સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર આપણી કાળજી રાખે છે!

પરમેશ્વર આપણી કાળજી રાખે છે!

પરમેશ્વર આપણી કાળજી રાખે છે!

જ્યારે આપણા જીવનમાં સમસ્યા આવે છે, ત્યારે આપણે તરત જ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ. શા માટે? કેમ કે તે મહાન અને ‘ઘણા પરાક્રમી છે; તેમની બુદ્ધિનો પાર નથી.’ (ગીતશાસ્ત્ર ૧૪૭:૫) ફક્ત તે જ આપણી સમસ્યાને સારી રીતે જાણે છે અને તે જ આપણને મદદ કરી શકે છે. બાઇબલ કહે છે કે આપણે ‘તેમની આગળ આપણું હૃદય’ ઠાલવવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૬૨:૮) તો પછી, શા માટે ઘણા લોકો માને છે કે પરમેશ્વરને આપણી કંઈ પડી નથી અને તે આપણી પ્રાર્થના સાંભળતા નથી?

દુઃખ પડે તો આપણે તરત જ પરમેશ્વરનો વાંક કાઢવો જોઈએ નહિ. કેમ નહિ? એક દાખલાનો વિચાર કરો. તમે નાના હતા ત્યારે કોઈ રમકડું મેળવવા માટે કદાચ ખૂબ જીદ કરી હશે. પણ જો તમારા મમ્મી કે પપ્પાએ તમને એ રમકડું ખરીદી આપ્યું ન હોય, તો શું તમે એમ કહેશો કે ‘તમે મને ચાહતા નથી?’ ના. હવે તમે મોટા થયા છો અને તમને ખબર છે કે બાળકને અનેક રીતોથી બતાવી શકાય કે તમે તેને ચાહો છો. તમને એ પણ ખબર છે કે બાળકની દરેક જીદ પૂરી કરવી તેના માટે સારું નથી.

એ જ રીતે, આપણે પ્રાર્થનામાં જે કંઈ માગીએ, એ યહોવાહ તરત જ આપવાના નથી. એનો અર્થ એ નથી કે તે સાંભળતા જ નથી. માબાપની માફક તે આપણને અનેક રીતોથી બતાવે છે કે તે આપણને ખૂબ ચાહે છે.

‘તેમને કારણે આપણે જીવીએ છીએ’

સૌથી પહેલા આપણે યાદ રાખવું જોઈએ કે પરમેશ્વર પ્રેમના સાગર છે. એટલે “આપણે જીવીએ છીએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮.

બીજું કે જીવવા માટે પરમેશ્વર આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. શાસ્ત્ર કહે છે કે “ઢોરને સારૂ તે ઘાસ તથા માણસના ખપને સારૂ શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪) પરંતુ, પરમેશ્વર ફક્ત એટલું જ આપતા નથી. તે ઉદારતાથી ‘આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપે છે, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત’ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭.

તમે વિચારતા હશો કે ‘જો ઈશ્વર પ્રેમના સાગર હોય, તો તે શા માટે આપણને દુઃખોમાં તડપવા દે છે?’ શું તમે આ સવાલનો જવાબ જાણો છો?

શું પરમેશ્વર દુઃખો લાવે છે?

ઘણી વખત આપણા પર મુશ્કેલીઓ આવી પડે છે કારણ કે આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ. વિચાર કરો કે લોકોને કેવાં દુઃખ સહેવા પડે છે જ્યારે તેઓ શરાબી બને છે કે લંપટ જીવન જીવે છે. અથવા ગુટખા, બીડી-સિગારેટ કે ડ્રગ્સ લે છે. બીજાઓ જોખમી રમતો કે ખેલકૂદમાં ભાગ લે છે. વળી બીજા ગાડી ઝડપથી ચલાવે છે. જો આવી બાબતોથી આપણને નુકસાન થાય, તો શું એ પરમેશ્વરનો વાંક છે? ના, બાઇબલ કહે છે: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.”—ગલાતી ૬:૭.

ઘણી વાર, માણસો એકબીજાને દુઃખી કરતા હોય છે. દાખલા તરીકે, જ્યારે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે અને હજારો અપંગ થઈ જાય કે માર્યા જાય છે, તો શું એ પરમેશ્વરનો વાંક છે? જ્યારે ગુનેગારો બીજા લોકો પર હુમલો કરે છે, તો શું એ પરમેશ્વરનો વાંક છે? જો કોઈ જુલમી સરકાર લોકોને સતાવે તો શું એ પરમેશ્વરનો વાંક છે? ના, જરાય નહિ! એ માટે પરમેશ્વરનો દોષ કાઢી જ ન શકાય!—સભાશિક્ષક ૮: ૯.

