સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા મદદ કરે છે

યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા મદદ કરે છે

યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા મદદ કરે છે

‘પવિત્ર શક્તિ સર્વને, હા, ઈશ્વરના ઊંડા વિચારોને પણ શોધે છે.’—૧ કોરીં. ૨:૧૦.

૧. પ્રેરિત પાઊલે ૧ કોરીંથી ૨:૧૦માં ઈશ્વરની શક્તિની કઈ ભૂમિકા વિષે જણાવ્યું? એનાથી કેવા સવાલો ઊભા થાય છે?

 યહોવાહની શક્તિ માટે આપણે કેટલા આભારી છીએ! બાઇબલ જણાવે છે કે ઈશ્વરની શક્તિ જાણે આપણા માટે દાન, સહાયક કે મદદગાર, સાક્ષી આપનાર અને આપણા વતી વિનંતી કરનાર છે. (યોહાન ૧૪:૧૬, કોમન લેંગ્વેજ; પ્રે.કૃ. ૨:૩૮; રૂમી ૮:૧૬, ૨૬, ૨૭) પ્રેરિત પાઊલે જણાવ્યું હતું કે ઈશ્વરની શક્તિ બીજી એક મહત્ત્વની ભૂમિકા પણ ભજવે છે: ‘પવિત્ર શક્તિ સર્વને, હા, ઈશ્વરના ઊંડા વિચારોને પણ શોધે છે.’ (૧ કોરીં. ૨:૧૦) ખરેખર, યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા આપણને મદદ કરે છે. એની મદદ વગર આપણે યહોવાહના ‘ઊંડા વિચારો,’ તેમના મકસદ વિષે સમજી શક્યા ન હોત. (૧ કોરીંથી ૨:૯-૧૨ વાંચો.) તેમ છતાં અમુક સવાલો ઊભા થાય છે: ‘ઊંડા વિચારોને’ સમજાવવા યહોવાહ કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે? પહેલી સદીમાં કોના દ્વારા યહોવાહે તેમના ઊંડા વિચારો સમજવા મદદ કરી હતી? આજે યહોવાહની શક્તિ કોના દ્વારા અને કઈ રીતે ઊંડું સત્ય સમજવા મદદ કરે છે?

૨. ઈસુએ જણાવ્યું તેમ કઈ બે રીતોએ ઈશ્વરની શક્તિ કામ કરશે?

ઈસુએ જણાવ્યું હતું કે બે રીતોએ ઈશ્વરની શક્તિ કામ કરશે. તેમણે પોતાના મરણના થોડા સમય પહેલાં જ પ્રેરિતોને કહ્યું હતું: ‘સહાયક, એટલે કે પવિત્ર શક્તિ જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.’ (યોહાન ૧૪:૨૬, કોમન લેંગ્વેજ) આમ, ઈશ્વરની શક્તિ સમજાવનાર અને યાદ કરાવનાર તરીકે ભાગ ભજવશે. સમજાવનાર તરીકે: ખ્રિસ્તીઓને અગાઉ સમજ્યા ન હતા એવી બાબતો સમજવા એ મદદ કરશે. યાદ કરાવનાર તરીકે: પહેલાં જે શીખવવામાં આવ્યું હતું એ તેઓને યાદ કરાવવા અને એને ખરી રીતે લાગુ પાડવા મદદ કરશે.

પહેલી સદીમાં

૩. ઈસુના કયા શબ્દો બતાવી આપે છે કે ઈશ્વરનું ઊંડું સત્ય ધીમે ધીમે પ્રગટ કરવામાં આવશે?

ઈસુએ પોતાના શિષ્યોને સત્ય વિષે ઘણી નવી બાબતો શીખવી હતી. તેઓએ હજી પણ ઘણું શીખવાનું હતું. એટલે ઈસુએ તેઓને કહ્યું: ‘હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તોપણ ઈશ્વરની શક્તિ જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે.’ (યોહા. ૧૬:૧૨, ૧૩) ઈસુ જણાવતા હતા કે પવિત્ર શક્તિ દ્વારા ઈશ્વરનું ઊંડું સત્ય ધીમે ધીમે પ્રગટ કરવામાં આવશે.

૪. ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે ઈશ્વરની શક્તિ કઈ રીતે સમજાવનાર અને યાદ કરાવનાર સાબિત થઈ?

ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે ૧૨૦ ખ્રિસ્તીઓ યરૂશાલેમમાં ભેગા થયા હતા. ત્યારે તેઓ યહોવાહની શક્તિથી ભરપૂર થયા. તેઓ પોતે એની સાબિતી જોઈ શક્યા. તેઓએ મોટો અવાજ સાંભળ્યો અને એકબીજાને જુદી જુદી ભાષાઓમાં બોલતા સાંભળ્યા. (પ્રે.કૃ. ૧:૪, ૫, ૧૫; ૨:૧-૪) શિષ્યો અનેક ભાષાઓમાં લોકોને ‘ઈશ્વરના મોટાં કામો વિષે’ ઉપદેશ કરવા લાગ્યા. (પ્રે.કૃ. ૨:૫-૧૧) હવે તેઓ માટે નવી સમજણ મેળવવાનો સમય પાકી ચૂક્યો હતો. પ્રબોધક યોએલે વર્ષો પહેલાં આ ચમત્કાર વિષે ભાખ્યું હતું કે ઈશ્વર પોતાના ભક્તોને શક્તિથી ભરપૂર કરશે. (યોએ. ૨:૨૮-૩૨) આ બનાવ જોનાર બીજા લોકોએ કલ્પના પણ ન કરી હોય એ રીતે ભવિષ્યવાણી પૂરી થતા જોઈ. પછી પ્રેરિત પીતરે આ બનાવ વિષે સમજાવવા આગેવાની લીધી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૧૮ વાંચો.) આમ, ઈશ્વરની શક્તિ પીતર માટે ‘સમજાવનાર’ સાબિત થઈ. એનાથી પીતર જોઈ શક્યા કે ઈસુના શિષ્યોએ જે અનુભવ્યું એ વિષે વર્ષો પહેલાં ભાખવામાં આવ્યું હતું. ઈશ્વરની શક્તિ ‘યાદ કરાવનાર’ પણ સાબિત થઈ. એટલે જ પીતરે યોએલની ભવિષ્યવાણી ઉપરાંત દાઊદના બે ભજનો પણ ટાંક્યા. (ગીત. ૧૬:૮-૧૧; ૧૧૦:૧; પ્રે.કૃ. ૨:૨૫-૨૮, ૩૪, ૩૫) ત્યાં હાજર રહેલા બધાએ જે જોયું અને સાંભળ્યું એ સાચે જ ઈશ્વરના ઊંડા વિચારો હતા.

૫, ૬ (ક) ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસ પછી નવા કરાર વિષે કયા મહત્ત્વના સવાલો ઊભા થયા? (ખ) આ સવાલો ચર્ચા કરવા માટે કોણે ઉઠાવ્યા અને કઈ રીતે નિર્ણય લેવામાં આવ્યો?

પહેલી સદીના ખ્રિસ્તીઓને ઘણી બાબતો વિષે વધારે સમજણની જરૂર હતી. દાખલા તરીકે, પેન્તેકોસ્તના દિવસથી નવો કરાર અમલમાં આવ્યો એનાથી અનેક સવાલો ઊભા થયા. શું નવો કરાર ફક્ત મૂળ યહુદીઓ અને બીજી જાતિમાંથી યહુદી બન્યા હોય તેઓ માટે જ હતો? મૂળ યહુદી ન હોય, પણ ખ્રિસ્તી બન્યા હોય તેઓ પણ શું નવા કરારમાં આવી જતા હતા? (પ્રે.કૃ. ૧૦:૪૫) શું બીજી જાતિના કોઈ પુરુષને ખ્રિસ્તી બનવું હોય તો પહેલા સુન્‍નત કરાવીને મુસાના નિયમ પ્રમાણે જીવવું જરૂરી હતું? (પ્રે.કૃ. ૧૫:૧,) આ સવાલો ખૂબ જ મહત્ત્વના હતા. એના જવાબો માટે ઊંડી સમજણ મેળવવા ઈશ્વરની શક્તિની ખાસ જરૂર હતી. ઈશ્વરની શક્તિએ કોના દ્વારા વધારે સમજણ પૂરી પાડી?

