સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો

યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો

યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો

‘તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવાનું તમે જાણો.’—કોલો. ૪:૬.

૧, ૨. ઘણા યુવાનોને પોતાના મિત્રોથી જુદા દેખાઈ આવવા વિષે કેવું લાગે છે અને શા માટે?

 દોસ્તોના દબાણ વિષે તમે સાંભળ્યું હશે. અરે, એનો અનુભવ પણ કર્યો હશે. તમને કોઈએ તો એવું કામ કરવા દબાણ કર્યું હશે જે તમારી નજરે ખોટું હોય. એવું થાય ત્યારે તમને કેવું લાગે છે? ચૌદ વર્ષનો ક્રિસ્ટોફર કહે છે: “અમુક વાર મને એવું લાગે કે હું ગાયબ થઈ શકતો હોય તો કેવું સારું! અથવા એવો પણ વિચાર આવે કે સ્કૂલના છોકરાઓ સાથે હું ભળી જાઉં, જેથી તેઓથી જુદો ન દેખાઉં.”

શું તમારા પર કાયમ દોસ્તોનું દબાણ રહે છે? એવું કેમ બને છે? શું એનું કારણ એ હોઈ શકે કે તમે તેઓને ખુશ કરવા માગો છો? એવી ઇચ્છા રાખવી હંમેશાં ખોટું નથી. મોટી વ્યક્તિઓ પણ એવું ચાહે છે કે દોસ્તો પોતાનાથી નારાજ ન થાય. નાના હોય કે મોટા, આપણે કોઈ એવું ઇચ્છતા નથી કે સાથે ભણનારા કે કામ કરનારા તેઓ સાથે આપણને હળવા-ભળવા ન દે. ખરું કહીએ તો, જે સાચું છે એને વળગી રહીશું તો બધાને ગમશે નહિ. ઈસુએ પણ એ અનુભવ્યું હતું. તોય યહોવાહની નજરમાં જે સારું હતું એ જ ઈસુએ હંમેશાં કર્યું. અમુક લોકો તેમના શિષ્યો બન્યા. જ્યારે કે બીજાઓએ ઈશ્વરના દીકરાનો ધિક્કાર કર્યો અને ‘તેમની કદર કરી નહિ.’—યશા. ૫૩:૩.

મિત્રો તરફથી આવતું પુષ્કળ દબાણ

૩. દોસ્તો જેવા બની જવું કેમ ભૂલ ભરેલું છે?

કોઈ વાર આપણને દોસ્તો જેવા બનવાનું મન થઈ શકે. કેમ કે એમ ન કરીએ તો તેઓ આપણાથી દૂર ભાગવા લાગશે, આપણી સાથે ભળશે નહિ. પણ તેઓની અસરમાં ન આવો. યહોવાહના ભક્તોએ ‘પવનથી ડોલાં ખાનારા બાળકો જેવા’ ન બનવું જોઈએ. (એફે. ૪:૧૪) નાનાં બાળકો કદાચ સહેલાઈથી બીજાઓની વાતમાં આવી જશે. પણ યુવાનો, તમે હવે નાના બાળકો નથી. તમે થોડા જ સમયમાં મોટા થઈ જશો. તમે જો માનતા હોવ કે યહોવાહનાં ધોરણો તમારા ભલા માટે જ છે, તો એ પ્રમાણે જીવવું તમારી ફરજ બને છે. (પુન. ૧૦:૧૨, ૧૩) એવું નહિ કરો તો તમે જાણે તમારા જીવનની લગામ બીજાઓના હાથમાં આપી દો છો. તમે જ્યારે બીજાઓના દબાણમાં આવી જાઓ છો ત્યારે જાણે કે તેઓની હાથની કઠપૂતળી બની જાઓ છો.—૨ પીતર ૨:૧૯ વાંચો.

