સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો

તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો

‘જો યહોવા ઘર ન બાંધે, તો એને બાંધનારાઓની મહેનત નકામી છે.’—ગીત. ૧૨૭:૧ક.

૧-૩. પરિણીત યુગલોને કયા પડકારોનો સામનો કરવો પડે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

એક ભાઈ ૩૮ વર્ષોથી સુખી લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. તે કહે છે, ‘જો તમે સાચા દિલથી પ્રયત્નો કરો અને બતાવો કે તમે લગ્નજીવન સફળ બનાવવા માંગો છો, તો યહોવા તમને ચોક્કસ આશીર્વાદ આપશે.’ હા, મુશ્કેલ સંજોગોમાં પણ પતિ-પત્નીએ આનંદી રહેવું અને એકબીજાને સાથ-સહકાર આપવો શક્ય છે.—નીતિ. ૧૮:૨૨.

લગ્નજીવનમાં અમુક મુશ્કેલીઓ આવે એ સામાન્ય વાત છે. બાઇબલમાં એને “શારીરિક દુઃખ” કહેવામાં આવ્યું છે. (૧ કોરીં. ૭:૨૮) શા માટે? રોજબરોજની સમસ્યાઓને લીધે લગ્નજીવનમાં તણાવ આવી શકે. પતિ-પત્ની અપૂર્ણ હોવાથી કેટલીક વાર એકબીજાની લાગણીઓ દુભાવે છે. અમુક વાર તેઓ દિલ ખોલીને વાત કરવાનું ચૂકી જાય છે. (યાકૂ. ૩:૨, ૫, ૮) ઘણાં યુગલોને નોકરી પર સખત મહેનત કરવી પડે છે અને સાથે સાથે બાળકોનાં ઉછેરની જવાબદારી પણ નિભાવવી પડે છે. એવાં સતત તાણ અને થાકને લીધે લગ્નજીવનને મજબૂત કરવા સમય આપવો અઘરો બની શકે. પૈસાની તંગી, બીમારી અને બીજી સમસ્યાઓને કારણે પતિ-પત્નીનો એકબીજા માટેનો પ્રેમ અને આદર ધીરે ધીરે ઘટી શકે. મજબૂત દેખાતું લગ્નજીવન, “દેહનાં કામ”ને લીધે પડી ભાંગી શકે. દેહનાં કામોમાં વ્યભિચાર, બેશરમ કાર્યોં, વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો અને મતભેદનો સમાવેશ થાય છે.—ગલા. ૫:૧૯-૨૧.

અધૂરામાં પૂરું, આ “છેલ્લા સમયમાં” લોકો સ્વાર્થી અને ઈશ્વરનાં ધોરણોની અવગણના કરનારા બની ગયા છે. એવું વલણ લગ્નજીવનમાં ઝેર ભેળવી શકે. (૨ તીમો. ૩:૧-૪) વધુમાં, આપણો કટ્ટર દુશ્મન શેતાન લગ્નજીવનોને વેરવિખેર કરી નાખવા પૂરું જોર લગાડી રહ્યો છે. તેથી, પ્રેરિત પીતરે આપણને ચેતવ્યા: “તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.”—૧ પીત. ૫:૮; પ્રકટી. ૧૨:૧૨.

૪. લગ્નજીવનને મજબૂત અને સુખી બનાવવું કઈ રીતે શક્ય છે?