જવાબદાર ભાઈઓ દ્વારા. તેઓએ એક પછી એક ઉપરના દરેક સવાલ ઉઠાવ્યા. ગવર્નિંગ બોડીની સભામાં પીતર, પાઊલ અને બાર્નાબાસ હાજર હતા. તેઓએ પોતાના અનુભવથી જણાવ્યું કે સુન્‍નત કરાવી ન હોય એવા બીજી જાતિના લોકોને પણ યહોવાહ કઈ રીતે પોતાની તરફ દોરી રહ્યા છે. (પ્રે.કૃ. ૧૫:૭-૧૨) ગવર્નિંગ બોડીએ આ પુરાવાની સાથે હેબ્રી શાસ્ત્રવચનો પણ તપાસ્યા અને યહોવાહની દોરવણીથી નિર્ણય લીધો. પછી તેઓએ લીધેલા નિર્ણય વિષે બધા મંડળોને પત્રો દ્વારા જણાવ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૫-૩૦; ૧૬:૪, ૫ વાંચો; એફે. ૩:૫, ૬.

૭. શાના દ્વારા સત્યની ઊંડી સમજણ આપવામાં આવી?

આવી બીજી ઘણી બાબતોની સમજણ ઈશ્વરની પ્રેરણાથી યોહાન, પીતર, યાકૂબ અને પાઊલના લખાણો દ્વારા આપવામાં આવી. પરંતુ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું લખાણ પૂરું થયું એના થોડા સમય પછી, ઈશ્વરે ભવિષ્ય ભાખવાનું દાન તેમ જ ચમત્કારથી જ્ઞાન આપવાનું બંધ કર્યું. (૧ કોરીં. ૧૩:૮) એ પછી પણ શું પવિત્ર શક્તિએ ખ્રિસ્તીઓને શીખવવાનું અને યાદ કરાવવાનું ચાલુ રાખ્યું? શું યહોવાહ તેમની શક્તિ દ્વારા ખ્રિસ્તીઓને ‘ઊંડા વિચારો’ શોધવા મદદ કરતા રહેશે? ભવિષ્યવાણી જણાવતી હતી કે એમ કરવાનું ચાલુ રહેશે.

અંતના સમયમાં

૮, ૯. અંતના સમયમાં ઈશ્વરના જ્ઞાનથી કોણ પ્રકાશશે?

દુષ્ટ જગતના અંત વિષે એક સ્વર્ગદૂતે ભાખ્યું: ‘જ્ઞાનીઓ અંતરિક્ષના પ્રકાશની જેમ, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની જેમ પ્રકાશશે. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.’ (દાની. ૧૨:૩, ૪) આ જ્ઞાનીઓ કોણ છે અને પ્રકાશની જેમ કોણ ચમકશે? એનો જવાબ જાણવા આપણને ઘઉં અને કડવા દાણાના ઈસુના દૃષ્ટાંતમાંથી મદદ મળે છે. ‘જગતના અંત’ વિષે જણાવતા તેમણે કહ્યું, ‘ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે.’ (માથ. ૧૩:૩૯, ૪૩) ઈસુએ “ન્યાયીઓ” વિષે સમજાવતા કહ્યું કે તેઓ ‘રાજ્યના દીકરાઓ’ છે, એટલે કે અભિષિક્ત ખ્રિસ્તીઓ.—માથ. ૧૩:૩૮.

શું બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ ‘પ્રકાશની જેમ’ ચમકશે? એક રીતે હા. કેમ કે તેઓ સર્વ પ્રચાર કરનાર, શિષ્યો બનાવનાર અને મંડળમાં એકબીજાને ઉત્તેજન આપનાર હશે. આ રીતે તેઓ બીજા સર્વ ખ્રિસ્તીઓ માટે સારો દાખલો બેસાડનાર હશે. (ઝખા. ૮:૨૩) એ ઉપરાંત, દુષ્ટ જગતના અંતના સમયગાળામાં ઈશ્વરના ઊંડા વિચારોની સમજણ આપવામાં આવશે. દાનીયેલની ભવિષ્યવાણી એ સમય સુધી ‘મુદ્રિત કરવામાં આવી’ હતી. (દાની. ૧૨:૯) યહોવાહની શક્તિ કોના દ્વારા અને કઈ રીતે ઊંડું સત્ય સમજવા મદદ કરશે?

૧૦. (ક) છેલ્લા દિવસોમાં ઈશ્વરની શક્તિ કોના દ્વારા ઊંડા વિચારો સમજવા મદદ કરે છે? (ખ) યહોવાહની ભક્તિની ગોઠવણ વિષે કઈ રીતે વધારે ચોખવટ કરવામાં આવી એ સમજાવો.

