સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘બાઇબલથી મારું જીવન સુધરી ગયું!’

‘બાઇબલથી મારું જીવન સુધરી ગયું!’

‘બાઇબલથી મારું જીવન સુધરી ગયું!’

મૅક્સિકોનો એક યુવાન ગેંગમાં જોડાયેલો હતો. પણ એ છોડીને તે મહેનતુ બન્યો. એક જાપાની સ્ત્રી વેપાર-ધંધામાં અમીર બની ગઈ. પણ તેણે પૈસાની એ દોડ છોડી દીધી. રશિયાનો એક માણસ ગેરકાયદે હથિયારો બનાવતો ને વેચતો. તેણે પણ પોતાનું જીવન સાવ બદલી નાખ્યું. તેઓ કેમ એકદમ બદલાઈ ગયા? ચાલો જોઈએ.

વ્યક્તિની ઓળખ

નામ: એડ્રિયન પેરેઝ

ઉંમર: ૩૦

દેશ: મૅક્સિકો

પહેલાં શું કરતા? ખતરનાક ગૅંગના મેમ્બર

સત્ય પહેલાંનું મારું જીવન: હું ૧૩ વર્ષનો હતો ત્યારે, અમારું કુટુંબ મૅક્સિકો જિલ્લાના એકાટેપેક ડે મોરેલોસ વિસ્તારમાં રહેવા ગયું. ત્યાં અનેક યુવાનો ગૅંગ બનાવીને રખડતા. ખૂબ ધમાલ કરતા. દારૂ ને ડ્રગ્‌સના બંધાણી. સેક્સ પાછળ પાગલ. તેઓ સાથે રહીને હું પણ એવો જ બની ગયો.

અમુક સમય બાદ, અમે સાન વિંસેન્ટે શહેરમાં પાછા રહેવા ગયા, જ્યાં મારો જન્મ થયો હતો. ત્યાં પણ ઘણા ડ્રગ્‌સના બંધાણી હતા. હું ‘શેતાનના ચેલા’ નામની ગૅંગમાં જોડાયો. અમે ચોરી કરતા. ડ્રગ્‌સ વેચતા ને એના નશામાં જીવતા. નશો ચડાવવા અમે સોલ્વન્ટ જેવા અનેક કૅમિકલ સૂંઘતા. ઘણી વાર મને ભાન પણ ન રહેતું કે કઈ રીતે ઘરે પહોંચ્યો. અરે, અમુક વાર તો બેભાન થઈને આખી રાત ફૂટપાથ પર પડી રહેતો. ઘણી વાર ઓવરડોઝને લીધે મરી ગયેલા યુવાનોના શબ ફૂટપાથ પર જોવા મળતા. ચોરી કે ખૂનને કારણે મારા અમુક દોસ્તો જેલમાં જ સબડતા.

ભલે હું આ રીતે જીવતો, તોપણ ભગવાનમાં માનતો. દિલ ડંખતું ત્યારે ચર્ચમાં જતો. ધાર્મિક રીતે કંઈક કરવાથી મનની શાંતિ મળશે, એવું હું માનતો. એટલે અમે બધાય દોસ્તો ભેગા મળીને, ઈસુના મોત પહેલાંની મુસાફરીનો ડ્રામા કરતા. એ પૂરો થતા જ અમે દારૂ પીવા બેસી જતા. અરે જે દોસ્ત ઈસુ બન્યો હોય, તે પણ દારૂના નશામાં ડૂબી જતો!

બાઇબલથી મારું જીવન સુધરી ગયું: હું પચીસેક વર્ષનો થયો ત્યારે, યહોવાહના સાક્ષીઓને મળ્યો. બાઇબલ વિષે શીખવા લાગ્યો. ગલાતી ૬:૮ના આ શબ્દો તરત જ મારા દિલ સુધી પહોંચી ગયા: “જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને [ઈશ્વરના માર્ગદર્શનને] અર્થે વાવે તે આત્માથી [ઈશ્વરની કૃપાથી] અનંતજીવન લણશે.” મને લાગ્યું કે હું નહિ સુધરું તો, મારા દિવસો ગણ્યા-ગાંઠ્યા જ છે.

