સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ શું શીખવે છે?

ઈસુ શું શીખવે છે?

ઈસુ શું શીખવે છે?

ઈસુ અજોડ હતા. તેમની પાસેથી આપણે ઘણું શીખીએ છીએ. ઈશ્વરભક્ત પીતરે કહ્યું: ‘ઈસુએ તમારે માટે સહન કર્યું, અને તેમને પગલે ચાલો, માટે તેમણે નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧) ચાલો જોઈએ કે ઈસુ કેવા હતા.

ઈસુએ જીવનનો આનંદ માણ્યો. ખરું કે ઈસુની પાસે ‘માથું ટેકવવાની’ જગ્યા ન હતી. પણ એવું નʼતું કે તે સાધુ બની ગયા હતા. (માત્થી ૮:૨૦) તે મોટી મિજબાનીમાં ગયા હતા. (લુક ૫:૨૯) તે લગ્‍નમાં પણ ગયા હતા. અરે, પાણીનો સરસ વાઇન બનાવી, તેમણે સૌથી પહેલો ચમત્કાર કર્યો. (યોહાન ૨:૧-૧૧) તોપણ તેમણે પોતાના મકસદ વિષે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.”—યોહાન ૪:૩૪.

તમારા જીવનમાં શું પહેલું આવે છે, ઈશ્વરની ભક્તિ કે મોજમજા?

ઈસુ પાસે બધા જ આવતા. જ્યારે લોકો સવાલ પૂછતા કે પોતાનું દુઃખ જણાવતા, ત્યારે ઈસુ ચિડાઈ જતા નહિ. એક વાર ઈસુ લોકોથી ઘેરાયેલા હતા. એવામાં એક સ્ત્રી આવી, જે બાર વર્ષથી બીમાર હતી. સાજા થવાની આશાથી, તે તેમના કપડાને અડકી. ઈસુને એની જાણ થઈ. ગુસ્સે થવાને બદલે, તેમણે પ્રેમથી કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે.” (માર્ક ૫:૨૫-૩૪) બાળકો પણ ઈસુ પાસે દોડી જતાં. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુના મિત્રો પણ ગભરાતા નહિ. તેઓ તેમની સાથે છૂટથી હળતા-મળતા.—માર્ક ૬:૩૦-૩૨.

શું બધા તમારી સાથે છૂટથી હળે-મળે છે?

ઈસુ બીજાના દુઃખે દુઃખી થયા. બીજાના દુઃખથી તેમનું હૈયું વીંધાઈ જતું ને તરત મદદ કરતા. જેમ કે, ઈસુના દોસ્ત લાજરસનું મરણ થયું. તેની બહેનોને રડતી જોઈને ‘ઈસુ દુઃખી થયા અને રડ્યા.’ જોનારા લોકોએ કહ્યું કે ઈસુને કુટુંબ પર કેટલો પ્રેમ હતો. એટલું જ નહિ, તેમણે લાજરસને સજીવન કર્યો!—યોહાન ૧૧:૩૩-૪૪.

બીજો એક બનાવ જોઈએ. એક માણસ કોઢને લીધે લોકોમાં હળી-ભળી શકતો નહિ. તેણે ઈસુને વિનંતી કરી કે “ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે.” ઈસુએ “તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા.” (માત્થી ૮:૨, ૩) તેમણે ફક્ત ભવિષ્યવાણીઓ પૂરી કરવા જ લોકોને સાજા કર્યા નહિ. પણ તેમનાથી લોકોનું દુઃખ જોવાતું ન હતું. તે હંમેશાં આ પ્રમાણે કહેતા અને કરતા: “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.”—લુક ૬:૩૧.

શું તમે દુઃખી લોકોને હમદર્દી બતાવો છો?