૧૦ આજે બાઇબલની કોઈ સમજણ વિષે વધારે ચોખવટ કરવાનો સમય આવે ત્યારે, યહોવાહ પોતાની શક્તિ દ્વારા મુખ્યમથકમાં સેવા આપતી ગવર્નિંગ બૉડીને મદદ કરે છે. તેઓ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને રજૂ કરે છે. યહોવાહે તેઓને એવા ઊંડા વિચારો પારખવા મદદ કરે છે જે તેઓ પહેલાં બરાબર સમજ્યા ન હતા. (માથ. ૨૪:૪૫; ૧ કોરીં. ૨:૧૩) ગવર્નિંગ બૉડી એ નવી સમજણ પર વિચાર કરે છે. (પ્રે.કૃ. ૧૫:૬) પછી સંસ્થાના સાહિત્ય દ્વારા નવી સમજણ બધાના લાભ માટે બહાર પાડવામાં આવે છે. (માથ. ૧૦:૨૭) સમય જાય તેમ કદાચ એ સમજણનો હજી વધારે ખુલાસો કરવાની જરૂર પડી શકે. તોપણ કાંઈ સંતાડ્યા વગર તેઓ એ સમજાવે છે.—આ બૉક્સ જુઓ: “યહોવાહની ભક્તિની ગોઠવણ વિષે તેમની શક્તિ વધારે સમજણ પૂરી પાડે છે.”

ઈશ્વરની શક્તિનો આપણે લાભ લઈએ

૧૧. યહોવાહના ઊંડા વિચારો સમજવા તેમની શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૧ યહોવાહની શક્તિ જે રીતે તેમના ઊંડા વિચારો સમજાવવા ભૂમિકા ભજવે છે એનાથી તેમના સર્વ ભક્તોને લાભ થાય છે. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. પછી એ માહિતી સમજવા યહોવાહની શક્તિ આપણને મદદ કરે છે, જેથી યોગ્ય સમયે એને યાદ કરીને જીવનમાં લાગુ પાડી શકીએ. (લુક ૧૨:૧૧, ૧૨) યહોવાહ પોતાની સંસ્થા દ્વારા જે ઊંડા વિચારો બહાર પાડે છે એ સમજવા કંઈ વધારે ભણતરની જરૂર નથી. (પ્રે.કૃ. ૪:૧૩) એ ઊંડા વિચારો આપણે વધુ સારી રીતે સમજી શકીએ એ માટે શું કરી શકીએ? ચાલો અમુક સૂચનો પર વિચાર કરીએ.

૧૨. આપણે ક્યારે પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માગવી જોઈએ?

૧૨ પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માગીએ. બાઇબલ કે આપણાં સાહિત્યનો અભ્યાસ કરતા પહેલાં એ સમજવા માટે પ્રાર્થનામાં યહોવાહની શક્તિની મદદ માગીએ. આપણે એકલા હોઈએ અથવા આપણી પાસે બહુ થોડો જ સમય હોય તોપણ મદદ માગીએ. આપણી નમ્ર અરજ સાંભળીને યહોવાહને ખૂબ જ આનંદ થશે. ઈસુએ જણાવ્યું તેમ, આપણે સાચા દિલથી પ્રાર્થનામાં મદદ માગીશું તો યહોવાહ ચોક્કસ તેમની શક્તિ આપશે.—લુક ૧૧:૧૩.

૧૩, ૧૪. ઈશ્વરના ઊંડા વિચારો સમજવા સભાની તૈયારી કઈ રીતે મદદ કરે છે?

૧૩ સભાઓની તૈયારી કરીએ. વિશ્વાસુ ચાકર વર્ગ આપણને “વખતસર ખાવાનું” એટલે કે ઈશ્વરનું જ્ઞાન આપે છે. કઈ રીતે? ચાકર વર્ગ બાઇબલને લગતું સાહિત્ય પૂરું પાડે છે. એ સાહિત્યનો અભ્યાસ કરવા સભાઓની ગોઠવણ કરે છે. સભામાં કઈ માહિતીનો અભ્યાસ કરવો એ પણ અગાઉથી જણાવે છે. “બંધુમંડળ”ને આ રીતે પસંદ કરેલી માહિતીનો અભ્યાસ કરવા જણાવવા પાછળ યોગ્ય કારણો રહેલા છે. ચાકર વર્ગ સમજી વિચારીને એમ કરવા જણાવે છે. (૧ પીત. ૨:૧૭; કોલો. ૪:૧૬; યહુ. ૩) એ પ્રમાણે કરવા આપણે બનતું બધું જ કરીએ છીએ ત્યારે ઈશ્વરની શક્તિના સુમેળમાં ચાલીએ છીએ.—પ્રકટી. ૨:૨૯.

