સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો?

યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો?

યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો?

‘હું મુક્કીઓ મારું છું, પણ પવનને મારનારની જેમ નહિ.’—૧ કોરીં. ૯:૨૬.

૧, ૨. યુવાનીમાં ડગ માંડો ત્યારે જીવનમાં સફળ થવા તમારે શાની જરૂર છે?

 માની લો કે તમે કોઈ અજાણી જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો. તમારી સાથે નકશો અને એ જગ્યાથી જાણકાર વ્યક્તિ છે. નકશો તમને એ જોવા મદદ કરે છે કે તમે કઈ જગ્યાએ છો અને આગળ કેવી રીતે વધી શકાય. એ જગ્યાથી જાણકાર વ્યક્તિ તમને ચોક્કસ જગ્યાએ પહોંચવા મદદ કરે છે. પરંતુ જો તમને ખબર ન હોય કે ક્યાં જવું છે, તો એ નકશો અને જગ્યાથી જાણકાર વ્યક્તિ તમને કંઈ મદદ નહિ કરી શકે. તમારે ચોક્કસ કઈ જગ્યાએ જવું છે એ પહેલેથી નક્કી કરવું જ પડશે, જેથી આમતેમ ભટકવું ન પડે.

તમે કિશોરવયમાંથી યુવાનીમાં ડગ માંડશો તેમ, તમારે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તમારે નક્કી કરવું પડશે કે જીવનમાં શું કરવા માંગો છો. તમારી પાસે બાઇબલ છે, જે તમને એક નકશાની જેમ ખરો જીવનમાર્ગ પસંદ કરવા મદદ કરી શકે. (નીતિ. ૩:૫, ૬) જો તમે અંત:કરણને સારી રીતે કેળવ્યું હશે તો એ તમને જીવનમાં ખરા માર્ગે વળગી રહેવા ઘણી મદદ કરશે. (રૂમી ૨:૧૫) તમારું અંત:કરણ પેલી જાણકાર વ્યક્તિની જેમ પછી કામ કરશે. પરંતુ જીવનમાં સફળ થવા માટે તમારે એ નક્કી કરવું પડશે કે તમે ચોક્કસ કયા માર્ગે જશો. તમારે એ નક્કી કરવું પડશે કે મારા ધ્યેયો શું છે.

૩. ધ્યેય રાખવાથી કેવા ફાયદા થાય છે એ વિષે ૧ કોરીંથી ૯:૨૬માં પાઊલ શું જણાવે છે?

ધ્યેય રાખીને એને પાર પાડવા મહેનત કરવાથી શું ફાયદો થાય છે એ વિષે પ્રેરિત પાઊલે લખ્યું: ‘ધ્યેયને લક્ષમાં રાખીને હું દોડી રહ્યો છું. હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી.’ (૧ કરિં. ૯:૨૬, IBSI) જો તમારી પાસે કોઈ ધ્યેય હોય તો, એ ધ્યાનમાં રાખીને તમે આગળ વધી શકો. જલદી જ તમારે જીવનમાં મોટા નિર્ણયો લેવા પડશે. જેમ કે ભક્તિ, નોકરી, લગ્‍ન અને કુટુંબને લઈને. અમુક વખતે કોઈ નિર્ણય લેતા તમે મૂંઝવણમાં પડી જશો કે શું કરવું. પણ જો તમે પહેલેથી જ વિચાર કરી રાખ્યો હશે અને બાઇબલનું સત્ય તથા સિદ્ધાંતોને આધારે નિર્ણય લેશો તો ખોટા માર્ગે જવા લલચાશો નહિ.—૨ તીમો. ૪:૪, ૫.

૪, ૫. (ક) જો તમે કોઈ ધ્યેય નહિ રાખ્યો હોય તો શું બની શકે? (ખ) તમારે કેમ ઈશ્વરને પસંદ હોય એવો ધ્યેય રાખવો જોઈએ?

જો તમે કોઈ ધ્યેય નહિ રાખો તો તમારા સ્કૂલના મિત્રો કે ટીચર તેઓને મન જે સારું લાગે એ પ્રમાણે કરવા તમને દબાણ કરશે. તમે કોઈ ધ્યેય રાખ્યો હોય તોપણ અમુક લોકો તમને સલાહ આપશે કે આમ કરો, તેમ કરો. તેઓને સાંભળતી વખતે વિચાર કરો કે ‘તેઓ જે ધ્યેય રાખવા કહે છે એનાથી શું હું યુવાનીમાં ઈશ્વરની સેવામાં વધારે કરી શકીશ? કે પછી એ મને ઈશ્વરભક્તિથી દૂર લઈ જશે?’—સભાશિક્ષક ૧૨:૧ વાંચો.

