે આ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો: “જો કોઈ માણસ પોતાના ઘરનાંને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે?” (૧ તીમો. ૩:૫) હકીકતમાં, જો બંને સાથીઓ યહોવાના ભક્ત હોવાનો દાવો કરે, પણ તેઓનું લગ્‍ન નિષ્ફળ જવાની અણીએ હોય તો, લોકોને થશે કે ‘તેઓ જે પ્રચાર કરે છે, એ પોતે તો લાગુ પાડતા નથી.’—રોમ. ૨:૨૧-૨૪.

૮. લગ્‍નસાથી છૂટા પડવાનું વિચારે તો, ક્યાં ભૂલ થઈ છે?

કોઈ ભાઈ કે બહેન પોતાના લગ્‍નસાથીથી અલગ થવાનું અથવા બાઇબલના આધાર વગર છુટાછેડા લેવાનું વિચારતા હોઈ શકે. જો તેઓ એમ કરવાના હોય, તો એ બતાવે છે કે યહોવા સાથેના તેઓના સંબંધમાં મોટી ખામી છે. કદાચ એક અથવા બંને સાથી બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવામાં નિષ્ફળ ગયા છે. જો તેઓ ‘ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખે,’ તો તેઓ પોતાના લગ્‍નજીવનને બચાવી શકે છે.—નીતિવચનો ૩:૫, ૬ વાંચો.

૯. મુશ્કેલ સમયમાં અમુક પતિ કે પત્નીએ હાર ન માની હોવાથી તેઓને કેવા આશીર્વાદો મળ્યા?

એવાં ઘણાં લગ્‍નો હતાં જે પહેલાં તૂટવાની અણી પર હતા, પણ સમય જતાં એ લગ્‍નો સફળ થયાં છે. જ્યારે લગ્‍નમાં મુશ્કેલ સમય આવે છે, ત્યારે કેટલાક પતિ કે પત્નીએ હાર માની નથી. એટલે તેઓનું લગ્‍નજીવન સફળ બન્યું છે. જો તમારા જીવનસાથી યહોવાના ભક્ત ન હોય, તો શું કરી શકો? પ્રેરિત પીતરે લખ્યું: ‘પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની પત્નીઓનાં આચરણથી, એટલે તમારાં નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.’ (૧ પીત. ૩:૧, ૨) હા, એવું બન્યું છે કે સાથીના સારા વાણી-વર્તનથી તેમના પતિ કે પત્નીએ સત્ય સ્વીકાર્યું છે. લગ્‍ન બચાવવાથી યહોવાને મહિમા મળે છે. તેમ જ, પતિ-પત્ની અને બાળકોને પણ આશીર્વાદ મળે છે.

૧૦, ૧૧. લગ્‍નમાં કેવી અણધારી તકલીફો આવી શકે? પરંતુ કઈ ખાતરી મળે છે?

૧૦ યહોવાને ખુશ કરવા મોટા ભાગના અપરિણીત ભાઈ-બહેનો સત્યમાં જ લગ્‍ન કરે છે. એમ કર્યાં છતાં, તેઓના સંજોગો અણધાર્યો વળાંક લઈ લે છે. દાખલા તરીકે, અમુક કિસ્સામાં લગ્‍નસાથીને કોઈ ગંભીર માનસિક બીમારી થાય અથવા લગ્‍ન પછી જીવનસાથી સત્યમાં ઠંડા પડી જાય. એ સમજવા લીના બહેનનો * વિચાર કરો. તે ઈશ્વરભક્તિમાં ઘણા ઉત્સાહી છે અને બાળકોની સારી સંભાળ રાખે છે. પરંતુ, તેમના બાપ્તિસ્મા પામેલા પતિ ખોટા રસ્તે ચઢી ગયા. તેમના પતિએ પસ્તાવો ન કર્યો એટલે તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા. એ બધું થયું ત્યારે લીના ચાહીને પણ કશું જ કરી ન શક્યા. જો તમે આવા સંજોગોમાં આવી જાવ, તો શું કરી શકો?