૧૪ સભાઓની તૈયારી કરતી વખતે સાહિત્યમાં ટાંકેલી દરેક કલમો આપણે બાઇબલમાંથી વાંચીએ. પછી એ કઈ રીતે ચર્ચાના વિષયને લાગુ પડે છે એનો વિચાર કરીએ. આ રીતે દરેક કલમો તપાસવાથી ધીરે ધીરે બાઇબલની આપણી સમજણ વધશે. (પ્રે.કૃ. ૧૭:૧૧, ૧૨) એમ કરવાથી એ કલમો જાણે આપણા મગજમાં છપાઈ જશે, અને જરૂર પડ્યે ઈશ્વરની શક્તિ આપણને એ યાદ કરવા મદદ કરશે. એ ઉપરાંત, જો આપણે બાઇબલ ખોલીને કલમો તપાસીશું તો એ પણ યાદ રહેશે કે બાઇબલમાં ક્યાં અને કયા પાના પર એ કલમ છે.

૧૫. આપણે શા માટે બહાર પડતી તાજી માહિતીથી જાણકાર રહેવું જોઈએ? તમે એમ કઈ રીતે કરો છો?

૧૫ નવામાં નવી સમજણથી જાણકાર રહીએ. સંસ્થાએ બહાર પાડેલી અમુક માહિતીનો આપણે સભાઓમાં અભ્યાસ કરતા નથી. પણ એ આપણા લાભ માટે જ તૈયાર કરવામાં આવી છે. લોકોને આપવા તૈયાર કરેલા મૅગેઝિનના લેખો પણ આપણને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા હોય છે. આ વ્યસ્ત દુનિયામાં આપણે ઘણી વખત કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે રાહ જોવી પડે છે. એવા સમયે જો આપણે વાંચ્યું ન હોય અથવા થોડું વાંચ્યું હોય એવું સાહિત્ય સાથે રાખીશું તો, એને વાંચી શકીશું. અમુક જણ મુસાફરી કરતી વખતે કે ચાલીને ક્યાંક જતા હોય ત્યારે સંસ્થાએ બહાર પાડેલી માહિતી ઑડિયો રેકોર્ડિંગમાં સાંભળે છે. આમ તેઓ તાજી માહિતીથી જાણકાર રહે છે. એ માહિતીને ખૂબ જ સંશોધન કરીને લખવામાં આવે છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ એનો આનંદ માણી શકે. આ બધું સાહિત્ય બાઇબલની આપણી સમજણમાં વધારો કરે છે અને સત્ય માટે આપણી કદર વધારે છે.—હબા. ૨:૨.

૧૬. મનમાં ઊભા થતા સવાલો લખીને એનું સંશોધન કરવાથી કેવો લાભ થાય છે?

૧૬ મનન કરીએ. બાઇબલ કે એને લગતું સંસ્થાનું સાહિત્ય વાંચો ત્યારે, એના પર મનન કરવા સમય કાઢો. વાંચનમાં મુખ્ય વિચારો કઈ રીતે એક બીજા સાથે જોડાયેલા છે એ વિચારો. એનાથી મનમાં ઘણા સવાલો ઊભા થઈ શકે. એ સવાલોની નોંધ રાખો અને એના પર બીજા સમયે સંશોધન કરી શકો. આપણને રસ પડતા વિષય પર વધારે સંશોધન કરીએ ત્યારે આપણી સમજણ વધે છે. આ સમજણ આપણા જ્ઞાનરૂપી ખજાનાને વધારશે, જેનો જરૂર પડ્યે આપણે ઉપયોગ કરી શકીએ છીએ.—માથ. ૧૩:૫૨.

૧૭. કુટુંબ તરીકે ભક્તિ કરવા કે જાતે અભ્યાસ કરવા તમે કેવી ગોઠવણ કરી છે?

