સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે?

શું તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે?

શું તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે?

“મરણ પણ નિપજાવે તેવું એક પાપ છે.”—૧ યોહાન ૫:૧૬, પ્રેમસંદેશ.

૧, ૨. આપણે કઈ રીતે કહી શકીએ કે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ થઈ શકે?

 જર્મનીમાં રહેતી એક બહેને લખ્યું: “મેં યહોવાહના પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું હોય એવું મનમાં લાગ્યા કરે છે.” શું એવું બની શકે?

હા, બની શકે. ઈસુએ કહ્યું: ‘હરેક પાપ તથા નિંદાની માણસોને માફી મળશે; પણ પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલી નિંદાની તે માણસને માફી મળશે નહિ.’ (માત્થી ૧૨:૩૧) બાઇબલ આપણને ચેતવણી આપે છે: ‘ઈશ્વરનું જ્ઞાન થયા પછી જો તમે જાણીજોઈને પાપ કરો, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફનો ભયંકર કોપ જ રહેલો છે.’ (હેબ્રી ૧૦:૨૬, ૨૭) પ્રેરિત યોહાને લખ્યું: “મરણ પણ નિપજાવે તેવું એક પાપ છે.” (૧ યોહાન ૫:૧૬, પ્રેમસંદેશ) ‘એવું પાપ’ કર્યું છે કે નહિ એ કોણ નક્કી કરશે? શું પાપી પોતે કે પછી બીજું કોઈ?

દિલથી પસ્તાવો કરવાથી માફી મળે છે

૩. પાપ કર્યા પછી દિલ ડંખતું હોય તો, એ શું બતાવે છે?

ખોટાં કામ કરનારાઓનો ખુદ યહોવાહ ન્યાય કરે છે. આપણે દરેકે તેમને હિસાબ આપવો પડશે. તે અદલ ઇન્સાફ કરશે. (ઉત્પત્તિ ૧૮:૨૫; રૂમી ૧૪:૧૨) આપણા પાપ માફીને કાબિલ છે કે નહિ એ યહોવાહ નક્કી કરે છે. તે જ આપણા પરથી પોતાના આશિષ હટાવી લઈ શકે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૧) જો પાપ કર્યા પછી પોતાનું દિલ ડંખતું હોય તો, એ શું બતાવે છે? એ જ કે આપણને એનો પસ્તાવો થાય છે. પણ પસ્તાવો શું છે?

૪. (ક) પસ્તાવો શું છે? (ખ) ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦-૧૪માંથી આપણને શું ઉત્તેજન મળે છે?

પસ્તાવો એટલે કે આપણે કરેલાં ખોટાં કામો માટે દિલ ડંખે. ખોટું કર્યાનો અહેસાસ થાય. કંઈ ખોટું કર્યું હોય, તો ફરીથી એ ન કરવા ગાંઠ વાળીએ. મોટું પાપ કર્યું હોય તો શું કરવું? વડીલોને જણાવવું. એનાથી આપણે પસ્તાવો બતાવીએ છીએ. દાઊદ રાજાના શબ્દોમાંથી આપણને ઉત્તેજન મળે છે: ‘યહોવાહ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાય પ્રમાણે તેણે આપણને બદલો કે સજા કરી નથી. જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન કે પાપ આપણાથી દૂર કર્યાં છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે જાણે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦-૧૪.

૫, ૬. પહેલો યોહાન ૩:૧૯-૨૨ના મુખ્ય વિચારો સમજાવો.

પ્રેરિત યોહાનના શબ્દોમાંથી પણ આપણને ઉત્તેજન મળે છે: “આપણા કૃત્ય દ્વારા જાણી શકીશું કે આપણે સત્યના છીએ અને આપણે ઈશ્વરની સમક્ષ નિર્દોષ અંતઃકરણ સહિત ઊભા રહીશું. જો આપણી પ્રેરકબુદ્ધિ આપણને ડંખતી હોય તો જાણો કે ઈશ્વર તો આપણા હૃદય કરતાં પણ મહાન છે અને તે સઘળું જાણે છે. તેથી પ્રિય ભાઈઓ, જો આપણું અંતઃકરણ શુદ્ધ હોય તો, આપણે વિશ્વાસસહિત પ્રભુની પાસે આવી શકીએ છીએ. આપણે તેમની પાસે જે કાંઈ માગીએ છીએ તે આપણને મળે છે. કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ.”—૧ યોહાન ૩:૧૯-૨૨, IBSI.

