સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્‍ન

પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્‍ન

પરમેશ્વર અને માણસોની નજરે માનયોગ્ય લગ્‍ન

‘કાના ગામમાં લગ્‍ન હતું. ઈસુ તથા તેમના શિષ્યોને પણ લગ્‍નમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું.’—યોહાન ૨:૧, ૨, પ્રેમસંદેશ.

૧. કાનામાં ઈસુએ જે કર્યું એ શા માટે આપણું ધ્યાન ખેંચે છે?

 ઈસુ, તેમની મા અને અમુક શિષ્યો જાણતા હતા કે લગ્‍નમાં જવાથી કેવી ખુશી મળે છે! વળી પરમેશ્વરના લોકોમાં થતા લગ્‍નની ખુશી કંઈ ઓર જ છે. એક વાર ઈસુ લગ્‍નમાં ગયા હતા ત્યારે તેમણે ચમત્કાર કરીને લગ્‍નની ખુશીમાં વધારો કર્યો હતો. એ તેમનો પહેલો ચમત્કાર હતો. (યોહાન ૨:૧-૧૧) તમે પણ યહોવાહના લોકો વચ્ચે થતા લગ્‍નમાં ગયા હશો, અને આનંદ માણ્યો હશે. એવું યુગલ જે ખુશી ખુશી યહોવાહની જ સેવા કરવા ચાહે છે. કદાચ તમે તમારું પોતાનું લગ્‍ન જોરદાર થાય એવી આતુરતાથી રાહ જોતા હશો. અથવા તો તમારા મિત્રના લગ્‍નને જોરદાર બનાવવા તમે મદદ કરતા હોઈ શકો. લગ્‍ન સારી રીતે પાર પડે માટે શું કરી શકાય?

૨. લગ્‍ન વિષે બાઇબલમાં શું માહિતી આપવામાં આવી છે?

આપણે જાણીએ છીએ કે લગ્‍ન કરવાનો વિચાર કરતા હોય તેઓ માટે બાઇબલમાં બહુ સારી સલાહ જોવા મળે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) પણ લગ્‍ન કઈ રીતે કરવું જોઈએ એની ચોક્કસ માહિતી બાઇબલમાં આપી નથી. કેમ કે દરેક દેશ પ્રમાણે લગ્‍નના રીતરિવાજ અને કાનૂની જરૂરિયાત અલગ-અલગ હોય છે. જે સમય વીતતા બદલાતા રહે છે. દાખલા તરીકે, પ્રાચીન ઈસ્રાએલમાં લગ્‍નની કોઈ વિધિ ન હતી. લગ્‍નના દિવસે વર, કન્યાને પોતાના ઘરે અથવા તો પિતાને ઘરે લઈ આવતો. (ઉત્પત્તિ ૨૪:૬૭; યશાયાહ ૬૧:૧૦; માત્થી ૧:૨૪) આજે ઘણી જગ્યાએ લગ્‍નવિધિ થાય છે, પણ એ સમયે કન્યાને ઘરે લાવવું એ લગ્‍ન ગણાતું.

૩. ઈસુએ ક્યા પ્રસંગની ખુશીમાં વધારો કર્યો?

ઈસ્રાએલીઓ જાણતા હતા કે કન્યાને ઘરે લાવવી એ લગ્‍ન ગણાય. એ પછી યોહાન ૨:૧માં જણાવ્યા પ્રમાણે તેઓ લગ્‍નની મિજબાની રાખતા. ઘણા બાઇબલ અનુવાદ કહે છે કે ‘કાનામાં લગ્‍ન હતું.’ પણ બાઇબલની મૂળ ભાષામાં એ “લગ્‍નનું જમણ” અથવા ‘લગ્‍ન મિજબાનીને’ બતાવે છે. * (માત્થી ૨૨:૨-૧૦; ૨૫:૧૦; લુક ૧૪:૮) યોહાનનો અહેવાલ ચોખ્ખું જણાવે છે કે એ યહુદી લગ્‍નમાં ઈસુ હતા, અને તેમણે એ મિજબાનીની ખુશીમાં વધારો કર્યો હતો. આપણે ખાસ જોઈશું કે ઈસુના સમયમાં જે રીતે લગ્‍ન થતા હતા એ આજે થતા લગ્‍નોથી કઈ રીતે અલગ છે.

૪. અમુક ભાઈ-બહેનો કઈ રીતે લગ્‍ન કરવાનું વિચારી શકે, શા માટે?