૧૭ કુટુંબ તરીકે ભક્તિ કરવા સમય ગોઠવીએ. ગવર્નિંગ બૉડીએ આપણ સર્વને ઉત્તેજન આપ્યું છે કે દર અઠવાડિયે, એક સાંજ કે બીજો કોઈ સમય કાઢીને કુટુંબ તરીકે ભક્તિ કરીએ. એકલા હોઈએ તોપણ, અભ્યાસ કરવા સમય કાઢીએ. સભાઓના સમયમાં ફેરફાર કર્યો હોવાથી એ સલાહ પાળવા આપણી પાસે સરસ તક છે. કુટુંબ તરીકે ભક્તિ કરવા તમે શાનો અભ્યાસ કરો છો? અમુક જણ બાઇબલ વાંચે છે, કોઈ કલમને લઈને ઊભા થયેલા સવાલ પર વધારે સંશોધન કરે છે અને મુખ્ય વિચારની બાઇબલમાં નોંધ કરે છે. ઘણાં કુટુંબો જે માહિતીનો અભ્યાસ કર્યો હોય એને કુટુંબ તરીકે લાગુ પાડવા ચર્ચા કરે છે. અમુક શિર કુટુંબની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ચર્ચા કરવા માહિતી પસંદ કરે છે. અથવા કુટુંબમાં કોઈને સવાલ ઊભો થયો હોય તો એના પર વિચાર કરે છે. સમય જાય તેમ તમે આવા બીજા વિષયો પર વિચાર કરી શકો. *

૧૮. આપણે કેમ બાઇબલના ઊંડા વિચારો જાણવામાં પાછા ન પડવું જોઈએ?

૧૮ ઈસુએ કહ્યું હતું કે યહોવાહની શક્તિ આપણને સહાય કરશે. તેથી બાઇબલનો અભ્યાસ કરીને ઈશ્વરના ઊંડા વિચારો જાણવામાં કદી પાછા ન પડીએ. એમાં જણાવેલું સત્ય ઈશ્વરનું અમૂલ્ય “જ્ઞાન” છે. એ શોધવા આપણને ઉત્તેજન આપવામાં આવે છે. (નીતિવચનો ૨:૧-૫ વાંચો.) એમ કરીશું તો, ‘જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યાં છે’ એ સમજવા આપણને મદદ મળશે. આપણે જેમ બાઇબલમાંથી શીખવા વધારે મહેનત કરીશું તેમ પવિત્ર શક્તિ આપણને ‘ઈશ્વરના સર્વ, હા, તેમના ઊંડા વિચારોને પણ શોધવા’ મદદ કરશે.—૧ કોરીં. ૨:૯, ૧૦. (w10-E 07/15)

[ફુટનોટ્‌સ]

^ વધુ માહિતી માટે આપણી રાજ્ય સેવા ઑક્ટોબર, ૨૦૦૮ પાન ૮ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• કઈ બે રીતોએ યહોવાહની શક્તિ તેમના ઊંડા વિચારો સમજવા આપણને મદદ કરે છે?

• પહેલી સદીમાં કોના દ્વારા ઈશ્વરની શક્તિએ ઊંડું સત્ય સમજવા મદદ કરી?

• આપણા સમયમાં ઈશ્વરની શક્તિ કઈ રીતે અમુક સમજણની ચોખવટ કરવા મદદ કરે છે?

• ઈશ્વરની શક્તિનો લાભ લેવા તમે શું કરી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

યહોવાહની ભક્તિની ગોઠવણ વિષે તેમની શક્તિ વધારે સમજણ પૂરી પાડે છે

પહેલી સદીમાં ‘ઈશ્વરે તેમના ઊંડા વિચારો’ વિષે ઘણી સમજણ આપી હતી. જેમ કે, યહોવાહનો મંડપ અને પછીથી તેમના મંદિરનો આવનાર દિવસો માટે એક ખાસ અર્થ રહેલો હતો. પ્રેરિત પાઊલે એના વિષે કહ્યું હતું: “ખરો મંડપ માણસોએ નહિ પણ [યહોવાહ] પ્રભુએ ઊભો કરેલો છે.” (હેબ્રી ૮:૨) આ “મંડપ” આવનાર દિવસોમાં યહોવાહના મહાન મંદિરને દર્શાવતો હતો. મહાન મંદિર શું છે? એ યહોવાહની ભક્તિની ગોઠવણને બતાવે છે. ઈસુની કુરબાની અને તે પ્રમુખ યાજક બન્યા એને આધારે આ ગોઠવણ શક્ય બની છે.

