સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહો!

આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહો!

આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહો!

“અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ.”—૧ કોરીંથી ૨:૧૨.

૧. હવા કઈ રીતે છેતરાઈ ગઈ?

 “સર્પે મને ભુલાવી.” (ઉત્પત્તિ ૩:૧૩) હવાએ યહોવાહની આજ્ઞા તોડી ત્યારે, તેણે આ બહાનું કાઢ્યું. ભલે તે અમુક હદે સાચું કહેતી હતી, તોપણ તે કંઈક છુપાવતી હતી. તેણે કરેલા પાપ વિષે વર્ષો બાદ, પ્રેષિત પાઊલે લખ્યું: “સ્ત્રી છેતરાઈને પાપમાં પડી.” (૧ તીમોથી ૨:૧૪) હકીકત આ હતી: હવાને લાગ્યું કે યહોવાહે મના કરેલું ફળ ખાવાથી પોતાને મોટો ફાયદો થશે. એ ખાવાથી પોતે યહોવાહ જેવી બનશે. પરંતુ, હવાને કંઈ ખબર ન હતી કે સાપની પાછળ તો શેતાન બોલતો હતો. ખરેખર, તે છેતરાઈ ગઈ હતી! —ઉત્પત્તિ ૩:૧-૬.

૨. (ક) આજે શેતાન કઈ રીતે લોકોને છેતરે છે? (ખ) “જગતનો આત્મા” શું છે, અને આપણે કયાં પ્રશ્નોના જવાબ મેળવીશું?

આદમ અને હવાને જ નહિ, શેતાન સર્વ લોકોને છેતરે છે. ખરેખર, શેતાન “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) જોકે, તે આજે સાપ દ્વારા લોકોને છેતરતો નથી. પણ તે હજી જૂઠું બોલે છે, જેથી લોકો તેનો અસલી રંગ જુએ નહિ. આજે શેતાન ટીવી, છાપા અને ફિલ્મો દ્વારા લોકોના કાન ભંભેરે છે. તે કહે છે કે આપણને ઈશ્વરની કોઈ જરૂર નથી, તેમની ભક્તિ કરવાનો કોઈ ફાયદો નથી. આખી દુનિયામાં કરોડો લોકો છેતરાઈ રહ્યા છે. અરે, અમુક તો બાઇબલની આજ્ઞાઓ અને સિદ્ધાંતો જાણીજોઈને તોડે છે. બાઇબલ કહે છે કે એવું બંડખોર વલણ, “જગતનો આત્મા” કે ઝેરી હવા છે. (૧ કોરીંથી ૨:૧૨) મોટા ભાગના લોકો યહોવાહને જાણતા નથી. તેથી આ દુનિયાની હવામાં શ્વાસ લઈ લઈને તેઓનો સ્વભાવ અને તેઓની ભક્તિ ઝેરી બનતા જાય છે. કઈ રીતે આવી હવા આપણને અસર કરી શકે? વળી, આપણે કઈ રીતે આ ઝેરી હવાથી દૂર રહી શકીએ? ચાલો આપણે જોઈએ.

લોકો બગડતા જાય છે

૩. શા માટે દુનિયાની ઝેરી હવા વધુને વધુ ફેલાઈ રહી છે?

આજે દુનિયાની ઝેરી હવા બધે જ ફેલાઈ રહી છે. (૨ તીમોથી ૩:૧-૫) તમે પોતે જોયું હશે કે લોકોના સંસ્કાર દિવસે દિવસે બગડતા જાય છે. શા માટે? બાઇબલ સમજાવે છે: ૧૯૧૪માં યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું અને તરત જ ત્યાં લડાઈ ફાટી નીકળી. શેતાન અને તેના સાથીઓ હારી ગયા. ઈસુએ તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. એટલે શેતાન ગુસ્સાથી લાલ-પીળો થયો છે. તે બસ કોઈ પણ હિસાબે લોકોને છેતરીને યહોવાહથી દૂર લઈ જવા માગે છે. (પ્રકટીકરણ ૧૨:૧-૯, ૧૨, ૧૭) કોઈ પણ ચાલાકીથી તે લોકોને ભમાવે છે. અરે, તે યહોવાહના ‘પસંદ કરેલાઓને પણ ભુલાવવા’ માગે છે. (માત્થી ૨૪:૨૪) આપણે યહોવાહના ભક્તો છીએ, એટલે શેતાન ખાસ કરીને આપણી પાછળ પડ્યો છે. તેનો ઇરાદો છે કે આપણી શ્રદ્ધા તોડી નાખે, જેથી આપણે યહોવાહની કૃપા ગુમાવીએ. તેમ જ હંમેશ માટેના સુખી જીવનનું વરદાન પણ ગુમાવીએ.

