સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રેફ્યૂજી તરીકે જીવન

રેફ્યૂજી તરીકે જીવન

રેફ્યૂજી તરીકે જીવન

“રેફ્યૂજી” સાંભળતા જ તમારા મનમાં કયો વિચાર આવે છે? શું તમે કદી જોયું છે કે રેફ્યૂજી લોકો કઈ રીતે રહે છે? ખરેખર તેઓ રહે છે એ જગ્યા કેવી હોય છે?

એપ્રિલ ૨૦૦૨માં, ટાન્ઝાનિયાના પશ્ચિમ ભાગમાં ૧૩ અલગ અલગ વિસ્તારો રેફ્યૂજી લોકો માટે રાખવામાં આવ્યા હતા. આફ્રિકાના બીજા દેશોમાંથી યુદ્ધના કારણે લગભગ ૫,૦૦,૦૦૦ લોકો, બિચારા ઘરબાર વિનાના થઈ ગયા. એ લોકોને ટાન્ઝાનિયાની સરકારે આશ્રો આપીને મદદ કરી હતી. ટાન્ઝાનિયાની સરકારને યુનાઈટેડ નેશન્સ હાય કમિશનર ઑફ રેફ્યૂજીસએ (યુએનએચસીઆર) સાથ આપ્યો હતો. પરંતુ, રેફ્યૂજી લોકો કઈ હાલતમાં જીવે છે?

આશ્રય લેવા જાય છે

કાન્ડીડા નામની છોકરી થોડા વર્ષ પહેલાં પોતાના કુટુંબ સાથે રેફ્યૂજી તરીકે આશ્રય લેવા ગઈ હતી. એ સમયે શું બન્યું એ કાન્ડીડા સમજાવે છે: “તેઓએ અમને અમારા નંબર સાથે રેશન કાર્ડ આપ્યું, અને અમારા કુટુંબને ન્યારુગુસુ નામની રેફ્યુજીમાં રહેવા માટે મોકલ્યા હતા. ત્યાં અમને રહેવાનું સરનામું મળ્યું કે જ્યાં ફક્ત ખાલી જમીન જ હતી. અમે ત્યાં અમારું ઘર બનાવી શકીએ માટે ક્યાંથી ઝાડ કાપી શકીએ અને ઘાસ એકઠું કરી શકીએ એ બતાવવામાં આવ્યું. અમે માટીની ઈંટો બનાવી. તેઓએ અમને છત બનાવવા માટે પ્લાસ્ટિકની ચાદર આપી. ઘર બનાવવું એ કંઈક રમતની વાત ન હતી. છેવટે, અમારું ઘર તૈયાર થયું ત્યારે અમે રાજીના રેડ થઈ ગયા.”

અમે દર બે અઠવાડિયામાં એક બુધવારે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકતા હતા. કાન્ડીડા કહે છે, “યુએનએનાં રેફ્યુજી વિભાગના લોકો જે ખોરાક આપતા હતા એ લેવા માટે અમે લાઇનમાં ઊભા રહેતા.”

એક વ્યક્તિને દરરોજ ખાવા માટે શું મળતું?

“અમને દરેક જણને ત્રણ કપ મકાઈનો લોટ, એક કપ વટાણા, ૨૦ ગ્રામ સોયાબીનનો લોટ, બે ચમચા રાંધવાનું તેલ અને એક ચમચી મીઠું મળતું. અમુક સમયે અમને એક આખા મહિના માટે ફક્ત એક જ સાબુનો ગોટો આપતા.”

પીવાના પાણી વિષે શું? શું એ મળતું હતું? રીઝિકી નામની એક સ્ત્રી કહે છે: “હા, એક નદીમાંથી પાણીને પાઈપથી મોટી ટાંકીમાં એકઠું કરવામાં આવતું. એ પાણીમાં ક્લોરીન નાખવામાં આવતું હતું. પછી એને દરેક છાવણીમાં મોકલવામાં આવતું હતુ. પરંતુ, અમે બીમાર ન પડીએ માટે પાણીને ઉકાળીને પીતા. ઘણી વાર પાણી ભરવામાં અને કપડાં ઘોવામાં અમારો આખો દિવસ પસાર થઈ જતો. અમે દિવસની દોઢ ડોલ જ પાણી લઈ શકતા.”