બાઇબલ સ્ટડીમાં શીખવા મળ્યું કે યહોવાહ મારા રખેવાળ છે. જો હું પસ્તાવો કરીને બૂરી આદતો છોડી દઉં, તો તે જરૂર મને માફ કરશે. અનુભવથી હું કહી શકું કે યહોવાહે મારી પ્રાર્થના ફક્ત સાંભળી જ નહિ, જવાબ પણ આપ્યો.

સાચું કહું તો ફેરફારો કરવા બહુ અઘરા હતા. ગૅંગનો પીછો છોડાવવો સહેલો ન હતો. અમુક એરિયામાંથી હું પસાર થઈ ન શકતો. જૂના દોસ્તોને જોઈને મારે સંતાવું પડતું. નહિતર તેઓ મને ફરીથી બૂરી આદતોમાં ખેંચી જાત.

કિંગ્ડમ હૉલમાં ભાઈ-બહેનો ખૂબ ફ્રેંડલી હતા, કેમ કે તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવતા હતા. આવું મેં પહેલાં કદી જોયું ન હતું.

મને મળેલા આશીર્વાદો: દસેક વર્ષ પહેલાં મારું બાપ્તિસ્મા થયું. હું બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાની કોશિશ કરું છું. મારું કુટુંબ પણ હવે જોઈ શકે છે કે હું મહેનતથી કમાઈ ખાઉં છું. અરે, અમુક વાર મેં તેઓને પૈસેટકે મદદ કરી છે. મારા જીવનમાં ફેરફારો જોઈને મારી મમ્મી પણ યહોવાહના સાક્ષી બની. મારા પપ્પા પોતાનું જીવન સુધારવા માંડ્યા છે. મારું મોટા ભાગનું કુટુંબ યહોવાહને ભજતું નથી. તોયે કમ-સે-કમ તેઓ સ્વીકારે છે કે બાઇબલનું શિક્ષણ વ્યક્તિનું જીવન સાવ બદલી શકે છે.

વ્યક્તિની ઓળખ

નામ: યાયોઈ નાગાટાની

ઉંમર: ૫૦

દેશ: જાપાન

પહેલાં શું કરતા? કંપની પ્રેસિડન્ટ

સત્ય પહેલાંનું મારું જીવન: હું એવા ગામમાં મોટી થઈ, જ્યાં બધા એકબીજાને ઓળખતા. મારા પપ્પાની એક દુકાન હતી, જેમાં ૧૦ જણ કામ કરતા. મમ્મી-પપ્પા ધંધામાં ખૂબ બીઝી હતા. તોપણ અમે દિવસમાં અનેક વાર મળતા, કેમ કે અમારું ઘર દુકાનની બાજુમાં જ હતું.

અમે ત્રણ બહેનોમાં હું સૌથી મોટી. એટલે મમ્મી-પપ્પાએ મને ફેમીલી બિઝનેસ ચલાવવાનું શીખવ્યું. નાની ઉંમરે જ મારા લગ્‍ન થઈ ગયા. સાથે સાથે અમારો બિઝનેસ પણ ધમધોકાર ચાલતો હતો. એટલે મારા પતિએ બૅંકની નોકરી છોડી દીધી. અમે બંને સાથે મળીને બિઝનેસ સંભાળવા લાગ્યા. થોડાં વર્ષોની અંદર અમે ત્રણ બાળકોનાં માબાપ બની ગયાં. મારી મમ્મી બાળકોની સંભાળ રાખતી. ઘરનું કામકાજ કરતી. અમે તો સવારથી મોડી રાત સુધી દુકાનમાં બીઝી રહેતા. તોયે કુટુંબ સાથે થોડો ટાઈમ પાસ કરતા.

અચાનક અમારા વિસ્તારમાં વેપાર-ધંધામાં મંદી આવી ગઈ. અમારા બિઝનેસને પણ એની અસર થઈ. એટલે અમે શહેર પાસે મકાન રિપેર કરવાના સામાનની દુકાન ખોલવાનો ફેંસલો કર્યો. બાંધકામ શરૂ થાય એ પહેલાં અમે વિધિ કરવાના હતા. એના આગલા દિવસે જ, મારા પપ્પા અચાનક ઢળી પડ્યા. પછી ખબર પડી કે તેમને મગજની બીમારી હતી. હવે તે બહુ બોલી ન શકતા. એટલે કંપની પ્રેસિડેન્ટની જવાબદારી મારા પર આવી પડી. મારા પતિ જૂની દુકાન સંભાળતા, ને હું નવી દુકાન. જીવનમાં બીજા કશાય માટે ફુરસદ ન હતી.