૪. યહોવાહના ભક્તોને બાઇબલ કેવું લાગે છે? જગતના અમુક લોકોને બાઇબલ કેવું લાગે છે?

આપણે બાઇબલને ખૂબ ચાહીએ છીએ. એ આપણા સરજનહાર વિષે શીખવે છે. બાઇબલ માણસો તરફથી આવ્યું નથી, પણ એ તો ઈશ્વરનો સંદેશો છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩; ૨ તીમોથી ૩:૧૬) શેતાન બાઇબલનો નાશ કરવાની કોશિશ કરે છે. તે લોકોના મનમાં ખોટા વિચારો મૂકે છે. દાખલા તરીકે, બાઇબલના વિરોધમાં એક પુસ્તકમાં લખાયું: ‘બાઇબલ “જરાય પવિત્ર” નથી. વળી, એ “ઈશ્વરનો સંદેશો” નથી. સંતોએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખ્યું નથી. પરંતુ, ગુરુઓએ નામ કમાવા લખ્યું છે.’ જેઓ આવાં જૂઠાણાં માને છે, તેઓ મન ફાવે એવી ભક્તિ કરવા દોડે છે. અરે, અમુક તો સાવ નાસ્તિક બની જાય છે!—નીતિવચનો ૧૪:૧૨.

૫. (ક)ખ્રિસ્તી અને યહુદી ધર્મ વિષે એક લેખકે શું કહ્યું? (ખ) આજે દુનિયાના લોકોના વિચારો કેવા હોય છે અને એના વિષે બાઇબલ શું કહે છે? (હવે પછીના પાન પરનું બૉક્સ જુઓ.)

ઘણા લોકો બાઇબલનો સીધેસીધો વિરોધ કરે છે. જ્યારે કે બીજાઓ ધર્મના નામે ધતિંગ કરીને, બાઇબલનું નામ વગોવે છે. આ કારણે આજે મોટા ભાગના લોકો ધર્મથી કંટાળી ગયા છે. મોટી મોટી સંસ્થાઓમાં ભણેલા-ગણેલા લોકો ધર્મ વિરુદ્ધ બોલે છે. એક લેખકે કહ્યું: ‘આજે લોકો યહુદી અને ખ્રિસ્તી ધર્મ વિષે કંઈ સારું કહેતા નથી. તેઓ કદાચ બસ એટલું કહેશે કે એ ધર્મમાં કંઈક હતું. પરંતુ, લોકો મોટા ભાગે કહે છે કે એ ધર્મો ફક્ત નકામો ઇતિહાસ છે. યહુદી અને ખ્રિસ્તી ધર્મોના લીધે આપણે વિજ્ઞાનમાં અને બીજા ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકતા નથી. પહેલા તો લોકો ધર્મોથી ફક્ત કંટાળી જતા. પણ છેલ્લાં થોડાં વર્ષોથી, લોકો જાહેરમાં એનો વિરોધ અને નિંદા કરે છે.’ ખરેખર, જેઓ ઈશ્વરમાં માનતા જ નથી, તેઓ ધર્મનો વિરોધ કરે છે. આ લોકો ‘મૂર્ખાઈ ભરેલા વિચારો ઉપજાવે છે.’—રોમન ૧:૨૦-૨૨, IBSI.

૬. જાતીય સંબંધો વિષે આજે દુનિયાના વિચારો કેવા છે?