આજે ઘણા દેશોમાં યહોવાહના જે ભક્તો લગ્‍ન કરવા માંગે છે, તેઓએ કાનૂની જરૂરિયાતો પૂરી કરવી જ જોઈએ. એ પછી જ તેઓ કાયદા પ્રમાણે લગ્‍ન કરી શકે છે. એ લગ્‍નની વિધિ નાની અને સાદી હોઈ શકે. સરકાર માન્ય કોઈ ન્યાયાધીશ, મેયર કે કોઈ ધર્મગુરુ એ વિધિ કરાવતા હોય છે. અમુક લોકો આ રીતે લગ્‍ન કરવા ચાહે છે. તેઓ થોડા સગાં-સંબંધી કે મંડળના મિત્રોને સાક્ષી તરીકે બોલાવતા હોય છે. અથવા તો એ મહત્ત્વના લગ્‍ન પ્રસંગે પોતાની ખુશીમાં સામેલ કરવા તેઓને બોલાવે છે. (યિર્મેયાહ ૩૩:૧૧; યોહાન ૩:૨૯) અમુક ભાઈ-બહેનો લગ્‍નની નાની મિજબાની કે રિસેપ્શન રાખવા ચાહે છે, જેથી એમાં ઘણો સમય અને પૈસાનો ખોટો ખર્ચ ન થાય. તેઓ કદાચ થોડા સગાં-વહાલાં કે મિત્રોને બોલાવીને સાદું જમણ કરે છે. લગ્‍ન અને રિસેપ્શન વિષે આપણા વિચારો ગમે તે હોય. પણ આપણે યાદ રાખવું જોઈએ કે એ બાબતે બીજા ભાઈ-બહેનોના વિચારો આપણાથી અલગ હોઈ શકે.—રૂમી ૧૪:૩, ૪.

૫. શા માટે ઘણા ભાઈ-બહેનો લગ્‍ન વખતે ટૉક સાંભળવા ચાહે છે, અને એ ટૉક શાના વિષે છે?

મોટા ભાગનાં યુગલો લગ્‍ન વખતે બાઇબલ આધારિત ટૉક સાંભળવા ચાહે છે. * તેઓએ સ્વીકાર્યું છે કે યહોવાહ પરમેશ્વરે લગ્‍નની ગોઠવણ કરી છે. અને બાઇબલમાં સારી સલાહ જોવા મળે છે કે લગ્‍ન જીવન કઈ રીતે સફળ અને સુખી થઈ શકે. (ઉત્પત્તિ ૨:૨૨-૨૪; માર્ક ૧૦:૬-૯; એફેસી ૫:૨૨-૩૩) મોટા ભાગનાં યુગલો ચાહે છે કે મંડળના ભાઈ-બહેનો અને તેમનાં સગાં-વહાલાં આ ખુશીમાં સહભાગી થાય. પરંતુ લગ્‍નના જુદા જુદા રિવાજો, વિધિઓ અને કાનૂની જરૂરિયાતોને આપણે કઈ દૃષ્ટિથી જોઈએ છીએ? આ લેખમાં આપણે અલગ અલગ દેશોના રીતરિવાજો અને કાનૂની વિધિઓની ચર્ચા કરીશું. અમુક રિવાજો તમે જાણતા હોય, એનાથી અલગ હોઈ શકે. જોકે, આપણે અમુક સામાન્ય સિદ્ધાંતો કે બાબતો જોઈશું જે પરમેશ્વરના લોકો માટે બહુ મહત્ત્વની છે.

માનયોગ્ય અને કાનૂની લગ્‍ન

૬, ૭. શા માટે આપણે કાયદા પ્રમાણે લગ્‍ન કરવું જોઈએ? એમાં શેનો સમાવેશ થાય છે?

યહોવાહ પરમેશ્વરે લગ્‍નની ગોઠવણ કરી છે. પણ લગ્‍ન ક્યારે અને કઈ રીતે કરવા જોઈએ એ માટે સરકારે પણ અમુક નિયમો આપ્યા છે. એ યોગ્ય જ છે, કેમ કે ઈસુએ કહ્યું: “કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” (માર્ક ૧૨:૧૭) એ જ રીતે, પ્રેરિત પાઊલે કહ્યું: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાયેલા છે.”—રૂમી ૧૩:૧; તીતસ ૩:૧.