“આપણે સત્યના” હોઈશું તો, યહોવાહના માર્ગમાં ચાલીશું. તેમના ભક્તોને દિલથી પ્રેમ બતાવીશું. તેમ જ પાપ કરતાં અચકાશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧) જો કોઈ કારણથી આપણું દિલ ડંખે તો શું? એ યાદ રાખવું જોઈએ કે, “ઈશ્વર તો આપણા હૃદય કરતાં પણ મહાન છે અને તે સઘળું જાણે છે.” યહોવાહ જાણે છે કે આપણે તેમના ભક્તોને દિલથી “પ્રેમ” કરીએ છીએ. પાપ કરવાથી અચકાઈએ છીએ. તેમ જ તેમના કહ્યા પ્રમાણે જીવવાની કોશિશ કરીએ છીએ. એટલે જ તે આપણને દયા બતાવે છે. (૧ પીતર ૧:૨૨) આપણું ‘દિલ ન ડંખે’ માટે શું કરવું જોઈએ? એક તો, યહોવાહ પર અતૂટ ભરોસો રાખવો જોઈએ. મંડળના ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ. જાણીજોઈને કોઈ પાપ ન કરવું જોઈએ. તો જ આપણે “વિશ્વાસસહિત પ્રભુની પાસે” પ્રાર્થનામાં આવી શકીશું. તેમને પસંદ પડે એ રીતે જીવવાથી તે આપણી પ્રાર્થનાનો જવાબ આપશે.

યહોવાહની શક્તિનો નકાર કર્યો હોય એવા દાખલા

૭. માફી શેના પર આધારિત છે?

ધારો કે તમે કોઈ પાપ કર્યું હોય અને પસ્તાવો પણ કર્યો હોય. તેમ છતાં, શું એ ભૂલની ચિંતા તમને કોરી ખાય છે? શું તમને લાગે છે કે તમારું પાપ એવું છે જેની માફી કદી નહિ મળે? યહોવાહના વિચારો જાણવા ચાલો આપણે બાઇબલના અમુક દાખલા જોઈએ. એમાંથી તમને દિલાસો મળશે. એ દાખલામાંથી જોઈ શકીશું કે વ્યક્તિએ કેવા પ્રકારનું પાપ કર્યું છે એના પરથી માફી નક્કી થતી નથી. પણ માફી એના પર આધારિત છે, કે વ્યક્તિનું દિલ કેવું હતું, તેણે કેવો પસ્તાવો કર્યો, તેણે શું જાણી જોઈને પાપ કર્યું છે?

૮. ધર્મગુરુઓએ કઈ રીતે ઈશ્વરની શક્તિનો નકાર કર્યો?

પહેલી સદીના યહુદી ધર્મગુરુઓનો વિચાર કરો. તેઓએ ઈસુના ચમત્કાર જોયા તોપણ તેમના કટ્ટર દુશ્મન બન્યા. તેઓએ કહ્યું કે ઈસુ શેતાનની શક્તિથી ચમત્કાર કરે છે. આમ તેઓએ ઈશ્વરની શક્તિનો નકાર કર્યો. એ ઘોર પાપ હતું. એટલે ઈસુએ કહ્યું કે તેઓને “આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ” માફી નહિ મળે.—માત્થી ૧૨:૨૨-૩૨.

૯. ઈશ્વરનિંદા શું છે? એ વિષે ઈસુએ શું કહ્યું?

યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિનો કોઈ નકાર કરે તો, તેણે તેમની નિંદા કરી બરાબર છે. જો તે પસ્તાવો નહિ કરે તો, એની માફી કદી મળશે નહિ. ફરોશીઓએ પણ આવું જ પાપ કર્યું હતું. તેઓએ જોયું કે ઈસુ યહોવાહની શક્તિથી ચમત્કાર કરે છે. તોપણ જાણીજોઈને કહ્યું કે તે શેતાનની શક્તિથી કરે છે. એટલે ઈસુએ કહ્યું: ‘કોઈ પવિત્ર આત્માનો નકાર કરે તો, તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે હંમેશાં પાપનો દોષ રહેલો છે.’—માર્ક ૩:૨૦-૨૯.

૧૦. ઈસુએ શા માટે યહુદાને ‘વિનાશનો દીકરો’ કહ્યો?