બાઇબલને નકામું ગણીને આજે વધુને વધુ લોકો એના સંસ્કાર અને સિદ્ધાંતોથી દૂર ચાલ્યા જાય છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે એક માણસ બીજા માણસ સાથે અને એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે, તેઓ “કુકર્મ” કરે છે. (રોમનો ૧:૨૬,૨૭, પ્રેમસંદેશ) બાઇબલ એમ પણ કહે છે કે જેઓ વ્યભિચાર કરે છે, કે પરણ્યા પહેલાં જાતીય સંબંધ બાંધે છે તેઓને યહોવાહની નવી દુનિયામાં જીવન મળશે નહિ. (૧ કોરીંથી ૬:૯) પરંતુ પુસ્તકો, છાપાઓ, ટીવી અને સંગીત તો એમ કરવા ઉત્તેજન આપે છે. અમુક લોકો કહે છે કે ‘આવાં કામો તો ઘોર પાપ છે!’ જ્યારે કે બીજા હજારો કહેશે કે ‘તેઓને શું ખબર! તેઓ તો જૂના જમાનામાં જીવે છે.’ આજે લોકો માનવા તૈયાર નથી કે ઈશ્વરના નિયમો પોતાના જ ભલા માટે છે. એના બદલે તેઓ એને નડતર ગણે છે, જે તેઓને મન ફાવે તેમ કરતા રોકે છે.—નીતિવચનો ૧૭:૧૫; યહુદા ૪.

૭. આપણે કેવા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

આ દુનિયા ઈશ્વર સામે લડતી જ રહે છે. આપણે ધ્યાન રાખીએ કે દુનિયાની ગંદકી અને વલણના છાંટા આપણા પર ન ઊડે. આપણે દિલ ખોલી પ્રાર્થના કરવી જોઈએ કે આપણે યહોવાહના સિદ્ધાંતોથી દૂર ચાલ્યા ન જઈએ. વળી, આપણે આવા પ્રશ્નો વિચારીએ: ‘શું હું એવા ટીવી પ્રોગ્રામ જોઉં છું, જે વર્ષો પહેલાં જોતો ન હતો? યહોવાહ ધિક્કારે છે, એવા કામો શું હું ચલાવી લઉં છું? શું હું યહોવાહની ભક્તિમાં પહેલા કરતા ધીમો પડી ગયો છું? શું યહોવાહની ભક્તિ હજુ મારા જીવનમાં પહેલા નંબરે છે?’ (માત્થી ૬:૩૩) આવા પ્રશ્નો પર વિચાર કરીને જરૂરી પગલાં લેવાથી, આપણે ચોક્કસ આ દુનિયાની ગંદકીથી દૂર રહી શકીશું.

યહોવાહથી “દૂર ખેંચાઈ” ન જાવ

૮. અમુક ખ્રિસ્તી કઈ રીતે યહોવાહથી દૂર ચાલ્યા ગયા છે?

પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને કહ્યું: “જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ.” (હેબ્રી ૨:૧) આ કલમ ખરેખર શું કહેવા માગે છે? દાખલા તરીકે, જો સ્ટીમરનો કૅપ્ટન ધ્યાન રાખવાને બદલે સૂતો હોય, તો પવન અને દરિયાનાં મોજાં સ્ટીમરને ગમે એ દિશામાં લઈ જશે. અરે, કદાચ પથ્થરો સાથે અથડાઈને સ્ટીમર ડૂબી પણ જાય! એવી જ રીતે, જો આપણે ધ્યાન ન રાખીએ તો દુનિયાના મોજાં આપણને યહોવાહથી દૂર લઈ જશે. અરે, કદાચ આપણો વિશ્વાસ ભાંગી પણ પડે અને આપણે દુનિયામાં ડૂબીને માર્યા જઈએ! પણ જરા વિચારો કે આવું નુકસાન ઓચિંતું આવી પડતું નથી. કોઈ અચાનક નિર્ણય લેતું નથી કે ‘મારે હવે યહોવાહને ભજવું નથી.’ ના, તેઓ એક પછી એક, નાની નાની બાબતો કરવાનું બંધ કરે છે. ધીમે ધીમે તેઓ યહોવાહથી દૂર ચાલ્યા જાય છે. છેવટે તેઓ કોઈ પાપમાં ફસાઈ જાય છે. જેમ સ્ટીમરનો કૅપ્ટન પથ્થરો સાથે અથડાય પછી જાગે છે, તેમ અમુક ખ્રિસ્તીઓ પાપ કર્યા પછી ભાનમાં આવે છે. પરંતુ, ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય છે.

