સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રચાર કરવાનો ઉમંગ

પ્રચાર કરવાનો ઉમંગ

પ્રચાર કરવાનો ઉમંગ

“સૂર્ય પ્રકાશી રહ્યો છે. પહાડોની તો કોઈ સીમા નથી. ઘણી મુશ્કેલીઓ પડી, છતાં અમે અમારી મંઝિલે, એક દૂરના ગામમાં પહોંચી ગયા. પહેલા જ ઘરે અમારું સરસ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અમારો બધો જ થાક ઉતરી ગયો. એ દિવસે અમે લાવેલું બધું જ સાહિત્ય પ્રચારમાં આપી દીધું. વળી, અમે ઘણા બાઇબલ અભ્યાસો પણ શરૂ કરી શક્યા. લોકોને હજુ વધારે જાણવું હતું. પણ હવે અમારે ઘરે પાછા જવાનો સમય થઈ ગયો હતો. પરંતુ, અમે તેઓને વચન આપ્યું કે અમે ચોક્કસ પાછા આવીશું.”

મૅક્સિકોમાં એક પાયોનિયર ગ્રૂપને ઘણી વખત આવા અનુભવો થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તે આપેલી આજ્ઞાને પૂરા ઉમંગથી પાળી રહ્યા છે: “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) મૅક્સિકોમાં, પ્રચાર માટે મંડળને દૂર દૂરના વિસ્તાર આપવામાં આવ્યા નથી. તેથી ત્યાંના લોકોને નિયમિત રીતે બાઇબલનું સત્ય જણાવવું ઘણું જ અઘરું છે. જો કે, આવા સ્થળો દૂર હોવાથી, ત્યાં પહોંચવું પણ ઘણું જ મુશ્કેલ બને છે. તેથી, મંડળ તેઓ માટે ખાસ પ્રચારની ગોઠવણ કરે છે, જેને પાયોનિયર રૂટ કહેવામાં આવે છે. તેમ જ, છૂટાછવાયાં મંડળોને પણ તેઓ પ્રચાર માટે મદદ કરે છે.

આ પાયોનિયર ભાઈબહેનો કયા વિસ્તારમાં પ્રચાર માટે જશે એ યહોવાહના સાક્ષીઓની શાખા કચેરી નક્કી કરે છે. * એક વાર નક્કી કર્યા પછી, ખાસ પાયોનિયરોના ગ્રૂપોને ત્યાં મોકલવામાં આવે છે. તેઓને ખરબચડા રસ્તાઓ માટે સારાં વાહનો પણ આપવામાં આવે છે. આ વાહનોમાં તેઓ સાહિત્ય રાખે છે, તેમ જ જરૂર પડે તો સૂવા માટેની જગ્યા પણ હોય છે.

પ્રચાર માટે તૈયાર

ઑક્ટોબર ૧૯૯૬થી, બીજા ભાઈબહેનોને પણ આ ખાસ પાયોનિયરો સાથે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું. પ્રકાશકો તેમ જ નિયમિત પાયોનિયર, જ્યાં જરૂર હતી ત્યાં પ્રચાર કરવા તૈયાર થઈ ગયા. કેટલાકને તો એ જ એરીયાના મંડળોમાં મોકલવામાં આવ્યા, જેથી તેઓ ત્યાંના લોકો સાથે બાઇબલમાંથી વધુ અભ્યાસ કરી શકે. ઘણા યુવાન પ્રકાશકો અને પાયોનિયરો આ ખાસ પ્રચાર કામ માટે તૈયાર થઈ ગયા. તેઓને ઘણા સરસ અનુભવો થયા.

દાખલા તરીકે, અબીમાલ એક મોબાઇલ ફોનની કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો. તેણે આ ખાસ પ્રચારમાં જવાનું નક્કી કર્યું. તેના માલિકને ખબર પડી કે તે નોકરી છોડી દેવાનો છે ત્યારે, તેઓએ તેને પ્રમોશન અને પગાર વધારી આપવાની ઑફર કરી. તેની સાથે કામ કરનારાઓએ પણ તેના પર ઘણું જ દબાણ કર્યું કે, તને ખૂબ સરસ તક મળી છે, મૂર્ખામી કરીને એને ગુમાવીશ નહિ. તેમ છતાં, અબીમાલે તો આ ત્રણ મહિનાના ખાસ પ્રચારમાં જવા મનમાં ગાંઠ વાળી હતી. આ રીતે પ્રચાર કરવાથી તેને ખૂબ જ મજા આવી. એટલું જ નહિ પણ અબીમાલે એ મંડળમાં લાંબા સમય સુધી રહીને વધારે પ્રચાર કરવાનું નક્કી કર્યું. હવે તેની પાસે ઓછા પગારની નોકરી છે, પણ તેણે એકદમ સાદુ જીવન જીવવાનું શીખી લીધું છે.