૪, ૫. (ક) હારૂન કઈ રીતે લોકોના દબાણને વશ થયા હતા? આપણે એમાંથી શું શીખી શકીએ? (ખ) તમારા પર દબાણ લાવવા મિત્રો કદાચ કેવી રીતો અપનાવશે?

એક સમયે મુસાના ભાઈ હારૂન પણ પોતાના લોકોના દબાણને વશ થયા હતા. ઈસ્રાએલીઓએ મૂર્તિ બનાવવા સતત અરજ કરી ત્યારે હારૂને તેઓનું કહ્યું માન્યું. જોકે હારૂન કાંઈ બીકણ કે ઢીલા-પોચા ન હતા. આ બનાવ પહેલાં ઇજિપ્તના શક્તિશાળી રાજાને યહોવાહનો સંદેશો જણાવવા મુસા ગયા ત્યારે, હારૂને પૂરી હિંમતથી તેમને સાથ આપ્યો હતો. પરંતુ પછી ઈસ્રાએલીઓએ દબાણ કર્યું ત્યારે હારૂન હિંમત હારી ગયા. સાચે જ, દબાણ ભલભલાને ઝુકાવી દે છે! પોતાના લોકો કરતાં ઇજિપ્તના રાજા આગળ અડગ રહેવું હારૂન માટે સહેલું હતું.—નિર્ગ. ૭:૧, ૨; ૩૨:૧-૪.

હારૂનનો દાખલો શું બતાવે છે? એ જ કે મિત્રો તરફથી આવતું દબાણ ફક્ત યુવાનો પર જ નહિ, બધા પર આવે છે. એવું પણ નથી કે જેઓ ખોટું કરવા ઇચ્છે છે તેઓને જ એની અસર થાય છે. મિત્રોનું દબાણ એવા લોકોને પણ અસર કરી શકે જેઓ સારું કરવા માગે છે. એમાં તમે પણ આવી જાવ છો. તમારા મિત્રો તમને કોઈ ખોટું કામ કરવા જબરદસ્તી કરે પણ ખરા. જેમ કે, ખોટું કરવા તમને ઉશ્કેરે, ખોટો આરોપ મૂકે અથવા તમને ટોન્ટ મારે. તેઓ ભલે ગમે તે રીતે તમારા પર દબાણ લાવે, એનો સામનો કરવો મુશ્કેલ છે. પરંતુ જો તમે પોતાની માન્યતામાં ભરોસો દૃઢ કરશો તો ગમે એવા દબાણનો સફળતાથી સામનો કરી શકશો.

“તમારી પોતાની પરીક્ષા કરો”

૬, ૭. (ક) પોતાના ધર્મમાં પૂરી શ્રદ્ધા હોવી કેમ જરૂરી છે? અને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા તમે શું કરી શકો? (ખ) શ્રદ્ધા મજબૂત કરવા તમે કેવા સવાલો પર વિચાર કરશો?

મિત્રોના દબાણનો સામનો કરવા શાની જરૂર છે? સૌથી પહેલાં તો તમને પૂરો ભરોસો હોવો જોઈએ કે ‘મારો ધર્મ જે શીખવે છે એ ખરું છે, એનાં ધોરણો સૌથી સારા છે.’ (૨ કોરીંથી ૧૩:૫ વાંચો.) તમે એમ માનતા હશો તો દબાણનો સામનો કરવા હિંમતથી બોલી શકશો, પછી ભલેને તમે શરમાળ હોવ. (૨ તીમો. ૧:૭, ૮) બીજી બાજુ, જો તમને તમારા ધર્મમાં પૂરો ભરોસો નહિ હોય તો, દબાણનો સામનો કરવાનું અઘરું લાગશે. તેથી સાબિતી મેળવો કે બાઇબલમાંથી તમે જે શીખ્યા છો એ સાચું જ છે. એમ કરવા તમે નાની બાબતોથી શરૂઆત કરી શકો. દાખલા તરીકે, તમે યહોવાહમાં માનો છો. તમે ભાઈ-બહેનો પાસેથી સાંભળ્યું હશે કે યહોવાહ છે એવો તેઓને કેમ વિશ્વાસ છે. તમે આ સવાલ પર વિચાર કરો: ‘હું શાના પરથી માનું છું કે ઈશ્વર છે?’ આ પ્રશ્નનો હેતુ તમારા મનમાં શંકા જગાડવાનો નથી પણ તમારો વિશ્વાસ મજબૂત કરવાનો છે. એ જ રીતે પોતાને પૂછો, ‘બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એની મારી પાસે શું સાબિતી છે?’ (૨ તીમો. ૩:૧૬) ‘મારી પાસે શું પુરાવો છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ? (૨ તીમો. ૩:૧-૫) ‘હું શાના પરથી એવું માનું છું કે યહોવાહનાં ધોરણો મારા ભલા માટે જ છે?’—યશા. ૪૮:૧૭, ૧૮.

