સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પરમેશ્વરનું રાજ્ય

યહોવાહ પરમેશ્વરનું રાજ્ય

યહોવાહ પરમેશ્વરનું રાજ્ય

“તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.

૧. પરમેશ્વરનું રાજ્ય શું કરશે?

 ઈસુએ પોતાના શિષ્યોને યહોવાહ પરમેશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરતા શીખવ્યું. તે જાણતા હતા કે એ રાજ્ય પરમેશ્વરથી સ્વતંત્ર, હજારો વર્ષોથી રાજ કરી રહેલી માનવ સરકારોનો અંત લાવશે. કેમ કે એ સમયે મોટા ભાગે પરમેશ્વરની ઇચ્છા પૂરી થતી ન હતી. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦) પરંતુ, હવે સ્વર્ગમાં રાજ્ય સ્થપાયા પછી, પરમેશ્વરની ઇચ્છા સર્વ જગ્યાએ પૂરી થવી જોઈએ. તેથી, મનુષ્યોના શાસનને બદલે પરમેશ્વરનું સ્વર્ગીય રાજ્ય આવે, એ મહાન ફેરફારનો સમય ખૂબ જ નજીક છે.

૨. પરમેશ્વરનું શાસન આવતા પહેલા કયા ફેરફારો જોવા મળશે?

એ ફેરફારની શરૂઆત વિષે ઈસુ કહે છે: “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૨૧) બાઇબલ જણાવતું નથી કે એ સમય કેટલો લાંબો હશે. પરંતુ, એ સમયે જે બનશે, એ જગતમાં કદી બન્યું નહિ હોય. મોટી વિપત્તિની શરૂઆતમાં, સર્વ જૂઠા ધર્મોનો અંત આવશે, જેનાથી પૃથ્વીના લોકો આઘાત પામશે. પરંતુ, યહોવાહના ભક્તો આઘાત પામશે નહિ, કેમ કે તેઓ તો લાંબા સમયથી એની રાહ જોતા હતા. (પ્રકટીકરણ ૧૭:૧, ૧૫-૧૭; ૧૮:૧-૨૪) પરમેશ્વરનું રાજ્ય આર્માગેદ્દોનમાં શેતાનના જગતનો વિનાશ કરશે ત્યારે, મોટી વિપત્તિનો અંત આવશે.—દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

૩. પરમેશ્વરના વિરોધીઓનું ભાવિ કેવું હશે?

પરંતુ, પરમેશ્વરને ઓળખતા નથી અને સ્વર્ગના રાજ્યની સુવાર્તા માનતા નથી, એવા લોકોનું શું થશે? (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) બાઇબલ ભવિષ્યવાણી આપણને કહે છે: “જુઓ, વિપત્તિ દેશદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે. તે દિવસે યહોવાહથી હણાએલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે; તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.”—યિર્મેયાહ ૨૫:૩૨, ૩૩.

દુષ્ટતાનો અંત

૪. શા માટે યહોવાહ પરમેશ્વર દુષ્ટતાનો અંત લાવે એ યોગ્ય છે?

હજારો વર્ષોથી યહોવાહ પરમેશ્વર દુષ્ટતા સહન કરી રહ્યા છે. તેમ જ, નમ્ર હૃદયના લોકોએ લાંબા સમયથી મનુષ્યોના રાજમાં નિષ્ફળતા જોઈ છે. દાખલા તરીકે, એક અહેવાલ અનુસાર ફક્ત વીસમી સદીમાં જ, ૧૫ કરોડ કરતાં વધારે લોકો યુદ્ધ, બંડ અને અંદરોઅંદર થતી લડાઈઓમાં માર્યા ગયા. માણસની બેહદ ક્રૂરતા ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધમાં જોવા મળી, જેમાં લગભગ પાંચ કરોડ લોકો માર્યા ગયા. એમાંના ઘણાને નાઝી જુલમી છાવણીઓમાં નિર્દય રીતે મારી નાખવામાં આવ્યા. બાઇબલે ભાખ્યું એમ જ આપણા સમયમાં ‘દુષ્ટ માણસો વિશેષ દુરાચાર કરે છે.’ (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) આજે અનૈતિકતા, ગુનાઓ, હિંસા અને ભ્રષ્ટાચાર વધતા જ જાય છે અને પરમેશ્વરના નીતિ-નિયમો પાળવાનું કોઈને ગમતું નથી. તેથી, યહોવાહ પરમેશ્વર આ જગતની દુષ્ટતાનો નાશ કરે એ યોગ્ય જ છે.

૫, ૬. પ્રાચીન કનાનની દુષ્ટતાનું વર્ણન કરો.

