સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોનાં ધોરણો પર વિશ્વાસ મૂકી શકો?

તમે કોનાં ધોરણો પર વિશ્વાસ મૂકી શકો?

તમે કોનાં ધોરણો પર વિશ્વાસ મૂકી શકો?

એક વ્યક્તિ જે પહેલી વાર આફ્રિકાની મુલાકાતે ગઈ હતી તેને રસ્તા પર એક માણસને એકદમ સીધો ઊભેલો જોઈને આશ્ચર્ય થયું. તેણે નોંધ્યું કે એ માણસ થોડી થોડી વારે થોડું ખસતો હતો અને પાછો સીધો ઊભો રહી જતો હતો. પછીથી તેને સમજાયું કે એ માણસ શા માટે એમ કરી રહ્યો હતો. હકીકતમાં, તે માણસ ટેલિગ્રાફના થાંભલાના છાંયડામાં રહેવાનું ઇચ્છતો હતો જે છાંયડો સૂર્યની સાથે ધીરે ધીરે આગળ વધતો હતો.

સૂર્યના પ્રકાશને કારણે જેમ છાંયડો પોતાની દિશા બદલતો હોય છે તેમ, મનુષ્યનો વ્યવહાર અને ધોરણો પણ હંમેશા બદલાતા રહે છે. એની સરખામણીમાં, યહોવાહ પરમેશ્વર, ‘પ્રકાશોના પિતાનાં’ વચનો ક્યારેય બદલાતાં નથી. શિષ્ય યાકૂબે લખ્યું, “તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.” (યાકૂબ ૧:૧૭; IBSI.) હેબ્રી પ્રબોધક માલાખીએ પરમેશ્વરના પોતાના શબ્દો આ રીતે લખીને જાહેર કર્યા: “હું યહોવાહ અવિકારી છું.” (માલાખી ૩:૬) યશાયાહના દિવસોમાં ઈસ્રાએલ પ્રજાને પરમેશ્વરે કહ્યું: “તમારા જીવનપર્યંત; હા, ઉંમરને કારણે તમારા માથાના વાળ સફેદ થાય ત્યાં સુધી હું તમારો ઇશ્વર થઈશ. મેં તમને ઉત્પન્‍ન કર્યાં છે.” (યશાયાહ ૪૬:૪; IBSI.) તેથી, સમય ઘણો પસાર થઈ ગયો હોવા છતાં, સર્વશક્તિમાન પરમેશ્વરનાં વચનો પરથી આપણો વિશ્વાસ ઓછો થઈ જતો નથી.

મુસાના નિયમમાંથી બોધપાઠ

યહોવાહનાં વચનો ભરોસાપાત્ર છે તેમ જ ખરાં-ખોટાં વિષે તેમનાં ધોરણો બદલાતાં નથી. શું તમે એવા વેપારી પર ભરોસો રાખશો જેની પાસે બે જાતનાં કાટલાં હોય અને એમાંથી એક જ ખરાં હોય? ચોક્કસ તમે ભરોસો નહિ રાખો. એવી જ રીતે, “ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે; પણ અદલ કાટલાંથી તે રાજી થાય છે.” (નીતિવચન ૧૧:૧; ૨૦:૧૦) યહોવાહે, ઈસ્રાએલીઓને આપેલા નિયમોમાં આ આજ્ઞા આપી હતી: “તમે ઈનસાફ કરવામાં, લંબાઇના માપમાં, વજનના માપમાં, કે કોઇ પણ માપમાં, દગો ન કરો. તમારી પાસે અદલ ત્રાજવાં, અદલ કાટલાં, અદલ એફાહ, તથા અદલ હિન હોય; તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવાહ તમારો દેવ છું.”—લેવીય ૧૯:૩૫, ૩૬.

એ આજ્ઞાઓ પાળવાથી ઈસ્રાએલીઓને પરમેશ્વરનો આશીર્વાદ મળ્યો તેમ જ ભૌતિક રીતે પણ તેઓને લાભ થયો હતો. એવી જ રીતે, ફક્ત વજન અને માપની વાતમાં જ નહિ પરંતુ દરેક બાબતમાં યહોવાહના ભક્તો તેમના નિયમો પાળશે તો તેઓને આશીર્વાદ મળશે. પરમેશ્વરે કહ્યું: “યહોવાહ, ઈસ્રાએલનો પવિત્ર દેવ એવું કહે છે, કે હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

આજે ધોરણો શા માટે નીચાં જઈ રહ્યાં છે?

