સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભક્તિ વિષે તેમના જેવું જ વલણ રાખીએ

યહોવાહની ભક્તિ વિષે તેમના જેવું જ વલણ રાખીએ

યહોવાહની ભક્તિ વિષે તેમના જેવું જ વલણ રાખીએ

‘તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. તમારામાંથી કોઈ ઈશ્વરના માર્ગો પ્રત્યે બેદરકાર ન રહો.’—હિબ્રૂ ૧૨:૧૬, IBSI.

૧. દુનિયાનું કયું વલણ યહોવાહના ભક્તો નથી બતાવતા?

 આજકાલ દુનિયામાં લોકોને ભક્તિની કંઈ પડી નથી. સમાજ પર નજર રાખનાર, એડગર મોરીન નામની એક ફ્રેંચ વ્યક્તિએ જણાવ્યું: ‘ઈશ્વર, કુદરત, વતન, ઇતિહાસ, વગેરે જેના પર સમાજનો પાયો ચણાય છે, એ સંસ્કારો આજે હવામાં ક્યાંય ઓગળી ગયા છે. લોકો મન ફાવે એમ જીવે છે.’ એ ‘જગતનું’ વલણ અથવા તો ‘આજ્ઞાભંગના દીકરાઓ’ જેવું વલણ છે. (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨) યહોવાહના ભક્તોમાં એવું વલણ નથી. તેઓ રાજી-ખુશીથી ફક્ત યહોવાહને જ ભજે છે. તેમને જ પોતાના માલિક માને છે. (રૂમી ૧૨:૧, ૨) તેઓ જાણે છે કે દુનિયાના રંગે ન રંગાવું અને યહોવાહની ભક્તિમાં પવિત્ર રહેવું કેટલું મહત્ત્વનું છે. આપણે મન કઈ કઈ બાબતો પવિત્ર હોવી જોઈએ? યહોવાહના ભક્તો માટે પવિત્ર હોય એવી પાંચ બાબતોની આ લેખમાં વાત થશે. આ પછીના લેખમાં આપણી મિટિંગો વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ એની વાત કરીશું. પણ “પવિત્ર” શબ્દનો અર્થ શું થાય છે?

૨, ૩. (ક) યહોવાહ પવિત્ર છે, એના પર બાઇબલની કલમો કઈ રીતે ભાર મૂકે છે? (ખ) આપણે શા માટે યહોવાહનું નામ પવિત્ર મનાવવું જોઈએ?

બાઇબલની મૂળ હિબ્રૂ ભાષામાં “પવિત્ર” શબ્દનો અર્થ થાય કે કંઈક જુદું પાડવું, જુદા થવું. ઈશ્વરની ભક્તિમાં ‘પવિત્ર થવાનો’ મતલબ રોજ-બ-રોજના કામમાંથી જુદા પડવું. એ રીતે પવિત્ર થવું. યહોવાહ પૂરેપૂરી રીતે પવિત્ર છે. તેમને ‘પરમપવિત્ર’ ‘પવિત્ર ઈશ્વર’ કહેવામાં આવે છે. (નીતિવચનો ૯:૧૦; ૩૦:૩) પહેલાના ઈસ્રાએલમાં મુખ્ય યાજક પાઘડી પહેરતા. એ પાઘડી પર સોનાની પતરી લગાડતા, જેના પર લખેલું હતું: ‘યહોવાહને સારુ પવિત્ર.’ (નિર્ગમન ૨૮:૩૬, ૩૭) સ્વર્ગમાં યહોવાહના રાજ્યાસનની આસપાસ કરૂબો અને સરાફો ઊભેલા હોય છે. તેઓ પણ પોકારીને કહે છે: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવાહ.” (યશાયાહ ૬:૨, ૩; પ્રકટીકરણ ૪:૬-૮) અહીં ત્રણ વાર એક જ શબ્દ જોવા મળે છે. એ ભાર મૂકે છે કે યહોવાહ પવિત્ર છે, શુદ્ધ છે. તેમની પવિત્રતાનો કોઈ પાર જ નથી. તે પોતે એનો ઝરો છે.

