સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“વિશ્વાસની સારી લડાઈ લડ”

“વિશ્વાસની સારી લડાઈ લડ”

“વિશ્વાસની સારી લડાઈ લડ”

યુદ્ધના સમયે જ કોઈ સૈનિકને કહેવામાં આવે કે “તમે પાછા ઘરે જઈ શકો છો.” ખરેખર, તે સૈનિક રાજી રાજી થઈ જશે!

એક સૈનિકને એવું જ કહેવામાં આવ્યું હતું. એ સૈનિકનું નામ ઉરીયાહ હતું. રાજા દાઊદે તેને પાછા ઘરે જવાનું કહ્યું, પરંતુ તેણે માન્યું નહિ. દાઊદે પાછા નહિ જવાનું કારણ પૂછ્યું તો ઉરીયાહે કહ્યું, “શું હું ખાવાપીવા, તથા મારી સ્ત્રીની સાથે સૂવા મારે ઘેર જાઉં?” તે પાછા જવાનું વિચારી જ ન શક્યા, કેમ કે એ સમયે યુદ્ધ ચાલુ હતું. વળી, સૈનિકો દેવના કરાર કોશનું રક્ષણ કરતા હતા.—૨ શમૂએલ ૧૧:૮-૧૧.

ઉરીયાહની જેમ, આપણે પણ એક યુદ્ધમાં છીએ. આ યુદ્ધ કંઈ બે વિશ્વયુદ્ધો જેવું નથી. આ યુદ્ધમાં બૉંબ અને બંદૂકથી લડાઈ થતી નથી. જોકે, એમાં ઘણું જોખમ રહેલું છે. આપણા દુશ્મનો ખૂબ જ શક્તિશાળી છે. તેથી, જીત મેળવવા આપણે પણ શક્તિશાળી સૈનિક બનવાની જરૂર છે.

જોકે કોઈ પણ હથિયાર ઉઠાવતા પહેલાં, આપણે એ જાણવું જોઈએ કે આ યુદ્ધનું કારણ શું છે. તેમ જ શું આપણે એમાં ભાગ લેવા તૈયાર છીએ? પ્રેષિત પાઊલે તીમોથીને આ યુદ્ધનું કારણ સમજાવ્યું: “વિશ્વાસની સારી લડાઈ લડ.” હા, આ યુદ્ધમાં કંઈ કિલ્લાઓ જીતવાના નથી. પરંતુ, બાઇબલ પ્રમાણે આપણે “વિશ્વાસ” કે સત્યની રક્ષા કરવાનું છે. જોકે આપણે આ લડાઈ સારી રીતે લડવા અને જીતવા ‘વિશ્વાસમાં’ પૂરો ભરોસો રાખવાની જરૂર છે. —૧ તીમોથી ૬:૧૨.

આ લડાઈમાં આપણો શક્તિશાળી દુશ્મન શેતાન છે. તે ખૂબ અનુભવી છે. વળી, તેની પાસે અનેક હથિયારો છે. તે દુષ્ટ, કપટી અને હિંસક છે. (૧ પીતર ૫:૮) શેતાનની સામે દુનિયાનાં હથિયારો કે કોઈ પણ ચાલાકી કામ નહિ આવે. (૨ કોરીંથી ૧૦:૪) તો પછી, આ લડાઈ લડવા આપણે શું કરી શકીએ?

આપણું પહેલું હથિયાર, “આત્માની તરવાર, જે દેવનું વચન છે.” (એફેસી ૬:૧૭) પ્રેષિત પાઊલે કહ્યું: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, એને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (હેબ્રી ૪:૧૧, ૧૨) ઈશ્વરનાં વચનો, ઊંડામાં ઊંડા વિચારોને પણ બહાર લાવે છે. તેથી, આપણે આ હથિયાર ખૂબ કાળજીથી વાપરવું જોઈએ!

આપણે જાણીએ છીએ કે એક સૈનિક પાસે ભલે ગમે તેટલા હથિયાર હોય, પરંતુ, જો તે એને બરાબર વાપરી ન શકે, તો એ નકામું છે. એટલે આપણે જાણવું જોઈએ કે આ તરવાર, એટલે કે બાઇબલ કઈ રીતે વાપરવું જોઈએ. એ શીખવવા આપણી પાસે શિક્ષક છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ શિક્ષક, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” છે. ઈસુએ તેઓને આ ખાસ જવાબદારી આપી છે. (માત્થી ૨૪:૪૫) તેઓ રાત-દિવસ મહેનત કરીને આપણને બાઇબલમાંથી શેતાનની ચાલાકીઓ વિષે શીખવે છે. તેમ જ, આપણને ચેતવણી પણ આપે છે. તેઓની મહેનત બતાવે છે કે યહોવાહ તેઓને સાથ આપે છે. હા, આ વિશ્વાસુઓ ખરેખર યહોવાહના અભિષિક્ત ખ્રિસ્તીઓ અથવા પસંદ કરેલા ભક્તો છે.—પ્રકટીકરણ ૧૪:૧.