ઈસુ સમજી વિચારીને વર્ત્યા. ઈસુએ કોઈ પાપ કર્યું નહિ. તોપણ કદીએ એવી રીતે ન વર્ત્યા કે પોતે કાંઈ છે. બીજા પાસેથી મોટી મોટી આશા ન રાખી, પણ હંમેશાં સમજી-વિચારીને વર્ત્યા. એક વાર ઈસુ જે શહેરમાં હતા, ત્યાં “એક પાપી સ્ત્રી હતી.” તેણે ઈસુના શિક્ષણમાં શ્રદ્ધા મૂકી. તેમના પગ પોતાના આંસુથી ધોયા. પણ તેઓ જેના ઘરમાં હતા, એ માણસે પેલી સ્ત્રીનાં પાપ જ જોયાં. જ્યારે કે ઈસુએ તે સ્ત્રીનાં પાપ નહિ, પણ દિલથી કરેલો પસ્તાવો જોયો અને કહ્યું: “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.” એ કારણે જ કદાચ પેલી સ્ત્રીએ પાપી જીવન છોડી દીધું હોય શકે.—લુક ૭:૩૭-૫૦.

શું તમે શાબાશી આપો છો કે વાંક શોધ્યા કરો છો?

ઈસુ ભેદભાવ ન રાખતા, બીજાને માન આપતા. ઈસુને યોહાન સાથે વધારે બનતું. એનું કારણ એ હોય શકે કે તેઓ સગાં હતા અને તેઓનો સ્વભાવ મળતો આવતો હતો. * તોપણ તેમણે બીજા શિષ્યો સાથે ભેદભાવ ન રાખ્યો. (યોહાન ૧૩:૨૩) યોહાન અને તેમના ભાઈ યાકૂબે ઈશ્વરના રાજ્યમાં સૌથી સારી પદવી માંગી ત્યારે, ઈસુએ કહ્યું: “મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારૂં કામ નથી.”—માર્ક ૧૦:૩૫-૪૦.

ઈસુના જમાનામાં લોકો ઘણો ભેદભાવ રાખતા. દાખલા તરીકે, પુરુષો કરતાં સ્ત્રીઓ ઊતરતી ગણાતી. યહુદીઓ સમરૂની લોકોને સખત નફરત કરતા. પણ ઈસુએ બધાને માન આપ્યું. પોતે મસીહ છે, એવું સૌથી પહેલાં ઈસુએ એક સ્ત્રીને જણાવ્યું. એ પણ સમરૂની સ્ત્રીને. (યોહાન ૪:૭-૨૬) ઈસુ સજીવન થયા અને સૌથી પહેલા સ્ત્રીઓને દેખાયા.—માત્થી ૨૮:૯, ૧૦.

શું તમે કોઈ પણ ભેદભાવ રાખો છો?

ઈસુએ કુટુંબની જવાબદારી સારી રીતે ઉપાડી. ઈસુ હજુ તો માંડ યુવાનીએ પહોંચ્યા ને તેમના પાલક પિતા યુસફ ગુજરી ગયા. ઈસુએ સુથારી કામ કરીને, પોતાની મા અને નાના ભાઈ-બહેનોની સંભાળ રાખી. (માર્ક ૬:૩) અરે, જીવનની છેલ્લી ઘડીએ પોતાની માની જવાબદારી, પોતાના દોસ્ત યોહાનને સોંપી.—યોહાન ૧૯:૨૬, ૨૭.

ઈસુની જેમ શું તમે પણ કુટુંબની જવાબદારી ઉપાડો છો?

ઈસુ જેવા મિત્ર કોઈ નહિ. ઈસુ સારી રીતે દોસ્તી નિભાવી જાણતા. તેમના દોસ્તો એકની એક ભૂલ કર્યા કરતા, તોપણ ઈસુએ દોસ્તી તોડી નહિ. ઈસુ તેઓનો વાંક શોધવાને બદલે, તેઓમાં સારું જ જોતા. (માર્ક ૯:૩૩-૩૫; લુક ૨૨:૨૪-૨૭) ઈસુ પોતાનો જ કક્કો ખરો ન કરાવતા. પણ તેઓનાં મનની વાત જાણવાનો પ્રયત્ન કરતા.—માત્થી ૧૬:૧૩-૧૫.

ઈસુ પોતાના દોસ્તોને દિલોજાનથી ચાહતા. (યોહાન ૧૩:૧) તેમણે કહ્યું, “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩) એ સાચે જ મહાન પ્રેમ કહેવાય!