જાપાનમાં રહેતા એક પરિણીત ભાઈ સ્વીકારે છે: ‘પૈસાની તંગીને લીધે હું ઘણો તાણ અનુભવતો હતો. તેથી, હું દિલ ખોલીને મારી પત્ની જોડે વાત ન કરી શકતો માટે તે પણ ઘણી ચિંતામાં રહેતી. ઉપરાંત, તેની તબિયતને લઈને અમુક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી. એ બધાં તણાવને કારણે કેટલીક વાર અમારી વચ્ચે ઝઘડો થતો.’ ખરું કે, લગ્નજીવનમાં એવા અમુક પડકારો આવે છે. પરંતુ, એનો ઉકેલ લાવવો શક્ય છે. યહોવાની મદદથી યુગલો મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૧ વાંચો.) ચાલો, એવી પાંચ રીતો જોઈએ જેના દ્વારા લગ્નજીવન મજબૂત અને અતૂટ બનાવી શકાય. આપણે એ પણ જોઈશું કે લગ્નજીવનને મજબૂત બનાવવા પ્રેમ હોવો શા માટે જરૂરી છે.

યહોવાને તમારા લગ્નજીવનનો ભાગ બનાવો

૫, ૬. યહોવાને લગ્નજીવનનો ભાગ બનાવવા યુગલ શું કરી શકે?

પતિ-પત્ની જો યહોવાને આધીન અને વફાદાર રહે તો તેઓના લગ્નજીવનનો પાયો દૃઢ બનશે. (સભાશિક્ષક ૪:૧૨ વાંચો.) યહોવાના પ્રેમાળ માર્ગદર્શન પ્રમાણે ચાલીને તેઓ તેમને લગ્નજીવનનો ભાગ બનાવે છે. બાઇબલ કહે છે: ‘જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો એવી વાત આવતી સાંભળશે, કે “માર્ગ આ છે, એના પર તમે ચાલો.”’ (યશા. ૩૦:૨૦, ૨૧) પતિ અને પત્ની સાથે મળીને બાઇબલ વાંચે છે ત્યારે, તેઓ યહોવાની વાત ‘સાંભળી શકે છે.’ (ગીત. ૧:૧-૩) પોતાના લગ્નજીવનને હજુ મજબૂત બનાવવા તેઓ આનંદ અને ઉત્તેજન આપનારી કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત રીતે કરે છે. તેઓ દરરોજ ભેગા મળીને પ્રાર્થના કરે છે, જેથી શેતાનના જગત તરફથી થતા હુમલા સામે પોતાના લગ્નબંધનનું રક્ષણ કરી શકે.

સાથે મળીને ભક્તિ કરવાથી પતિ-પત્ની એકબીજાની અને યહોવાની નજીક આવે છે. તેમ જ એકબીજાના સાથનો આનંદ માણે છે (ફકરા ૫, ૬ જુઓ)

જર્મનીમાં રહેનાર ભાઈ ગેરહાડ કહે છે, ‘અમુક વાર અમારા આનંદ પર વ્યક્તિગત સમસ્યાઓ અને ગેરસમજનાં વાદળો છવાઈ જાય છે. એવા સમયે બાઇબલમાં આપેલી સલાહમાંથી અમને ધીરજ રાખવા અને માફી આપતા રહેવા મદદ મળે છે. લગ્નજીવનને સફળ બનાવવા એ ગુણો ખૂબ જરૂરી છે.’ યહોવાની ભક્તિ કરવા જો યુગલ સાથે મળીને મહેનત કરે, તો યહોવા તેઓના લગ્નજીવનનો ભાગ બનશે. પરિણામે, તેઓ યહોવાની વધુ નજીક આવે છે અને તેઓનું લગ્નબંધન મજબૂત બને છે.

પતિઓ, તમે કુટુંબના પ્રેમાળ શિર છો

૭. પતિએ પોતાની પત્ની જોડે કઈ રીતે વર્તવું જોઈએ?

લગ્નજીવનનું મજબૂત અને સુખી બનવું, પતિની આગેવાની લેવાની રીત પર આધાર રાખે છે. બાઇબલ કહે છે, “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે.” (૧ કોરીં. ૧૧:૩) એનો શો અર્થ થાય? દરેક પતિએ પોતાની પત્ની જોડે એ રીતે વર્તવું જોઈએ જે રીતે ઈસુ પોતાના શિષ્યો સાથે વર્ત્યા હતા. તે શિષ્યો જોડે ક્યારેય ગુસ્સાથી, ક્રૂરતાથી કે કઠોરતાથી વર્ત્યા નહિ. તે હંમેશાં નમ્ર, વાજબી, પ્રેમાળ અને કૃપાળુ રીતે વર્ત્યા હતા.—માથ. ૧૧:૨૮-૩૦.

