સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમારે કેવા થવું જોઈએ?”

“તમારે કેવા થવું જોઈએ?”

“તમારે કેવા થવું જોઈએ?”

“એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?”—૨ પીત. ૩:૧૧.

૧. પહેલી સદીના ખ્રિસ્તીઓને પીતરે લખેલો બીજો પત્ર શા માટે ખરા સમયે ઉત્તેજન આપનારો હતો?

 પહેલી સદીના ખ્રિસ્તીઓએ ખૂબ સતાવણી સહી હતી. તોપણ એનાથી યહોવાહની ભક્તિમાં તેઓનો ઉત્સાહ ઠંડો પડ્યો ન હતો. એટલે શેતાન એવી ચાલ રમ્યો જે પહેલાં અનેક વાર સફળ થઈ હતી. એવામાં પ્રેરિત પીતરે તેઓને ઈશ્વરપ્રેરણાથી બીજો પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે યહોવાહના મંડળને ભ્રષ્ટ કરવા શેતાને જૂઠા શિક્ષકો ઊભા કર્યા હતા. તેઓની “આંખો વ્યભિચારથી ભરેલી” હતી અને તેઓનાં હૃદય “દ્રવ્યલોભમાં કેળવાયેલાં” હતાં. (૨ પીત. ૨:૧-૩, ૧૪; યહુ. ૪) એટલે પીતરનો પત્ર યહોવાહને વળગી રહેવા ખૂબ ઉત્તેજન આપનારો હતો.

૨. બીજો પીતર ત્રીજા અધ્યાયમાં આપેલી સલાહ આપણા માટે કેમ ખાસ મહત્ત્વની છે? અને કયા સવાલો પર દરેકે વિચાર કરવો જોઈએ?

પીતરે લખ્યું: ‘જ્યાં સુધી હું આ માંડવામાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે; કેમ કે મને ખબર છે, કે મારો માંડવો જલદી પડી જવાનો છે. મારું મરણ થયા પછી આ વાતો તમને યાદ રહે એવો હું બનતો બધો પ્રયત્ન કરીશ.’ (૨ પીત. ૧:૧૩-૧૫) પીતર જાણતા હતા કે પોતે લાંબું જીવવાના નથી. એટલે તે ઇચ્છતા હતા કે ખરા સમયે આપેલી તેમની સલાહ-સૂચના સદીઓ સુધી યાદ રહે. એ પત્ર આજે બાઇબલનો એક ભાગ હોવાથી બધા જ વાંચી શકે છે. એમાંય ખાસ કરીને ત્રીજા અધ્યાયનો સંદેશો આપણા માટે બહુ મહત્ત્વનો છે. એ આ દુષ્ટ દુનિયાના “છેલ્લા સમય” વિષે ભાર મૂકે છે. તેમ જ આકાશો અને પૃથ્વી, એટલે કે માનવીય સરકાર અને દુષ્ટ લોકોના વિનાશ વિષે જણાવે છે. (૨ પીત. ૩:૩, ૭, ૧૦) પીતર આપણને કઈ સલાહ આપે છે? એ સલાહ દિલમાં ઉતારવાથી યહોવાહની કૃપા પામવા આપણને કઈ રીતે મદદ મળશે?

૩, ૪. (ક) પીતરે ઉત્તેજન આપતા શું કહ્યું અને કઈ ચેતવણી આપી? (ખ) આપણે કયા ત્રણ મુદ્દાઓની ચર્ચા કરીશું?

શેતાનની દુષ્ટ દુનિયાના વિનાશ વિષે જણાવ્યા પછી પીતરે લખ્યું: “માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?” (૨ પીત. ૩:૧૧, ૧૨) પીતર અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા ન હતા, પણ ઉત્તેજન આપી રહ્યા હતા કે ભક્તિભાવમાં આપણે કેવા થવું જોઈએ. પીતર જાણતા હતા કે યહોવાહના પ્રતિકારના દિવસે, એટલે કે બદલો લેવાના દિવસે કેવા લોકો બચી જશે. ફક્ત એ લોકો જ બચશે જેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલે છે અને તેમના જેવા ગુણો કેળવે છે. (યશા. ૬૧:૨) તેથી પીતરે આગળ લખ્યું: “પ્રિય મિત્રો, તમે આ બધી જ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને [જૂઠા શિક્ષકોને] તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદૃઢ વિશ્વાસમાંથી ચલિત ન થાઓ.”—૨ પિતર ૩:૧૭, ઈઝી ટુ રીડ વર્ઝન.