અમુક લોકો કહેશે કે લાખો-કરોડો લોકો ભૂખે ટળવળે છે એ માટે પરમેશ્વર જવાબદાર છે. પણ શું એ સાચું છે? ના. ઈશ્વરે આપણી ધરતીને એવી રીતે બનાવી છે કે એ સર્વ લોકોની ભૂખ સંતોષી શકે. (ગીતશાસ્ત્ર ૧૦:૨, ૩; ૧૪૫:૧૬) પણ આજે લોકો ખૂબ લોભી છે, એટલે તેઓ એકબીજાને ખોરાક વહેંચતા નથી. તેથી, દુકાળ અને ગરીબાઈ માટે મનુષ્યો જ જવાબદાર છે.

દુઃખોનું મૂળ શું છે?

અમુક કહેશે કે ઈશ્વરને લીધે જ આપણે માંદા પડીએ છીએ, કે ઘરડા થઈને ગુજરી જઈએ છીએ. પણ શું તેઓનું કહેવું સાચું છે? શું તમને લાગે છે કે પ્રેમાળ ઈશ્વરે આપણને એવી રીતે બનાવ્યા છે કે થોડી વાર પછી આપણે ફૂલની જેમ કરમાઈ જઈએ? ના!

યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવાને બનાવ્યા ત્યારે, તેઓને સુંદર એદન બાગમાં મૂક્યા હતા. ત્યાં તેઓ અને તેમના વંશજો કાયમ સુખ-ચેનમાં જીવી શક્યા હોત. પરંતુ, પરમેશ્વરને વળગી રહેવાથી જ તેઓને આ વરદાન મળવાનું હતું.—ઉત્પત્તિ ૨:૧૭; ૩:૨, ૩, ૧૭-૨૩.

અફસોસની વાત છે કે આદમ અને હવાએ યહોવાહને છોડી દીધા. પ્રથમ, હવા શેતાનથી છેતરાઈ ગઈ. શેતાને ખોટું બોલીને કહ્યું હતું કે પરમેશ્વર જાણીજોઈને તેઓને ખુશ થવા દેતા ન હતા. હવાએ ‘દેવની જેમ ભલુંભૂંડું જાણનારાં’ થવા નિર્ણય લીધો. પછી આદમે પણ એમ જ કર્યું.—ઉત્પત્તિ ૩:૫, ૬.

જ્યારે આ યુગલે પાપ કર્યું ત્યારે તેઓએ યહોવાહના આશીર્વાદ ગુમાવ્યા. તેઓ ધીમે ધીમે ઘરડા થયા, બીમાર પડ્યા અને છેવટે મરણ પામ્યા. (ઉત્પત્તિ ૫:૫) દુઃખની વાત છે કે વારસામાં તેઓએ સર્વ માણસજાતને પાપનો ડાઘ દીધો. તેથી, પાઊલે લખ્યું: “જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આદમ અને હવાના પાપ એક ખતરનાક રોગ જેવા હતા. એ રોગ આખી દુનિયામાં ફેલાયો અને આજે પણ બધાને અસર કરે છે!

પરમેશ્વર આપણને ખૂબ ચાહે છે!

તો શું માનવજાત કદી દુઃખની ખાઈમાંથી બહાર નીકળી શકે? હા! પરમેશ્વરે તેમના વહાલા દીકરા ઈસુને આપણને બચાવવા મોકલ્યો. ઈસુની કુરબાનીથી માનવજાત પાપ અને મોતના પંજામાંથી મુક્ત થઈ શકે છે. (રૂમી ૩:૨૪) પ્રેષિત યોહાને લખ્યું કે, “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) હા, પરમેશ્વરના પ્યારને લીધે આપણે બધા ફરીથી કાયમ જીવવાની આશા રાખી શકીએ છીએ. પાઊલે લખ્યું: “એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.”—રૂમી ૫:૧૮.

આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે નજીકમાં પરમેશ્વર સર્વ દુઃખોનો અંત લાવશે. ત્યારે આ વચન સાચું પડશે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) કદાચ તમે કહેશો કે ‘એ દિવસ તો મારા જીવનમાં નહિ આવે.’ એ દિવસ આવે એ પહેલાં તમે કદાચ ગુજરી જાવ, તોપણ પરમેશ્વર તમને ફરી સજીવન કરી શકે છે. (યોહાન ૫:૨૮, ૨૯) પરમેશ્વર વચન આપે છે કે આ બધું સાચું પડશે. ખરેખર, તે આપણને ખૂબ ચાહે છે!

“દેવની પાસે જાઓ”

આપણને કેટલો દિલાસો મળે છે કે પરમેશ્વર ભાવિમાં આપણા સર્વ દુઃખોને દૂર કરશે. પણ તે કાલની વાત છે, આજના વિષે શું? જો આપણું કોઈ વહાલું ગુજરી જાય કે આપણું બાળક બીમાર પડી જાય, તો શું? યાકૂબ કહે છે: “દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) હા, જો આપણે ઈશ્વરને વળગી રહીએ, તો તે હંમેશાં આપણને સુખ-દુઃખમાં સાથ દેશે.