૯. યહોવાહે સુલેમાનને કયા કયા આશીર્વાદો આપ્યા?

ચાલો આપણે સુલેમાનનો વિચાર કરીએ. યહોવાહે તેમને ઈસ્રાએલ પ્રજાના રાજા બનાવ્યા. સુલેમાને યહોવાહ માટે એક ભવ્ય મંદિર બાંધ્યું. તેમણે યહોવાહની પ્રેરણાથી બાઇબલનાં અમુક પુસ્તકો પણ લખ્યાં. અરે, બે વખત યહોવાહે સુલેમાન સાથે વાત કરી. તેમને પુષ્કળ દોલત અને કીર્તિ આપી. યહોવાહના આશીર્વાદથી સુલેમાનના રાજમાં શાંતિ ફેલાઈ. આ બધા ઉપરાંત યહોવાહે સુલેમાનને ખૂબ ડહાપણ આપ્યું. બાઇબલ કહે છે: “દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યાં. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.” (૧ રાજાઓ ૪:૨૧, ૨૯, ૩૦; ૧૧:૯) આપણને થશે કે સુલેમાન ચોક્કસ જિંદગીભર યહોવાહને વળગી રહ્યા હશે. પણ ના, સુલેમાન યહોવાહથી દૂર ચાલ્યા ગયા અને છેવટે જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરી. પરંતુ, તે કઈ રીતે આવી મોટી ભૂલ કરી બેઠા?

૧૦. સુલેમાને બાઇબલની કઈ આજ્ઞા પાળી નહિ અને પરિણામ શું આવ્યું?

૧૦ સુલેમાન યહોવાહના નિયમોને સારી રીતે જાણતા હતા. તેમને રાજાઓ માટેના નિયમો ખાસ યાદ આવ્યા હશે. યહોવાહનો એક નિયમ આ હતો: “રાજાને ઘણી પત્નીઓ ન હોવી જોઈએ, રખેને તેનું હૃદય પ્રભુ તરફથી ભટકી જાય.” (પુનર્નિયમ ૧૭:૧૪, ૧૭, IBSI) પરંતુ, સુલેમાને જાણીજોઈને આ નિયમ તોડ્યો. તેમણે ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ રાખી. તેમની મોટા ભાગની પત્નીઓ જૂઠા દેવ-દેવીઓને ભજતી હતી. સુલેમાનનું દિલ ધીમે ધીમે યહોવાહના નિયમો ભૂલવા લાગ્યું, અને તેમની ‘સ્ત્રીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું.’ (૧ રાજાઓ ૧૧:૩, ૪) યહોવાહે ચેતવણી આપી હતી, એ સાચી પડી. સુલેમાન ઓચિંતા નહિ, પણ ધીમે ધીમે યહોવાહથી દૂર ચાલ્યા ગયા. તેમની પત્નીઓને ખુશ રાખવા તે ધીરે ધીરે યહોવાહને ભૂલી ગયા. જરા વિચારો, એ જ સુલેમાને પહેલાં લખ્યું હતું કે “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા [યહોવાહના] હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિવચનો ૨૭:૧૧) પરંતુ, સુલેમાને પોતાના લખેલા શબ્દો પાળ્યા નહિ!

દુનિયાની હવા આપણને અસર કરી શકે છે

૧૧. શું દુનિયાના વિચારો ખરેખર આપણને અસર કરી શકે? સમજાવો.