૮. પતિ કઈ રીતે પત્ની પાસેથી પ્રેમ અને માન મેળવી શકે?

પતિએ માન મેળવવા પત્નીને દબાણ કરવું જોઈએ નહિ. એના બદલે તેણે ‘સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ.’ (૧ પીત. ૩:૭) ઘરમાં તેમ જ જાહેરમાં તેણે પત્ની જોડે માનથી બોલવું અને વર્તવું જોઈએ. પતિનાં વાણી-વર્તન પરથી દેખાઈ આવવું જોઈએ કે તે પત્નીને કીમતી ગણે છે. (નીતિ. ૩૧:૨૮) પતિ પ્રેમથી વર્તશે તો પત્ની પણ તેને પ્રેમ અને માન આપશે. એવા લગ્નજીવન પર યહોવા આશીર્વાદ વરસાવશે.

પત્નીઓ, તમે નમ્ર અને આધીન રહો છો

૯. પત્ની કઈ રીતે બતાવી શકે કે તે પતિને આધીન રહે છે?

યહોવા પ્રત્યે આપણો પ્રેમ તેમના સિદ્ધાંતોના સુમેળમાં અને સ્વાર્થ વગરનો હોવો જોઈએ. એનાથી આપણને, ‘ઈશ્વરના સમર્થ હાથ નીચે’ પોતાને નમ્ર બનાવવામાં મદદ મળશે. (૧ પીત. ૫:૬) પત્નીએ પોતાના પતિને સહકાર આપવો જોઈએ. એ યહોવાના અધિકારને માન આપવાની એક મહત્ત્વની રીત છે. બાઇબલ જણાવે છે: ‘સ્ત્રીઓ, જેમ પ્રભુમાં તમને શોભે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો.’ (કોલો. ૩:૧૮) ખરું કે, પતિનો દરેક નિર્ણય પત્નીને ન પણ ગમે. છતાં, જો એ નિર્ણય યહોવાના નિયમની વિરુદ્ધ નથી, તો એક આધીન પત્ની જરૂર સહકાર આપવા ચાહશે.—૧ પીત. ૩:૧,૨.

૧૦. શા માટે પ્રેમાળ રીતે આધીન રહેવું મહત્ત્વનું છે?

૧૦ યહોવાએ પત્નીઓને કુટુંબમાં મહત્ત્વની ભૂમિકા આપીને માન આપ્યું છે. પત્ની તો હંમેશાં પતિની “જોડે હોવા”થી તેની સાથીદાર અને સહાયકારી છે. (માલા. ૨:૧૪) પતિ-પત્ની જ્યારે કુટુંબને લગતો કોઈ નિર્ણય લે, ત્યારે પત્ની પોતાનો વિચાર અને લાગણી જણાવી શકે. પરંતુ, પત્નીએ આધીન રહીને એમ કરવું જોઈએ. એક સમજુ પતિ પણ તેની પત્નીની વાત ધ્યાનથી સાંભળશે. (નીતિ. ૩૧:૧૦-૩૧) પ્રેમાળ રીતે આધીન રહેવાથી કુટુંબમાં આનંદ, શાંતિ અને સંપનો માહોલ બની રહે છે. પરિણામે, પતિ-પત્ની સંતોષની લાગણી અનુભવે છે. તેઓ જાણે છે કે તેઓ યહોવાને ખુશ કરી રહ્યાં છે.—એફે. ૫:૨૨.

