સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

છૂટાછેડા થયા હોય એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ આપી શકો?

છૂટાછેડા થયા હોય એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ આપી શકો?

તમે કદાચ એવા કેટલાકને ઓળખતા હશો, જેઓના છૂટાછેડા થયેલા છે. કારણ કે, આજના સમયમાં છૂટાછેડા થવા સામાન્ય વાત થઈ ગઈ છે. દાખલા તરીકે, પોલૅન્ડમાં થયેલા એક સંશોધન પ્રમાણે ત્રીસ વર્ષની ઉંમરના અને લગ્નને ૩થી ૬ વર્ષ થયાં હોય, એવા લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જોકે, છૂટાછેડા તો બધી ઉંમરના લોકોમાં થતા હોય છે.

સ્પેનમાં કુટુંબ નિયોજન સંસ્થા અહેવાલ આપે છે: ‘આંકડાઓ બતાવે છે કે યુરોપમાં જેટલા લોકો લગ્ન કરે છે, એમાંના અડધાના છૂટાછેડા થશે.’ બીજા વિકસિત દેશોમાં પણ એવું જોવા મળે છે.

લાગણીઓનું પ્રમાણ વધવું

સામાન્ય રીતે એનું શું પરિણામ આવે છે? મધ્ય યુરોપમાં રહેતી, લગ્ન વિશે સલાહ આપનાર એક અનુભવી વ્યક્તિએ કહ્યું: ‘છૂટાછેડા થવાથી જાહેરમાં આવે છે કે વ્યક્તિઓનો સંબંધ અમુક સમય પહેલાંથી જ તૂટી ચૂક્યો છે. સંબંધો તૂટવાથી અને છૂટા પડવાથી થતી લાગણીઓ દુઃખદ હોય છે. ઉપરાંત, ગુસ્સો, પસ્તાવો, નિરાશા અને શરમ જેવી લાગણીઓમાં તણાઈ જવાય છે.’ એના લીધે કોઈક વાર આપઘાત કરવાનો વિચાર પણ આવે. તે સલાહકાર આગળ જણાવે છે: ‘કોર્ટમાં છૂટાછેડા થયા પછી બીજો તબક્કો શરૂ થાય છે. કોઈકની ખોટ સાલવા લાગે અને એકલાપણું સતાવે, જેના લીધે એવી વ્યક્તિ કદાચ વિચારે: “છૂટાછેડા પછી, હવે મારું શું? હવે મારા જીવનમાં હેતુ શો રહ્યો?”’

ઈવા નામના બહેને અમુક વર્ષો પહેલાં જે અનુભવ્યું એ યાદ કરતા કહે છે: ‘છૂટાછેડા થયા પછી, પડોશી અને સાથે કામ કરનાર લોકો મને “ડિવૉર્સી” કહેશે, એ વિચારીને ઘણી શરમ લાગતી. મને બહુ ગુસ્સો પણ આવતો. ઉપરાંત, મારાં બે બાળકો પ્રત્યે મારે મમ્મી અને પપ્પા બંનેની જવાબદારી નિભાવવાની હતી.’ * ભાઈ એડમ ૧૨ વર્ષ એક મંડળમાં વડીલ તરીકેની સેવા આપી હતી. તે જણાવે છે: ‘પોતાના માટે મને માન એટલું ઘટી ગયું છે કે અમુક વાર મને સખત ગુસ્સો આવે છે અને બધાથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે.’

યોગ્ય વલણ જાળવી રાખવાનો પડકાર

અમુક લોકોના છૂટાછેડા થયાને વર્ષો વીતી ગયાં છે. છતાં, ભાવિ વિશેની ચિંતાઓમાં ઘેરાઈ જવાથી તેઓ હાલના જીવન વિશે વિચારી શકતા નથી. તેઓ એવું માનવા લાગે છે કે બીજાઓને તેમનામાં કોઈ રસ નથી. ન્યૂઝ પેપરમાં એ વિષય પર લખનાર એક વ્યક્તિનું કહેવું છે કે, એવા લોકોએ હવે ‘રોજબરોજના જીવનની આદતો બદલવી પડશે અને મુશ્કેલીઓનો હલ જાતે લાવતા શીખવું પડશે.’