ઈશ્વરનું નામ, યહોવાહ પણ બહુ પવિત્ર છે. કવિએ એક ગીતમાં આમ લખ્યું: ‘તેઓ તારા મહાન નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.’ (ગીતશાસ્ત્ર ૯૯:૩) ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે, આમ જણાવ્યું: ‘ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાઓ.’ (માત્થી ૬:૯) પૃથ્વી પર ઈસુને જન્મ આપનારી મરિયમે પ્રાર્થના કરી કે ‘મારો જીવ પ્રભુને [યહોવાહને] મોટો માને છે, કેમ કે પરાક્રમીએ મારે સારુ મહાન કૃત્યો કર્યાં છે; તેનું નામ પવિત્ર છે.’ (લુક ૧:૪૬, ૪૯) આપણે યહોવાહના ભક્તો પણ તેમનું નામ પવિત્ર ગણીએ છીએ. એ બદનામ થાય એવું કદીયે થવા નહિ દઈએ. યહોવાહ જે બાબતોને પવિત્ર ગણે, એને આપણે પણ પવિત્ર ગણીએ.—આમોસ ૫:૧૪, ૧૫.

ઈસુને દિલથી માન આપીએ

૪. બાઇબલ ઈસુને કેમ “પવિત્ર” કહે છે?

ઈસુ પવિત્ર ઈશ્વર યહોવાહના ‘એકના એક પુત્ર’ છે. એટલે ઈસુ પણ પવિત્ર છે. (યોહાન ૧:૧૪; કોલોસી ૧:૧૫; હેબ્રી ૧:૧-૩) તેમને ‘ઈશ્વરનો પવિત્ર’ કહેવામાં આવે છે. (યોહાન ૬:૬૯) પૃથ્વી પર મરિયમના પેટે જન્મ લીધો ત્યારે પણ, ઈસુ પવિત્ર હતા. મરિયમ યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિથી મા બની હતી. સ્વર્ગદૂતે મરિયમને આમ જણાવ્યું: ‘પવિત્ર આત્મા તારા પર આવશે, માટે જે તારાથી જનમશે તે પવિત્ર, પરમેશ્વરનો દીકરો, કહેવાશે.’ (લુક ૧:૩૫) યરૂશાલેમમાં યહોવાહના ભક્તો પ્રાર્થના કરતા હતા, ત્યારે યહોવાહના દીકરાને બે વાર “તારો પવિત્ર સેવક ઈસુ” કહ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૭, ૩૦.

૫. ઈસુ પૃથ્વી પર ખાસ કયા કામ માટે આવ્યા હતા? તેમનું લોહી કેમ મૂલ્યવાન છે?

ઈસુ ધરતી પર ખાસ કામ માટે આવ્યા હતા. તે ૨૯મી સાલમાં બાપ્તિસ્મા પામ્યા. એ સમયે ઈસુ સ્વર્ગમાંના મહાન મંદિરના મુખ્ય યાજક તરીકે પસંદ થયા. (લુક ૩:૨૧, ૨૨; હેબ્રી ૭:૨૬; ૮:૧, ૨) તેમણે પોતાનું જીવન કુરબાન કરીને એક મોટી કિંમત ચૂકવી. તેમના કીમતી રક્તથી આપણાં પાપોની માફી મળી. (માત્થી ૨૦:૨૮; હેબ્રી ૯:૧૪) એટલે ઈસુનું લોહી પણ આપણે પવિત્ર, બહુ “મૂલ્યવાન” ગણીએ છીએ.—૧ પીતર ૧:૧૯.

૬. ઈસુના વિષે આપણે શું માનીએ છીએ અને શા માટે?

આપણે આપણા રાજા અને મુખ્ય યાજક તરીકે, ઈસુ ખ્રિસ્તને દિલથી માન આપીએ છીએ, એ વિષે પાઊલે આમ લખ્યું: “એને લીધે, દેવે તેને [પોતાના દીકરાને] ઘણો ઊંચો કર્યો, અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું, કે આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ તળેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” (ફિલિપી ૨:૯-૧૧) જો આપણા રાજા, સ્વામી અને બધાં મંડળના આગેવાન, ગુરુ ખ્રિસ્ત ઈસુને પગલે રાજી-ખુશીથી ચાલીશું, તો જે બાબતોને યહોવાહ પવિત્ર ગણે છે, એને આપણે પણ પવિત્ર ગણીશું.—માત્થી ૨૩:૧૦; કોલોસી ૧:૧૮.

૭. આપણે કઈ કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?