પાઊલે જણાવેલ “ખરો મંડપ” ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ઈસવીસન ૨૯માં ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે અસ્તિત્વમાં આવ્યો. એ સમયે યહોવાહે માન્ય કર્યું કે ઈસુની કુરબાની દ્વારા મનુષ્ય પાપ અને મરણમાંથી આઝાદ થશે. (હેબ્રી ૧૦:૫-૧૦) મરણ પછી ઈસુ સજીવન થયા અને જાણે મહાન મંદિરના પરમ પવિત્ર ભાગમાં ગયા. ત્યાં સ્વર્ગમાં ‘ઈશ્વરની સમક્ષ હાજર થઈને’ પોતાની કુરબાનીની કિંમત રજૂ કરી.—હેબ્રી ૯:૧૧, ૧૨, ૨૪.

બીજા એક પત્રમાં પ્રેરિત પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓને ‘પ્રભુ યહોવાહ માટે વધતા જતા પવિત્ર મંદિર’ તરીકે ઓળખાવ્યા. (એફે. ૨:૨૦-૨૨) તો પછી, તેમણે હેબ્રી મંડળને લખેલા પત્રમાં જે ‘ખરા મંડપʼનો ઉલ્લેખ કર્યો હતો, એ શું આ જ મંદિર છે? ઘણા દાયકાઓથી યહોવાહના ભક્તો એવું જ માનતા હતા. એવું લાગતું હતું કે જેમ કોઈ મંદિરના બાંધકામ માટે પથ્થરો ઘડવામાં આવે, તેમ સ્વર્ગમાં યહોવાહનું મંદિર બનાવવા માટે પૃથ્વી પર અભિષિક્ત ખ્રિસ્તીઓને ઘડવામાં આવી રહ્યા છે.—૧ પીત. ૨:૫.

પરંતુ વર્ષ ૧૯૭૧ પછી, ચાકર વર્ગના જવાબદાર ભાઈઓ સમજવા લાગ્યા કે પાઊલે એફેસીઓના પત્રમાં જે ‘પવિત્ર મંદિરʼની વાત કરી હતી એ યહોવાહનું મહાન મંદિર ન હોઈ શકે. હેબ્રી ૮:૨માં પાઊલે ઉલ્લેખ કરેલ “ખરો મંડપ” સજીવન થયેલા અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલો હોય તો, ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એ પછી જ મંડપ અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. કેમ કે એ પછી જ અભિષિક્તોનું સજીવન કરવાનું શરૂ થયું હતું. (૧ થેસ્સા. ૪:૧૫-૧૭) પરંતુ એ મંડપની વાત કરતા પાઊલે લખ્યું હતું કે, “વર્તમાનકાળને સારૂ તે મંડપ નમૂનારૂપ હતો.” આ બતાવે છે કે એ મંડપ પહેલી સદીમાં જ અસ્તિત્વમાં આવી ગયો હતો.—હેબ્રી ૯:૯.

આ અને બીજી કલમોને ધ્યાનથી સરખાવવાથી સાફ દેખાઈ આવે છે કે યહોવાહનું મહાન મંદિર કંઈ આજે બંધાઈ રહ્યું નથી. જેમ કોઈ મંદિરના બાંધકામ માટે પથ્થરો ઘડવામાં આવે, તેમ યહોવાહના મહાન મંદિર માટે પૃથ્વી પર અભિષિક્ત ખ્રિસ્તીઓને ઘડવામાં આવતા નથી. એને બદલે, અભિષિક્ત ખ્રિસ્તીઓ અત્યારે એ ગોઠવણ પ્રમાણે જાણે મહાન મંદિરના આંગણામાં અને પવિત્ર ભાગમાં છે. ત્યાં તેઓ રોજ ઈશ્વરની આગળ ‘સ્તુતિરૂપ યજ્ઞ કે અર્પણ’ ચઢાવીને સેવા આપી રહ્યા છે.—હેબ્રી ૧૩:૧૫.

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

‘ઈશ્વરના ઊંડા વિચારોની’ સમજણ વધારવા આપણે શું કરવું જોઈએ?