કદાચ તમારી પાસે આવા સવાલોના જવાબ ન હોવાના ડરથી એના પર વિચાર કરતા અચકાતા હશો. પરંતુ એ તો એના જેવું થયું કે તમે કાર કે સ્કૂટરમાં પેટ્રોલ કેટલું છે એ મીટરમાં જોવાનું ટાળો છો, કેમ કે તમને ડર છે કે એમાં પેટ્રોલ જ નથી! જો કાર કે સ્કૂટરમાં પેટ્રોલ ન હોય તો તમારે એ જાણવાની જરૂર છે, જેથી કંઈક કરી શકો. એ જ રીતે, તમારે એ જાણવાની જરૂર છે કે તમને પોતાના ધર્મમાં કેટલી શ્રદ્ધા છે. જો ન હોય તો, પોતાની શ્રદ્ધા મજબૂત કરવા કંઈક કરવાની જરૂર છે.—પ્રે.કૃ. ૧૭:૧૧.

૮. વ્યભિચારથી દૂર રહેવા વિષેની ઈશ્વરની આજ્ઞા પાળવી સૌથી મહત્ત્વનું છે એ બતાવવા તમે શું કરશો?

એક દાખલો લઈએ. બાઇબલ તમને ‘વ્યભિચારથી નાસી’ જવા અરજ કરે છે. એટલે તમે આ સવાલ પર વિચાર કરો: ‘મારે કેમ એ આજ્ઞા પાળવી જોઈએ?’ તમારા મિત્રો એવાં કામો કરે છે એની પાછળ કયાં કારણો રહેલાં છે એનો વિચાર કરો. એ પણ વિચારો કે જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે કઈ કઈ રીતે “પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે?” (૧ કોરીં. ૬:૧૮) હવે એ કારણો પર વિચાર કરો અને પોતાને પૂછો કે એ બંનેમાંથી શું વધારે સારું રહેશે. વ્યભિચાર કે જાતીય ચેનચાળા કરવા શું યોગ્ય છે? એ વિષય પર વધારે વિચાર કરવા પોતાને આ સવાલ પૂછો: ‘વ્યભિચાર જેવાં કામ કરું તો એનાથી મને કેવું લાગશે?’ એવાં કામો કરવાથી કદાચ એ સમયે તમારા મિત્રો ખુશ થશે. પણ થોડા સમય પછી તમારા માબાપ સાથે કે કિંગ્ડમ હૉલમાં ભાઈ-બહેનો સાથે હોવ ત્યારે તમને કેવું લાગશે? તેમ જ તમે યહોવાહને પ્રાર્થના કરો ત્યારે કેવું લાગશે? શું ફક્ત મિત્રોને ખુશ રાખવા ઈશ્વર સાથે સંબંધ તોડી નાખશો?

૯, ૧૦. તમને પોતાની માન્યતામાં પૂરી શ્રદ્ધા હશે તો મિત્રોના દબાણનો સામનો કરવા કેવી મદદ મળશે?