બીજા ખ્રિસ્તીઓની જેમ પીતર પણ ‘અગાઉથી જાણતા’ હતા કે છેલ્લા સમયમાં યહોવાહનો સાથ છૂટી ન જાય માટે ખાસ સાવધ રહેવું પડશે. પછીથી પ્રેરિત યોહાને એનું સ્પષ્ટ કારણ જણાવ્યું: તેમણે સંદર્શન જોયું કે સ્વર્ગમાંથી શેતાનને બહાર ફેંકી દેવામાં આવ્યો છે. એટલે ‘જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે’ તેઓ પર “તે ઘણો કોપાયમાન થયો છે.” (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૭) તોપણ અભિષિક્તો અને તેમને સાથ આપનારાં “બીજાં ઘેટાં”ને તે હરાવી શકશે નહિ. (યોહા. ૧૦:૧૬) પરંતુ આપણા પોતાના વિષે શું? શું અંત સુધી આપણે દરેક યહોવાહને વળગી રહીશું? જો આ પ્રમાણે કરીશું તો યહોવાહને વળગી રહેવા આપણને જરૂરી મદદ મળશે: (૧) ઈશ્વર જેવા ગુણો કેળવીએ, (૨) ઈશ્વરની નજરમાં બધી જ રીતે શુદ્ધ અને નિષ્કલંક રહીએ, (૩) કસોટીમાં હિંમત ન હારીએ. તો ચાલો આપણે આ મુદ્દાઓની એક પછી એક ચર્ચા કરીએ.

ઈશ્વર જેવા ગુણો કેળવીએ

૫, ૬. કેવા ગુણો કેળવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ કેમ “સંપૂર્ણ પરિશ્રમ” માગી લે છે?

પીતરે બીજા પત્રની શરૂઆતમાં લખ્યું: “સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.”—૨ પીત. ૧:૫-૮.

ખરું કે ઈશ્વર જેવા ગુણો કેળવવા આપણે “સંપૂર્ણ પરિશ્રમ” કરવો પડે છે. જેમ કે, દરરોજ બાઇબલ વાંચન, બધી સભાઓમાં જવું અને નિયમિત રીતે જાતે અભ્યાસ કરવો. આવી પ્રવૃત્તિઓમાં લાગુ રહેવું સખત પ્રયત્ન માગી લે છે. તેમ જ કુટુંબ તરીકે નિયમિત એક સાંજે ભક્તિ માટે ભેગા મળવા અગાઉથી તૈયારી કરવી પડે છે, જેથી એનો આનંદ માણી શકાય અને આપણી શ્રદ્ધા પણ મજબૂત થાય. પણ આવી પ્રવૃત્તિઓમાં લાગુ રહીશું તો આપણે એના આશીર્વાદો અનુભવીશું. પછી એ પ્રવૃત્તિઓ સહેલાઈથી આપણા જીવનનો એક ભાગ બની જશે.

૭, ૮. (ક) કુટુંબ તરીકે એક સાંજે ભક્તિ કરવા વિષે અમુક ભાઈ-બહેનોએ શું કહ્યું? (ખ) કુટુંબ તરીકે ભક્તિ કરવાથી તમને કયો લાભ થયો છે?