બીજા એક બહેન, કુલિસાનો વિચાર કરો. તે જ્યાં પ્રચાર કરે છે એ વિસ્તાર સુધી પહોંચવા તેણે બસમાં, ૨૨ કલાકની મુસાફરી કરવી પડે છે. એક દિવસે તે છેલ્લી બસ પણ ચૂકી ગઈ. એવામાં તેણે મજૂરોને લઈ જતી એક ગાડી જોઈ. કુલિસાએ હિંમત કરીને પૂછ્યું કે તેઓ તેને લીફ્ટ આપશે. જો કે તેને ડર લાગતો હતો કારણ કે બધા પુરુષો વચ્ચે તે એકલી જ સ્ત્રી હતી. પરંતુ, હિંમતથી કુલિસાએ એક વ્યક્તિને પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ખબર પડી કે, તે એક યહોવાહનો સાક્ષી છે! કુલિસા કહે છે, “આ ભાઈ ઉપરાંત, ગાડી ચલાવનાર ભાઈ પણ હું જે મંડળમાં જવાની હતી ત્યાંના વડીલ હતા!”

મોટી ઉંમરનાં ભાઈબહેનો પ્રચારમાં

આ કાર્ય ફક્ત યુવાનો માટે જ નથી. એથેલા નામના એક વૃદ્ધ બહેન, હંમેશા વધુ ને વધુ પ્રચાર કરવા માંગતા હતા. આ ખાસ પ્રચારમાં ભાગ લઈને તેમને જાણે એક તક મળી ગઈ. તે કહે છે: “મને એ એરીયામાં કામ કરવાની ઘણી જ મઝા આવી. તેથી, મેં એ મંડળના વડીલોને વિનંતી કરી કે મને ત્યાં લાંબા સમય સુધી રહેવા દે. હું ઘણી જ ખુશ છું કારણ કે ઉંમર થઈ ગઈ હોવા છતાં, યહોવાહ હજુ પણ મારો ઉપયોગ કરે છે.”

એવી જ રીતે, ૬૦ વર્ષની મારથાએ પણ યહોવાહ અને પડોશી માટે પ્રેમ હોવાથી આ ખાસ પ્રચારમાં ભાગ લેવાનું નક્કી કર્યું. જો કે આ પ્રચારનો એરીયા ઘણો જ દૂર હતો અને ત્યાં સુધી પહોંચવા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હતી. તેથી તેમણે આ પાયોનિયરો માટે એક કાર ખરીદી. એનાથી તેઓ દૂરના વિસ્તારમાં પણ પ્રચાર કરી શક્યા અને વધારેને વધારે લોકોને બાઇબલનું સત્ય શીખવી શક્યા.

બાઇબલ શીખવા માટે તૈયાર લોકો

જેઓએ આ ખાસ પ્રચારમાં ભાગ લીધો તેઓનો ધ્યેય ‘શિષ્ય બનાવવાનો’ હતો. એમ કરવાથી તેઓ ઘણા છૂટાછવાયા રહેતા લોકોને બાઇબલમાંથી સત્ય શીખવી શક્યા. (માત્થી ૨૮:૧૯, ૨૦) વળી, ઘણા બાઇબલ અભ્યાસો શરૂ થયા. નજીકના મંડળના પ્રકાશકો અથવા ત્યાં જ રહેતા પાયોનિયરોએ એ અભ્યાસો ચાલુ રાખ્યા. વળી અમુકે તો, પ્રકાશકોના ગ્રૂપો બનાવ્યા અને બીજાઓએ નાનાં મંડળો પણ શરૂ કર્યાં.