એકબીજાને માફી આપતા રહો

૧૧. એકબીજાને માફ કરવું શા માટે જરૂરી છે?

૧૧ લગ્નજીવન હંમેશ માટે ટકાવી રાખવા જરૂરી છે કે પતિ-પત્ની એકબીજાને માફ કરવાનું શીખે. જ્યારે યુગલ ‘એકબીજાનું સહન કરે અને એકબીજાને ક્ષમા કરે’ છે ત્યારે તેઓનું લગ્નબંધન મજબૂત બને છે. (કોલો. ૩:૧૩) પરંતુ, જો તેઓ ભૂલોને માફ ન કરે અને ભૂલોને એકબીજાની વિરુદ્ધ હથિયાર તરીકે વાપરે, તો લગ્નજીવન નબળું પડી શકે. દુભાયેલી લાગણી અને ગુસ્સો તો તિરાડ જેવાં છે, જે લગ્નબંધનની ઇમારતને નબળી બનાવી શકે. સંબંધોમાં એવી તિરાડોને લીધે પતિ-પત્ની માટે એકબીજાને સાથ આપવો અને માફ કરવું વધુને વધુ અઘરું બનતું જાય છે. પરંતુ, જો પતિ-પત્ની યહોવાને અનુસરીને એકબીજાને માફ કરે, તો તેઓનું બંધન મજબૂત થાય છે.—મીખા. ૭:૧૮, ૧૯.

૧૨. સાચો પ્રેમ કઈ રીતે “પાપના પુંજને ઢાંકે છે”?

૧૨ સાચો પ્રેમ ‘અપરાધોનો હિસાબ રાખતો નથી.’ અરે, સાચો પ્રેમ તો “પાપના પુંજને ઢાંકે છે.” (૧ કોરીં. ૧૩:૪, ૫, સંપૂર્ણ; ૧ પીતર ૪:૮ વાંચો.) તેથી, જો આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈશું તો માફી આપવાનો હિસાબ નહિ રાખીએ. પ્રેરિત પીતરે પૂછ્યું હતું કે કોઈને કેટલી વાર માફ કરવું જોઈએ. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “સિત્તેરગણી સાત વાર.” (માથ. ૧૮:૨૧, ૨૨) ઈસુના કહેવાનો શો અર્થ હતો? એ જ કે, ઈશ્વરભક્તોએ એકબીજાને માફી આપવાની કોઈ હદ નથી હોતી.—નીતિ. ૧૦:૧૨. *

૧૩. માફી ન આપવાના વલણથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૩ જર્મનીમાં રહેતાં બહેન એનેટ કહે છે: ‘જો પતિ-પત્ની એકબીજાને માફ કરવા તૈયાર ન હોય, તો ખાર અને શંકાની લાગણીઓ થઈ શકે છે. એવી લાગણીઓ લગ્નજીવન માટે ઝેર જેવી છે. પરંતુ, એકબીજાને માફ કરવાથી લગ્નબંધન મજબૂત થાય છે અને પતિ-પત્ની એકબીજાની વધુ નજીક આવે છે.’ આભાર માનવાનું અને કદર બતાવવાનું વલણ કેળવો. તમારા સાથીના સારા ગુણોની પ્રશંસા કરો. એમ કરવાથી તમે માફી ન આપવાના વલણથી દૂર રહી શકશો. (કોલો. ૩:૧૫) પરિણામે, તમને મનની શાંતિ, સંપ અને ઈશ્વરની કૃપા મળશે.—રોમ. ૧૪:૧૯.

સોનેરી નિયમને લાગુ પાડીએ

૧૪, ૧૫. સોનેરી નિયમ શું કહે છે અને એને લાગુ પાડવાથી કઈ રીતે લગ્નબંધન મજબૂત બને છે?