કુટુંબ તરીકે ભક્તિની ગોઠવણ વિષે એક બહેને લખ્યું: “એનાથી ઘણી બાબતો વિષે શીખવા અમને સમય મળે છે.” બીજી બહેન આમ કહે છે: “ખરું કહું તો, પુસ્તક અભ્યાસની ગોઠવણ બંધ કરવામાં આવી એ મને જરાય ગમ્યું ન હતું. એ તો મને સૌથી વધારે ગમતી હતી. પરંતુ હવે કુટુંબ તરીકે ભક્તિની ગોઠવણથી હું જોઈ શકું છું કે આપણને ક્યારે શાની જરૂર છે એ યહોવાહ જાણે છે.” એક ભાઈએ આમ લખ્યું: “આ ગોઠવણથી અમને ખૂબ જ લાભ થયો છે. પતિ-પત્ની તરીકે અમારે જે બાબતમાં સુધારો કરવાની જરૂર હોય એની ત્યારે ચર્ચા કરીએ છીએ. એનાથી ઘણી મદદ મળી છે. અમને બન્‍નેને એવું લાગે છે કે અમે ઈશ્વર જેવા ગુણો કેળવી રહ્યા છીએ. અને પહેલાં કરતાં અત્યારે પ્રચાર કરવાની વધારે મજા આવે છે.” વળી બીજા એક ભાઈએ આમ કહ્યું: “બાળકો જાતે સંશોધન કરે છે, ઘણું શીખે છે. તેઓને ખૂબ જ મજા આવે છે. આ ગોઠવણથી અમે જોઈ શકીએ છીએ કે આપણી ચિંતાઓ યહોવાહ જાણે છે અને પ્રાર્થનાનો જવાબ આપે છે.” યહોવાહની આ સુંદર ગોઠવણ વિષે શું તમે પણ એવું જ માનો છો?

નાની-સૂની અડચણ આવે ત્યારે કુટુંબ તરીકે ભક્તિ કરવાનું છોડશો નહિ. એક યુગલે કહ્યું: “છેલ્લા ચાર અઠવાડિયાંમાં દર ગુરુવારે કુટુંબમાં કંઈક ને કંઈક અડચણો ઊભી થઈ હતી. દર વખતે એવું લાગતું કે આજે અભ્યાસ નહિ થાય. તોય અમે એ સાંજે અભ્યાસ કરીને જ રહ્યા.” ખરું કે અમુક સંજોગોને લીધે કોઈ વાર બીજે દિવસે પણ અભ્યાસ રાખવો પડે. તોપણ દિલમાં ગાંઠ વાળો કે કુટુંબ તરીકે ભક્તિ કરવાનું પડતું નહિ મૂકો, એક અઠવાડિયા માટે પણ નહિ!

૯. શ્રદ્ધામાં અડગ રહેવા યિર્મેયાહને કેવી મદદ મળી? એ દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

યિર્મેયાહ પ્રબોધકે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. શ્રદ્ધામાં મજબૂત રહેવા તેમને મદદની જરૂર હતી ત્યારે યહોવાહે એ પૂરી પાડી. યિર્મેયાહ એ કદી ભૂલ્યા નહિ. ખરા સમયે મળેલી મદદ યિર્મેયાહ માટે જાણે કે અન્‍ન હતી. એટલે જ તે તકલીફો સહીને પણ એવા લોકોને પ્રચાર કરી શક્યા જેઓને યહોવાહ વિષે કંઈ સાંભળવું ન હતું. યિર્મેયાહે કહ્યું: ‘યહોવાહનું વચન જાણે મારા હાડકાંમાં બળતો અગ્‍નિ સમાએલો હોય’ એવું સાબિત થયું છે. (યિર્મે. ૨૦:૮, ૯) એટલું જ નહિ, યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી યહોવાહના વચનથી તે વિરોધ સહી શક્યા. આજે આપણી પાસે યહોવાહે આપેલું બાઇબલ છે. આપણે પણ મન લગાડીને યહોવાહના વિચારો દિલમાં ઉતારીશું તો યિર્મેયાહની જેમ પ્રચારમાં થતો વિરોધ આનંદથી સહી શકીશું. કસોટીઓમાં પણ યહોવાહને વળગી રહીશું અને તન-મનથી યહોવાહની નજરમાં શુદ્ધ રહી શકીશું.—યાકૂ. ૫:૧૦.

ઈશ્વરની નજરમાં “નિષ્કલંક તથા નિર્દોષ” રહીએ

૧૦, ૧૧. “નિષ્કલંક તથા નિર્દોષ” રહેવા આપણે કેમ સખત મહેનત કરવી જોઈએ? એમ કરવા આપણે શું કરવું જોઈએ?

૧૦ આપણે જાણીએ છીએ કે આ અંતનો સમય છે. એટલે યહોવાહ ધિક્કારે છે એવાં કામોમાં દુનિયાને ડૂબેલી જોઈને આપણે નવાઈ પામતા નથી. જેમ કે લોભ, અધમ જાતીય વાસના અને ખૂનખરાબી. શેતાનના મકસદ વિષે આપણે ટૂંકમાં આમ કહી શકીએ: “યહોવાહના ભક્તોને ડરાવી ન શકાય તો, તેઓને કોઈ પણ રીતે ભ્રષ્ટ કરવા.” (પ્રકટી. ૨:૧૩, ૧૪) આપણે તેનો શિકાર ન બનીએ માટે પીતરની આ સલાહ જરૂર દિલમાં ઉતારીએ: ‘ઈશ્વરની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.’૨ પીત. ૩:૧૪.