રાત-દિવસ હું કામ કરતી. બાળકો સાથે બહુ ટાઈમ કાઢી ન શકતી. બસ કામ, કામ ને કામ. પતિ સાથે પણ માંડ વાત થતી. થતી ત્યારે અમે ઝઘડતા. ટેન્શન ઉતારવા બેનપણીઓ ને બિઝનેસ કોન્ટેક્ટ સાથે રોજ દારૂ પીવા ચાલી જતી. કામ, દારૂ ને ઊંઘ સિવાય બીજું કંઈ ન હતું. નવી દુકાનની કમાણી વધતી ગઈ. એના ગર્વની સાથે સાથે મારો ગમ પણ વધતો ગયો. એવું કેમ, એ સમજી ન શકતી.

બાઇબલથી મારું જીવન સુધરી ગયું: બાઇબલ વિષે શીખવા લાગી ત્યારે, ત્રણ કલમોથી મારું દિલ પીગળી ગયું. માત્થી ૫:૩કહે છે: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” (NW) એ વાંચીને હું રડી પડી. મને ભાન થયું કે કેમ મારી પાસે બધુંય હોવા છતાં, જીવન ખાલી ખાલી હતું. સાચો સંતોષ તો ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધવાથી જ મળે છે.

થોડા સમયમાં જાપાનના વેપાર-ધંધામાં મંદી આવી. મારા ફ્રેન્ડ્‌ઝની હાલત બહુ ખરાબ થઈ ગઈ. ૧ તીમોથી ૬:૯કહે છે: ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક ઇચ્છામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં ડુબાવે છે.’ મને માત્થી ૬:૨૪ના શબ્દો પણ ખૂબ યાદ આવ્યા, જે કહે છે: ‘ઈશ્વર અને દ્રવ્ય બંનેની સેવા કરાય નહિ.’ મેં નક્કી કર્યું કે મારે જીવનમાં મોટા ફેરફારો કરવા જ પડશે.

બિઝનેસમાં જ ડૂબેલી હોવાથી, હું ઘરમાં જાણે અજનબી હતી. વાતવાતમાં ગુસ્સે થતી. જરાય ધીરજ ન હતી. હું ઘમંડી બની ગઈ હતી. મને લાગ્યું કે હું કદીયે સુધરીશ નહિ. પણ બાઇબલનું શિક્ષણ જીવનમાં ઉતારવાથી, ઘરમાં સુખ આવવા લાગ્યું. બાળકોની વધારે સંભાળ રાખવા લાગી. મિટિંગમાં પણ લઈ જવા લાગી. મારાં બાળકોને તેઓની મા પાછી મળી.

મને મળેલા આશીર્વાદો: હવે મારું જીવન ભર્યું ભર્યું લાગે છે. ઈશ્વર સાથે મારો નાતો દિવસે દિવસે પાકો થતો જાય છે. ઈશ્વરને ગમે એવી રીતે હું જીવું છું. હવે જીવનમાં ખરું સુખ છે. સંતોષ છે. પહેલાંની જેમ કુટુંબને કદીયે પડતું નહિ મૂકું.

મારામાં ફેરફારો જોઈને, મમ્મી પણ યહોવાહના સાક્ષી બન્યાં છે. પણ પપ્પા ને મારા પતિ નથી બન્યા. તોયે તેઓ અમને રોકતા નથી. યહોવાહને ભજવાથી હું બાળકોની બેસ્ટ ફ્રેંડ બની ગઈ છું. મમ્મી-પપ્પા ને પતિ સાથે પણ સારું બને છે.

વ્યક્તિની ઓળખ

નામ: મિખાઈલ ઝૂયેફ

ઉંમર: ૫૧

દેશ: રશિયા

પહેલાં શું કરતા? ગેરકાયદે હથિયારો વેચનાર

સત્ય પહેલાંનું મારું જીવન: મારો જન્મ રશિયાના ક્રાસનોગોર્ક ગામમાં થયો. ગામ તો લીલુંછમ. દક્ષિણ બાજુ મોસ્કો નદી અને પશ્ચિમ ને ઉત્તર બાજુ બસ જંગલો!