૧૪ સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ બીજાઓ પાસેથી માનભર્યાં વલણની આશા રાખે છે. દરેક વ્યક્તિ ચાહે છે કે બીજાઓ તેની વાત સાંભળે અને તેની લાગણીઓને ધ્યાનમાં લે. જોકે, કેટલીક વાર આપણે કોઈકને આમ કહેતા સાંભળ્યા હશે: “તેણે મારી સાથે જેવું વર્તન કર્યું છે, એવું જ હું તેની સાથે કરીશ!” સમજી શકાય કે સંજોગોને લીધે એવો વિચાર આવી શકે. પરંતુ, બાઇબલ આપણને આ સલાહ આપે છે: “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ એમ તું ન કહે.” (નીતિ. ૨૪:૨૯) ઈસુએ મુશ્કેલ સંજોગોને હાથ ધરવાનો સૌથી સારો ઉપાય બતાવ્યો. તેમણે આ સોનેરી નિયમ શીખવ્યો: “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) ઈસુનો કહેવાનો અર્થ હતો કે આપણે બીજાઓ સાથે એવું વર્તન રાખીએ જેવું આપણે તેઓની પાસેથી ઇચ્છીએ છીએ. ઈસુએ “જેવા સાથે તેવા થવાનું” કહ્યું નહિ. એ પરથી તારણ કાઢી શકાય કે વ્યક્તિએ લગ્નસાથી જોડે એવું જ વર્તન કરવું જોઈએ જેવું તે સાથી પાસેથી ઇચ્છે છે.

૧૫ યુગલ એકબીજાની લાગણીઓની દિલથી કાળજી રાખીને પોતાના લગ્નબંધનને મજબૂત કરે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા એક પરિણીત ભાઈ જણાવે છે: ‘અમે સોનેરી નિયમ લાગુ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ખરું કે, અમુક સમયે અમે એકબીજા પર નારાજ થઈએ છીએ. એવામાં પણ અમે એકબીજા સાથે માનથી વર્તવાનું ભૂલતાં નથી. કારણ કે, અમે બંને એકબીજા પાસેથી એવા જ વર્તનની અપેક્ષા રાખીએ છીએ.’

૧૬. પતિ અને પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કદી ન કરવું જોઈએ?

૧૬ પોતાના લગ્નસાથીની નબળાઈઓને બીજાઓ સામે ખુલ્લી ન પાડો. તેની કોઈ આદત જે તમને નથી ગમતી એના વિશે બીજાઓ સામે ફરિયાદ ન કરો. અરે, તેની એ વાતને મજાક પણ ન બનાવો. યાદ રાખો કે લગ્ન કોઈ હરીફાઈ નથી જેમાં વ્યક્તિઓ પુરવાર કરે કે કોણ વધુ તાકતવર, જોરથી બૂમો પાડનાર અથવા હૈયું ચીરી નાખતો કટાક્ષ કરનાર છે. ખરું કે, આપણે બધાં જ અપૂર્ણ હોવાથી અમુક વાર બીજાઓને નારાજ કરી બેસીએ છીએ. પરંતુ, એકબીજા સાથે વાતચીતમાં અપમાન કરવાનું અથવા હાથ ઉપાડવાનું પતિ કે પત્ની પાસે કોઈ વાજબી કારણ નથી.—નીતિવચનો ૧૭:૨૭; ૩૧:૨૬ વાંચો.

૧૭. પતિ કઈ રીતે સોનેરી નિયમ લાગુ પાડી શકે?

૧૭ અમુક સમાજમાં પુરુષ પોતાને તાકતવર સાબિત કરવા પોતાની પત્નીને નીચી દેખાડે છે અથવા મારઝૂડ કરે છે. પરંતુ, બાઇબલ જણાવે છે, “જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે. અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.” (નીતિ. ૧૬:૩૨) સૌથી મહાન માણસ ઈસુની જેમ પોતાના પર કાબૂ રાખવો ઘણી હિંમત માંગી લે છે. જે પુરુષ પોતાની પત્નીનું અપમાન કરે કે તેના પર હાથ ઉપાડે, ખરેખર તો તે કમજોર છે. કારણ કે, તે યહોવા સાથેનો સંબંધ ગુમાવી બેસે છે. તેથી બાઇબલ સલાહ આપે છે: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો.”—એફે. ૪:૨૬.