યહોવાહને પસંદ પડે એવો નિર્ણય તમારે કેમ લેવો જોઈએ? એનું એક કારણ છે કે બધી સારી બાબતો તે આપણને આપે છે. (યાકૂ. ૧:૧૭) આપણે બધાએ એ માટે યહોવાહના આભારી થવું જોઈએ. (પ્રકટી. ૪:૧૧) એટલે કોઈ પણ ધ્યેય નક્કી કરતી વખતે યહોવાહને મનમાં રાખીએ ત્યારે, આપણે જાણે તેમનો આભાર માનીએ છીએ. તેથી ચાલો જોઈએ કે આપણે કેવા ધ્યેય રાખવા જોઈએ અને એ પૂરા કરવા શું કરી શકાય.

તમે કેવા ધ્યેય રાખશો?

૬. તમે કેવો મુખ્ય ધ્યેય રાખી શકો અને શા માટે?

આગલા લેખમાં જોઈ ગયા તેમ, તમે આ એક મુખ્ય ધ્યેય રાખી શકો: બાઇબલમાં સત્ય છે એની સાબિતી મેળવો. (રૂમી ૧૨:૨; ૨ કોરીં. ૧૩:૫) તમારા સ્કૂલના મિત્રો ઉત્ક્રાંતિમાં અથવા ખોટા ધાર્મિક રિવાજોમાં માનતા હશે કેમ કે બીજાઓએ તેમને એમ કરવા કહ્યું છે. પરંતુ બીજાઓના કહેવામાં આવીને તમારે તેઓની જેમ માનવાની જરૂર નથી. યાદ રાખો, યહોવાહ ઇચ્છે છે કે તમે પૂરા મનથી તેમની ભક્તિ કરો. (માત્થી ૨૨:૩૬, ૩૭ વાંચો.) તે ઇચ્છે છે કે તમે સાબિતીઓને આધારે પોતાનો વિશ્વાસ મજબૂત કરો.—હેબ્રી ૧૧:૧.

૭, ૮. (ક) ટૂંકા ગાળાના કેવા ધ્યેયો રાખવાથી તમને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ મળશે? (ખ) ટૂંકા ગાળાના અમુક ધ્યેયો પૂરા કરી લીધા પછી તમને કેવો અનુભવ થશે?

ઈશ્વરમાં તમારી શ્રદ્ધા મજબૂત કરવા તમે એવા ધ્યેય રાખી શકો જે થોડા સમયમાં પૂરા થાય. એક ધ્યેય દરરોજ પ્રાર્થના કરવાનો હોય શકે. તમારી પ્રાર્થનાઓ ગોખેલી ન બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ. એ માટે તમે પ્રાર્થનામાં કોઈ વિષયનો ઉલ્લેખ કરી શકો. એ માટે તમે દિવસમાં બનેલી અમુક બાબતોને યાદ રાખી શકો અથવા લખી શકો. એ પણ ધ્યાનમાં રાખો કે તમે પ્રાર્થનામાં ફક્ત પોતાની મુશ્કેલીઓ જ નહિ, પણ જેનાથી આનંદ મળ્યો હોય એવી બાબતોનો પણ ઉલ્લેખ કરો છો. (ફિલિ. ૪:૬) બીજો ધ્યેય તમે રોજ બાઇબલ વાંચનનો રાખી શકો. જો તમે દરરોજ ચાર પાના વાંચો તો એક વર્ષમાં આખું બાઇબલ પૂરું કરી શકશો! * ગીતશાસ્ત્ર ૧:૧, ૨ કહે છે: ‘ધન્ય છે તેને, જે યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે; અને રાતદિવસ તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.’

તમે ટૂંકા ગાળાનો ત્રીજો ધ્યેય એ રાખી શકો કે મંડળની દરેક સભા માટે જવાબો તૈયાર કરશો. શરૂઆત કરવા માટે સૌથી પહેલાં તમે ફકરામાંથી જવાબ કે કોઈ કલમ વાંચી શકો. પછી તમે પોતાના શબ્દોમાં જવાબ આપવાનો ધ્યેય રાખી શકો. તમે જેટલી વાર જવાબ આપો છો એટલી વાર જાણે કે યહોવાહને ભેટ આપો છો. (હેબ્રી ૧૩:૧૫) એક વાર તમે આવા અમુક ધ્યેયો હાંસલ કરી લો પછી તમારો આત્મવિશ્વાસ વધશે. યહોવાહ માટે તમારી કદર પણ વધશે. પછી તમે લાંબા ગાળાના ધ્યેયો બાંધવા તૈયાર હશો.