૧૧ કોઈને સવાલ થઈ શકે: ‘ભલે ગમે તે પરિણામ આવે તોપણ, શું મારે પોતાનું લગ્‍ન બચાવવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ?’ શું કરવું કે ન કરવું, એનો નિર્ણય ફક્ત તમારે જ લેવો પડશે. યાદ રાખો કે નબળા પડી ગયેલા લગ્‍નને સુધારવાની આશા પકડી રાખવાના ઘણાં સારાં કારણો છે. ઈશ્વરથી કેળવાયેલા અંતરને લીધે જે પતિ કે પત્ની લગ્‍નબંધનની તકલીફોનો સામનો કરે છે, તે ઈશ્વરની નજરમાં કીમતી ગણાય છે. (૧ પીતર ૨:૧૯, ૨૦ વાંચો.) જેઓ પોતાનું લગ્‍નબંધન મજબૂત બનાવવા પૂરા પ્રયાસો કરે છે, તેઓને યહોવા પોતાની શક્તિ અને બાઇબલ દ્વારા મદદ આપે છે.

વડીલો મદદ કરવા તૈયાર છે

૧૨. વડીલો પાસે તમે મદદ માંગશો તો, તેઓ એને કઈ રીતે જોશે?

૧૨ જો તમારા લગ્‍નમાં કોઈ મુશ્કેલીઓ હોય, તો મંડળના વડીલોની મદદ લેતાં અચકાશો નહિ. ઘેટાંપાળક તરીકે વડીલો મંડળની સંભાળ રાખે છે. તેઓ ખુશીથી બાઇબલમાં આપેલી સલાહ પર તમારું ધ્યાન દોરશે. (પ્રે.કૃ. ૨૦:૨૮; યાકૂ. ૫:૧૪, ૧૫) એવું ન માનતા કે જો તમે લગ્‍નની મુશ્કેલીઓ વિષે વડીલો પાસે મદદ માંગશો, તો તેઓની નજરમાંથી માન ગુમાવી દેશો. એને બદલે, તમે ઈશ્વરને ખુશ કરવા ઇચ્છો છો, એ જોઈને તમારા માટે તેઓનું માન વધશે.

૧૩. પહેલો કોરીંથી ૭:૧૦-૧૬માં કઈ સલાહ મળે છે?

૧૩ અમુક ખ્રિસ્તી વ્યક્તિઓના જીવનસાથી યહોવાના ભક્ત હોતા નથી. તેઓ જ્યારે મદદ માંગે, ત્યારે વડીલો પાઊલની આ સલાહ તરફ ધ્યાન દોરે છે: ‘પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ. પણ જો તે જુદી થાય, તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો. અરે પત્ની, તું તારા પતિનું તારણ કરીશ કે નહિ એ તું શી રીતે જાણે? અથવા, અરે પતિ તું શી રીતે જાણે કે તું તારી પત્નીનું તારણ કરીશ કે નહિ?’ (૧ કોરીં. ૭:૧૦-૧૬) કોઈ જીવનસાથી યહોવાના ભક્ત બને એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!

૧૪, ૧૫. કયા સંજોગોમાં એક ખ્રિસ્તી વ્યક્તિ જુદા થવાનું વિચારી શકે? પરંતુ, શા માટે એ વિષે પ્રાર્થના કરીને પોતાની લાગણીઓ અને વિચારો તપાસવા જોઈએ?

૧૪ પરંતુ, કયા સંજોગોમાં એક ખ્રિસ્તી પત્ની ‘જુદી થઈ’ શકે? અમુકે જુદા થવાનું પસંદ કર્યું છે, કારણ કે પતિ તરફથી જાણી-જોઈને પૈસે-ટકે કોઈ જ મદદ મળતી નથી. જ્યારે કે કેટલીક પત્નીઓ શારીરિક અત્યાચારને લીધે જુદી થઈ જાય છે. અમુક એ કારણથી છૂટા થઈ જાય છે, કેમ કે પતિને લીધે ઈશ્વરની ભક્તિ કરવી તેઓ માટે અશક્ય બને છે.