૧૧ “યત્ન કરો,” પીતરનું આ ઉત્તેજન અગાઉ આપેલા ઉત્તેજન જેવું જ છે કે “સંપૂર્ણ પરિશ્રમ” કરો. પ્રેરિત પીતરને આ વિચારો લખવા યહોવાહે પ્રેરણા આપી હતી. કેમ કે તે જાણે છે કે શેતાનની દુનિયામાં આપણે “નિષ્કલંક તથા નિર્દોષ” રહેવા સખત મહેનત કરવી પડશે. દુષ્ટ ઇચ્છાઓ આપણા દિલ પર રાજ કરી ન બેસે એ માટે પણ આપણે ખૂબ સાવધ રહેવું પડશે. (નીતિવચનો ૪:૨૩; યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.) યહોવાહના ધોરણો પ્રમાણે આપણે જીવતા હોવાથી ઘણા લોકો નવાઈ પામશે. તેઓ આપણા વિષે બૂરું બોલીને ‘નિંદા કરશે.’ તેઓની સામે પણ આપણે શ્રદ્ધામાં અડગ રહેવું પડશે.—૧ પીત. ૪:૪.

૧૨. લુક ૧૧:૧૩ આપણને શાની ખાતરી આપે છે?

૧૨ આપણા બધામાં આદમના પાપની અસર હોવાથી સાચા માર્ગે ચાલવું અઘરું લાગે છે. (રૂમી ૭:૨૧-૨૫) એમાંથી ભટકી ન જઈએ એ માટે આપણે હંમેશા યહોવાહ પાસે દિલથી મદદ માગવી જોઈએ. એમ કરીશું તો તે ઉદારપણે આપણને તેમની શક્તિ આપશે. (લુક ૧૧:૧૩) એ શક્તિ એવા ગુણો કેળવવા મદદ કરશે જેનાથી તેમની કૃપા પામી શકીએ. યહોવાહનો દિવસ ઝડપથી આવતો હોવાથી આપણા પર લાલચો અને સતાવણી પણ વધવાની શક્યતા છે. એ સામે ટકી રહેવા યહોવાહની શક્તિ મદદ કરશે.

કસોટીઓમાં શ્રદ્ધા મજબૂત કરીએ

૧૩. જીવનમાં કસોટીઓ આવે ત્યારે એ સહેવા આપણને ક્યાંથી મદદ મળશે?

૧૩ શેતાનની દુનિયા છે ત્યાં સુધી આપણા પર એક કે બીજી રીતે કસોટીઓ જરૂર આવશે. પણ આપણે નિરાશ થવાને બદલે, આ કપરા સમયને યહોવાહ અને તેમણે આપેલા બાઇબલમાં શ્રદ્ધા વધારવાનો એક સારો લહાવો ગણીએ. ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્‍ન થાય છે.” (યાકૂ. ૧:૨-૪) એ ભૂલશો નહિ કે યહોવાહ ‘પ્રભુ પોતાના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.’—૨ પીત. ૨:૯.

૧૪. યુસફના અનુભવમાંથી તમને કેવું ઉત્તેજન મળે છે?

૧૪ યાકૂબના દીકરા યુસફનો વિચાર કરો. તેમના ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. (ઉત. ૩૭:૨૩-૨૮; ૪૨:૨૧) તેઓના ક્રૂર વર્તનથી શું યુસફની શ્રદ્ધા ઈશ્વર પરથી ઊઠી ગઈ? ઈશ્વરે તેમને આવી દશામાં આવવા દીધા એનાથી શું તેમનું દિલ કડવાશથી ભરાઈ ગયું? બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે એમ ન હતું. એ પછી પણ યુસફ પર આવતી કસોટીઓ અટકી નહિ. સમય જતાં તેમના પર બળાત્કારનો ખોટો આરોપ મૂકીને જેલમાં નાખવામાં આવ્યા. તોય યહોવાહ પરથી તેમની શ્રદ્ધા ડગી નહિ. (ઉત. ૩૯:૯-૨૧) આવા મુશ્કેલ સંજોગોમાં યુસફે પોતાની શ્રદ્ધા મજબૂત કરી. એટલે યહોવાહે તેમને ઘણા આશીર્વાદ આપ્યા.