કદાચ તમે તરુણ વયના હશો અને યહોવાહની નજરે સારું-ખરાબ પારખતા શીખી રહ્યા હશો. (રૂમી ૧૨:૧, ૨ વાંચો.) એટલે તમારે ખરેખર વિચારવું જોઈએ કે યહોવાહના એક સાક્ષી બનવું તમારા માટે કેમ સૌથી મહત્ત્વનું છે. એમ કરતા રહેશો તો તમારી શ્રદ્ધા વધારે દૃઢ થતી જશે. એ પછી તમારા મિત્રો કાંઈ ખોટું કરવા દબાણ કરશે ત્યારે તમે પૂરી હિંમતથી એનો સામનો કરી શકશો. પછી તમે પણ એક યુવાન બહેન જેવું અનુભવશો જે કહે છે: “જ્યારે જ્યારે મિત્રો તરફથી દબાણ આવે છે ત્યારે હું તેઓને જણાવી દઉં છું કે હું યહોવાહની એક સાક્ષી છું. ફક્ત નામ પૂરતી જ નથી. યહોવાહના સાક્ષી હોવું એ મારા માટે સૌથી મહત્ત્વનું છે. એના આધારે મારા વિચારો, ધ્યેયો, સંસ્કાર અને જીવન ઘડાયા છે.”

૧૦ ખરું કે યહોવાહને માર્ગે ચાલવું સહેલું નથી. એમ કરવું મહેનત માગી લે છે. (લુક ૧૩:૨૪) કદાચ તમને થશે કે એમ કરવાથી શું મને લાભ થશે? હા, જરૂર થશે. પણ એ ભૂલશો નહિ કે તમે પોતાની માન્યતા વિષે ઢીલા-પોચા બનશો અને શરમાયા કરશો તો બીજાઓ એ પારખીને તમારા પર વધારે દબાણ મૂકશે. પણ જો તમે પૂરી હિંમતથી તેઓના દબાણનો સામનો કરશો તો તમારા મિત્રો જલદી જ દબાણ મૂકવાનું છોડી દેશે.—વધુ માહિતી: લુક ૪:૧૨, ૧૩.

સમજી વિચારીને જવાબ આપો

૧૧. મિત્રોના દબાણનો સામનો કરવા પહેલેથી તૈયારી કરવાથી તમને કઈ રીતે મદદ મળશે?

૧૧ મિત્રોના દબાણનો સામનો કરવાની બીજી મહત્ત્વની રીત છે, પહેલેથી તૈયાર રહીએ. (નીતિવચનો ૧૫:૨૮ વાંચો.) એ માટે પહેલેથી વિચારીએ કે કેવા સંજોગો ઊભા થઈ શકે. અમુક વખતે પહેલેથી થોડો વિચાર કરીશું તો મોટી મુશ્કેલી ટાળી શકીશું. દાખલા તરીકે, માની લો કે તમારી સાથે ભણતા અમુક છોકરાઓ થોડેક આગળ સિગારેટ પી રહ્યા છે. હવે જો તમે ત્યાંથી પસાર થાવ તો તેઓ તમને સિગારેટ ઑફર કરે એની કેટલી શક્યતા છે? એ જોખમ જોતા તમે શું કરશો? નીતિવચનો ૨૨:૩ કહે છે, “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” જો તમે પોતાનો રસ્તો જ બદલી નાખો તો એ જોખમને ટાળો છો. એમ કરવાથી તમે કંઈ ડરપોક બનતા નથી પણ સમજદાર છો એવું બતાવો છો.

૧૨. તમારા પર કોઈ દબાણ આવે તો એ કઈ રીતે દૂર કરી શકો?