૯. જો તમે હજી પ્રકાશક ન હોવ તો, પોતાના માટે લાંબા સમયના કેવા ધ્યેય રાખી શકો?

તમે પોતાના માટે લાંબા સમયના કેવા ધ્યેય રાખશો? જો તમે હજી મંડળ સાથે પ્રચારમાં ભાગ લેવાનું શરૂ ન કર્યું હોય તો, પ્રકાશક બનવાનો ધ્યેય રાખી શકો. આ ધ્યેય પૂરો કરી લીધા પછી, એક પણ મહિનો ચૂક્યા વગર પ્રચારમાં નિયમિત બનો અને વધારે સારી રીતે સંદેશો જણાવતા શીખો. તમે પ્રચારમાં બાઇબલ વાપરવાનું પણ શીખો. એમ કરશો તો જલદી જ જોઈ શકશો કે પ્રચાર કામમાં તમને પહેલાંથી પણ વધારે આનંદ મળે છે. ત્યાર પછી તમે ઘર ઘરના પ્રચાર કામમાં વધારે સમય આપી શકો. અરે, બાઇબલ અભ્યાસ ચલાવવાનો પણ પ્રયત્ન કરી શકો. બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બની ગયા પછી તમે કયો ધ્યેય રાખશો? તમે બને એમ જલદી યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાનો અને તેમના સાક્ષી બનવાનો ધ્યેય રાખી શકો.

૧૦, ૧૧. બાપ્તિસ્મા પામેલા યુવાનો પોતાના માટે લાંબા સમયના કેવા ધ્યેયો રાખી શકે?

૧૦ જો તમે બાપ્તિસ્મા લઈ લીધું હોય તો લાંબા સમયના આવા અમુક ધ્યેય રાખી શકો: ભાગ્યે જ પ્રચાર થયો હોય એવા વિસ્તારમાં સંદેશો જણાવવા તમે સમયોસમય મંડળને મદદ કરી શકો. ઑગ્ઝિલરી કે રેગ્યુલર પાયોનિયરીંગ કરીને પણ તન-મનથી તમારી શક્તિનો ઉપયોગ કરી શકો. હજારો પાયોનિયરો તમને ખુશીથી જણાવશે કે યુવાનીમાં ફૂલટાઈમ સેવા કરવાથી કેવા સુંદર આશીર્વાદો મળે છે. યુવાનીમાં સર્જનહાર યહોવાહને યાદ કરવાનો એ અનેરો લહાવો છે. તમે તમારા જ મંડળમાં રહીને આવા ધ્યેયો પૂરા કરી શકો છો. એનાથી તમારા મંડળને પણ ઘણો લાભ થાય છે.

૧૧ તમે લાંબા ગાળાના બીજા એવા ધ્યેયો પણ રાખી શકો જેનાથી તમારા મંડળ સિવાય બીજાઓને પણ લાભ થાય. દાખલા તરીકે, તમે એવી જગ્યાએ કે દેશમાં જઈને સેવા આપવાનું વિચારી શકો જ્યાં સંદેશો જણાવવા વધારે લોકોની ખૂબ જરૂર છે. તમે તમારા કે બીજા દેશમાં જઈને કિંગ્ડમ હૉલ કે બ્રાંચ ઑફિસના બાંધકામમાં મદદ કરવાનું વિચારી શકો. બેથેલમાં સેવા આપવાનું કે મિશનરી બનવાનું પણ વિચારી શકો. અહીં જણાવેલા લાંબા ગાળાના ધ્યેયો રાખવા તમારે સૌથી પહેલાં બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે. જો તમે હજી બાપ્તિસ્મા લીધું ન હોય તો, જરા વિચાર કરો કે એ સૌથી મહત્ત્વનો ધ્યેય પૂરો કરવા તમારે શું કરવાની જરૂર છે.

બાપ્તિસ્મા લેવા પ્રગતિ કરીએ

૧૨. અમુક લોકો કયા કારણોને લીધે બાપ્તિસ્મા લે છે? પરંતુ એ પ્રમાણે કરવું કેમ પૂરતું નથી?