આ ચાકર વર્ગ ફક્ત શીખવવાનું કામ કરતા નથી. પરંતુ, તેઓએ પ્રેષિત પાઊલ જેવો ઉત્સાહ બતાવ્યો છે: “જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા; વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા.” (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮) આ જ બાબત આજે આપણને પણ લાગુ પડે છે.

બખ્તર પહેરી લો

આપણા રક્ષણ માટે બખ્તર આપવામાં આવ્યું છે. પરંતુ, આ બખ્તર છે શું? પ્રેષિત પાઊલ એના વિષે એફેસી ૬:૧૩-૧૮માં જણાવે છે. જો પૂરું બખ્તર કે પૂરતા હથિયારો નહિ હોય, તો સૈનિક કઈ રીતે લડવા જઈ શકે? એ જ રીતે સત્યના સૈનિકો પણ તેઓનું બખ્તર અને હથિયારોની સારી સંભાળ રાખશે.

આપણે બખ્તરના દરેક હથિયારની ખાસ કરીને ઢાલની જરૂર છે. તેથી, પાઊલે લખ્યું: “સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો.”—એફેસી ૬:૧૬.

ઢાલ આખા શરીરનું રક્ષણ કરે છે. સત્યની લડાઈમાં વિશ્વાસ આપણી ઢાલ છે. તેથી, આપણે દૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણે કોઈ પણ શંકા વગર યહોવાહનાં બધા વચનો પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ. જેમ કે, આપણે મનમાં જરાય શંકા લાવવી ન જોઈએ કે શેતાનની દુનિયાનો નાશ થશે કે કેમ? આ પૃથ્વી સુંદર બાગ જેવી બનશે કે કેમ? આવી શંકાઓ કરવાના બદલે જો ઈશ્વરને વફાદાર રહીશું, તો ચોક્કસ આપણે એ વચનો પૂરા થતા જોવાનો આશીર્વાદ મેળવીશું.—યશાયાહ ૩૩:૨૪; ૩૫:૧, ૨; પ્રકટીકરણ ૧૯:૧૭-૨૧.

વળી, આ વિશ્વાસની લડાઈ લડવા, આપણને મિત્રોની જરૂર છે. ગમે તેવી હાલતમાં પણ મિત્રો એકબીજાને ઉત્તેજન આપે. અરે, યુદ્ધમાં ઘણી વખતે તો આવા જિગરી દોસ્ત એકબીજાને મોતના મોંમાંથી પણ બચાવી લે છે. એ જ રીતે, આપણે પણ આ લડાઈ જીતવા ખાસ કરીને યહોવાહની મિત્રતાની જરૂર છે. એટલા માટે પાઊલે હથિયારની યાદી સાથે સાથે એમ પણ જણાવ્યું: “આત્મામાં સર્વ પ્રકારે તથા હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.”—એફેસી ૬:૧૮.

આપણે આપણા જિગરી દોસ્ત કે ખાસ બેનપણી સાથે વાતો કરતા ધરાતા જ નથી! એ જ રીતે, યહોવાહ સાથે પ્રાર્થનામાં વાતો કરતા રહેવાથી, તે આપણા ખાસ મિત્ર બને છે. યાકૂબ ઉત્તેજન આપે છે: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

દુશ્મનની ચાલાકીઓ

આ દુનિયા સાથે લડવું જાણે સુરંગો પાથરેલી જમીન પર ચાલવા જેવું છે. આપણો દુશ્મન તો મોં ફાડીને જ બેઠો છે. આપણે વિચાર્યું પણ ન હોય એવા જ સમયે તે અચાનક હુમલો કરે છે. વળી, તે ગમે ત્યાંથી હુમલો કરે છે. પરંતુ, યહોવાહ આપણી સાથે છે. તે આપણું રક્ષણ કરે છે. આથી, આપણે ડરવું જોઈએ નહિ.—૧ કોરીંથી ૧૦:૧૩.