૧૦ યહુદા ઈસકારીઓતનો દાખલો લો. તે દાનના પૈસાની સંભાળ રાખતો હતો. અને એમાંથી જ તે ચોરી કરતો હતો. (યોહાન ૧૨:૫, ૬) તેણે યહુદી અધિકારી સાથે હાથ મિલાવ્યો. ચાંદીના ૩૦ સિક્કા માટે ઈસુને દગો કર્યો. પાછળથી યહુદાને એ વાતનું દુઃખ થયું. પણ તેણે જાણીજોઈને પાપ કર્યું એનો પસ્તાવો કર્યો નહિ. તેથી તેને સજીવન થવાની આશા નથી. એટલા માટે ઈસુએ તેને ‘વિનાશનો દીકરો’ કહ્યો.—યોહાન ૧૭:૧૨; માત્થી ૨૬:૧૪-૧૬.

ઈશ્વરની શક્તિનો નકાર કર્યો નથી એવા દાખલા

૧૧-૧૩. દાઊદ અને બાથ-શેબાએ કઈ રીતે પાપ કર્યું? યહોવાહે તેઓને માફી આપી એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૧ કોઈ ભાઈ-બહેને મોટું પાપ કર્યું હોય તો, તેઓ મંડળના વડીલોને જણાવે છે ને તેઓની મદદ લે છે. તોપણ પાપ કર્યું હોવાથી તેઓનું દિલ ડંખતું હોય છે. (યાકૂબ ૫:૧૪) શું તમે એવું કોઈ પાપ કર્યું છે? આપણે બાઇબલમાંથી એવા દાખલા જોઈએ જેઓને પાપની માફી મળી હતી. એમાંથી તમને ઉત્તેજન મળશે.

૧૨ દાઊદ રાજાનો વિચાર કરો. તેમણે મોટું પાપ કર્યું હતું. કઈ રીતે? દાઊદે રાજમહેલના ધાબા પરથી નીચે નજીકના ઘરમાં બાથ-શેબાને ન્હાતી જોઈ. તે રૂપાળી હતી. તે ઉરીયાહની પત્ની હતી. તોપણ દાઊદે તેને રાજમહેલમાં બોલાવી ને તેની સાથે વ્યભિચાર કર્યો. પછી દાઊદને જાણવા મળ્યું કે તે મા બનવાની છે. દાઊદે પોતાનું પાપ સંતાડવા ચાલાકી રચી. તેણે બાથ-શેબાના પતિ ઉરીયાહને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો ને તેની પત્ની સાથે રહેવાનું કહ્યું. પણ તે ન ગયો. આમ દાઊદની ચાલ ઊંધી પડી. એટલે તેણે ઉરીયાહને યુદ્ધમાં મારી નંખાવ્યો. પછી તેણે બાથ-શેબા સાથે લગ્‍ન કર્યા. બાથ-શેબાએ બાળકને જન્મ આપ્યો પણ તે થોડા વખત પછી મરી ગયો.—૨ શમૂએલ ૧૧:૧-૨૭.

૧૩ ખુદ યહોવાહે દાઊદ અને બાથ-શેબાનો ઇન્સાફ કર્યો. યહોવાહે દાઊદને માફ કર્યા કેમ કે, તેમણે સાચા દિલથી પસ્તાવો કર્યો હતો. તેમ જ, યહોવાહે દાઊદને વચન આપ્યું હતું કે તેમના વંશને રાજ્યનો આશીર્વાદ આપશે. (૨ શમૂએલ ૭:૧૧-૧૬; ૧૨:૭-૧૪) બાથ-શેબાએ પણ દિલથી પસ્તાવો કર્યો. તેથી યહોવાહે તેને માફી બક્ષી ને આશીર્વાદ પણ આપ્યો. તે સુલેમાનની મા બની અને સુલેમાનના વંશમાંથી ઈસુનો જન્મ થયો. (માત્થી ૧:૧, ૬, ૧૬) જો આપણે પાપ કરી બેસીએ તો, સાચા દિલથી પસ્તાવો કરવો જોઈએ. તો જ યહોવાહ માફ કરશે.