૧૫ જુદા થવું કે નહિ એ નિર્ણય પતિ કે પત્નીએ જાતે લેવો પડશે. પણ એ વિષે વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ. તેમ જ, પોતાની લાગણીઓ અને વિચારોની તપાસ કરવી જોઈએ. વિચારો કે શું ખરેખર તમારા સાથી યહોવાની ભક્તિ કરવાથી તમને રોકે છે? કે પછી તમે પોતે બાઇબલ અભ્યાસ કરવાની અવગણના કરો છો, તેમ જ સભા અને પ્રચારમાં નિયમિત જતા નથી?

૧૬. શા માટે તરત જ છૂટાછેડા લેવાનો નિર્ણય ન લેવો જોઈએ?

૧૬ યહોવા સાથેના સંબંધની આપણે કદર કરીએ છીએ. તેમ જ, લગ્‍નની ગોઠવણને આપણે એક ભેટ ગણીએ છીએ. એટલે જ આપણે તરત જ છુટાછેડા લઈ લેવાનો વિચાર નથી કરતા. યહોવાના ભક્તો તરીકે આપણે તેમના પવિત્ર નામને મોટું મનાવવા ચાહીએ છીએ. તેથી, પહેલું લગ્‍ન તોડીને બીજું લગ્‍ન કરવાની ઇચ્છા કદી પણ રાખવી ન જોઈએ.—યિર્મે. ૧૭:૯; માલા. ૨:૧૩-૧૬.

૧૭. કેવા સંજોગોમાં કહી શકાય કે પતિ કે પત્નીને ‘ઈશ્વરે શાંતિમાં તેડ્યાં’ છે?

૧૭ ભલે કોઈ ભાઈ કે બહેનના જીવનસાથી યહોવાના ભક્ત ન હોય, છતાં તેમણે પોતાનું લગ્‍નબંધન ટકાવી રાખવા બનતું બધું જ કરવું જોઈએ. પરંતુ, તેમના બધા પ્રયત્નો છતાં, પોતાના સાથીને છૂટા થઈ જવું હોય, તો ભાઈ કે બહેને એવું ન વિચારવું જોઈએ કે એમાં પોતાનો વાંક છે. પાઊલે લખ્યું હતું કે ‘જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી. પણ ઈશ્વરે આપણને શાંતિમાં તેડ્યાં છે.’—૧ કોરીં. ૭:૧૫.

યહોવા પર આધાર રાખો

૧૮. છુટાછેડા થઈ જાય તોપણ, શા માટે પોતાનું લગ્‍ન બચાવવા કરેલાં પ્રયત્નોથી સારાં પરિણામ આવી શકે?

૧૮ લગ્‍નમાં મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા પાસે હિંમત માંગો અને હંમેશા તેમના પર આધાર રાખો. (ગીતશાસ્ત્ર ૨૭:૧૪ વાંચો.) લીના બહેનનો ફરીથી વિચાર કરો. તેમણે ઘણા વર્ષો પોતાનું લગ્‍ન બચાવવા સખત પ્રયત્નો કર્યા, તોય તેમના છુટાછેડા થઈ ગયા. શું તેમને એવું લાગે છે કે લગ્‍ન બચાવવા તેમણે સમય બગાડ્યો? તે જણાવે છે કે ‘મને જરાય એમ નથી લાગતું. મેં જે પ્રયત્નો કર્યા, એનાથી બીજાઓને સારી સાક્ષી મળી છે. મારું દિલ ડંખતું નથી. તેમ જ, મારી દીકરીને એ વર્ષો દરમિયાન સત્યમાં દૃઢ રહેવા મદદ મળી હતી. આજે પણ તે યહોવાની ઉત્સાહથી ભક્તિ કરે છે.’

૧૯. લગ્‍ન બચાવવા પ્રયત્ન કરવામાં આવે તો, એનું શું પરિણામ આવી શકે?