૧૨ બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? એ વિષે તમને શું લાગે છે? અમુક લોકો વિચારે છે કે બાપ્તિસ્મા તેઓને પાપમાં પડવાથી રોકે છે. બીજાઓને લાગી શકે કે તેઓની ઉંમરના બીજાઓએ બાપ્તિસ્મા લીધું છે એટલે પોતે પણ લેવું જોઈએ. અમુક પોતાના માબાપને ખુશ કરવા બાપ્તિસ્મા લેવા માંગે છે. પરંતુ એવું નથી કે બાપ્તિસ્મા તમને એકાંતમાં ખોટી બાબતો કરતા રોકશે. બીજાઓને ખુશ કરવા કે તેઓના દબાણને લીધે પણ તમારે બાપ્તિસ્મા લેવું ન જોઈએ. તો પછી ક્યારે બાપ્તિસ્મા લેવું જોઈએ? તમને જ્યારે પૂરી ખબર હોય કે યહોવાહના સાક્ષી બનવામાં શું સમાયેલું છે અને એનાથી આવતી જવાબદારીઓ તમે ખુશી ખુશી લેવા તૈયાર હોવ ત્યારે જ બાપ્તિસ્મા લેવું જોઈએ.—સભા. ૫:૪, ૫.

૧૩. તમારે કેમ બાપ્તિસ્મા લેવું જોઈએ?

૧૩ બાપ્તિસ્મા લેવાનું એક કારણ એ છે કે ઈસુએ તેમના શિષ્યોને બીજા ‘શિષ્યો બનાવવાની અને તેઓને બાપ્તિસ્મા આપવાની’ આજ્ઞા કરી હતી. ઈસુએ પોતે પણ બાપ્તિસ્મા લઈને આપણા માટે દાખલો બેસાડ્યો હતો. (માત્થી ૨૮:૧૯, ૨૦; માર્ક ૧:૯ વાંચો.) એ ઉપરાંત, જેઓ અંતમાંથી બચવા માંગે છે તેઓ માટે બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી પગલું છે. પ્રેરિત પીતરે એ વિષે નુહનું દૃષ્ટાંત આપ્યું હતું કે તેમણે વહાણ બનાવ્યું અને એમાં તે પોતાના કુટુંબ સાથે જળપ્રલયમાંથી બચી ગયા. એ પછી તેમણે લખ્યું: ‘એ દૃષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્મા, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.’ (૧ પીત. ૩:૨૦, ૨૧) જોકે આનો અર્થ એ નથી કે બાપ્તિસ્મા વીમા પૉલિસી જેવું છે, જે તમને કોઈ આફત આવે ત્યારે મદદરૂપ થાય. પરંતુ, તમને યહોવાહ માટે પ્રેમ હોવાથી અને તન-મનથી તેમની ભક્તિ કરવી હોવાથી તમે બાપ્તિસ્મા લો છો.—માર્ક ૧૨:૨૯, ૩૦.

૧૪. અમુક લોકો બાપ્તિસ્મા લેતા કેમ અચકાય છે? પણ તમારી પાસે શું ખાતરી છે?

૧૪ અમુક લોકો એવા ડરથી બાપ્તિસ્મા લેતા અચકાય છે કે તેઓને મંડળમાંથી બહિષ્કૃત (ડિસ્ફેલોશીપ) કરી દેવામાં આવશે. શું તમને આવો ડર છે? જો એમ હોય તો, એવો ડર હોવો કંઈ ખરાબ નથી. એ બતાવે છે કે યહોવાહના સાક્ષી બનવાથી આવતી જવાબદારીઓને તમે ખૂબ ગંભીરતાથી લો છો. બાપ્તિસ્માથી અચકાવાનું બીજું કારણ શું હોઈ શકે? કદાચ તમને હજી પૂરી ખાતરી થઈ નથી કે ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવવું સૌથી સારું છે. જો એમ હોય તો, એવા લોકોનો વિચાર કરો જેઓને બાઇબલ સિદ્ધાંતો પાળતા ન હોવાથી ખોટાં કામોનાં પરિણામો ભોગવવા પડે છે. એવો વિચાર કરવાથી તમને કદાચ યોગ્ય નિર્ણય લેવા મદદ મળે. એવું પણ બની શકે કે તમને બાઇબલના સિદ્ધાંતો ગમે છે પણ પોતે એ પ્રમાણે જીવી શકશો એવો ભરોસો નથી. હકીકતમાં એ એક સારી નિશાની છે. એ બતાવે છે કે તમે નમ્ર છો. બાઇબલ કહે છે કે દરેક મનુષ્યનું હૃદય કપટી છે. (યિર્મે. ૧૭:૯) પરંતુ જો તમે ઈશ્વરના ‘વચન પ્રમાણે સાવધ રહો’ તો સફળ થઈ શકો છો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯ વાંચો.) ભલે ગમે તે કારણને લઈને બાપ્તિસ્મા લેતા અચકાતા હોવ, તમારે એવો ડર કે શંકાને જલદી દૂર કરવાની જરૂર છે. *