આજે ધોરણો શા માટે નીચાં જઈ રહ્યાં છે એનું કારણ બાઇબલ જણાવે છે. બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ બતાવે છે કે સ્વર્ગમાં લડાઈ થઈ હતી જેની અસર આજે પણ લોકો પર થઈ રહી છે. પ્રેષિત યોહાને લખ્યું: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”—પ્રકટીકરણ ૧૨:૭-૯.

આ લડાઈની તાત્કાલિક કેવી અસર પડી? એના વિષે યોહાન આગળ જણાવે છે: “એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટીકરણ ૧૨:૧૨.

વર્ષ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ‘પૃથ્વી માટે એ અફસોસનો’ સમય સાબિત થયો. ત્યારથી એ યુગનાં ધોરણોનો અંત આવી ગયો જે આજનાં ધોરણોથી એકદમ અલગ છે. ઇતિહાસકાર બાર્બરા ટકમને અવલોક્યું: “૧૯૧૪-૧૮નું મહાયુદ્ધ એ ઉજ્જડ પૃથ્વી જેવું છે જે યુદ્ધ પહેલાંના અને આપણા સમયને અલગ કરે છે. આ યુદ્ધે એવા લોકોને મારી નાખ્યા જેઓ આવનાર વર્ષોમાં ઘણા ઉપયોગી સાબિત થઈ શકતા હતા. તેમ જ એણે ધાર્મિક વિશ્વાસનો અંત લાવી દીધો, વિચારો બદલી નાખ્યા અને નિરાશાના એવાં જખમો ઊભા કર્યાં જે ક્યારેય ભરાવાના ન હતા. ખરેખર યુદ્ધે બંને પેઢી વચ્ચે શારીરિક અને માનસિક રીતે એક મોટું અંતર ઊભું કર્યું છે.” બીજા ઇતિહાસકાર ઈરીચ હૉસબૉન પણ આ વાત સાથે સહમત છે: “વર્ષ ૧૯૧૪થી વિકસિત દેશોમાં જે ધોરણો સ્વીકાર્ય ન હતાં એ હવે સ્વીકારાવા લાગ્યા . . . એ વાત સમજવી અઘરી છે કે ૧૯મી સદીમાં આપણા પૂર્વજો જે ધોરણોને ધિક્કારતા હતા એને આજે લોકો ઝડપથી સ્વીકારી રહ્યા છે.”

જોનાથાન ગ્લોવરે પોતાના પુસ્તક માનવતા—વીસમી સદીનો નૈતિક ઇતિહાસમાં (અંગ્રેજી) લખ્યું: “આપણી સદીમાં એક વિશિષ્ટ બાબત એ છે કે નૈતિક નિયમો જેવું કંઈ રહ્યું નથી.” પશ્ચિમી દેશોમાં ધર્મોની પડતી થઈ હોવાથી હવે આ નૈતિક નિયમો હોવા જોઈએ કે નહિ એ વિષે ઇતિહાસકાર મૂંઝવણમાં છે, છતાં તે કહે છે: “આપણે ભલેને કોઈ ધર્મમાં માનતા ન હોઈએ છતાં, ધર્મના સંસ્કારો હવે રહ્યા નથી એની આપણને ચિંતા થવી જોઈએ.”

આજે વેપારી ક્ષેત્રે, રાજકારણમાં, ધાર્મિક રિવાજોમાં અને વ્યક્તિગત કે કૌટુંબિક સંબંધોમાં લોકો એકબીજાનો વિશ્વાસઘાત કરે છે. એનાથી પૃથ્વીના રહેવાસીઓ પર વિનાશકારી પરિણામો આવ્યાં છે અને એ માટે પૃથ્વી પર અફસોસ લાવનાર દુષ્ટ શેતાન જવાબદાર છે. પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જેઓ જીવવાનો પૂરો પ્રયત્ન કરે છે, તેઓ વિરુદ્ધ શેતાન અંત સુધી લડવા અને પોતાની સાથે તેઓને નાશ તરફ લઈ જવા ઉતાવળો બન્યો છે.—પ્રકટીકરણ ૧૨:૧૭.