૧૯ મેરાલિન નામની એક બહેન ઘણી જ ખુશ છે, કેમ કે તેમણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો અને પોતાનું લગ્‍ન બચાવવા પ્રયત્નો કર્યા. તે કહે છે: ‘મારા પતિ પહેલાં વડીલ તરીકે સેવા આપતા હતા. પરંતુ, પછીથી તે એવા ધંધામાં જોડાયા, જેના લીધે તે સભાઓ ચૂકવા લાગ્યા. અરે, અમારી વચ્ચે વાતચીત પણ સાવ અટકી ગઈ. થોડા સમય પછી તેમના તરફથી પૈસે-ટકે કોઈ જ મદદ મળતી નહિ. તેમના લીધે મને યહોવાની ભક્તિ કરવામાં પણ ઘણી તકલીફો પડતી. એટલે મેં જુદા થવાનું વિચાર્યું. એ સમય દરમિયાન, અમારા શહેરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો એનાથી હું એટલી ગભરાઈ ગઈ કે મેં બીજાઓ સાથે હળવા-મળવાનું બંધ કરી દીધું. પછી, મને ભાન થયું કે અમારા બંધનમાં આવેલી તિરાડ પાછળ મારો પણ વાંક હતો. એને સુધારવા અમે બંનેએ ફરીથી એકબીજા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. અમે ફરીથી ભેગા મળીને નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યા અને સભાઓમાં જવા લાગ્યા. મંડળના વડીલોએ અમને પ્રેમથી ઘણી મદદ કરી. અમારું લગ્‍નબંધન ફરીથી ખીલવા લાગ્યું. સમય જતાં, મારા પતિ ફરીથી મંડળમાં જવાબદારીઓ ઉપાડવા લાયક બન્યા. ખરું કે અમે દુઃખ-તકલીફો ભોગવીને શીખ્યા, પણ એનું પરિણામ સારું આવ્યું.’

૨૦, ૨૧. પોતાના લગ્‍નજીવનમાં શું કરવાનો નિર્ણય કરવો જોઈએ?

૨૦ ભલે આપણે લગ્‍ન કર્યાં હોય કે ન કર્યાં હોય, હંમેશા યહોવામાં ભરોસો રાખીએ. તેમ જ, જે ખરું છે એ કરવા હિંમત બતાવીએ. જો આપણા લગ્‍નજીવનમાં તકલીફો હોય, તો એને હલ કરવા સખત પ્રયત્નો કરીએ. એ ન ભૂલીએ કે જેઓ લગ્‍નબંધનમાં જોડાયેલા છે, તેઓ ‘બે નહિ પણ એક દેહ છે.’ (માથ. ૧૯:૬) જો તમારા જીવનસાથી યહોવાના ભક્ત ન હોય અને લગ્‍નબંધનમાં મુશ્કેલીઓ આવે, તો શું કરી શકો? તમારું લગ્‍નબંધન ટકાવી રાખવા પૂરો પ્રયત્ન કરો. એમ કરશો તો કદાચ સમય જતાં તમારા સાથી પણ યહોવાના ભક્ત બને.

૨૧ આપણા ભલે ગમે તેવા સંજોગો હોય, પણ હંમેશા એવી રીતે વર્તવું જોઈએ, જેનાથી બીજાઓને યહોવા વિષે સારી સાક્ષી મળે. જો લગ્‍નજીવન તૂટી જવાની અણી પર હોય, તો દિલથી પ્રાર્થના કરીએ. પોતાના વિચારો અને લાગણીઓ તપાસીએ. બાઇબલની કલમો પર મનન કરીએ અને મંડળના વડીલો પાસેથી મદદ માંગીએ. સૌથી મહત્ત્વનું તો, આપણે એવા કામો કરીએ જેનાથી, યહોવાને ખુશી મળે. એમ કરીશું તો, આપણે લગ્‍નની ગોઠવણને એક ભેટ ગણીશું. (w12-E 05/15)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલ્યું છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર બ્લર્બ]

લગ્‍નમાં આવેલી મુશ્કેલીમાં જેઓ હાર માનતા નથી, તેઓને સારાં પરિણામો મળી શકે

[પાન ૧૮ પર બ્લર્બ]

હંમેશા યહોવામાં ભરોસો રાખીએ અને જે ખરું છે એ કરવા હિંમત બતાવીએ

[પાન ૧૫ પર ચિત્ર]

નબળા લગ્‍નબંધનને મજબૂત કરવા પ્રયત્નો કરીશું તો, યહોવા આશીર્વાદ આપશે

[પાન ૧૭ પર ચિત્ર]

મંડળમાંથી આપણને દિલાસો અને મદદ મળે છે