માગ્દાલેનો અને તેના સાથીઓ, પ્રચાર માટે દૂર દૂર સુધી પહોંચવા બસ કે ટ્રકનો ઉપયોગ કરતા હતા. એક વખત રસ્તામાં, તેઓએ ડ્રાયવરને પ્રચાર કર્યો. “એ ડ્રાયવરે તેઓને કહ્યું કે, એક અઠવાડિયા પહેલા યહોવાહના સાક્ષીઓ તેના ઘરે આવ્યા હતા. જો કે તે ઘરે તો ન હતો, પણ તે પાછો આવ્યો ત્યારે તેના કુટુંબે એ વિષે તેને વાત કરી. એ ડ્રાયવરને અમે કહ્યું કે, આ ખાસ પ્રચાર માટે અમે ફક્ત નજીકથી જ નહિ, પરંતુ ઘણા દેશોમાંથી આવ્યા છે. વળી, આ બધા માટે જે ખર્ચ થાય છે એ પણ અમે પોતે જ ઉપાડીએ છીએ. આ સાંભળીને ડ્રાયવરને નવાઈ લાગી. તેણે કહ્યું કે, તે પણ તેના કુટુંબ સાથે આ જ અઠવાડિયાથી બાઇબલ અભ્યાસ શરૂ કરવા માંગે છે. વળી, તેણે અમારી પાસે ભાડું પણ ન લીધું.”

ચિઆપાસ પહાડોના લોકો બાઇબલ વિષે વધુ જાણવા માંગે છે એ જોઈને માગ્દાલેનોને ઘણી જ નવાઈ લાગી. તે કહે છે, “હું અને મારી પત્ની, પ્રેસ્બીટેરીયન ચર્ચમાંથી આવેલા ૨૬ યુવાનોને બાઇબલનો સંદેશો જણાવી શક્યા. તેઓએ લગભગ ૩૦ મિનિટ સુધી અમારું ધ્યાનથી સાંભળ્યું. તેઓએ પોતાનું બાઇબલ કાઢ્યું અને અમે તેઓને યહોવાહના હેતુઓ વિષે જણાવી શક્યા. મોટા ભાગના લોકો પાસે સેલટેલ ભાષામાં બાઇબલ હતાં.” આવી રીતે અમે ઘણા બાઇબલ અભ્યાસો શરૂ કરી શક્યા.

વિરોધ ઓછો થયો

ચિઆપાસમાં પહેલાં અમુક લોકો ઘણો જ વિરોધ કરતા હતા. એના લીધે ત્યાંના અમુક ભાગોમાં લગભગ બે કરતાં વધારે વર્ષોથી પ્રચાર થયો ન હતો. પરંતુ, પૂરા સમયની પાયોનિયર ટેરેસાએ જોયું કે કેટલાક પ્રકાશકો એ ગામમાં પ્રચાર કરતા ગભરાય છે ત્યારે તેણે હિંમત કરી. તે કહે છે, “અમે વિચાર પણ કર્યો ન હતો કે લોકો અમારું આટલું સારી રીતે સાંભળશે. એક વખત તો અમે પ્રચાર કરી રહ્યા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે વરસાદમાં ભીંજાઈ ન જઈએ તેથી કોઈકનું ઘર શોધતા હતા. એવામાં જ સભાસ્ટીયન નામના એક ભલા માણસે અમને પોતાના ઘરમાં બોલાવ્યા. ઘરમાં ગયા પછી, મેં તેમને પૂછ્યું કે યહોવાહના સાક્ષીઓએ કદી તેમની મુલાકાત લીધી હતી કે કેમ. તેમણે કહ્યું ના, કદી નહિ. ત્યારે, મેં તેમને સંદેશો જણાવ્યો અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * એ પુસ્તકમાંથી તેમની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂરો થયો ત્યારે, સભાસ્ટીયનની આંખમાં આંસુ આવી ગયાં અને તે અમને વિનંતી કરવા લાગ્યા કે અમે તેમના અભ્યાસ માટે પાછા આવીએ.”