૧૧ સુલેમાનના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ? એ જ કે આપણે કદી એમ ન ધારીએ, કે ‘સત્ય મારા દિલમાં છે. આ દુનિયાની હવા મને અસર કરશે નહિ.’ આવા વિચારો આપણને જ છેતરી શકે છે! જેમ અમુક ખોરાક ખાવાથી આપણે બીમાર પડી શકીએ, તેમ આ દુનિયાની હવા કે વિચારો આપણને અસર કરી શકે છે. ખરેખર, દુનિયાની હવા આપણા વિચારો સાવ બદલાવી શકે છે. એટલે જ દર વર્ષે કંપનીઓ કોઈ પણ ચીજ વેચવા માટે, ટીવી, રેડિયો અને જાહેરખબરો પર પાણીની જેમ લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. તેઓ ગીત-સંગીત અને રંગબેરંગી ચિત્રોથી આપણને લલચાવે છે. આ વેપારીઓને ખબર છે કે ફક્ત એક કે બે જાહેરખબરો જોઈને જ આપણે એ ચીજ ખરીદવાના નથી. એટલે તેઓ દિવસ ને રાત એની એ જ જાહેરાત કરતા રહે છે. તેઓ જાણે છે કે એ રીતે આપણે તેઓની જાળમાં ચોક્કસ ફસાઈ જઈશું. સાચે જ, જાહેરાતો લોકોના વિચારો બદલી શકે છે.

૧૨. (ક) શેતાન કઈ રીતે લોકોના વિચારો બદલે છે? (ખ) શું બતાવે છે કે ખ્રિસ્તીઓ પણ શેતાનની જાળમાં ફસાઈ શકે?

૧૨ જાહેરાતો આપતી કંપનીઓની જેમ, શેતાન પણ જૂઠા વિચારો એવી રીતે રજૂ કરે છે કે આપણને તરત જ પસંદ આવી જાય. તે રાત-દિવસ એની જાહેરાત કરે છે, કેમ કે તે જાણે છે કે અમુક સમય બાદ લોકો જરૂર લલચાશે. ટીવી, ફિલ્મો અને બીજી ટાઈમ પાસ કરતી બાબતોથી શેતાને લોકોને ખૂબ છેતર્યા છે. એટલે જ આજે લોકોને સારું એ ખરાબ અને ખરાબ એ સારું લાગે છે. (યશાયાહ ૫:૨૦) અરે, અમુક ખ્રિસ્તીઓ પણ શેતાનની એ જાળમાં ફસાયા છે. બાઇબલ કહે છે: “પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછળના સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને ભૂતોના શિક્ષણને અનુસરશે. આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી આવે છે. તેઓની પ્રેરકબુદ્ધિ જાણે લોખંડના સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ મરેલી છે.”—૧ તીમોથી ૪:૧, ૨, પ્રેમસંદેશ; યિર્મેયાહ ૬:૧૫.

૧૩. ખરાબ સોબત કોની હોય શકે અને સોબતની આપણા પર કેવી અસર થાય છે?

૧૩ જો આપણે ધ્યાન ન રાખીએ, તો દુનિયાનો ઝેરી પવન અને મોજાં આપણને પણ યહોવાહથી દૂર લઈ જઈ શકે. બાઇબલ સલાહ આપે છે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) ખરાબ સોબત ફક્ત દુનિયાના લોકોમાં જ નહિ, મંડળમાં પણ આવી શકે. જો આપણે માનીએ કે ‘ખરાબ સોબતની મને કંઈ અસર નહિ થાય,’ તો એ પણ સાચું હોય શકે કે સારી સોબતની પણ આપણને કોઈ અસર નહિ થાય. હકીકત એ છે કે જેવો સંગ તેવો રંગ. એટલે જ બાઇબલ કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

૧૪. આપણે કઈ રીતે ખરાબ સોબતથી દૂર રહી શકીએ?