૧૫, ૧૬. બાપ્તિસ્મા માટે તમે તૈયાર છો એમ શાને આધારે કહી શકો?

૧૫ તમે બાપ્તિસ્મા માટે હવે તૈયાર છો એમ શાને આધારે કહી શકો? એક રીત એ છે કે તમે પોતાને આવા સવાલો પૂછો: ‘શું હું બીજાઓને બાઇબલનું પાયાનું સત્ય શીખવી શકું છું? શું હું નિયમિત પ્રચારમાં જઉં છું, પછી ભલે મારા મમ્મી-પપ્પા પ્રચારમાં ન આવ્યા હોય? શું હું દરેક સભાઓમાં જવા પ્રયત્નો કરું છું? મિત્રોના દબાણનો સામનો કર્યો હોય એવા અમુક બનાવો શું મને યાદ છે? જો મારા મમ્મી-પપ્પા કે મિત્રો યહોવાહને છોડી દે તોપણ શું હું તેમની ભક્તિ ચાલુ રાખીશ? શું મેં પ્રાર્થનામાં યહોવાહને જણાવ્યું છે કે તેમની સાથેનો મારો સંબંધ કેટલો અનમોલ છે? શું મેં પ્રાર્થનામાં તેમની તન-મનથી ભક્તિ કરવાનું વચન આપ્યું છે?’

૧૬ બાપ્તિસ્મા જીવનમાં બદલાણ લાવતું પગલું છે. એને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ. શું તમે આ મહત્ત્વનું પગલું ભરવા તૈયાર છો? તૈયાર હોવાનો અર્થ ફક્ત એ જ નથી કે તમે સ્ટેજ પરથી સારી ટૉક આપો કે પછી સારા જવાબો આપો. તૈયાર હોવાનો અર્થ એ થાય કે તમે બાઇબલના સિદ્ધાંતોને સારી રીતે સમજો છો અને એના આધારે નિર્ણય લો છો. (હેબ્રી ૫:૧૪ વાંચો.) જો તમે બાપ્તિસ્માનો નિર્ણય લેવા તૈયાર હોવ તો, તમારી આગળ આ મોટો લહાવો રહેલો છે: યહોવાહની તન-મનથી ભક્તિ કરવી અને પોતાના જીવનથી બતાવી આપવું કે તમે સાચે જ તેમને જીવન સમર્પણ કર્યું છે.

૧૭. બાપ્તિસ્મા પછી તમારા પર આવતી કસોટીઓનો સામનો કરવા ક્યાંથી મદદ મળી શકે?

૧૭ બાપ્તિસ્મા પછી તરત જ તમને કદાચ યહોવાહની ભક્તિમાં વધારે કરવાનો ઉત્સાહ જાગશે. પરંતુ એ સાથે જલદી જ તમારા વિશ્વાસની કસોટી પણ થશે. (૨ તીમો. ૩:૧૨) એવું ન માનતા કે તમારે એકલે હાથે જ વિરોધ કે સતાવણીનો સામનો કરવો પડશે. કોઈ કસોટી આવે ત્યારે તમારા માતા-પિતાની સલાહ લો. મંડળના અનુભવી ભાઈ-બહેનોની મદદ લો. તમને સાથ આપે એવી વ્યક્તિઓ સાથે દોસ્તી જાળવી રાખો. કદી ન ભૂલો કે યહોવાહ તમારી કાળજી રાખે છે. ગમે તેવા સંજોગોનો સામનો કરવા તે તમને જરૂર શક્તિ આપશે.—૧ પીત. ૫:૬, ૭.

તમારો ધ્યેય કેવી રીતે પૂરો કરશો?

૧૮, ૧૯. તમે જીવનમાં કઈ બાબતો પહેલા રાખો છો એના પર વિચાર કરવાથી શું ફાયદો થઈ શકે?