૧૫. નાઓમીના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?

૧૫ ખરું કે કસોટીમાં કદાચ આપણે નિરાશ કે ડિપ્રેશ થઈ જઈએ. યુસફ પણ અમુક સમયે નિરાશ થયા હશે. યહોવાહના અમુક ભક્તો પણ નિરાશ થયા હતા. નાઓમીનો વિચાર કરો. તેમના પતિ અને બે દીકરા ગુજરી ગયા હતા. તેથી નાઓમીએ કહ્યું: ‘મને નાઓમી ન કહો, મને તો મારા એટલે કડવી કહો; કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.’ (રૂથ ૧:૨૦, ૨૧) નાઓમીનું આવું વલણ સ્વાભાવિક હતું. જોકે આવા સંજોગોમાં પણ નાઓમીની શ્રદ્ધા યુસફની જેમ અડગ રહી. એટલે યહોવાહે તેમને ભરપૂર આશીર્વાદ આપ્યા. (રૂથ ૪:૧૩-૧૭, ૨૨) યહોવાહ એનાથી પણ વધારે આશીર્વાદ આવનાર દિવસોમાં લાવશે. તે ધરતીને ફરીથી એદન બાગ જેવી સુંદર બનાવી દેશે. એ સમયે શેતાન અને તેની દુષ્ટ દુનિયાએ કરેલા નુકસાનને યહોવાહ એ હદે સુધી સુધારી નાખશે કે જાણે કાંઈ ખરાબ થયું જ નથી. આ યહોવાહનું વચન છે: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.”—યશા. ૬૫:૧૭.

૧૬. પ્રાર્થના વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ અને શા માટે?

૧૬ ભલેને આપણા પર ગમે એવી મોટી કસોટીઓ આવે, યહોવાહનો પ્રેમ આપણને ટકાવી રાખશે. (રૂમી ૮:૩૫-૩૯ વાંચો.) ખરું કે શેતાન આપણા પર કસોટીઓ લાવવાનું બંધ નહિ કરે. પણ જો આપણે સમજદાર બનીને ‘સંયમી થઈશું અને સાવધ રહીને પ્રાર્થનામાં લાગુ રહીશું’ તો શેતાનની જ હાર થશે. (૧ પીત. ૪:૭) શિષ્યોને ઉત્તેજન આપતા ઈસુએ કહ્યું હતું: “હર વખત જાગતા રહો, અને વિનંતી કરો, કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” (લુક ૨૧:૩૬) નોંધ કરો કે “વિનંતી” માટે મૂળ ભાષામાં ઈસુએ વાપરેલા શબ્દનો અર્થ થાય, ‘પ્રાર્થનામાં કાલાવાલા કે આજીજી કરવી.’ ઈસુ અહીં વિનંતી કરવાનું કહીને શાના પર ભાર મૂકતા હતા? એ જ કે આ સમય પૂરા દિલથી તેમને અને યહોવાહને વળગી રહેવાનો છે. જેઓ એમ કરશે તેઓ જ આવી રહેલા યહોવાહના મહાન દિવસમાંથી બચી જશે.

યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડીએ

૧૭. તમારા વિસ્તારમાં લોકો સાંભળતા ન હોય તો, પહેલાના ઈશ્વરભક્તોના અનુભવોમાંથી શું શીખી શકો?