૧૪. યહોવાહે મનાશ્શેહને માફ કર્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ યહુદાહના રાજા મનાશ્શેહનો દાખલો લો. એમાંથી પણ જોવા મળશે કે યહોવાહ કેટલી હદ સુધી માફ કરે છે. મનાશ્શેહે બઆલની વેદી બાંધી. “આકાશના તારામંડળની” ભક્તિ કરી. યહોવાહના મંદિરના બંને ચોકમાં જૂઠા દેવોની વેદી બાંધી. એટલું જ નહિ, તેમણે આગમાં પોતાના પુત્રોનું બલિદાન આપ્યું. લોકોને શુકન, જાદુમંત્રો અને જોષ જોવાને ઉત્તેજન આપ્યું. મનાશ્શેહે યહુદાહને તથા યરૂશાલેમના રહેવાસીઓને ‘કુમાર્ગે દોર્યા. યહોવાહે જે પ્રજાઓનો ઈસ્રાએલીઓ આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.’ ઈશ્વરના પ્રબોધકોએ તેમને ચેતવ્યા પણ તેમણે સાંભળ્યું નહિ. આખરે, આશ્શૂરીઓના રાજાએ યહુદાહને જીતી લીધું અને મનાશ્શેહને ગુલામ બનાવ્યા. ત્યારે તેમણે દિલથી પસ્તાવો કર્યો. તેમ જ ઈશ્વરને પ્રાર્થનામાં આંસુ સહિત વિનંતી કરી. યહોવાહે તેમને માફ કર્યાં. તેમને પાછા યરૂશાલેમના રાજા બનાવ્યા. પછી મનાશ્શેહે પૂરા જોશથી યહોવાહની ભક્તિ ફેલાવવાનું ઉત્તેજન આપ્યું.—૨ કાળવૃત્તાંત ૩૩:૨-૧૭.

૧૫. યહોવાહે પીતરને પૂરી રીતે “ક્ષમા” આપી એનો શું પુરાવો છે?

૧૫ પ્રેરિત પીતરનો દાખલો લઈએ. તેમણે ઈસુનો નકાર કર્યો હતો. (માર્ક ૧૪:૩૦, ૬૬-૭૨) તોપણ, યહોવાહે તેમને પૂરી રીતે “ક્ષમા” કર્યા. (યશાયાહ ૫૫:૭) શા માટે? કેમ કે, પીતરે સાચા દિલથી પસ્તાવો કર્યો. (લુક ૨૨:૬૨) યહોવાહે પીતરને માફ કર્યા એનો પુરાવો પેન્તેકોસ્તના દિવસે જોવા મળ્યો. એ દિવસે પીતરને એક મોટો લહાવો મળ્યો. તે પૂરા જોશથી ઈસુનો ઉપદેશ આપી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૩૬) એ બતાવે છે કે આપણે સાચા દિલથી પસ્તાવો કરીશું તો, યહોવાહ ચોક્કસ માફી આપશે. ઈશ્વરભક્તે ભજનમાં ગાયું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તારી પાસે માફી છે.”—ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪.

પાપની ખોટી ચિંતામાંથી મુક્ત થવું

૧૬. યહોવાહ શાને આધારે આપણને માફ કરશે?

૧૬ આપણે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું હોય તો, આ દાખલાઓ આપણને ખોટી ચિંતા દૂર કરવા મદદ કરશે. એમાં આપણે જોયું કે વ્યક્તિ પાપ કર્યા પછી દિલથી પસ્તાવો કરે તો, યહોવાહ ચોક્કસ માફ કરશે. એ માટે હંમેશાં તેમને પ્રાર્થના કરવી જોઈએ. ઈસુની કુરબાનીના આધારે યહોવાહ આપણને માફ કરશે કેમ કે તે દયાના સાગર છે. તેમ જ યહોવાહ જાણે છે કે આપણને વારસામાં પાપ મળ્યું છે. તોપણ આપણે તન-મનથી તેમની ભક્તિ કરીએ છીએ. એ તે ભૂલશે નહિ અને જરૂર દયા બતાવશે. એટલે જ આપણે પાપોની માફી માંગી શકીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે દિલથી પસ્તાવો કરીશું તો, તે ચોક્કસ માફ કરશે.—એફેસી ૧:૭.

૧૭. તમે પાપ કર્યું હોય તો શું કરવું જોઈએ?

૧૭ ધારો કે તમે પાપ કર્યું છે. તોપણ પ્રાર્થનામાં ઈશ્વરની માફી માગતા નથી. કેમ કે તમને લાગે છે કે તેમની સાથેનો નાતો તૂટી ગયો છે. તમને એવું લાગે તો શું કરવું? ઈશ્વરભક્ત યાકૂબ એનો જવાબ આપે છે: ‘તમે મંડળીના વડીલોને બોલાવો; અને તેઓ પ્રભુના નામથી તેલ ચોળીને તમારી માટે પ્રાર્થના કરશે; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ તમને ઉઠાડશે; અને જો તમે પાપ કર્યાં હશે તો તે તમને માફ કરશે.’—યાકૂબ ૫:૧૪, ૧૫.

૧૮. મંડળમાંથી કાઢી મૂકવામાં આવે તો, એનો શું અર્થ થતો નથી?