ઈસુને પગલે ચાલવા બીજું શું કરવું જોઈએ? ધરતી પર યહોવાહની ઇચ્છા પૂરી કરવાનું કામ ઉપાડવા, ઈસુએ ભાઈઓને પસંદ કર્યા છે. એ ભાઈઓનું આપણે સાંભળીએ. એમાં ગવર્નિંગ બૉડીનો પણ સમાવેશ થાય છે. યહોવાહે પોતાની શક્તિ તેઓ પર રેડી છે. તેઓ જુદી જુદી બ્રાંચમાંના, ડિસ્ટ્રીક્ટમાંના, સરકીટમાંના અને મંડળમાંના ભાઈઓની પસંદગી કરે છે. એ ભાઈઓને આપણે માન આપીએ, તેઓના કહેવા પ્રમાણે કરીએ. એ જવાબદારી તેઓને યહોવાહ પાસેથી મળી છે.—હેબ્રી ૧૩:૭, ૧૭.

પવિત્ર લોકો

૮, ૯. (ક) ઈસ્રાએલી લોકો કઈ રીતે પવિત્ર પ્રજા બન્યા? (ખ) યહોવાહે કઈ રીતે ઈસ્રાએલી લોકો માટે પવિત્ર રહેવાના સિદ્ધાંત પર ભાર મૂક્યો?

યહોવાહે ઈસ્રાએલી લોકો સાથે કરાર કર્યો ત્યારે, તેઓને એક ખાસ આશીર્વાદ મળ્યો. તેઓ પવિત્ર પ્રજા બન્યા, બીજા બધા લોકોથી જુદા કરવામાં આવ્યા. યહોવાહે પોતે તેઓને જણાવ્યું: “તમે મારા પવિત્ર લોક થાઓ; કેમ કે હું યહોવાહ પવિત્ર છું, ને મેં તમને વિદેશીઓથી અલગ કર્યા છે, એ માટે તમે મારા થાઓ.”—લેવીય ૧૯:૨; ૨૦:૨૬.

શરૂઆતથી જ યહોવાહે ઈસ્રાએલ પ્રજાને ખાસ જણાવ્યું હતું કે પવિત્ર રહેવું બહુ જ મહત્ત્વનું છે. સિનાય પર્વત પાસે યહોવાહે તેઓને દસ આજ્ઞાઓ આપી, એટલે એ સમયે પર્વત જાણે પવિત્ર ગણાતો. ઈસ્રાએલી લોકોને એ પર્વત અડકવાની મનાઈ હતી જે અડકે તે માર્યો જાય. (નિર્ગમન ૧૯:૧૨, ૨૩) યાજકોની સેવા, મુલાકાતમંડપ અને એમાંની ચીજો બધુંય પવિત્ર ગણવાનું હતું. (નિર્ગમન ૩૦:૨૬-૩૦) આજે યહોવાહના ભક્તોના મંડળ વિષે શું?

૧૦, ૧૧. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોનું ટોળું કેમ પવિત્ર ગણાય છે? ‘બીજાં ઘેટાંને’ તેઓ વિષે કેવું લાગે છે?

૧૦ યહોવાહની નજરે તેમણે સ્વર્ગમાં જવા પસંદ કરેલા ભાઈ-બહેનોનું ટોળું પવિત્ર છે. (૧ કોરીંથી ૧:૧) તેઓનું પૃથ્વી પરનું આખું ગ્રૂપ જાણે કે પવિત્ર મંદિર જેવું છે, પણ એ યહોવાહના સ્વર્ગમાંના મહાન મંદિરને રજૂ કરતું નથી. યહોવાહ પોતાના પવિત્ર આત્મા કે શક્તિથી જાણે એ મંદિરમાં રહે છે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘વિશ્વાસ કરનારાં ખ્રિસ્તની સાથે જોડાઈને ઈશ્વરના પવિત્ર મંદિરના એક ભાગરૂપ બન્યા છે; અને તમે પણ ખ્રિસ્તની સાથે અને એકબીજાની સાથે જોડાઈને ઈશ્વરના એ મંદિરના ભાગરૂપ બન્યા છો.’—એફેસી ૨:૨૧, ૨૨, IBSI; ૧ પીતર ૨:૫,.