જો તમે છાવણીમાં આમતેમ લટાર મારો તો, તમને દરેક ઉંમરના બાળકો માટે સ્કૂલો જોવા મળશે. ત્યાં મોટી ઉંમરના લોકો પણ ભણતા હોય છે. રેફ્યૂજી લોકો રહે એના છેડે જ પોલીસ સ્ટેશન અને સરકારી ઑફિસો છે કે જેથી ત્યાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. તમે છાવણીમાં ઘણી નાની નાની દુકાનોનું બજાર પણ જોઈ શકો કે જ્યાંથી રેફ્યૂજી લોકો શાકભાજી, ફળ અને બીજો ખોરાક મેળવી શકે. ઘણા લોકો આ બજારમાં ધંધો કરવા આવે છે. પરંતુ, રેફ્યૂજી લોકો ખરીદી કરવા ક્યાંથી પૈસા મેળવી શકે? કેટલાક લોકો શાકભાજી વાવીને એને બજારમાં વેચે છે. બીજા પોતે રેશન કાર્ડથી મેળવેલા લોટ અને વટાણાને વેચીને મનગમતો ખોરાક ખરીદે છે. રેફ્યૂજી લોકોની રહેવાની જગ્યા કોઈ મોટા ગામ જેવી લાગે છે. ત્યાં લોકોને હસી મજાક કરતા પણ જોવા મળે છે.

જો તમે હૉસ્પિટલમાં જાવ તો, ડૉક્ટર તમને સમજાવશે કે છાવણીમાં પણ દવાદારૂનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેથી લોકોની સારવાર કરી શકાય. પરંતુ જો કોઈની તબિયત વધારે પડતી બગડે તો, તેઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે. લગભગ ૪૮,૦૦૦ રેફ્યૂજી લોકો રહે છે ત્યાં, દર મહિને લગભગ ૨૫૦ બાળકોનો જન્મ થાય છે. તેથી હૉસ્પિટલમાં તેઓ માટે ખાસ સગવડો છે.

યહોવાહના સેવકો વિષે શું?

આખા જગતના, યહોવાહના સાક્ષીઓ વિચારતા હશે કે ટાન્ઝાનિયાની છાવણીમાં કોઈ યહોવાહના સાક્ષીઓ છે? આખી છાવણીમાં લગભગ ૧,૨૦૦ યહોવાહના સાક્ષીઓ છે. ત્યાં તેઓ માટે ૧૪ મંડળ અને ૩ ગ્રૂપ રાખવામાં આવ્યા છે. તેઓ કેવી પ્રગતિ કરે છે?

આપણા સાક્ષી ભાઈબહેનોએ આવતાની સાથે જ સભાઓ માટે હૉલ બાંધી શકે એ માટે જમીન મેળવવાની વિનંતી કરી. એનાથી બીજા રેફ્યૂજીઓ જાણી શકે કે ત્યાં યહોવાહના સાક્ષીઓની દર અઠવાડિયાની સભાઓ થાય છે. લુગુફૂ છાવણીમાં સાત મંડળો અને ૬૫૯ યહોવાહના સાક્ષીઓ છે. સાત મંડળોમાં, રવિવારે લગભગ ૧,૭૦૦ લોકો સભામાં આવે છે.