હું નાનો હતો ત્યારે બૉક્સિંગ કરવાની મજા આવતી. હથિયારો સાથે રમતો. મોટો થયો તેમ પહેલવાન થયો. બંદૂક-પિસ્તોલ, કારતૂસ અને ચાકૂ છાની-છૂપી રીતે બનાવવા માંડ્યો. આમ મારો ધંધો શરૂ થયો. થોડા વખતમાં બરાબર જામી ગયો. બધી બાજુથી ગુનેગારો ને ગુંડાઓ હથિયારો ખરીદવા આવવા લાગ્યા.

બાઇબલથી મારું જીવન સુધરી ગયું: ૧૯૯૨ની આજુબાજુ હું યહોવાહના સાક્ષીઓને મળ્યો. પણ તેઓ પર કોઈ ભરોસો ન હતો. બહુ પ્રશ્નો પૂછતા, એ મને જરાય ન ગમતું.

એક વખતે તેઓએ મને રૂમી ૧૪:૧૨ વાંચી આપી, જે કહે છે: “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.” મને થયું કે ‘હું ઈશ્વરને શું કહીશ.’ ત્યારથી ઈશ્વર વિષે હું વધારે ધ્યાન આપવા લાગ્યો.

કોલોસી ૩:૫-૧૦ની સલાહ પાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ કહે છે: ‘વ્યભિચાર, અશુદ્ધતા, વાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં ખરાબ શબ્દો, એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમે જૂના સ્વભાવને ઉતારી મૂક્યો છે. માટે નવો સ્વભાવ પહેરી લો.’

સ્વભાવમાં સુધારો કરવો બહુ જ મુશ્કેલ હતું. મારા ઘરાકો ઘડી ઘડી આવીને પૈસાની થપ્પી બતાવતા. હથિયારો માંગતા. હું ના પાડતો ત્યારે મન ફાવે એમ બોલતા. ગુસ્સો કાબૂમાં રાખવો સહેલો ન હતો. હથિયારો અને એનો માલ, બધુંય નાશ કરી નાખ્યું. એમાં મારા ઘણા પૈસા બરબાદ થયા. પણ બાઇબલમાંથી હું શીખ્યો કે યહોવાહ અને ઈસુ મને ખૂબ ચાહે છે. મારી શ્રદ્ધા વધવા લાગી. સ્ટડી ચાલુ રાખી. મિટિંગમાં જવા માંડ્યો ને દિલથી પ્રાર્થના કરવા લાગ્યો.

મને મળેલા આશીર્વાદો: જીવન સુધારવું સહેલું ન હતું. મંડળના ભાઈ-બહેનોએ ખૂબ મદદ કરી. ઉત્તેજન આપ્યું. યહોવાહના સાક્ષીઓ ખરેખર ભગવાનના માણસો છે. તેઓએ મને દિલથી પ્રેમ બતાવ્યો. યહોવાહ સર્વેને ખૂબ વહાલા ગણે છે. અરે, ગુજરી ગયેલાઓને પણ ચાહે છે, એ જાણીને હું બહુ ખુશ થઈ ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

યહોવાહ વિષે શીખવા લાગ્યો ત્યારે, મારા કુટુંબ ને દોસ્તોને ગમ્યું નહિ. અમુકે તો મને રોકવાની કોશિશ કરી. પણ તેઓને થયું કે ‘ગેરકાયદે હથિયારો વેચનાર કરતાં, ભલે તે યહોવાહનો સાક્ષી બને.’ હવે હું લોકોને ઈશ્વર યહોવાહ વિષે શીખવું છું, જે શાંતિ ચાહે છે. પણ લડાઈ-ઝઘડાથી તેમને સખત નફરત છે. (w08 8/1)

[Picture on page 21]

દિલ ડંખે ત્યારે હું ચર્ચની વિધિઓમાં ભાગ લેતો

[Picture on page 22]

મારી પાસે બધુંય હોવા છતાં, જીવન ખાલી ખાલી હતું