૧૧ ઈશ્વરભક્ત પાઊલે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને આમ પણ લખ્યું: ‘તમે દેવનું મંદિર છો, અને તમારામાં દેવનો આત્મા કે શક્તિ વસે છે, એ શું તમે જાણતા નથી? દેવનું મંદિર પવિત્ર છે, અને તે મંદિર તમે છો.’ (૧ કોરીંથી ૩:૧૬, ૧૭) યહોવાહ પોતાના પવિત્ર આત્મા કે શક્તિ દ્વારા સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોમાં ‘રહે છે’ અને ‘તેઓ સાથે ચાલે છે.’ (૨ કોરીંથી ૬:૧૬) તે પોતાના વિશ્વાસુ ‘ચાકરને’ દોરવણી આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો સાથે સંગત રાખવા મળે છે, એને “બીજાં ઘેટાં” આશીર્વાદ ગણે છે.—યોહાન ૧૦:૧૬; માત્થી ૨૫:૩૭-૪૦.

આપણાં જીવનમાં પવિત્ર બાબતો

૧૨. આપણા જીવનમાં કેવી કેવી બાબતો ખૂબ પવિત્ર કે મહત્ત્વની છે?

૧૨ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો અને પૃથ્વી પર રહેનારા તેઓના સાથીઓને મન જીવનની ઘણી બાબતો પવિત્ર છે. યહોવાહ સાથે આપણે પાકો નાતો બાંધી શકીએ છીએ, એ પણ બહુ જ અમૂલ્ય છે! (૧ કાળવૃત્તાંત ૨૮:૯; ગીતશાસ્ત્ર ૩૬:૭) આપણા માટે જાણે એ કિંમતી ખજાનો છે. એટલે જ આપણે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીએ, એને આડે કંઈ જ આવવા નહિ દઈએ. (૨ કાળવૃત્તાંત ૧૫:૨; યાકૂબ ૪:૭, ૮) પ્રાર્થના એક ખાસ રીત છે, જેનાથી આપણે યહોવાહ પર વધારે ને વધારે શ્રદ્ધા મૂકી શકીએ. ઈશ્વરભક્ત દાનીયેલને મન પ્રાર્થના જીવથી પણ વહાલી હતી. (દાનીયેલ ૬:૭-૧૧) સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો કે ‘સંતોની પ્રાર્થનાની’ સરખામણી મંદિરના ધૂપની સાથે કરવામાં આવી છે. (પ્રકટીકરણ ૫:૮; ૮:૩, ૪; લેવીય ૧૬:૧૨, ૧૩) એ બતાવે છે કે પ્રાર્થનાઓ કેટલી પવિત્ર છે. વિશ્વના માલિક સાથે વાત કરવી, એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! આપણા જીવનમાં પ્રાર્થનાનું બહુ જ મહત્ત્વ છે.

૧૩. કઈ શક્તિ પવિત્ર છે? કેવી રીતે આપણે એની મદદ લઈ શકીએ?

૧૩ પવિત્ર શક્તિ પણ સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા ભક્તો માટે મોટો આશીર્વાદ છે. એ શક્તિ યહોવાહ પાસેથી આવે છે, તેમની મરજી પૂરી કરે છે. એટલે જ એને બાઇબલ “પવિત્ર આત્મા” કહે છે. (યોહાન ૧૪:૨૬; રૂમી ૧:૪) યહોવાહ પોતાની શક્તિ આપે છે, એટલે જ તેમના ભક્તો રાજ્યના સારા સમાચાર બધાને જણાવી શકે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૪:૩૧) યહોવાહ પોતાની શક્તિ “પોતાની આજ્ઞા માનનારાઓને” આપે છે. જેઓ મન-માની કરે છે તેઓને નહિ, પણ ‘પવિત્ર આત્માથી ચાલનારાને’ શક્તિ આપે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨; ગલાતી ૫:૧૬, ૨૫; રૂમી ૮:૫-૮) યહોવાહની શક્તિથી તેમના ભક્તો “પવિત્ર આત્માનું ફળ,” એટલે કે અનમોલ ગુણો કેળવી શકે છે. ‘પવિત્ર આચરણ અને ભક્તિભાવ’ બતાવી શકે છે. (ગલાતી ૫:૨૨, ૨૩; ૨ પીતર ૩:૧૧) આપણે યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિની કદર કરીએ. જો એમ કરીશું, તો આપણે ‘પવિત્ર આત્મા ખિન્‍ન કે દુઃખી થાય,’ એવું કંઈ નહિ કરીએ. જો કરીશું તો આપણે આપણા પગ પર જ કુહાડો મારીશું.—એફેસી ૪:૩૦.