વિશ્વાસઘાત ન થાય એ માટે શું કોઈ ઉપાય છે? પ્રેષિત પીતર જવાબ આપે છે: “તો પણ આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) આપણે પરમેશ્વરના આ વચન પર પૂરો ભરોસો મૂકી શકીએ કેમ કે પરમેશ્વર પાસે પોતાનો હેતુ સિદ્ધ કરવાની શક્તિ છે, એટલું જ નહિ, તેમણે આપણને તેમનાં વચનો પરિપૂર્ણ કરવાની ખાતરી આપી છે. યહોવાહના ‘મુખમાંથી નીકળેલાં વચન’ વિષે તે જાહેર કરે છે: “મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.” ખરેખર, કેવાં ભરોસાપાત્ર વચનો!—યશાયાહ ૫૫:૧૧; પ્રકટીકરણ ૨૧:૪, ૫.

પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું

આજે જગતનાં ધોરણો બદલાતાં રહે છે અને એની પડતી થઈ રહી છે ત્યારે, યહોવાહના સાક્ષીઓ વર્તણૂક વિષે બાઇબલમાં આપવામાં આવેલાં ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેથી, તેઓ મોટાભાગના લોકો કરતાં અલગ દેખાઈ આવે છે અને એ કારણે અવારનવાર બીજાઓ તેઓની મજાક ઉડાવતા હોય છે તેમ જ વખાણ પણ કરતા હોય છે.

લંડનમાં યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનમાં એક પ્રવક્તાને ટીવી રીપોર્ટરે પૂછ્યું કે શું યહોવાહના સાક્ષીઓ ખરેખર ખ્રિસ્તીઓ છે. તેમણે કહ્યું: “હા, ખરેખર છે, કેમ કે અમે ઈસુને અનુસરીએ છીએ. આજે જગતમાં લોકો ઘણા સ્વાર્થી થઈ ગયા છે. પરંતુ અમે ઈસુ ખ્રિસ્તના માર્ગે ચાલીએ છીએ, કેમ કે તે જ માર્ગ, સત્ય તથા જીવન છે. અમે માનીએ છીએ કે તે પરમેશ્વરના પુત્ર છે, ત્રૈક્યનો કોઈ ભાગ નથી. તેથી બાઇબલની અમારી સમજણ બીજા જાણીતા ધર્મો કરતાં એકદમ જુદી છે.”

આ ઇન્ટર્વ્યૂં બીબીસી ટેલિવિઝન પર બતાવવામાં આવ્યું ત્યારે, રીપોર્ટરે આમ કહી કાર્યક્રમ સમાપ્ત કર્યો: “શા માટે યહોવાહના સાક્ષીઓ આપણા ઘરે આવે છે એ વિષે મને વધારે શીખવા મળ્યું છે. મેં આ પહેલાં ક્યારેય એક સાથે ૨૫,૦૦૦ લોકોને એક જ જગ્યાએ હળીમળીને રહેતા અને સારાં પોશાકમાં જોયા નથી.” ખરેખર, સારી વર્તણૂક જગતના લોકોને પુરાવો આપે છે કે પરમેશ્વરનાં ધોરણો કે નિયમો કદી બદલાતા નથી!

કદાચ બની શકે કે અમુક લોકો જે ધોરણો પોતે બનાવ્યા ન હોય એ પ્રમાણે જીવવાની આનાકાની કરે, પરંતુ અમે તમને બાઇબલમાં આપવામાં આવેલા પરમેશ્વરનાં ધોરણો તપાસવાનું અને શીખવાનું ઉત્તેજન આપીએ છીએ. પરંતુ ફક્ત ઉપરછલ્લી રીતે અભ્યાસ કરીને સંતોષ માની ન લેશો. પ્રેષિત પાઊલે જે ચેતવણી આપી એને ધ્યાન આપો: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) તમારા વિસ્તારના રાજ્યગૃહની મુલાકાત લો અને ત્યાંના યહોવાહના સાક્ષીઓ સાથે પરિચય કેળવો. તમને જોવા મળશે કે તેઓ પણ સામાન્ય લોકો છે જેઓ બાઇબલમાં પૂરો વિશ્વાસ મૂકે છે અને પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીને પોતાના વિશ્વાસની સાબિતી આપે છે.

પરમેશ્વરના કદી ન બદલાતાં અને વિશ્વાસયોગ્ય ધોરણોને તમારા જીવનમાં લાગુ પાડવાથી તમે ચોક્કસ આશીર્વાદ મેળવશો. પરમેશ્વરના આ આમંત્રણને ધ્યાન આપો: “જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૮.

[પાન ૫ પર ચિત્રો]

આજે વેપાર-ધંધામાં, રાજકારણ, ધર્મ અને કૌટુંબિક સંબંધોમાં લોકો એકબીજાનો વિશ્વાસઘાત કરે છે