મોટા ભાગના દેશોમાં સરકાર કે સરકારી અધિકારીઓ નક્કી કરે છે કે લગ્‍ન માટે કોણ લાયક છે. તેથી, યહોવાહની નજરે લગ્‍ન કરવા લાયક છે તેઓ પોતે રહે છે ત્યાંના કાયદા પ્રમાણે લગ્‍ન કરે છે. એમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે, લગ્‍નનું સર્ટિફિકેટ મેળવવું, સરકાર માન્ય એજન્ટ દ્વારા લગ્‍ન કરવું અને લગ્‍નને રજિસ્ટર્ડ કરાવવું. દાખલા તરીકે, કાઈસર ઔગસ્તસે ‘નામ નોંધાવવાનો’ ઠરાવ બહાર પાડ્યો ત્યારે યુસફ અને મરિયમ પણ “નામ નોંધાવવા” બેથલેહેમ ગયા.—લુક ૨:૧-૫.

૮. યહોવાહના સાક્ષીઓ કેવી વિધિ કરતા નથી? શા માટે?

બે ખ્રિસ્તીઓ કાયદા પ્રમાણે લગ્‍ન કરે છે ત્યારથી યહોવાહની નજરે તેઓનું લગ્‍નજીવન શરૂ થાય છે. તેથી યહોવાહના સાક્ષીઓ ફરીથી કાનૂની વિધિ કરીને બીજી વાર લગ્‍ન કરતા નથી. તેમ જ તેઓ લગ્‍નની ૨૫મી કે ૫૦મી ઍનિવર્સરી વખતે ફરીથી લગ્‍નના સોગંદ લેતા નથી. (માત્થી ૫:૩૭) (કાયદા પ્રમાણે સિવિલ-મૅરેજ મુજબ કરેલા લગ્‍નને અમુક ચર્ચ સ્વીકારતા નથી. તેઓના કહેવા પ્રમાણે ચર્ચના કોઈ પાદરી કે ધર્મગુરુ આવીને તેઓની વિધિ પ્રમાણે લગ્‍ન કરે અથવા તો યુગલને પતિ-પત્ની તરીકે જાહેર ન કરે ત્યાં સુધી એ લગ્‍ન ન કહેવાય.) ઘણા દેશોમાં સરકાર, યહોવાહના સાક્ષીઓમાંથી અમુકને લગ્‍ન રજિસ્ટર્ડ કરવાનો અધિકાર આપે છે. તમારા શહેરમાં એવું કોઈ હોય તો, કિંગ્ડમ હૉલમાં ટૉકની સાથે જ કાયદા પ્રમાણે લગ્‍નવિધિ પણ રાખી શકો. કિંગ્ડમ હૉલ એ પરમેશ્વરની સાચી ભક્તિ કરવાની જગ્યા છે. લગ્‍નની શરૂઆત યહોવાહે કરી હોવાથી ટૉક પણ ત્યાં જ આપવામાં આવે એ યોગ્ય કહેવાય.

૯. (ક) સિવિલ-મૅરેજ કર્યું હોય તો, યુગલ શું કરવાનું પસંદ કરી શકે? (ખ) લગ્‍નના પ્લાનમાં વડીલોએ શું કરવાની જરૂર છે?

અમુક દેશોમાં કાયદા પ્રમાણે યુગલે કોર્ટ કે સરકારી ઑફિસ જેવી જગ્યામાં લગ્‍ન કરવા પડે છે. અથવા તો સરકાર માન્ય કોઈ અધિકારી સામે લગ્‍ન કરવા પડે છે. યહોવાહના સાક્ષીઓ ઘણી વાર કાયદા પ્રમાણે લગ્‍ન કરીને એ જ દિવસે અથવા બીજા દિવસે કિંગ્ડમ હૉલમાં લગ્‍નની ટૉકની ગોઠવણ કરે છે. (તેઓ ચાહતા નથી કે કાનૂની વિધિ પ્રમાણે લગ્‍ન કર્યાને ઘણા દિવસો પછી બાઇબલ આધારે ટૉક રાખે. કેમ કે, તેઓએ પરમેશ્વર, મંડળ અને માણસો સામે કાનૂની રીતે લગ્‍ન કર્યું છે.) યુગલ, સિવિલ મૅરેજ પછી કિંગ્ડમ હૉલમાં ટૉક સાંભળવા ચાહતું હોય તો, તેઓએ એ મંડળની સર્વિસ કમિટી પાસે પરવાનગી માંગવી જોઈએ. યુગલની સારી શાખ છે કે નહિ એ આ કમિટીના વડીલો નક્કી કરશે. તેમ જ વડીલો ખાતરી કરશે કે લગ્‍નના સમયે મંડળની મિટિંગ અને બીજી કોઈ મિટિંગ પણ ન હોય. (૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦) જો યુગલને હૉલને શણગારવો હોય, તો વડીલો નક્કી કરશે કે શું કરી શકાય, શું ન કરી શકાય. તેમ જ, તેઓ નક્કી કરશે કે મંડળને જણાવવું જોઈએ કે નહિ કે એ હૉલ લગ્‍ન માટે ક્યારે વાપરાશે.