૧૪. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને કઈ જવાબદારીનો આશીર્વાદ મળ્યો છે? યહોવાહના બીજા ભક્તો પણ કઈ રીતે એ જવાબદારી ઉપાડવામાં મદદ કરે છે?

૧૪ આપણે પવિત્ર ઈશ્વર યહોવાહના નામે ઓળખાઈએ છીએ. એને પણ આપણે મોટો આશીર્વાદ ગણીએ છીએ. (યશાયાહ ૪૩:૧૦-૧૨, ૧૫) યહોવાહે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને “નવા કરારના સેવકો” બનાવ્યા છે. (૨ કોરીંથી ૩:૫, ૬) એટલે તેઓને ‘રાજ્યની આ સુવાર્તાનો’ પ્રચાર કરવાની અને ‘સર્વ દેશનાઓને શિષ્ય બનાવવાની’ જવાબદારી સોંપવામાં આવી છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) તેઓ પોતાની જવાબદારી સારી રીતે ઉપાડી રહ્યા છે. લાખો લોકો યહોવાહના રાજ્યની ખુશખબર સાંભળે છે અને તેમની ભક્તિ કરે છે. લોકો જાણે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને કહે છે કે ‘અમે તમારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે યહોવાહ તમારી સાથે છે.’ (ઝખાર્યાહ ૮:૨૩) એ લોકો ખુશીથી “આપણા દેવના સેવક” એટલે કે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો માટે, જાણે કે ‘ખેડૂત તથા દ્રાક્ષાવાડીના માળી’ બને છે. એ રીતે આખી દુનિયામાં યહોવાહના ભક્તો તેમના રાજ્યનો સંદેશો બધાને જણાવવા માટે, સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને બહુ જ મદદ કરે છે.—યશાયાહ ૬૧:૫, ૬.

૧૫. ઈશ્વરભક્ત પાઊલ કયા કામને એક મોટો આશીર્વાદ ગણતા? આપણે પણ કેમ એ કામને આશીર્વાદ ગણીએ છીએ?

૧૫ ઈશ્વરભક્ત પાઊલ પ્રચાર કામને પવિત્ર ગણતા, મોટો આશીર્વાદ ગણતા. તે પોતાને ‘દેવની સુવાર્તાના યાજક, વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુના સેવક’ માનતા. (રૂમી ૧૫:૧૫) પાઊલે કોરીંથના ભાઈ-બહેનોને પત્રમાં જણાવ્યું કે પોતે પ્રચાર કામને “ખજાનો” ગણે છે. (૨ કોરીંથી ૪:૧,) આપણે પણ પ્રચાર કરીને ‘ઈશ્વરનાં વચન’ લોકોને જણાવીએ છીએ. (૧ પીતર ૪:૧૧) ભલે આપણને સ્વર્ગમાંના જીવનની આશા હોય કે પૃથ્વી પર, આપણે પ્રચાર કામને એક મોટો આશીર્વાદ ગણીએ છીએ.

ઈશ્વરનો ડર રાખીને પવિત્ર જીવન જીવીએ

૧૬. ‘ઈશ્વરના માર્ગો પ્રત્યે બેદરકાર ન રહીએ’ એ માટે આપણને શું મદદ કરશે?

૧૬ પાઊલે મંડળમાં ભાઈ-બહેનોને ચેતવણી આપી કે “ઈશ્વરના માર્ગો પ્રત્યે બેદરકાર ન રહો.” તેમણે એવી સલાહ પણ આપી કે ‘પવિત્ર જીવન જીવો. કડવાશ મૂળ ન નાખે માટે સાવધ રહો. કારણ કે કડવાશ ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે અને ઘણાને હાનિ પહોંચે છે.’ (હિબ્રૂ ૧૨:૧૪-૧૬, IBSI) ‘કડવાશનાં મૂળ’ મંડળમાંના અમુક એવા ભાઈ-બહેનો વિષે જણાવે છે, જેઓ બસ ભૂલો જ શોધતા હોય. જેમ કે, યહોવાહ લગ્‍નને પવિત્ર બંધન ગણવાનું કહે છે. તન-મનથી શુદ્ધ રહેવાનું કહે છે. જ્યારે કે એવા ભાઈ-બહેનોને એ બાબતો ન ગમે. (૧ થેસ્સાલોનીકી ૪:૩-૭; હેબ્રી ૧૩:૪) અથવા તો “સત્ય વિષે ભૂલ ખાઈને” યહોવાહને છોડી ગયેલાઓ સાથે જોડાઈ જઈને ‘ખાલી બકબકાટ’ કરવા માંડે.—૨ તીમોથી ૨:૧૬-૧૮.