‘પ્રેમ પહેરી લો’

૧૮. પ્રેમ બતાવતા રહેવું શા માટે મહત્ત્વનું છે?

૧૮ પહેલો કોરીંથી ૧૩:૪-૭ વાંચો. લગ્નજીવનમાં પ્રેમ સૌથી મહત્ત્વનો ગુણ છે. બાઇબલ સલાહ આપે છે કે તમે ‘દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે એ પહેરી લો.’ (કોલો. ૩:૧૨, ૧૪) ઈસુને બીજાઓ માટે પ્રેમ હોવાથી તેઓ માટે તેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું. તેમને અનુસરીને પતિ અને પત્નીએ પણ નિઃસ્વાર્થ પ્રેમ બતાવવો જોઈએ. જો લગ્ન પ્રેમના પાયા પર બંધાયેલું હશે તો કોઈ પણ મુશ્કેલીઓને ખમી લેશે. ભલેને પછી એ સાથીની કોઈ ન ગમતી ટેવ, કે પછી ગંભીર બીમારી, પૈસાની તંગી અથવા સાસરિયા પક્ષથી આવતા પડકારો કેમ ન હોય!

૧૯, ૨૦. (ક) દરેક યુગલ કઈ રીતે પોતાનું લગ્નજીવન મજબૂત અને સુખી બનાવી શકે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ લગ્નજીવનને સફળ બનાવવા પ્રેમ, વફાદારી અને દિલથી કરેલા પ્રયત્નો જરૂરી છે. મુશ્કેલીઓ આવે તો યુગલે લગ્નજીવનથી કંટાળીને એનો અંત ન લાવવો જોઈએ. એવા સમયે તેઓએ એકબીજાની વધુ નજીક આવવાનો સંકલ્પ કરવો જોઈએ. જે પતિ-પત્ની એકબીજાને અને યહોવાને પ્રેમ કરે છે તેઓ સમસ્યાઓનો ઉકેલ લાવવા બનતું બધું જ કરશે. કારણ કે, ‘પ્રેમ કદી ખૂટતો નથી.’—૧ કોરીં. ૧૩:૮; માથ. ૧૯:૫, ૬; હિબ્રૂ ૧૩:૪.

૨૦ આ “છેલ્લા સમયમાં” લગ્નજીવન મજબૂત અને સુખી બનાવવું મુશ્કેલ છે. (૨ તીમો. ૩:૧) પરંતુ, યહોવાની મદદથી એમ કરવું શક્ય છે. આજે, જગત અશ્લીલતામાં ડૂબેલું રહે છે. તેથી, દરેક યુગલે પોતાના લગ્નજીવનનું રક્ષણ કરવા જગતના વલણની સામે લડત આપવી પડશે. આવતા લેખમાં આપણે જોઈશું કે યુગલ કઈ રીતે લગ્નબંધન મજબૂત બનાવી શકે.

^ ફકરો. 12 મુશ્કેલીઓના સમયમાં યુગલ સાથે મળીને ઉકેલ લાવે છે અને એકબીજાને માફી આપવા તૈયાર રહે છે. પરંતુ, વ્યભિચારના કિસ્સામાં માફી આપવી કે નહિ, એ હક્ક બાઇબલ પ્રમાણે નિર્દોષ સાથીનો છે. (માથ. ૧૯:૯) વધુ માહિતી માટે સપ્ટેમ્બર ૮, ૧૯૯૫ના સજાગ બનો!માં આ લેખ જુઓ: “બાઇબલનું દૃષ્ટિબિંદુ—વ્યભિચાર, માફ કરવું કે નહિ?