શેતાન કઈ રીતે હુમલો કરી શકે? સૌ પ્રથમ તે આપણા વિશ્વાસ પર હુમલો કરશે. આપણે શીખેલા બાઇબલ સત્યને જૂઠા પાડવા તે બનતા બધા જ પ્રયત્ન કરશે. વળી, જૂઠાણું ફેલાવનારાઓ મીઠું-મરચું ભભરાવીને જાત-જાતની વાતો કહેશે. તેઓ આપણું ભલું ઇચ્છતા નથી. નીતિવચનો ૧૧:૯ જણાવે છે: “અધર્મી માણસ પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ વિદ્યાથી સદાચારીનો બચાવ થશે.”

ઘણા ભાઈબહેનોને એવું લાગી શકે કે અધર્મી લોકોને ખુલ્લા પાડવા તેઓ વિષે વધુ જાણવું જોઈએ. તેઓએ લખેલાં પુસ્તકો વાંચવા જોઈએ. પરંતુ એ તદ્દન ખોટું છે. તેઓની ખોટી ખોટી વાતો ઝેરની જેમ ફેલાઈને આપણો વિશ્વાસ કોરી ખાય શકે છે. (૨ તીમોથી ૨:૧૬, ૧૭) એના બદલે, આપણે તેઓ પ્રત્યે યહોવાહ જેવું વલણ બતાવવું જોઈએ. અયૂબે યહોવાહ વિષે કહ્યું: “અધર્મી માણસથી તેની આગળ આવી શકાય નહિ.”—અયૂબ ૧૩:૧૬.

વળી, શેતાન ચાલાકીથી જાતીય લાલચો આપણી આગળ મૂકે છે. યુદ્ધના સમયે સૈનિકોને આવી લાલચો ફસાવી શકે, જેનાથી ઘણું નુકસાન થઈ શકે.

આજે ગંદી ફિલ્મો કે ટીવી કાર્યક્રમો જોવા કે એવું સંગીત સાંભળવાનો લોકોને શોખ હોય છે. અરે, ઘણા લોકો દાવો કરશે કે એમાં શું ખોટું છે? તેઓ વિચારી શકે: ‘એની મને કોઈ અસર નહિ થાય.’ પરંતુ એ કેટલું ભૂલ-ભરેલું છે! એક ભાઈ આવી ફિલ્મો બહુ જોતા હતા. તે કહે છે: ‘ફિલ્મ જોયા પછી તમારા મનમાંથી એ ચિત્રો ભૂલવા ખૂબ જ અઘરા છે. એવી ફિલ્મો મને પાપને માર્ગે દોરી જતી. અરે મને તો બસ એમ જ થતું કે ફિલ્મ જે બતાવે છે એ જ રીતે જીવવાથી ખુશી મળે છે.’ પરંતુ, શું આપણે આવી જાળમાં ફસાવું જોઈએ?

શેતાન બીજી રીતે પણ આપણને ફસાવી શકે છે. તે આપણને ધન-દોલતની લાલચ આપે છે. જોકે, પૈસાની દરેકને જરૂર છે. આપણને રોટી, કપડાં અને મકાનની જરૂર છે. વળી, સુખ-સગવડની વસ્તુઓ કંઈ ખોટી નથી. પરંતુ, પૈસા પાછળની આંધળી દોટ આપણને ફાંદામાં ફસાવી શકે છે. જો પૈસો જ આપણું જીવન હશે, તો પરમેશ્વરની સેવા બાજુએ રહી જશે. તેથી, એ ખૂબ જરૂરી છે કે પૈસો તો આજે છે ને કાલે નથી, પણ પરમેશ્વરના આશીર્વાદો હંમેશાં માટે છે.—માત્થી ૬:૧૯, ૨૦.

વળી, જો સૈનિક હિંમત હારી જાય તો એ યુદ્ધ જીતી શકશે નહિ. બાઇબલ જણાવે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” (નીતિવચનો ૨૪:૧૦) શેતાન ઇચ્છે છે કે આપણે હિંમત હારી જઈએ. પરંતુ, હિંમત રાખવા માટે આપણે ‘તારણની આશાનો ટોપ પહેરવાની’ જરૂર છે. (૧ થેસ્સાલોનીકી ૫:૮) આપણી આશા મજબૂત કરવા ઈબ્રાહીમના જેવો વિશ્વાસ રાખવો જોઈએ. તે પોતાના એકના એક દીકરા ઈસ્હાકનું બલિદાન આપતા અચકાયા નહિ. તેમને ખાતરી હતી કે યહોવાહ ઈસ્હાકને સજીવન કરશે. વળી, તેમને પૂરો વિશ્વાસ હતો કે યહોવાહ તેમના વંશ દ્વારા બધી પ્રજાઓને ભરપૂર આશીર્વાદ આપશે.—હેબ્રી ૧૧:૧૭-૧૯.