૧૭. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોએ યહોવાહ જેવા પવિત્ર બનવા શા માટે પ્રયત્ન કરતા રહેવું પડે છે?

૧૭ પાઊલે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને લખ્યું: ‘મારા પ્રિય મિત્રો, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્ર બનતા જઈએ.’ (૨ કોરીંથી ૭:૧, કોમન લેંગ્વેજ) એ બતાવે છે કે જેઓ “સ્વર્ગીય તેડાના ભાગીદાર” છે, એવા ભાઈ-બહેનોએ જીવનમાં દરેક રીતે યહોવાહ જેવા પવિત્ર બનવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે. (હેબ્રી ૩:૧) એવી જ રીતે ઈશ્વરભક્ત પીતરે પણ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું: “ઈશ્વરને આધીન થાઓ કેમ કે તમે તેમનાં સંતાન છો; ભૂંડાઈના જે માર્ગો તમે છોડી દીધા છે ત્યાં પાછા જાઓ નહિ, કારણ કે તે વખતે તમે અજ્ઞાન હતા. પરંતુ હવે જે પ્રભુએ તમને તેમના સંતાન થવા માટે તેડું આપેલું છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ રીતે પવિત્ર થાઓ.”—૧ પિતર ૧:૧૪, ૧૫, IBSI.

૧૮, ૧૯. (ક) યહોવાહ પવિત્ર બાબતો માટે જેવું વલણ રાખે છે, એવું જ ‘મોટી સભાના’ ભાઈ-બહેનો કઈ રીતે રાખે છે? (ખ) હવે આપણે જીવનની કઈ મહત્ત્વની બાબતની ચર્ચા કરીશું?

૧૮ “મોટી વિપત્તિમાંથી” બચી જશે એવી “મોટી સભા” એટલે કે પૃથ્વી પર રહેનારા ભક્તો વિષે શું? તેઓએ સાબિત કરવું પડશે કે ભક્તિને લગતી બાબતોમાં તેઓ પણ યહોવાહ જેવું જ વલણ રાખે છે. પ્રકટીકરણનું પુસ્તક તેઓને યહોવાહના મહાન મંદિરના આંગણામાં, પૃથ્વી પર ‘તેમની સેવા કરતા’ બતાવે છે. ઈસુની કુરબાનીમાં પૂરી શ્રદ્ધા મૂકીને, તેઓએ જાણે કે “પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં” છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪, ૧૫) આ રીતે તેઓ શુદ્ધ તન, મન અને દિલથી યહોવાહની ભક્તિ કરી શકે છે. એટલે તેઓ ‘જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીને અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્ર બનતા જાય છે.’

૧૯ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો હોય કે પૃથ્વી પર રહેનારા હોય, તેઓ બધા યહોવાહની ભક્તિ માટે નિયમિત ભેગા મળે છે. પવિત્ર શાસ્ત્રમાંથી શીખે છે. આ મિટિંગો પણ યહોવાહની નજરે પવિત્ર છે. ચાલો હવે પછીના લેખમાં આપણે જોઈએ કે આવી મિટિંગો વિષે આપણે કઈ રીતે યહોવાહ જેવું જ વલણ કેળવી શકીએ? એવું વલણ કેમ બહુ જ જરૂરી છે? (w 06 11/1)

મુખ્ય મુદ્દાઓ

• યહોવાહના ભક્તો કઈ રીતે દુનિયા જેવું વલણ રાખતા નથી?

• જે કંઈ પવિત્ર છે, એ સર્વ શા માટે યહોવાહ પાસેથી આવે છે?

• ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે, એની આપણે કઈ રીતે કદર બતાવીએ છીએ?

• આપણાં જીવનમાં આપણે શું પવિત્ર ગણવું જોઈએ, એની કદર કરવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્ર]

પહેલાના ઈસ્રાએલમાં યાજકની સેવા, મુલાકાતમંડપ અને એમાંની ચીજો બધું જ પવિત્ર ગણવામાં આવતું

[પાન ૨૭ પર ચિત્ર]

પ્રાર્થના અને પ્રચાર કામ મોટો આશીર્વાદ છે