૧૦. સિવિલ-મૅરેજ થઈ ગયા હોય તો, લગ્‍નની ટૉકમાં એની કેવી અસર થશે?

૧૦ વડીલ લગ્‍નની ટૉક આપતી વખતે ધ્યાનમાં રાખશે કે ટૉકથી યુગલને અને બીજાઓને ઉત્તેજન મળે. તેમ જ ટૉક પ્રસંગને શોભે એવી હોય. જો યુગલે સિવિલ-મૅરેજ કરી લીધા હોય તો, વડીલે સર્વને જણાવવું જોઈએ કે તેઓનું કાયદા પ્રમાણે લગ્‍ન થઈ ગયું છે. કાયદા પ્રમાણે લગ્‍ન કરતી વખતે લગ્‍નના સોગંદ લેવામાં આવ્યા ન હોય તો, યુગલ ટૉક દરમિયાન સોગંદ લઈ શકે છે. * પણ એક વખતે યુગલે સોગંદ લીધા હોય અને તેઓ યહોવાહ અને મંડળ સામે ફરીથી સોગંદ લેવા ચાહે છે તો શું? તેઓ સોગંદ તો લઈ શકે છે, પણ તેઓએ અગાઉથી એ સોગંદ લઈ લીધા છે એ રીતે બોલવું જોઈએ. એ બતાવશે કે તેઓએ ‘જોડે રહેવાનું’ વચન પહેલેથી લઈ લીધું છે.—માત્થી ૧૯:૬; ૨૨:૨૧.

૧૧. અમુક જગ્યાએ કઈ રીતે લગ્‍ન કરવામાં આવે છે, એની લગ્‍નની ટૉક પર કેવી અસર પડે છે?

૧૧ અમુક જગ્યાઓએ કાયદા પ્રમાણે લગ્‍ન કરવા ગવર્ન્મેન્ટ એજન્ટ આગળ કે બીજી કોઈ વિધિ કરવાની હોતી નથી. વર-કન્યા રજિસ્ટ્રેશન ફૉર્મ પર સહી કરીને અધિકારીને આપે છે, પછી અધિકારી રજિસ્ટર્ડ કરીને સર્ટિફિકેટ તૈયાર કરે છે. એટલે તેઓનું લગ્‍ન થયું કહેવાય. આમ, સર્ટિફિકેટ પર જે તારીખ હોય ત્યારથી તેઓ પતિ-પત્ની ગણાય છે. ઉપર જોયા પ્રમાણે યુગલ રજિસ્ટ્રેશન કર્યા પછી તરત જ કિંગ્ડમ હૉલમાં વડીલ દ્વારા બાઇબલ આધારે ટૉકની ગોઠવણ કરી શકે. એ ભાઈ ત્યાં આવેલા સર્વને જણાવશે કે થોડી વાર પહેલા જ યુગલના લગ્‍નનું રજિસ્ટ્રેશન થયું છે અને હવે તેઓ પતિ-પત્ની છે. ફકરા ૧૦ અને એની ફૂટનોંધ પ્રમાણે કોઈ સોગંદ લેવાની જરૂર હોય તો લઈ શકે. કિંગ્ડમ હૉલમાં આવેલા સર્વ, યુગલની ખુશીમાં સહભાગી થશે અને બાઇબલમાંથી જે સલાહ આપવામાં આવશે એનો લાભ ઉઠાવશે.—ગીતોનું ગીત ૩:૧૧.

રીતરિવાજ અને કાયદા મુજબ લગ્‍ન

૧૨. રીતરિવાજ મુજબ કરેલા લગ્‍ન કોને કહેવાય? આ લગ્‍ન પછી શું કરવાની ભલામણ કરવામાં આવે છે?