૧૨ પણ જો તમને આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે તો શું? દાખલા તરીકે, તમારો કોઈ મિત્ર તમને પૂછે કે ‘શું તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? માનવામાં નથી આવતું!’ આવા સમયે સારું રહેશે કે તમે કોલોસી ૪:૬ની સલાહ પ્રમાણે કરો: “તમારૂં બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.” આ કલમ બતાવે છે કે તમારા સંજોગોને આધારે તમે કઈ રીતે મુશ્કેલીનો સામનો કરી શકો. તમારે તરત જ બાઇબલમાંથી ભાષણ આપવા બેસી જવાની જરૂર નથી. કદાચ સાદો પણ મક્કમ જવાબ પૂરતો હશે. દાખલા તરીકે, તમારી ગર્લફ્રેન્ડ છે કે નહિ, એના જવાબમાં કદાચ તમે સાફ કહી શકો કે ‘ના, નથી’ કે પછી ‘રાખું કે ન રાખું એ મારી મરજી છે.’

૧૩. તમારી માન્યતા વિષે કોઈ મજાક-મશ્કરી કરે તો, તેઓને જવાબ આપવો કે નહિ એ કઈ રીતે નક્કી કરશો?

૧૩ ઈસુના જમાનાનો વિચાર કરો. કંઈ કહેવાથી લોકો પર કોઈ થવાની ન હોય તો, એવા સમયે ઈસુ ટૂંકમાં જ જવાબ આપતા. એક પ્રસંગે હેરોદે તેમને સવાલો પૂછ્યા ત્યારે ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ. (લુક ૨૩:૮, ૯) જ્યારે કોઈ તોછડાઈથી સવાલો પૂછે ત્યારે ઘણી વાર મૂંગા રહેવું જ સૌથી સારું છે. (નીતિ. ૨૬:૪; સભા. ૩:૧,) કદાચ એવું પણ બને કે તમારી મજાક-મશ્કરી કરનારને તમારા ઊંચા સંસ્કારો જોઈને સાચે જ વધારે જાણવું હોય. દાખલા તરીકે, જાતીય બાબતોમાં તમારા ઊંચા ધોરણો જોઈને તેમને વધારે જાણવું છે એ તમે પારખો તો શું કરશો? (૧ પીત. ૪:૪) એમ હોય તો, ડર્યા વગર તેઓને વિગતવાર સમજાવી શકો કે તમે કેમ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવો છો. તેઓને બાઇબલ સત્ય સમજાવવા “સદા તૈયાર રહો.”—૧ પીત. ૩:૧૫.

૧૪. કોઈ ખોટું કરવા તમને દબાણ કરે ત્યારે, અમુક સંજોગોમાં તેને વિચારતો કરવા તમે શું કરી શકો?

૧૪ કોઈ તમારા પર દબાણ મૂકતું હોય તો, અમુક સંજોગોમાં તમે પણ સમજી-વિચારીને તેઓને સામો સવાલ કરી શકો. દાખલા તરીકે, તમારા ક્લાસનો કોઈ વિદ્યાર્થી તમને સિગારેટ પીવા દબાણ કરે તો તમે આમ કહી શકો, ‘ના, હું નથી પીતો.’ પછી તમે આવું કંઈક કહી શકો, ‘અરે, તું સિગારેટ પીવે છે! માનવામાં નથી આવતું!’ નોંધ કર્યું કે તમે કઈ રીતે એવું દબાણ કરનારને સામો સવાલ કરીને વિચારતો કરી દીધો? હું કેમ સિગારેટ પીતો નથી એ સમજાવવાને બદલે તમે હવે તેને વિચારતો કરી દો છો કે તે કેમ સિગારેટ પીવે છે. *

૧૫. તમારા પર મિત્રો કે બીજાઓ દબાણ મૂકે તો, ક્યારે ત્યાંથી ચાલ્યા જવું યોગ્ય રહેશે અને શા માટે?