ચિઆપાસમાં પ્રચાર કરનાર પાયોનિયરનું બીજું એક ગ્રૂપ કહે છે: “યહોવાહની મદદથી અમે ઘણું સરસ કામ કરી શક્યા છીએ. પહેલા જ અઠવાડિયામાં અમે ૨૭ અભ્યાસો શરૂ કર્યા. બીજા અઠવાડિયે અમે લોકોને ધ બાઇબલ—ઈટ્‌સ પાવર ઈન યૉર લાઇફ એ વિડીયો કૅસેટ જોવા બોલાવ્યા. સાઈઠ લોકો આવ્યા હતા. દરેકને એ જોવાની મઝા પડી ગઈ. છેલ્લે, અમે તેઓને ગ્રૂપમાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઑફર કરી. હવે એ ગામમાં બે ગ્રુપ બાઇબલ અભ્યાસો શરૂ થયા છે.

“એ ગામમાં પ્રચાર કામ પૂરું કર્યા પછી, અમે પાછા ત્યાં ગયા. જેથી, અમે જે લોકો બાઇબલ શીખી રહ્યા છે તેઓને ઉત્તેજન આપી શકીએ અને બાઇબલ અભ્યાસ ગ્રુપોમાં જરૂર હોય તો વધારે મદદ કરી શકીએ. અમે તેઓને જાહેર પ્રવચન અને ચોકીબુરજ અભ્યાસ માટે મિટિંગોમાં આવવા પણ જણાવ્યું. જો કે, મિટિંગો રાખી શકાય એટલી મોટી જગ્યા ક્યાંય ન હતી. પણ જે વ્યક્તિના ઘરમાં બાઇબલ અભ્યાસ થતો હતો, તેમણે જ પોતાના ઘરનો વાડો બતાવીને કહ્યું કે, ‘વાડામાં મિટિંગો રાખી શકાય.’”

એ શનિ-રવિ પાયોનિયરો અને બાઇબલ અભ્યાસ કરતા લોકોએ હોંશે હોંશે વાડાને સાફસૂફ કરીને મિટિંગ માટે તૈયાર કર્યો. પહેલી જ મિટિંગમાં ૧૦૩ વ્યક્તિઓ આવ્યા હતા. હવે એ જ ગામમાં ૪૦ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવી રહ્યા છે.

“અદ્‍ભુત અનુભવ”

આ ખાસ પ્રચાર કામમાં લોકોને તો ફાયદો થયો જ, સાથે સાથે આ પાયોનિયરોને પણ ઘણો જ લાભ થયો. એક યુવાન પાયોનિયર મારીયા પોતાનો અનુભવ કહે છે: “બે કારણોસર મને પ્રચાર કામમાં ખૂબ મજા આવી. એક તો, પ્રચાર કરવાથી મને ખૂબ આનંદ મળ્યો અને બીજું કે, યહોવાહ સાથેનો મારો સંબંધ પણ વધારે ગાઢ બન્યો. એક વાર અમે પહાડ પર ચઢી રહ્યા હતા અને અમે ખૂબ જ થાકી ગયા હતા. અમે યહોવાહને પ્રાર્થના કરી અને પછી, જેમ યશાયાહ ૪૦:૨૯-૩૧ કહે છે એવું જ અમને લાગ્યું: ‘યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે.’ તેથી અમે અમારી મંઝિલે પહોંચ્યા પછી, જેઓએ અમારું સાંભળ્યું તેઓ સાથે અમે બાઇબલ અભ્યાસ કર્યો.”

સત્તર વર્ષની બીજી એક પાયોનિયર ક્લાઉદિયા અમને કહે છે: “મને ઘણો જ ફાયદો થયો છે. હું વધારે સારી રીતે પ્રચાર કરવાનું શીખી છું. એનાથી હું ખૂબ ખુશ છું. તેમ જ યહોવાહની સેવામાં હજુ વધારે કંઈક કરવા માટે ઉત્તેજન પણ મળ્યું છે. યહોવાહ સાથે મારો સંબંધ હજુ વધારે દૃઢ બન્યો છે. વળી ઘરે, મારી મમ્મી મારા માટે બધું જ કરતી હતી. પરંતુ, હવે હું જાતે જ બધું કરતા શીખી છું. દાખલા તરીકે, પહેલાં હું ભાવતો ખોરાક જ ખાતી હતી. પરંતુ, હવે હું જે મળે એ ખાતા શીખી ગઈ છું. તેમ જ, આ રીતે કામ કરવાથી હું સારા મિત્રો પણ બનાવી શકી છું. હવે અમે અમારી બધી વસ્તુઓ એકબીજા સાથે વહેંચીને વાપરીએ છીએ.”