લગભગ ૩,૫૦૦ વર્ષ અગાઉ કનાન દેશની સ્થિતિ આજના જેવી જ હતી. બાઇબલ કહે છે: “જે સર્વ અમંગળ કર્મો પર યહોવાહનો ધિક્કાર છે, તે તેઓએ તેમનાં દેવદેવીઓની સેવામાં કર્યાં છે; કેમકે તેઓનાં દીકરાદીકરીઓને પણ તેઓ તેમનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.” (પુનર્નિયમ ૧૨:૩૧) યહોવાહે ઈસ્રાએલ રાષ્ટ્રને જણાવ્યું કે, “એ પ્રજાઓની દુષ્ટતાને લીધે . . . યહોવાહ તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.” (પુનર્નિયમ ૯:૫) બાઇબલ ઇતિહાસકાર હેનરી એચ. હેલીએ નોંધ્યું: “બઆલ, એશ્તોરેથ અને બીજા કનાની દેવોની ભક્તિ કરવામાં આવતી હતી તેમ જ તેઓના મંદિર સાથે દારૂની મહેફિલ અને હરેક પ્રકારની અનૈતિકતા જોડાયેલી હતી.”

હેલીએ જણાવ્યું કે તેઓ કેટલા દુષ્ટ અને શેતાની હતા. જમીન અવશેષોનું સંશોધન કરનારાઓએ એવા ઘણા વિસ્તારોમાંના એકમાંથી “બઆલને બલિ ચડાવેલા બાળકોનાં હાડકાંની બરણીઓ શોધી કાઢી.” તેણે કહ્યું કે “આ આખો વિસ્તાર નવાં જન્મેલા બાળકોની કબર હતી. . . . કનાનીઓ ધર્મના નામે ધતિંગ કરતા હતા. તેઓની ભક્તિમાં તેઓ તેમના દેવોની સામે અનૈતિકતા આચરતા હતા. પછી એ જ દેવોને પોતાના પ્રથમ જન્મેલા બાળકનો બલિ ચઢાવતા. એ બતાવતું હતું કે મોટા ભાગે કનાનીઓ સદોમ અને ગમોરાહ જેવા બની ગયા હતા. . . શું આ પ્રકારના ખરાબ આચરણ કરનાર અને ક્રૂરતાથી રહેનાર લોકોને જીવતા રહેવા દેવા જોઈએ? . . . કનાની શહેરોના અવશેષોનું સંશોધન કરનારાઓને નવાઈ લાગે છે કે પરમેશ્વરે તેઓનો વિનાશ જલદી કેમ ન કર્યો.”

પૃથ્વીનો વારસો

૭, ૮. પરમેશ્વર કઈ રીતે પૃથ્વી પરથી દુષ્ટતા દૂર કરશે?

પરમેશ્વરે કનાનીઓને દૂર કર્યા તેમ, પરમેશ્વર જલદી જ સમગ્ર પૃથ્વી પરથી પણ દુષ્ટતા દૂર કરશે, અને તેમની ઇચ્છા પૂરી કરનારા લોકોને એ આપશે. “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે.” (નીતિવચન ૨:૨૧, ૨૨) ગીતશાસ્ત્રના લેખક કહે છે: “કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) તેમ જ, શેતાનને પણ દૂર કરવામાં આવશે, “જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ.” (પ્રકટીકરણ ૨૦:૧-૩) ખરેખર, “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.

પૃથ્વી પર હંમેશ માટે જીવવાનું ઇચ્છનારા લોકોને ઈસુએ કહ્યું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માત્થી ૫:૫) અહીં તે ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વિષે જણાવી રહ્યા હતા, જે ભાખે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” ઈસુ જાણતા હતા કે નમ્ર હૃદયના લોકો સુખ-શાંતિવાળી પૃથ્વી પર હંમેશ માટે જીવે એ યહોવાહનો હેતુ હતો. યહોવાહ કહે છે, “મેં મારી મહાન શક્તિથી . . . પૃથ્વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્‍ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.”—યિર્મેયાહ ૨૭:૫.

અદ્‍ભુત નવી દુનિયા

૯. પરમેશ્વરનું રાજ્ય કેવી દુનિયા લાવશે?

આર્માગેદ્દોન પછી, પરમેશ્વરનું રાજ્ય અદ્‍ભુત “નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે,” એના પર રાજ કરશે. (૨ પીતર ૩:૧૩) આર્માગેદ્દોનમાંથી બચનારા લોકોને આ જુલમી દુષ્ટ જગતમાંથી છુટકારો મળવાથી કેટલી બધી રાહત થશે! તેઓ સ્વર્ગીય રાજ્યની સરકાર હેઠળ ન્યાયી નવી દુનિયામાં જવાથી કેટલા ખુશ હશે, જેમાં માની ન શકાય એવા આશીર્વાદો અને હંમેશ માટેના જીવનનો આનંદ માણતા હશે!—પ્રકટીકરણ ૭:૯-૧૭.