૧૫ તમારી અનેક કોશિશ છતાં જો બીજાઓ તમારા પર દબાણ મૂક્યા કરે તો શું? એ કિસ્સામાં સૌથી સારું રહેશે કે તમે એ જગ્યાએથી ચાલ્યા જાઓ. તમે જેટલું વધારે રોકાશો, એટલું જ તમારા મિત્રોની વાતમાં આવી જવાની શક્યતા વધારે રહેશે. એટલે તમે ત્યાંથી નીકળી જાઓ એ જ સારું રહેશે. એમ કરો ત્યારે, એવું જરાય ન વિચારો કે તમારે નીચું જોવું પડ્યું છે. પણ તમે એ સંજોગમાં સૌથી સારો નિર્ણય લીધો છે એ યાદ રાખવું જોઈએ. એમ કરીને તમે બીજાઓના હાથની કઠપૂતળી બનતા નથી અને યહોવાહના હૃદયને આનંદ પમાડો છો.—નીતિ. ૨૭:૧૧.

અગાઉથી વિચાર કરવાથી સારું પરિણામ આવે છે

૧૬. યહોવાહને ભજતા હોવાનો દાવો કરતા અમુક લોકો તરફથી પણ કેવી રીતે દબાણ આવી શકે?

૧૬ કોઈ વાર અયોગ્ય પ્રવૃત્તિઓમાં જોડાવાનું દબાણ એવા યુવાનિયાઓ તરફથી પણ આવી શકે જેઓ યહોવાહને ભજવાનો દાવો કરતા હોય. દાખલા તરીકે, આવા કોઈ મિત્રએ ગોઠવેલી પાર્ટીમાં તમે જાઓ અને જોવા મળે કે એની દેખરેખ રાખવા કોઈ જવાબદાર વ્યક્તિ નથી. ત્યારે તમે શું કરશો? અથવા માની લો કે યહોવાહને ભજવાનો દાવો કરનાર કોઈ યુવાન, પાર્ટીમાં શરાબ લઈને આવ્યો છે. પરંતુ એમાં આવેલા બધા ઉંમરમાં નાના હોવાથી કાયદા પ્રમાણે શરાબ પી શકતા નથી. એ કિસ્સામાં તમે શું કરશો? જીવનમાં આવા તો અનેક સંજોગો ઊભા થઈ શકે જેમાં તમારે બાઇબલ શિક્ષણને આધારે કેળવાયેલા અંતઃકરણથી ખરો નિર્ણય લેવો પડશે. એક યુવાન ભાઈ યાદ કરતા કહે છે: “અમે મિત્રો સાથે એક ફિલ્મ જોવા ગયા હતા. એમાં ખૂબ ગાળાગાળી હોવાથી અમે તરત થિયેટરમાંથી બહાર નીકળી ગયા. અમે જે કર્યું એ બદલ અમારા માબાપે શાબાશી આપી. પરંતુ અમારા અમુક મિત્રોએ તો આખી ફિલ્મ જોઈ. તેઓને અમારે લીધે નીચું જોવું પડ્યું. એટલે તેઓ અમારા પર ઘણા ગુસ્સે થયા હતા.”

૧૭. તમે કોઈ પાર્ટીમાં જવાના હોય તો, ઈશ્વરના ધોરણોને વળગી રહેવા કેવાં પગલાં લેશો?

૧૭ ઉપરના અનુભવમાં જોયું તેમ, બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલવાથી કોઈ વાર ધાર્યું ના હોય એવા સંજોગોમાં મૂકાઈ જવાય છે. પરંતુ તમને ખબર છે કે યહોવાહની કૃપા પામવા શું કરવું જોઈએ. બસ, એને વળગી રહો. હંમેશા એવી પરિસ્થિતિ માટે તૈયાર રહો. જો તમે કોઈ પાર્ટીમાં જવાના હોય તો, અગાઉથી પ્લાન કરજો જેથી કોઈ પણ સમયે ત્યાંથી નીકળી શકો. જો એમાં કોઈ અયોગ્ય બાબત બને તો એવો પ્લાન કરવાથી તમે તરત ત્યાંથી નીકળી જઈ શકશો. અમુક યુવાનો પહેલેથી પોતાના માબાપ સાથે એવી ગોઠવણ કરે છે કે જરૂર પડ્યે ત્યાંથી નીકળી જવા માબાપને એક ફોન કરે ને તેઓ તેમને લેવા આવે. (ગીત. ૨૬:૪, ૫) અગાઉથી આવો ‘વિચાર કરવાથી એનું સારું ફળ મળે છે.’—નીતિ. ૨૧:૫.