ભાઈ સ્ટાનિસ્લો યાદ કરતા કહે છે: ‘છૂટાછેડા પછી મારી પત્ની મને બે નાની દીકરીઓને મળવા દેતી નહિ. એના લીધે મને થતું કે હવે કોઈને મારી પડી નથી અને યહોવાએ પણ કદાચ મને તરછોડી દીધો છે. હવે મને જીવનમાં કોઈ રસ રહ્યો  નથી. જોકે, થોડા સમય પછી મને સમજાયું કે મારા વિચારો કેટલા ખોટા હતા!’ ચાલો, હવે બહેન વેન્ડાનો વિચાર કરીએ. તેમનાં પણ છૂટાછેડા થયા હતા અને ભાવિ વિશે તેમને ચિંતા સતાવતી. તે જણાવે છે: ‘મને લાગતું કે વખત જતાં લોકો અને ભાઈ-બહેનો મારામાં અને મારાં બાળકોમાં રસ લેવાનું છોડી દેશે. જોકે, હવે હું જોઈ શકું છું કે ભાઈ-બહેનો અમને હંમેશાં સાથ આપે છે. બાળકોનો ઉછેર યહોવાના ભક્ત તરીકે કરવામાં તેઓ મને મદદ કરે છે.’

એ પરથી જોવા મળે છે કે છૂટાછેડા પછી વ્યક્તિ ખોટી લાગણીઓથી ઘેરાઈ જાય છે. તેને પોતાના વિશે ખોટી લાગણીઓ થાય કે પોતે કોઈ કામની નથી. તેમ જ, કોઈ તેનું ધ્યાન રાખે એને તે લાયક નથી. એવી વ્યક્તિ બીજાઓ માટે પણ ખોટું વિચારવા લાગી શકે. પરિણામે, તેને એમ થાય કે મંડળમાં કોઈને તેના પ્રત્યે સહાનુભૂતિ નથી. પરંતુ, ભાઈ સ્ટાનિસ્લો અને બહેન વેન્ડાનો અનુભવ બતાવે છે કે તેઓના જેવી વ્યક્તિઓને પછીથી અહેસાસ થાય છે કે ભાઈ-બહેનો ખરેખર તેમની પડખે ઊભાં રહે છે. અરે, ભલેને ભાઈ-બહેનોની મદદની કદર ન કરવામાં આવે તોપણ તેઓ એવી દુઃખી વ્યક્તિઓની ઘણી કાળજી રાખે છે.

એકલાપણું અને ત્યજેલા હોવાની લાગણી જાગે ત્યારે

યાદ રાખીએ કે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિ એકલા હોવાની લાગણી ચોક્કસ અનુભવશે. પછી ભલે આપણે તેને મદદ કરવા ગમે તેટલા પ્રયત્નો કરીએ. ખાસ કરીને, છૂટાછેડા થયા હોય એવી બહેનો વિચારવા લાગે કે હવે કદાચ કોઈ તેમની મદદે નહિ આવે. બહેન એલીસા સ્વીકારે છે: ‘મારા છૂટાછેડા થયાને આઠ વર્ષ વીત્યાં છે. પરંતુ, હજુ પણ હું કોઈક વાર પોતાને બીજાઓ કરતાં ઊતરતી ગણું છું. એવા સમયે મને પોતાની હાલત પર દયા આવવાને લીધે, હું એકાંત શોધું છું અને રડ્યા કરું છું.’

એવી લાગણીઓ થવી સ્વાભાવિક છે. પરંતુ, બાઇબલ ચેતવે છે કે વ્યક્તિએ એકલવાયા જીવનની આદત ન પાડવી જોઈએ. એ સલાહ પ્રમાણે કરતા નથી ત્યારે આપણે “સઘળા સુજ્ઞાન”નો નકાર કરીએ છીએ. (નીતિ. ૧૮:૧) જોકે, એકલાપણું અનુભવતી વ્યક્તિએ સમજવું જોઈએ કે વિરુદ્ધ જાતિની વ્યક્તિ પાસે વારંવાર મદદ લેવામાં સમજદારી નથી. શા માટે? કારણ કે, એના લીધે એ વ્યક્તિ માટે અયોગ્ય લાગણીઓ જાગી શકે છે.

આપણે સમજવું જોઈએ કે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિ ઘણી લાગણીઓના પૂરમાં તણાઈ શકે. જેમ કે, એકલાપણું અને ભાવિની ચિંતા. એમ થવું સામાન્ય છે. તેમ જ, એનો સામનો કરવો અઘરો છે. તેથી, આપણે જ્યારે એવાં ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ, ત્યારે યહોવાને અનુસરીએ છીએ. (ગીત. ૫૫:૨૨; ૧ પીત. ૫:૬, ૭) આપણે ખાતરી રાખી શકીએ કે આપણાથી બનતું જે કંઈ કરીશું એની તે કદર કરશે. સાચા મિત્રો તરીકેની મદદ તે વ્યક્તિને મંડળમાંથી જ મળશે.—નીતિ. ૧૭:૧૭; ૧૮:૨૪.

^ ફકરો. 6 અમુક નામ બદલ્યાં છે.