૧૭ યહોવાહની ભક્તિને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આપણને ખરી તાજગી મળે છે. પીતરના શબ્દો યાદ કરો: “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?” (૨ પીત. ૩:૧૧) એમાંની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ છે, લોકોને યહોવાહના રાજ્ય વિષે જણાવવું. (માથ. ૨૪:૧૪) ખરું કે અમુક વિસ્તારોમાં લોકોને ઈશ્વર વિષે જણાવવું સહેલું નથી. કેમ કે તેઓને એમાં કંઈ રસ નથી, કે વિરોધ કરે છે, અથવા પોતાના જીવનમાં જ ડૂબેલા રહે છે. બાઇબલના જમાનામાં પણ ઈશ્વરભક્તોને પ્રચારમાં આવી જ મુશ્કેલીઓ હતી. તોય તેઓ પડતું મૂકવાને બદલે રોજ કે ‘નિત્ય પ્રાતઃકાળે ઊઠીને’ ઈશ્વરનો સંદેશો લોકોને જણાવતા હતા. (યિર્મેયાહ ૭:૨૪-૨૬ વાંચો; ૨ કાળ. ૩૬:૧૫, ૧૬) એમ કરવા તેઓને શામાંથી મદદ મળી? એક તો, તેઓ જાણતા હતા કે સંદેશો જણાવવાનું કામ યહોવાહે સોંપ્યું છે, નહિ કે દુનિયાના લોકોએ. બીજું, યહોવાહનો સંદેશો જણાવવાને તેઓ એક મોટો લહાવો ગણતા.—યિર્મે. ૧૫:૧૬.

૧૮. આપણા પ્રચારથી કઈ રીતે યહોવાહનું નામ ભાવિમાં મહાન બનશે?

૧૮ આજે યહોવાહનું નામ અને પૃથ્વી માટેના તેમના મકસદ વિષે જણાવવાનો આપણી પાસે મોટો લહાવો છે. જરા વિચાર કરો: યહોવાહ જ્યારે દુશ્મનોનો ન્યાય કરશે ત્યારે, આપણા પ્રચાર કામને લીધે તેઓ એમ નહિ કહી શકે કે ‘અમને યહોવાહ વિષે કંઈ જણાવવામાં આવ્યું નથી.’ ફારૂનના કિસ્સામાં બન્યું હતું તેમ આ વખતે પણ દુશ્મનો જાણશે કે યહોવાહ તેઓનો ન્યાય કરી રહ્યા છે. (નિર્ગ. ૮:૧, ૨૦; ૧૪:૨૫) એ જ સમયે યહોવાહ પોતાના ભક્તોને સન્માન આપીને તેઓનું શિર ઊંચું કરશે. દુનિયાને સ્પષ્ટ બતાવી આપશે કે એ જ મારા લોકો છે.—હઝકીએલ ૨:૫; ૩૩:૩૩ વાંચો.

૧૯. યહોવાહની ધીરજનો આપણે સારો લાભ લઈ રહ્યા છીએ એમ કઈ રીતે બતાવી શકીએ?

૧૯ બીજા પત્રના અંતે પીતરે સાથી ભાઈ-બહેનોને લખ્યું, ‘આપણો પ્રભુ યહોવાહ જે ધીરજ’ રાખે છે એમાં જ આપણું ‘તારણ છે’ એમ માનીએ. (૨ પીત. ૩:૧૫) ચાલો આપણે પોતાની શ્રદ્ધા મજબૂત કરવા યહોવાહની ધીરજનો પૂરો લાભ લઈએ. કેવી રીતે? તેમને પસંદ પડે એવા ગુણો કેળવીએ. આ દુષ્ટ જગતમાં “નિષ્કલંક તથા નિર્દોષ” રહેવા બનતું બધું જ કરીએ. કસોટીઓ આવે ત્યારે પણ હિંમત હાર્યા વગર યહોવાહની ભક્તિમાં લાગુ રહીએ. એમ કરીશું તો, યહોવાહ “નવાં આકાશ તથા નવી પૃથ્વી” લાવશે ત્યારે આપણે હંમેશ માટે ઘણા આશીર્વાદો પામીશું.—૨ પીત. ૩:૧૩. (w10-E 07/15)

શું તમને યાદ છે?

• આપણે કઈ રીતે ઈશ્વર જેવા ગુણો કેળવી શકીએ?

• આ દુષ્ટ જગતમાં આપણે કઈ રીતે “નિષ્કલંક તથા નિર્દોષ” રહી શકીએ?

• યુસફ અને નાઓમીના અનુભવમાંથી આપણને શું શીખવા મળે છે?

• યહોવાહ વિષે પ્રચાર કરવો કેમ એક મોટો લહાવો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]

પતિઓ, તમને અને તમારા કુટુંબને ઈશ્વર જેવા ગુણો કેળવવા શામાંથી મદદ મળશે?

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

યુસફે જે રીતે કસોટી સહી એમાંથી આપણે શું શીખી શકીએ?