“તારી જુવાનીમાં તું આનંદ કર”

૧૮, ૧૯. (ક) યહોવાહ તમને સુખી જોવા માગે છે એની તમને શું ખાતરી છે? (ખ) મિત્રોના દબાણમાં આવતા નથી તેઓ વિષે યહોવાહને કેવું લાગે છે?

૧૮ યહોવાહે એ રીતે આપણું સર્જન કર્યું છે કે જીવનનો આનંદ માણીએ. તે ચાહે છે કે આપણે હંમેશા ખુશ રહીએ. (સભાશિક્ષક ૧૧:૯ વાંચો.) યાદ રાખો, તમારા ઘણા મિત્રો જે કંઈ આનંદ માણે છે એ તો ‘પાપનું ક્ષણિક સુખ ભોગવે’ છે. (હેબ્રી ૧૧:૨૫) પરંતુ આપણા ઈશ્વર યહોવાહ ચાહે છે કે આપણે એનાથી પણ વધારે સુખનો આનંદ માણીએ. તે ચાહે છે કે આપણે કાયમ સુખી રહીએ. તો પછી, યહોવાહની નજરે ખોટું હોય એવું કંઈક કરવાની લાલચ કે દબાણ તમારા પર આવે તો એનાથી દૂર રહો. યાદ રાખો, કે યહોવાહ જે કંઈ કહે છે એ હંમેશા તમારા ભલા માટે જ છે. તેમનું કહ્યું કરવાથી આગળ જતા તમને જ લાભ થશે.

૧૯ યુવાનો, તમારે એ પણ સમજવાની જરૂર છે કે ભલે આજે તમે મિત્રોને ખુશ રાખવા તેઓનું કહ્યું કરો, પરંતુ વર્ષો પછી તેઓમાંના ઘણા તમારું નામ પણ ભૂલી જશે. બીજી બાજુ, જ્યારે તમે મિત્રોના દબાણમાં આવતા નથી ત્યારે યહોવાહ એની નોંધ લે છે. તમે યહોવાહનું કહ્યું માનો છો એને તે કદી ભૂલશે નહિ. તે ‘તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી આપશે!’ (માલા. ૩:૧૦) એટલું જ નહિ, આવનાર દિવસોમાં પણ તે તમારી કોઈ નબળાઈ પર જીત મેળવવા શક્તિ આપશે. હા, મિત્રોના દબાણનો સામનો કરવા યહોવાહ તમને મદદ કરી શકે છે! (w10-E 11/15)

[ફુટનોટ્‌સ]

તમને યાદ છે?

• મિત્રોનું કેવું દબાણ હોય છે?

• મિત્રોના દબાણનો સામનો કરવા પોતાના ધર્મમાં પૂરો ભરોસો હોવો કેટલું જરૂરી છે?

• મિત્રોના દબાણનો સામનો કરવા તમે કેવી તૈયારી કરશો?

• યહોવાહનું કહ્યું માનીએ છીએ ત્યારે તે એને ભૂલી જતા નથી, એ શાને આધારે કહી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્રનું મથાળું]

સોનાનું વાછરડું બનાવવા હારૂન કેમ સહમત થયા?

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

તૈયાર રહો, તમે શું કહેશો એ વિષે અગાઉથી નક્કી કરો