૧૨ અમુક દેશોમાં રીતરિવાજથી લગ્‍નો થાય છે. આપણે એવા લગ્‍નની વાત નથી કરતા જેમાં બે વ્યક્તિ ભેગી રહે એટલે સમાજ તેઓને લગ્‍ન કરેલા માને. * આપણે એવા લગ્‍નની વાત કરીએ છીએ જેમાં તેઓના સમાજ કે વિસ્તારના રીતરિવાજો પ્રમાણે કરવાથી લગ્‍ન થયું એમ ગણાય. એમાં શાનો સમાવેશ થાય છે? વર, કન્યાના ઘરનાને અમુક રકમ આપે એનાથી તેઓનું કાયદા પ્રમાણે અને શાસ્ત્ર મુજબ લગ્‍ન થયું એમ ગણાય છે. સરકાર પણ આવા રિવાજને માન્ય ગણે છે. એ પછી, યુગલ સરકારમાં લગ્‍નની નોંધણી કરાવી શકે છે. એનાથી તેઓને લગ્‍નનું સર્ટિફિકેટ પણ મળી શકે છે. સરકારમાં લગ્‍નની નોંધણી કરાવવાથી યુગલને અથવા તો પત્નીને લાભ થાય છે. કઈ રીતે? પત્ની વિધવા થાય તો, તેને તથા તેના થનાર બાળકોને વારસાનો હક્ક કે બીજી કોઈ રીતે કાયદાકીય રક્ષણ મળે છે. કોઈએ રીતરિવાજ મુજબ લગ્‍ન કર્યા હોય તો, મંડળે તેઓને જલદીમાં જલદી એની નોંધણી કરાવવાની ભલામણ કરવી જોઈએ. અરે, મુસાના નિયમમાં પણ લગ્‍ન અને જન્મની નોંધ રાખવામાં આવતી હતી.—માત્થી ૧:૧-૧૬.

૧૩. રીતરિવાજ પ્રમાણે લગ્‍ન કર્યા પછી લગ્‍નની ટૉક આપવાનો હેતુ શું છે?

૧૩ રીતરિવાજ પ્રમાણે લગ્‍ન થયા પછી એ યુગલ કાયદા પ્રમાણે પતિ-પત્ની બને છે. ઉપર જોયું તેમ આવું લગ્‍ન કર્યા પછી યહોવાહના સાક્ષી કિંગ્ડમ હૉલમાં લગ્‍નની ટૉક અને સોગંદ લેવા ચાહતા હોઈ શકે. એ વખતે ટૉક આપનાર ભાઈએ જણાવવું જોઈએ કે યુગલે સરકારના નિયમો પ્રમાણે થોડી વાર પહેલાં જ લગ્‍ન કર્યા છે. આવી ટૉક ફક્ત એક જ વાર આપવામાં આવશે. લગ્‍નની વિધિ પણ એક જ વાર થાય છે. જેમ કે, રીતરિવાજ મુજબ લગ્‍ન જેને સરકાર માન્ય રાખે છે અને પછી બાઇબલ આધારિત ટૉક. લગ્‍ન પછી બાઇબલ આધારિત ટૉક શક્ય હોય તો એ જ દિવસે રાખવી જોઈએ. એનાથી સમાજમાં એ લગ્‍ન માનયોગ્ય ગણાશે.

૧૪. રીતરિવાજ પ્રમાણે અને કાયદા મુજબ એમ બંને રીતે લગ્‍ન કરી શકાતા હોય તો, ભાવિ યુગલે શું કરવું જોઈએ?

૧૪ અમુક દેશોમાં રીત-રિવાજવાળા લગ્‍નને કાયદા પ્રમાણે ગણવામાં આવે છે. ત્યાં કાયદા મુજબ લગ્‍ન કરવાની પણ ગોઠવણ હોય છે. એવા લગ્‍ન ખાસ કરીને સરકાર માન્ય કોઈ અધિકારી સામે કરવામાં આવે છે. એમાં યુગલ લગ્‍નના સોગંદ લઈને સહી કરે છે. આમ સરકારમાં તેઓના લગ્‍નની નોંધણી થાય છે. અમુક ભાઈ-બહેનો રીતરિવાજ મુજબ લગ્‍ન કરવાને બદલે આ રીતે કાયદા મુજબ લગ્‍ન કરવાનું પસંદ કરે છે. રીતરિવાજ મુજબ અને કાયદા પ્રમાણે એમ બંને રીતે લગ્‍ન કરવા એ જરૂરી નથી. બંને પ્રકારના લગ્‍ન કાયદા પ્રમાણે સ્વીકાર્ય છે. ફકરા ૯ અને ૧૦માં લગ્‍નની ટૉક અને સોગંદ વિષે જે કહેવામાં આવ્યું એ અહીંયા કાયદા મુજબ કરેલા લગ્‍નમાં પણ લાગુ પડે છે. મહત્ત્વની વાત એ છે કે યુગલે પરમેશ્વર અને માણસોની નજરે યોગ્ય હોય એ રીતે લગ્‍ન કર્યા છે.—લુક ૨૦:૨૫; ૧ પીતર ૨:૧૩, ૧૪.