૧૮ ધારો કે કોઈએ પાપ કર્યું છે, પણ પસ્તાવો કર્યો નથી. તેથી તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. એનો અર્થ એ નથી કે તેણે ઘોર પાપ કર્યું છે, જેની માફી ન મળે. કોરીંથીના મંડળમાં એક અભિષિક્ત ભાઈએ ખોટું કામ કર્યું હતું. તેમને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ વિષે પાઊલે લખ્યું: ‘એવા માણસને બહુમતીથી આ શિક્ષા કરવામાં આવેલી છે, તે બસ છે; હવે તમારે તો તેને માફી આપીને દિલાસો દેવો જોઈએ, જેથી તે અતિશય નિરાશ ન થઈ જાય.’ (૨ કોરીંથી ૨:૬-૮; ૧ કોરીંથી ૫:૧-૫) જો કોઈએ ખોટું કામ કર્યું હોય તો, તેણે યહોવાહ સાથે ફરીથી નાતો બાંધવા શું કરવું જોઈએ? તેણે મંડળના વડીલોની મદદ લેવી જોઈએ. બાઇબલનું માર્ગદર્શન પાળવું જોઈએ. તેમ જ દિલથી ‘પસ્તાવો કર્યો છે’ એવો પુરાવો આપવો જોઈએ.—લુક ૩:૮.

૧૯. ‘વિશ્વાસ’ મજબૂત કરવા શું મદદ કરી શકે?

૧૯ આપણે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે એમ શા કારણથી દિલ ડંખતું હોઈ શકે? કોઈ નબળાઈ, બીમારી કે પછી ખોટી ચિંતાઓને લીધે મગજ ઠેકાણે ન હોય. એના લીધે પણ દિલ ડંખતું હોઈ શકે. આપણે એવું અનુભવતા હોઈએ તો ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. પૂરતો આરામ લેવો જોઈએ જેથી ડિપ્રેસ ન થઈએ. નહિતર શેતાન એનો ફાયદો ઉઠાવશે. યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડવું જોઈએ. યહોવાહને કોઈના મોતથી આનંદ થતો નથી. કોઈ તેમની ભક્તિમાં ઠંડા પડે તો તેમને ખૂબ જ દુઃખ થાય છે. તેથી જો એવું લાગતું હોય કે આપણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે તો, રોજ બાઇબલ વાંચવું જોઈએ. ખાસ તો ગીતશાસ્ત્રના અમુક ભાગ વાંચવા જોઈએ. કોઈ મિટિંગ ચૂકવી ન જોઈએ. પૂરા જોશથી પ્રચાર કરવો જોઈએ. આમ યહોવાહ સાથેનો આપણો નાતો મજબૂત થશે. આપણો “વિશ્વાસ” વધશે. કદાચ દિલ ડંખતું બંધ થશે.—તીતસ ૨:૨.

૨૦. કોઈને લાગે કે પોતે ઈશ્વરની શક્તિ વિરુદ્ધ પાપ કર્યું છે તો, પોતાને કેવા સવાલ પૂછવા જોઈએ?

૨૦ જો તમને લાગે કે તમે ઈશ્વરની શક્તિ વિરુદ્ધ પાપ કર્યું છે તો, શું? તો પોતાને પૂછવું જોઈએ: ‘શું મેં પવિત્ર આત્માનો નકાર કર્યો છે? શું મેં ખરેખર પાપનો પસ્તાવો કર્યો છે? શું યહોવાહ મને માફી આપશે એવો ભરોસો છે? શું હું હજી યહોવાહ વિરુદ્ધ છું? બાઇબલની સલાહને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખું છું?’ પોતાને આવા સવાલો પૂછવાથી ખબર પડશે કે તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે કે કેમ. તમને ખાતરી થશે કે તમે યહોવાહની ભક્તિ તજી નથી દીધી. જો તમે સાચા દિલથી પસ્તાવો કર્યો હોય તો, યહોવાહ જરૂર તમને માફ કરશે.

૨૧. બીજા લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૧ આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ પાપ નથી કર્યું, એ જાણીને દિલને કેટલી ઠંડક વળે છે! બીજા લેખમાં આપણે પવિત્ર આત્મા વિષે વધારે ચર્ચા કરીશું. જેમ કે, ‘શું હું ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે જીવું છું? શું હું ઈશ્વર જેવા ગુણો કેળવું છું?’ (w 07 7/15)

તમે શું કહેશો?

• આપણે કઈ રીતે કહી શકીએ કે ઈશ્વરના પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ થઈ શકે?

• પસ્તાવો શું છે?

• ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કોણે યહોવાહની શક્તિનો નકાર કર્યો?

• માફી નહિ મળે એવી ખોટી ચિંતામાંથી કઈ રીતે મુક્ત થઈ શકીએ?

[Study Questions]