લડતા રહો

જો સૈનિકો વર્ષોથી લડતા હોય, તો તેઓ થાકી જઈ શકે. આજે અનેક જગ્યાઓએ આપણા ભાઈ-બહેનો ભૂખ, ઠંડી અને બીજાં ઘણાં દુઃખો વર્ષોથી સહન કરી રહ્યા છે. તેઓ ઉરીયાહના દાખલામાંથી ઉત્તેજન મેળવી શકે. લડાઈ વખતે ઉરીયાહે મોજ-શોખ કે એશ-આરામનું જીવન જીવવાના સપના જોયા નહિ. તેથી, આપણે પણ હમણાં મોજ-શોખમાં રહેવાના સપના ન જોઈએ. આપણે આખા જગતના યહોવાહના બીજા સૈનિકો એટલે કે ભક્તો સાથે મળીને શેતાન સામે લડીએ. જો આપણે એમ કરીશું, તો આપણે જીત મેળવીશું અને યહોવાહના આશીર્વાદ મેળવીશું.—હેબ્રી ૧૦:૩૨-૩૪.

વળી, આપણે એમ પણ ન વિચારવું જોઈએ કે આ જગતનો અંત આવવાની બહુ વાર છે. રાજા દાઊદે એમ વિચાર્યું હતું, એના લીધે તે પોતાના સૈનિકો સાથે ન ગયા. તેમના આવા ખોટા નિર્ણયના લીધે તે ગંભીર પાપ કરી બેઠા, જેના લીધે તેમણે આખું જીવન દુઃખ ભોગવવું પડ્યું.—૨ શમૂએલ ૧૨:૧૦-૧૪.

આત્મિક યુદ્ધમાં ભાગ લેવા આપણે જોખમોનો સામનો કરવો પડશે. લોકોની મશ્કરી સહેવી પડશે. તેમ જ દુનિયાનો મોજ-શોખ છોડી દેવો પડશે. પરંતુ, શા માટે? અમુક અનુભવી સેવકો કહે છે કે ઉપર ઉપરથી ચમકતી આ દુનિયા આપણને લલચાવે છે. પણ હકીકતમાં તો એ સાવ ખોખલી છે. (ફિલિપી ૩:૮) દુનિયાના મોજ-શોખ પાછળ પડવાથી આપણા પર દુઃખો જ આવે છે.

વિશ્વાસની આ લડાઈમાં દરેક ખ્રિસ્તી પાસે વફાદાર મિત્રો, મનની શાંતિ અને ખરી આશા છે. અભિષિક્ત ભાઈ-બહેનો ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવાની રાહ જોઈ રહ્યા છે. (૧ કોરીંથી ૧૫:૫૪) જ્યારે કે મોટા ભાગના ખ્રિસ્તીઓ આ પૃથ્વી સુંદર બાગ જેવી બનશે, એના પર કાયમ માટેના જીવનની રાહ જોઈ રહ્યા છે. ખરેખર, આ ઇનામો તો બીજા કોઈ પણ ઇનામો કરતાં વધારે કિંમતી છે. પરંતુ, એ મેળવવા આપણે યહોવાહને વળગી રહેવાની જરૂર છે. (હેબ્રી ૧૧:૧) બહુ જલદી જ શેતાનનો પરાજય થશે, અને તેનો ચોક્કસ વિનાશ થશે.—૨ પીતર ૩:૧૦.

તમે આ યુદ્ધ લડતા જાવ તેમ, ઈસુના આ શબ્દો યાદ રાખો: “હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.” (યોહાન ૧૬:૩૩) ઈસુએ હંમેશાં સમજી વિચારીને પગલા લીધા. તેમના જીવનની આકરી કસોટી થઈ છતાં પણ તે યહોવાહને વફાદાર રહ્યા. આપણે પણ ચોક્કસ તેમને પગલે ચાલી શકીએ.

[પાન ૨૭ પર બ્લર્બ]

આ લડાઈ બૉંબ અને બંદૂકોથી લડાતી નથી

[પાન ૩૦ પર બ્લર્બ]

આપણે વિશ્વાસુ રહીશું તો આ લડાઈ ચોક્કસ જીતીશું

[પાન ૨૬ પર ચિત્ર]

તારણનો ટોપ આપણને હિંમત આપશે

[પાન ૨૬ પર ચિત્ર]

શેતાનના બળતા ભાલાથી બચવા વિશ્વાસની ઢાલ વાપરો

[પાન ૨૮ પર ચિત્ર]

“તમે દેવની પાસે જાવ એટલે તે તમારી પાસે આવશે”

[પાન ૨૯ પર ચિત્ર]

પરમેશ્વરનાં વચનો પૂરાં થશે જ, એવો ભરોસો રાખો