મહેનતનું ફળ

આ ભાઈબહેનોએ આટલી બધી મહેનત કરી, એનું તેઓને શું ફળ મળ્યું? વર્ષ ૨૦૦૨ની શરૂઆતમાં ૨૮,૩૦૦ પાયોનિયરે આ ખાસ પ્રચારમાં ભાગ લીધો હતો. તેઓએ ૧,૪૦,૦૦૦ કરતાં પણ વધારે બાઇબલ અભ્યાસો શરૂ કર્યા. તેમ જ ૨૦ લાખથી વધારે કલાકો પ્રચાર માટે ફાળવ્યા. લોકોને બાઇબલનું સત્ય શીખવવા માટે, તેઓએ ૧,૨૧,૦૦૦ પુસ્તકો અને લગભગ ૭,૩૦,૦૦૦ સામયિકો આપ્યાં હતાં. વળી, કેટલાક પાયોનિયરો તો સહેલાઈથી, ૨૦ કરતાં વધારે બાઇબલ અભ્યાસો ચલાવતા હતા.

આ લોકોને બાઇબલનો સંદેશો મળ્યો તેથી તેઓ ઘણા જ ખુશ હતા. તેઓ ગરીબ હોવા છતાં, પ્રદાનો પણ આપ્યાં. એક ૭૦ વર્ષની ગરીબ સ્ત્રીની જ્યારે પણ પાયોનિયરો મુલાકાત લેતા ત્યારે, તે હંમેશા કંઈક આપતી. તેઓ જો લેવાની ના પાડે તો તે રડવા લાગતી. બીજું એક ગરીબ કુટુંબ પાયોનિયરોને કહે છે કે, મારી મરઘીએ તો ખાસ તમારા માટે જ ઈંડાં મૂક્યાં છે. એટલે તમે એ લઈ જ જાવ.

સૌથી મહત્ત્વનું તો, આ નમ્ર લોકો મિટિંગોની ખૂબ જ કદર કરે છે. દાખલા તરીકે, એક યુવાન સ્ત્રી મિટિંગમાં જવા માટે એકલી જ સાડા ત્રણ કલાક ચાલે છે. તે એક પણ મિટિંગ ચૂકતી નથી. એ જ રીતે, એક વૃદ્ધ બહેનને ઘૂંટણનું દરદ હોવા છતાં, પ્રવાસી નિરીક્ષકની મુલાકાત વખતે મિટિંગોમાં આવવા બે કલાકની મુસાફરી કરે છે. વળી, ઘણા અભણ લોકો વાંચવા લખવાનું શીખવા માંગતા હતા, જેથી તેઓ બાઇબલનું શિક્ષણ વધારે સમજી શકે. તેઓના આ પ્રયત્નોને ભરપૂર આશીર્વાદો મળ્યા છે.

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં, લુક પ્રેષિત પાઊલે જોયેલા દર્શનનું વર્ણન કરે છે: “મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું, કે મકદોનિયા આવીને અમને સહાય કર.” પાઊલ એમ કરવા તરત જ રાજી થઈ ગયા. આજે, મૅક્સિકોમાં દૂર દૂર સુધી, ઘણા લોકો એવો જ ઉમંગ બતાવી રહ્યા છે અને “પૃથ્વીના છેડા સુધી” પ્રચાર કરવા તૈયાર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૧૬:૯, ૧૦.

[ફુટનોટ્‌સ]

^ થોડાક વખત પહેલાં, મૅક્સિકોમાં યહોવાહના સાક્ષીઓ લગભગ ૮ ટકા વિસ્તારમાં પ્રચાર કરી શક્યા ન હતા. એનો અર્થ એમ થયો કે ૮૨,૦૦,૦૦૦ કરતાં વધારે લોકો છૂટાછવાયા વિસ્તારમાં રહે છે, જ્યાં પ્રચાર થયો નથી.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૯ પર ચિત્ર]

મૅક્સિકોના ઘણા યહોવાહના સાક્ષીઓએ ખાસ પ્રચાર કામમાં ભાગ લીધો હતો