છાવણીઓમાં રહેતા યહોવાહના સાક્ષીઓ સંમેલન અને મહાસંમેલનો પણ યોજે છે. લુગુફૂ છાવણીમાં સૌ પ્રથમ મહાસંમેલન રાખવામાં આવ્યું ત્યારે, ૨,૩૬૩ લોકોએ હાજરી આપી. સાક્ષીઓએ સંમેલન હૉલની બહાર જ બાપ્તિસ્મા માટેનો પૂલ બાંધ્યો હતો. તેઓએ મોટો ખાડો ખોદીને હોજ બનાવ્યો હતો. વળી પાણી રહે એ માટે બધે પ્લાસ્ટિક રાખ્યું હતું. બે કિલોમીટર દૂર આવેલી નદીમાંથી ભાઈઓ સાયકલ ચલાવીને પાણી લાવતા હતા. તેઓ એક ટ્રીપમાં ૨૦ લીટર પાણી લાવતા હતા. એનો અર્થ એમ થયો કે તેઓએ ઘણી ટ્રીપ કરવી પડતી હતી. બાપ્તિસ્મા લેનારાઓ યોગ્ય કપડાં પહેરીને બાપ્તિસ્મા માટે લાઇનમાં ઊભા હતા. આ ૫૬ ભાઈબહેનોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું. સંમેલનમાં ઇન્ટર્વ્યૂં લેવામાં આવેલા એક પાયોનિયર સેવકે બતાવ્યું કે તે ૪૦ વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ કરતા હતા. તેમાંથી એ સંમેલનમાં તેમના ચાર વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું.

યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચે પ્રવાસી નિરીક્ષકોની નિયમિત મુલાકાતની ગોઠવણ કરી. એક નિરીક્ષકે કહ્યું, “આપણા ભાઈઓ પ્રચારકાર્યમાં ઘણા ઉત્સાહી છે. તેઓ પાસે પ્રચારનો મોટો વિસ્તાર છે. એક મંડળમાં દરેક સાક્ષીઓ દર મહિને લગભગ ૩૪ કલાક પ્રચાર કામ કરે છે. ઘણા સાક્ષીઓ લગભગ પાંચ વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ ચલાવે છે. એક પાયોનિયરે કહ્યું કે બીજી કોઈ પણ જગ્યા કરતા આ જ સૌથી વધારે સારો પ્રચાર વિસ્તાર છે. રેફ્યૂજીના લોકોને આપણા સાહિત્યો વાંચવા ખૂબ ગમે છે.”

પરંતુ, રેફયૂજી લોકો રહે છે ત્યાં આપણા સાહિત્યો કઈ રીતે પહોંચે છે? ટ્રૅન દ્વારા, બ્રાન્ચ ટાંગાનિકા સરોવરના કિનારે આવેલા કીગોમા ગામમાં સાહિત્યો મોકલાવે છે. ભાઈઓ ત્યાંથી સાહિત્ય મેળવીને મંડળોમાં મોકલવાની ગોઠવણ કરે છે. ઘણી વાર તેઓ એક ટ્રક ભાડે રાખીને સર્વ છાવણીઓમાં સાહિત્ય પહોંચાડે છે. ખરબચડા રસ્તા પરથી સાહિત્ય પહોંચાડતા લગભગ ત્રણથી ચાર દિવસ લાગે છે.

રોટી કપડાંની મદદ

ફ્રાંસ, બેલ્જિયમ અને સ્વિટ્‌ઝર્લૅન્ડમાં રહેતા યહોવાહના સાક્ષીઓએ આ રેફ્યૂજી ભાઈ-બહેનોને ખાસ મદદ કરી છે. કેટલાકે યુએનએના વિભાગની પરવાનગી લઈને ટાન્ઝાનિયાની કેટલીક છાવણીઓની મુલાકાત લીધી છે. યુરોપના સાક્ષીઓએ ઢગલા બંધ કપડાં, બૂટ-ચંપલ, સ્કૂલની બુકો, સાબુ, સોયાબીનનું દૂધ, એ બધુ ભેગું કરીને રેફ્યૂજીઓને આપ્યું. શા માટે આપણા સાક્ષી ભાઈઓએ આ રીતે મદદ કરી? બાઇબલ ગલાતી ૬:૧૦માં જણાવે છે, “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.”