કોઈ ચીડવે કે ખોટું લગાડે ત્યારે પણ, તમે દોસ્તી નિભાવો છો?

ઈસુએ હિંમતથી જવાબદારી નિભાવી. ઘણા ફૉટા કે ચિત્રો બતાવે છે તેમ, ઈસુ નબળા કે કમજોર ન હતા. માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો તેમને હિંમતવાળા અને જવાબદાર બતાવે છે. બે વાર ઈસુએ વેપારીઓને મંદિરમાંથી તગેડી મૂક્યા. (માર્ક ૧૧:૧૫-૧૭; યોહાન ૨:૧૪-૧૭) યહુદા ઈસકારીઓત ટોળું લઈને “ઈસુ નાઝારીને” પકડવા આવ્યો ત્યારે, ઈસુએ ગભરાયા વગર કહ્યું: “હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.” (યોહાન ૧૮:૪-૯) તેઓએ ઈસુને પકડી લીધા. માર મારીને રિબાવ્યા. તોપણ તેમની હિંમત જોઈને, રૂમી અધિકારી પીલાતે કહ્યું કે “જુઓ, આ માણસ!”—યોહાન ૧૯:૪, ૫.

જે ખરું છે એ કરવા શું તમે હિંમતથી પગલાં લો છો?

આવા અનેક ગુણોને લીધે આપણને ઈસુ જેવા બનવાનું મન થાય છે. આ લેખની શરૂઆતમાં ઈશ્વરભક્ત પીતરે પણ ઈસુને પગલે ચાલવાની અરજ કરી. એમ કરીને આપણે જ સુખી થઈશું. શું તમે ઈસુના પગલે ચાલશો?

સૌથી મહત્ત્વનો મકસદ

પૃથ્વી પર આવવાનો ઈસુનો મકસદ ફક્ત આપણા માટે દાખલો બેસાડવાનો જ ન હતો. તેમણે કહ્યું, ‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી.’ (યોહાન ૧૪:૬) ખાસ તો યહોવાહ વિષે શીખવવા, ઈસુ અહીં આવ્યા. તેમણે એવો માર્ગ ખોલી આપ્યો, જેથી આપણે યહોવાહ સાથે નાતો બાંધીને અમર જીવીએ.—યોહાન ૩:૧૬.

એ વિષે ઈસુએ કહ્યું: “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮) ઈસુએ આપેલી કુરબાનીથી અમર જીવન શક્ય બન્યું છે. એ માટે તમારે શું કરવું જોઈએ? ઈસુએ સમજાવ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઈશ્વર પાસેથી અમર જીવનની કૃપા મેળવવી હોય તો, બાઇબલ સ્ટડી કરો. ઈસુને ઓળખો. તેમના પગલે ચાલો. તેમની કુરબાનીમાં શ્રદ્ધા રાખો. *

ઈસુની કુરબાની આપણને પાપ અને મોતની જંજીરમાંથી આઝાદ કરશે. (રૂમી ૬:૨૩) ઈસુ જેવા બનવાથી આપણે સુખી થઈશું. એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી. એટલે ઈસુને પગલે ચાલવા કંઈ પણ આડું આવવા ન દો. (w08 12/1)

[Footnotes]

^ યોહાનની મા સાલોમી અને ઈસુની મા મરિયમ બન્‍ને બહેનો હોય શકે. વધારે માહિતી: માત્થી ૨૭:૫૫, ૫૬; માર્ક ૧૫:૪૦ અને યોહાન ૧૯:૨૫.

^ ઈસુ વિષે વધારે જાણવા યહોવાહના સાક્ષીઓનું આ પુસ્તક વાંચો: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ.

[Box/​Picture on page 7]

◼ ભેદભાવ ન રાખ્યો, બધાને માન આપ્યું

◼ ઈસુ જેવા મિત્ર કોઈ નહિ

◼ હિંમતવાળા ઈસુ

શું તમે ઈસુને પગલે પગલે ચાલો છો?

[Pictures on page 5]

જીવનનો આનંદ માણ્યો

ઈસુની પાસે બધા આવતા

બીજાના દુઃખે દુઃખી