૧૮ તમે ગમે એટલું સારું ચાહો તોપણ, શું એવું લાગે છે કે તમે જે કરવા ચાહો છો અને જે કરવું જોઈએ એના માટે પૂરતો સમય નથી? એમ હોય તો, તમે કઈ બાબતોને જીવનમાં પહેલા રાખો છો એના પર વિચાર કરવો જોઈએ. એ સમજવા એક દાખલો લો: પ્લાસ્ટિકની એક ડોલ લો અને એમાં પહેલાં અમુક મોટા પથરા મૂકો. પછી ડોલને રેતીથી ભરી દો. તમારી ડોલ હવે પથરા અને રેતીથી ભરેલી છે. હવે ડોલને ખાલી કરી નાખો અને પાછી એ જ રેતી અને પથરાથી ભરી દો. પરંતુ આ વખતે ડોલમાં પહેલાં રેતી ભરો. પછી એમાં પથરા ભરો. તમને જોવા મળશે કે બધા જ પથરા ડોલમાં નહિ સમાય કેમ કે તમે એમાં પહેલાં રેતી ભરી હતી.

૧૯ તમારા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની વાત આવે ત્યારે, આવું જ કંઈક બને છે. જો તમે મનોરંજન જેવી પ્રવૃત્તિઓને જીવનમાં પ્રથમ મૂકશો તો, યહોવાહની ભક્તિ જેવી વધારે મહત્ત્વની બાબતો માટે તમારી પાસે કદી પૂરતો સમય નહિ હોય. પણ જો તમે ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લેવાની’ બાઇબલની સલાહ પાળશો તો, તમારી પાસે ઈશ્વરના રાજ્ય માટે અને અમુક હદે મનોરંજન માટે પણ પૂરતો સમય હશે.—ફિલિ. ૧:૧૦.

૨૦. ધ્યેયો પૂરા કરવા જતા કોઈ ચિંતા કે શંકા જાગે ત્યારે તમારે શું કરવું જોઈએ?

૨૦ બાપ્તિસ્મા કે બીજા ધ્યેયો પૂરા કરવા જતા તમને કોઈ વાર ચિંતાઓ થઈ શકે. કોઈ શંકા પણ આવી શકે. એમ થાય તો, ‘તમારો બોજો યહોવાહ પર નાખો, એટલે તે તમને નિભાવી રાખશે.’ (ગીત. ૫૫:૨૨) હાલમાં તમારી પાસે ખૂબ જ મહત્ત્વનું અને ઉત્સાહભર્યું કામ કરવાનો લહાવો છે. એ છે, દુનિયાભરમાં થઈ રહેલા પ્રચાર અને શિક્ષણ કામમાં ભાગ લેવો. આ કામ આટલા મોટા પાયે પહેલાં કદી થયું નથી. (પ્રે.કૃ. ૧:૮) પસંદગી તમારા હાથમાં છે. તમે શું પસંદ કરશો? બીજાઓને આ કામ કરતા જોશો? કે પછી તમે પોતે એમાં ભાગ લેશો? ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવામાં તમારી આવડતનો પૂરો ઉપયોગ કરો. આ રીતે ‘તમારી યુવાવસ્થાના દિવસોમાં તમારા સરજનહારનું સ્મરણ કરવાનો’ તમને કદી અફસોસ નહિ થાય.—સભા. ૧૨:૧. (w10-E 11/15)

[ફુટનોટ્‌સ]

^ ચોકીબુરજ (અંગ્રેજી), ઑગસ્ટ ૧, ૨૦૦૯, પાન ૧૫થી ૧૮ જુઓ.

^ આ વિષયમાં વધારે મદદ માટે તમે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) પુસ્તક, વોલ્યુમ ૨, પ્રકરણ ૩૪ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• તમારે કેમ ધ્યેયો રાખવા જોઈએ?

• તમે અમુક કેવા ધ્યેય રાખી શકો જે જીવનમાં ખૂબ ઉપયોગી છે?

• બાપ્તિસ્મા માટે પ્રગતિ કરવામાં શું સમાયેલું છે?

• તમે જીવનમાં કઈ બાબતો પહેલા રાખો છો એના પર વિચાર કરવાથી કઈ રીતે ધ્યેય પૂરો કરવા મદદ મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

શું તમે દરરોજ બાઇબલ વાંચવાનો ધ્યેય રાખ્યો છે?

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

બાપ્તિસ્મા લેવાનો તમારો ધ્યેય પૂરો કરવા શું મદદ કરશે?

[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]

આ દાખલામાંથી તમને શું શીખવા મળે છે?