૧૪ તેથી, ખરાબ સોબતના દાગ આપણને ન લાગે, એટલે યહોવાહના સાચા ભક્તો સાથે દોસ્તી બાંધીએ. આપણી શ્રદ્ધા જીવંત રહે એવા વિચારો મનમાં ભરીએ. પ્રેષિત પાઊલે કહ્યું: “ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” (ફિલિપી ૪:૮) આપણે દરેક પસંદ કરીએ કે આપણે શાનો વિચાર કરીશું. ચાલો આપણે ફક્ત યહોવાહના વિચારો પર જ મનન કરીએ જે આપણને મદદ કરી શકે.

યહોવાહ આપણને મદદ કરે છે

૧૫. કોરીંથના લોકોથી ત્યાંના ખ્રિસ્તીઓ કઈ રીતે અલગ પડતા હતા?

૧૫ દુનિયામાં લોકો શેતાનથી છેતરાઈ જાય છે. પરંતુ, સાચા ખ્રિસ્તીઓ છેતરાતા નથી, કેમ કે તેઓને યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિથી માર્ગદર્શન મળે છે. પાઊલે કોરીંથના મંડળને કહ્યું: “અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ; જેથી દેવે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ.” (૧ કોરીંથી ૨:૧૨) પહેલાના જમાનામાં કોરીંથમાં પણ દુનિયાની ઝેરી હવા ખૂણે-ખૂણે ફેલાઈ ગઈ હતી. મોટા ભાગના લોકો વ્યભિચાર અને એવા લાજ-શરમ વિનાનાં કામોમાં જ ડૂબેલા હતા. શેતાને એ શહેરના લોકોનાં મન આંધળાં કરી નાખ્યા હતાં. (૨ કોરીંથી ૪:૪) તેઓ ઈશ્વર વિષે બહુ જાણતા ન હતા. પરંતુ, યહોવાહે પોતાના પવિત્ર આત્માની મદદ આપી અને અમુક કોરીંથીઓ સત્ય શીખી શક્યા. વળી, તેઓએ પસ્તાવો કર્યો અને જીવનમાં મોટા ફેરફારો કરીને યહોવાહના આશીર્વાદો મેળવ્યા. (૧ કોરીંથી ૬:૯-૧૧) ભલે દુનિયાની હવા ઝેરીલી છે, પણ યહોવાહનો આત્મા કે શક્તિ શુદ્ધ હવા જેવા છે, જે લોકોનાં જીવન બચાવી શકે છે.

૧૬. આપણે કઈ રીતે યહોવાહની શક્તિ મેળવી શકીએ?

૧૬ યહોવાહનો પવિત્ર આત્મા ખૂબ શક્તિશાળી છે. આજે પણ જેઓ પૂરી શ્રદ્ધાથી યહોવાહની મદદ માગે છે, તેઓને પુષ્કળ શક્તિ મળે છે. (લુક ૧૧:૧૩) પરંતુ, યહોવાહની શક્તિ મેળવવા એટલું જ પૂરતું નથી કે આપણે દુનિયાની ઝેરી હવાથી દૂર રહીએ. ના, પણ આપણે દરરોજ બાઇબલ વાંચીએ અને એનો બોધ દિલમાં ઉતારીએ. આપણા જીવનમાં ફેરફારો કરીએ, જેથી આપણે યહોવાહની જેમ વિચારીએ અને વર્તીએ. જો આપણે એમ કરીશું તો યહોવાહ ચોક્કસ આપણને શક્તિ આપશે. પછી, શેતાન કોઈ પણ ચાલાકીથી આપણી શ્રદ્ધા તોડી શકશે નહિ.

૧૭. લોતના અનુભવમાંથી આપણે કઈ રીતે દિલાસો મેળવી શકીએ છીએ?