માનયોગ્ય લગ્‍ન

૧૫, ૧૬. લગ્‍નમાં કઈ રીતે માન આપી શકાય?

૧૫ ઈરાની રાજાના લગ્‍નમાં મુશ્કેલી આવી ત્યારે સરદાર મમૂખાને જે સલાહ આપી એની સારી અસર પડી. તેમણે કહ્યું: “બધી જ પત્નીઓ પોતાના પતિને માન આપશે.” (એસ્તેર ૧:૨૦, IBSI) જોકે આજે કોઈ રાજા તરફથી યુગલને આવો કોઈ ઠરાવ કરવાની જરૂર નથી. પત્નીઓ ખુશીથી પોતાના પતિને માન આપવા ચાહે છે. એવી જ રીતે, પતિ પણ પત્નીને ‘માન આપીને’ તેના વખાણ કરશે. (નીતિવચનો ૩૧:૧૧, ૩૦; ૧ પીતર ૩:૭) પતિ-પત્નીએ એકબીજાને માન આપવું જોઈએ. શું ઘણાં વર્ષો વીતી જાય પછી માન આપવું જોઈએ? ના, લગ્‍નના દિવસથી જ તેઓએ એકબીજાને માન આપવું જોઈએ.

૧૬ લગ્‍નના દિવસે, ફક્ત પતિ-પત્નીએ એકબીજાને માન આપવું જોઈએ? ના. કોઈ વડીલ લગ્‍નની ટૉક આપવાના હોય તો, તેમણે પણ ટૉક દ્વારા લગ્‍નને માન આપવું જોઈએ. તેમણે ટૉક યુગલને સંબોધીને આપવી જોઈએ. લગ્‍ન કરતા યુગલ પ્રત્યે માન બતાવવા તે ટૉકમાં કોઈ કૉમેડી જોક્સ નહીં કહે અથવા ખોટી વાર્તા નહિ ઘડે. તેમ જ તે “દુન્યવી ડહાપણ” પણ નહિ બતાવે. ટૉક આપનાર ભાઈએ એવી કોઈ બાબત ન કહેવી જેનાથી યુગલ અને સાંભળનારાઓની લાગણીને ઠેસ પહોંચે કે શરમ આવે. એના બદલે તે તેઓને ઉત્તેજન આપશે. લગ્‍નની ગોઠવણ કરનાર પરમેશ્વર અને તેમની સલાહ પર ભાર મૂકશે. લગ્‍નમાં વડીલની ઉત્તેજનભરી ટૉકથી યહોવાહ પરમેશ્વરને માન મળે છે.

૧૭. યહોવાહના સાક્ષીઓમાં લગ્‍ન કાયદા પ્રમાણે થાય છે એ શું બતાવે છે?

૧૭ આપણે આ લેખમાં લગ્‍ન માટેના ઘણા કાયદા-કાનૂન જોયા. કદાચ અમુક નિયમો તમે રહેતા હોય એ જગ્યાએ લાગુ ન પણ પડે. તોપણ આપણે સર્વએ જાણવાની જરૂર છે કે યહોવાહના સાક્ષીઓમાં લગ્‍નની જે ગોઠવણ છે એમાં સરકારના અને સ્થાનિક નિયમો પ્રત્યે માન બતાવવામાં આવે છે. (લુક ૨૦:૨૫) પાઊલે વિનંતી કરી: ‘દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર, જેને દાણનો તેને દાણ; જેને માનનો તેને માન.’ (રૂમી ૧૩:૭) એ કારણે લગ્‍નના દિવસથી જ યહોવાહના સાક્ષીઓએ એકબીજાને માન આપવું જોઈએ. એમ કરવાથી તેઓ બતાવે છે કે પરમેશ્વરે જે ગોઠવણ કરી છે એ માટે તેઓને માન અને આદર છે.