પણ આપણે કઈ રીતે પરમેશ્વરની નજીક રહી શકીએ? લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં રાજા દાઊદે પૂછ્યું: “હે યહોવાહ, તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?” (ગીતશાસ્ત્ર ૧૫:૧) આ સવાલનો જવાબ આપતા દાઊદ કહે છે: “જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી.” (ગીતશાસ્ત્ર ૧૫:૨, ૩) આપણે આદમ અને હવા જેવા ન બનીએ, પણ યહોવાહનું કહ્યું માનીએ, તો તેમની કૃપા આપણા પણ રહેશે. જેમ આપણે પરમેશ્વરને ખુશ કરીએ, તેમ તે આપણને વધુ સાથ આપે છે.—પુનર્નિયમ ૬:૨૪, ૨૫; ૧ યોહાન ૫:૩.

આપણે કઈ રીતે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરી શકીએ? એ માટે આપણે ‘દેવ આપણા તારનારની નજરમાં જે સારું તથા પ્રિય છે’ એ જાણવું જોઈએ. પછી એ પ્રમાણે કરવું જોઈએ. (૧ તીમોથી ૨:૩) ઈશ્વરને શું પ્રિય છે અને શું નહિ, એ આપણે કઈ રીતે જાણી શકીએ? બાઇબલનું જ્ઞાન લઈને. (યોહાન ૧૭:૩; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) એ માટે બાઇબલ વાંચવું જ પૂરતું નથી. આપણે હૃદયથી વાંચવું જોઈએ. આપણે બેરીઆ શહેરના યહુદીઓની જેમ બનવું જોઈએ. પાઊલે કહ્યું: “તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.

જો આપણે બાઇબલનો અભ્યાસ કરીએ, તો એ આપણો વિશ્વાસ મજબૂત કરશે અને પરમેશ્વર સાથે સારો સંબંધ કેળવવા મદદ કરશે. (હેબ્રી ૧૧:૬) વળી, બાઇબલ વાંચવાથી આપણને ખબર પડે છે કે યહોવાહ હમણાં આપણા માટે શું કરે છે અને ભાવિમાં તે શું કરશે.

ઘણા ખ્રિસ્તીઓની શ્રદ્ધા ખૂબ મજબૂત છે. વિચાર કરો કે તેઓમાંના અમુક શું કહે છે. સોળ વર્ષની દાનીયેલ કહે છે કે, ‘હું યહોવાહને ખૂબ જ પ્રેમ કરું છું. હું તેમનો આભાર માનું છું, કેમ કે તેમણે મને ખૂબ વહાલા મમ્મી-પપ્પા આપ્યા છે જે બાઇબલમાંથી મને શીખવે છે.’ ઉરુગ્વે દેશથી એક ભાઈ કહે છે: ‘યહોવાહ મહાન છે, તેમણે કેટલો ઊંડો પ્રેમ બતાવ્યો છે! હું એનો વિચાર કરું છું ત્યારે, મારું દિલ ઉપકારથી ભરાઈ જાય છે.’ સાત વર્ષની ગાબ્રીએલા કહે છે: ‘હું પરમેશ્વરને ખૂબ પ્રેમ કરું છું! મારી પાસે બાઇબલ છે. મને પરમેશ્વર અને ઈસુ વિષે શીખવું બહુ જ ગમે છે.’

આજે લાખો લોકો ગીતશાસ્ત્રના એક કવિ સાથે સહમત થાય છે જે કહે છે: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૮) આ લોકોને કોઈ પણ દુઃખ સહન કરવા મદદ મળી છે. તેઓને ખાતરી છે કે નજીકમાં આ પૃથ્વી ફરી સુંદર બનશે, અને તેઓ એના પર કાયમ માટે સુખચેનમાં જીવશે. (૧ તીમોથી ૪:૮) તમે પણ પરમેશ્વરને ઓળખો અને તેમને વળગી રહો. યાદ રાખો કે, “ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૭, IBSI) કોઈ શંકા વગર આપણે કહી શકીએ કે ઈશ્વર દુઃખોમાં આપણને છોડશે નહિ!

[પાન ૫ પર ચિત્ર]

ઘણી રીતોથી દેખાય છે કે યહોવાહ આપણને ચાહે છે

[પાન ૭ પર ચિત્ર]

બાળકો પણ પરમેશ્વરને સારી રીતે ઓળખી શકે છે

[પાન ૭ પર ચિત્ર]

યહોવાહ આપણને દુઃખો સહેવા મદદ કરે છે. નજીકમાં તે બીમારીઓ અને મોતને મિટાવી દેશે