આવી મહેનતનાં ફળ મીઠાં છે, એનાથી ઘણા રેફ્યૂજીઓને મદદ મળી છે. એક છાવણીની રેફ્યુજી કમિટિએ આભાર માનતાં કહ્યું: “તમે એક કે બે નહિ પણ ત્રણ વાર મદદ કરી એ માટે અમારા સમાજ તરફથી તમારો ધણો આભાર. . . . વળી, ૧૨,૬૫૪ લોકોની જરૂરિયાત તમે પૂરી પાડી છે. . . . મુયોવોઝી રેફ્યૂજી છાવણીમાં ૩૭,૦૦૦ લોકો છે. તેમ છતાં, ૧૨,૬૫૪ લોકોને મદદ કરવામાં આવી.”

બીજી એક છાવણીમાં ૧૨,૩૮૨ રેફ્યૂજીઓને ત્રણ જોડી કપડાં આપવામાં આવ્યા. બીજી છાવણીમાં પ્રાથમિક, માધ્યમિક અને બાલવાળી માટે હજારો શાળાના પુસ્તકો મોકલવામાં આવ્યા. એક વિસ્તારના યુએનના અધિકારીએ જણાવ્યું: “રેફ્યૂજી લોકોની જરૂરિયાતો પૂરી કરવા તમે જે પ્રદાન આપ્યું છે એની ઘણી કદર કરીએ છીએ. અમે તાજેતરમાં સ્કૂલના ઘણા બધા પુસ્તકો મેળવ્યા છે કે જે અમારા સમાજ સેવકોએ રેફ્યૂજીઓને આપ્યા છે. . . . તમારો ઘણો આભાર.”

છાપામાં પણ રેફ્યૂજીઓને આપવામાં આવેલી મદદ વિષે ટીકા આપી. મે ૨૦, ૨૦૦૧ના સન્ડે ન્યૂઝ છાપાનું મુખ્ય મથાળું હતું, “ટાન્ઝાનિયાના રેફયૂજીઓ માટે કપડાં.” ફેબ્રુઆરી ૧૦, ૨૦૦૨ના છાપામાં ટીકા આપવામાં આવી: “રેફ્યૂજીઓ પ્રદાનની કદર કરે છે કારણ કે પૂરતા કપડાં ન હોવાના કારણે બાળકો સ્કૂલે ન જતા, હવે તેઓને કપડા મળ્યા છે અને તેઓ નિયમિત ક્લાસમાં જાય છે.”

દુઃખી છતાં દુ:ખમાં ડુબેલા નહિ

મોટા ભાગના રેફ્યૂજીઓને છાવણીના જીવન પ્રમાણે ટેવાતા લગભગ વર્ષ લાગી જાય છે. તેઓનું જીવન એકદમ સાદુ હોય છે. છાવણીમાં રહેતા યહોવાહના સાક્ષીઓના મોટા ભાગનો સમય તેઓ સાથે રહેતા રેફ્યૂજીઓને બાઇબલમાંથી સારા સમાચાર જણાવવામાં પસાર કરે છે. તેઓ નવી દુનિયા વિષે જણાવે છે કે જ્યાં સર્વ લોકો “પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.” ત્યારે સર્વ “પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.” હા, યહોવાહના આશીર્વાદથી આ દુનિયામાં કોઈ રેફ્યૂજી હશે જ નહિ.—મીખાહ ૪:૩, ૪; ગીતશાસ્ત્ર ૪૬:૯.

[પાન ૮ પર ચિત્ર]

નડૂટા છાવણીમાં બનાવેલા ઘરો

[પાન ૧૦ પર ચિત્ર]

લુકોલેમાં રાજ્યગૃહ (જમણે) લુફુગો ગામમાં બાપ્તિસ્મા (નીચે)

[પાન ૧૦ પર ચિત્ર]

લુફુગો છાવણીમાં મહાસંમેલન