૧૭ ખરું કે આપણે જગતના લોકો જેવા નથી, તોપણ આ જગતમાં જીવીએ છીએ. (યોહાન ૧૭:૧૧, ૧૬) આપણે આ દુનિયાથી સાવ દૂર રહી શકતા નથી. આપણે લોકો સાથે કામ કરીએ છીએ, અથવા તેઓ સાથે રહીએ છીએ. આજે આપણા સંજોગો, લોતના સંજોગો જેવા જ છે. તે સદોમમાં રહેતા હતા અને ત્યાંના પાપી લોકોને જોઈને ખૂબ ‘ત્રાસ પામતા હતા.’ (૨ પીતર ૨:૭, ૮) શું આપણે લોતની જેમ “ત્રાસ” પામીએ છીએ? પરંતુ આપણે હિંમત ન હારીએ. જેમ યહોવાહે લોતને ત્યાંની ઝેરી હવાથી બચાવ્યા, તેમ આપણને પણ બચાવશે. યહોવાહ બધું જુએ છે. તેમને ખબર છે કે આપણા જીવનમાં શું બને છે. વળી, તકલીફો સહન કરવા તે આપણને શક્તિ આપે છે, જેથી આપણો વિશ્વાસ ઠંડો ન પડી જાય. (ગીતશાસ્ત્ર ૩૩:૧૮, ૧૯) તેથી, ચાલો આપણે હંમેશાં યહોવાહની મદદ અને શક્તિ માગીએ. તેમના પર પૂરો ભરોસો રાખીએ. જો આપણે આમ કરીશું, તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીશું. આમ, આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહીશું.—યશાયાહ ૪૧:૧૦.

૧૮. આપણે શા માટે યહોવાહને જિંદગીભર વળગી રહેવું જોઈએ?

૧૮ શેતાનને લીધે આ જગત યહોવાહથી દૂર દૂર ચાલ્યું ગયું છે. પરંતુ, આપણે કેટલા ખુશ છીએ કે આપણી પાસે યહોવાહનું સત્ય છે! સત્યને લીધે આપણે આનંદ અને શાંતિમાં જીવીએ છીએ, જ્યારે કે દુનિયાના લોકો બસ એની કલ્પના જ કરે છે. (યશાયાહ ૫૭:૨૦, ૨૧; ગલાતી ૫:૨૨) આપણી તમન્‍ના છે કે નજીકમાં આપણે યહોવાહની નવી દુનિયામાં રહીશું. ત્યાં દુનિયાની ઝેરી હવા નહિ, પણ ફક્ત યહોવાહના રાજની ચોખ્ખી હવા જ હશે. તેથી, ચાલો આપણે જિંદગીભર યહોવાહને વળગી રહીએ. તેમ જ, સાવધ રહીએ કે દુનિયાના મોજાં આપણને યહોવાહથી દૂર ન ખેંચી જાય. જો આપણે યહોવાહની પાસે જ રહીશું, તો તે ચોક્કસ આપણને દુનિયાની ઝેરી હવાથી બચાવશે.—યાકૂબ ૪:૭, ૮.

શું તમે સમજાવી શકો?

• શેતાન કઈ રીતે લોકોને છેતરે છે?

• યહોવાહથી દૂર ચાલ્યા ન જઈએ એ માટે આપણે શું કરવું જોઈએ?

• શું બતાવી આપે છે કે દુનિયાની હવા આપણને અસર કરી શકે છે?

• આપણે કઈ રીતે યહોવાહની શક્તિ મેળવતા રહી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચાર્ટ]

દુનિયાના વિચારો સામે બાઇબલના વિચારો

લોકો પોતે નક્કી કરે કે સત્ય શું છે.

“[ઈશ્વરનું] વચન સત્ય છે.” —યોહાન ૧૭:૧૭.

તમારું દિલ કહે તેમ કરો.

“હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?”—યિર્મેયાહ ૧૭:૯.

મન ફાવે તેમ કરો.

“પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” —યિર્મેયાહ ૧૦:૨૩.

ધનદોલત હશે તો સુખી થશો.

“દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.”—૧ તીમોથી ૬:૧૦.

[પાન ૧૦ પર ચિત્ર]

સુલેમાન યહોવાહને ભૂલી ગયા અને જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરી

[પાન ૧૨ પર ચિત્ર]

કંપનીઓની જાહેરાતોની જેમ, શેતાન ઝેરી હવા ફેલાવે છે. શું તમે ના પાડો છો?