૧૮. લગ્‍ન પછી કેવી ગોઠવણો હોઈ શકે? એ માટેની માહિતી આપણને ક્યાંથી મળી શકે?

૧૮ યહોવાહના ઘણા સાક્ષીઓ લગ્‍ન પછી મિજબાની, જમણવાર કે રિસેપ્શન રાખે છે. તમને યાદ હશે કે ઈસુ પણ એક મિજબાનીમાં ગયા હતા. લગ્‍ન પછી જો આવું કોઈ રિસેપ્શન રાખ્યું હોય તો, એનાથી પણ યહોવાહને માન મળે એવી આપણે કેવી રીતે ખાતરી રાખી શકીએ? બાઇબલની સલાહ આપણને એ વિષે કઈ રીતે મદદ કરે છે? તેમ જ, એનાથી નવ પરિણીત યુગલ અને મંડળનું નામ સારું થાય એ માટે આપણે શું કરી શકીએ? એની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરીશું. * (w 06 10/15)

[ફુટનોટ્‌સ]

^ કોઈ પણ મિજબાની માટે પણ એ જ શબ્દ વપરાય છે, જેનો લગ્‍ન સાથે કોઈ સંબંધ નથી.—એસ્તેર ૯:૨૨.

^ યહોવાહના સાક્ષીઓના લગ્‍નમાં ટૉકની આઉટલાઇન ૩૦ મિનિટની હોય છે. એનો વિષય છે, “પરમેશ્વરની નજરમાં આદરણીય લગ્‍ન.” એમાં યહોવાહના સાક્ષીઓનાં પ્રકાશનો અને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકમાંથી સારી સલાહ જોવા મળે છે. આ ટૉકમાં જે ચર્ચા કરવામાં આવે છે એનાથી લગ્‍ન કરી રહેલા યુગલને અને ત્યાં આવેલા સર્વને લાભ થાય છે.

^ બીજા કોઈ સ્થાનિક નિયમો ન હોય તો, નીચે આપેલા સોગંદ પરમેશ્વરને માન આપે છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. વરરાજા માટે: “હું [વરરાજાનું નામ], તમને [કન્યાનું નામને] મારી પરિણીત પત્ની તરીકે સ્વીકારું છું, અને પરમેશ્વરની લગ્‍ન ગોઠવણ અનુસાર, આપણે બંને આ પૃથ્વી પર જીવીશું ત્યાં સુધી, પવિત્ર શાસ્ત્રમાં બતાવેલ, ખ્રિસ્તી પતિઓ માટેના પરમેશ્વરના નિયમ અનુસાર, તમને પ્રેમથી સંભાળીશ.” કન્યા માટે: “હું [કન્યાનું નામ], તમને [વરરાજાનું નામને] મારા પરિણીત પતિ તરીકે સ્વીકારું છું, અને પરમેશ્વરની લગ્‍ન ગોઠવણ અનુસાર, આપણે બંને આ પૃથ્વી પર જીવીશું ત્યાં સુધી, પવિત્ર શાસ્ત્રમાં બતાવેલ, ખ્રિસ્તી પત્નીઓ માટેના પરમેશ્વરના નિયમ અનુસાર, તમને પ્રેમથી સંભાળીશ અને ઊંડો આદર આપીશ.”

^ મે ૧, ૧૯૬૨નું વૉચટાવર પાન ૨૮૭માં બે વ્યક્તિ ભેગી રહેતી હોય એવા રિવાજ વિષે વધારે જણાવે છે.

^ પાન ૨૦ પર “શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?” લેખ પણ જુઓ.

શું તમને યાદ છે?

• લગ્‍ન કાયદા પ્રમાણે અને બાઇબલને આધારે હોય એવું આપણે શા માટે ચાહીએ છીએ?

• જો કોઈ કાયદા પ્રમાણે લગ્‍ન કરે તો, તેઓ તરત જ શું કરવા ચાહી શકે?

• લગ્‍નની ટૉક કિંગ્ડમ હૉલમાં શા માટે આપવામાં આવે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્ર]

પ્રાચીન ઈસ્રાએલમાં વર, કન્યાને પોતાને ઘરે અથવા પિતાને ઘરે લાવે તો એ લગ્‍ન ગણાતું હતું