૧૦. પરમેશ્વરના રાજ્યમાં શું નહિ હોય?

૧૦ લોકોને યુદ્ધ, ગુના, ભૂખમરો કે જંગલી જાનવરનો પણ ભય રહેશે નહિ. “હું [મારા લોકો] સાથે શાંતિનો કરાર કરીશ, ને ભૂંડાં હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત આણીશ. . . . વળી ખેતરમાંનાં ઝાડોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઊપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે.” “તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ. પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”—હઝકીએલ ૩૪:૨૫-૨૮; મીખાહ ૪:૩, ૪.

૧૧. આપણે શા માટે એવી ખાતરી રાખી શકીએ કે જલદી જ બધી બીમારીઓનો અંત આવશે?

૧૧ માંદગી, દુઃખ અને મરણને પણ કાઢી નાખવામાં આવશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.” (યશાયાહ ૩૩:૨૪) “[પરમેશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. . . . જુઓ, હું સઘળું નવું બનાવું છું.” (પ્રકટીકરણ ૨૧:૪, ૫) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, યહોવાહે આપેલી શક્તિથી તેમણે એ દુઃખો દૂર કર્યા હતા. પવિત્ર આત્માની મદદથી, ઈસુએ લંગડા અને બીમાર લોકોને સાજા કર્યા હતા.—માત્થી ૧૫:૩૦, ૩૧.

૧૨. મરણ પામેલા લોકો માટે કઈ આશા છે?

૧૨ ઈસુએ એથી પણ વધારે કર્યું. તેમણે મૂએલાંઓને સજીવન કર્યા. એનાથી નમ્ર હૃદયના લોકો પર કેવી અસર થઈ? ઈસુએ ૧૨ વર્ષની છોકરીને સજીવન કરી ત્યારે, તેના માબાપ “ઘણા વિસ્મિત થયા.” (માર્ક ૫:૪૨) ઈસુ પોતાના રાજ્યમાં પણ પૃથ્વી પર એ જ કરશે, કેમ કે એ સમયે “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) જરા કલ્પના તો કરો કે, મૂએલાં એક પછી એક સજીવન થઈને પોતાના પ્રિયજનોને ભેટશે ત્યારે, તેઓની આંખોમાં કેવી ખુશીના આંસુ વહેશે! વળી, એ રાજ્યમાં લોકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ જોશભેર થશે, અને પછી “સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશાયાહ ૧૧:૯.

યહોવાહની સર્વોપરિતા દોષમુક્ત થઈ

૧૩. ફક્ત પરમેશ્વરનું શાસન ઉત્તમ છે, એમ કઈ રીતે સાબિત થશે?

૧૩ હજાર વર્ષના રાજને અંતે, મનુષ્યો તન-મનથી સંપૂર્ણ થઈ ગયા હશે. આખી પૃથ્વી એદન બાગ જેવી થઈ ગઈ હશે. બધી બાજુ સુખ-શાંતિ, સલામતી, અને પ્રેમાળ લોકો હશે. એના જેવું અગાઉ કદી પણ બન્યું નહિ હોય. હજારો વર્ષના માનવ શાસન અને પરમેશ્વરના હજાર વર્ષના સ્વર્ગીય રાજ્ય વચ્ચે કેટલો મોટો તફાવત હશે! પરમેશ્વરનું રાજ્ય દરેક રીતે ઉત્તમ હશે. આમ, શાસન કરવાનો હક્ક ફક્ત પરમેશ્વરનો છે એ સાબિત થઈ જશે અને તેમની સર્વોપરિતા પૂરેપૂરી રીતે દોષમુક્ત થશે.

૧૪. હજાર વર્ષના અંતે બંડ પોકારનારાઓનું શું થશે?

૧૪ હજાર વર્ષના અંતે, યહોવાહ સંપૂર્ણ મનુષ્યોને સ્વતંત્ર પસંદગી આપશે. બાઇબલ બતાવે છે કે “શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે.” તે ફરીથી મનુષ્યોને ખોટે માર્ગે દોરશે, અને કેટલાક પરમેશ્વરથી સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. પછી ફરીથી આજના જેવું જગત ન બને માટે યહોવાહ પરમેશ્વર, શેતાન અને તેના સાથીઓનો તથા પોતાની સર્વોપરિતા વિરુદ્ધ જનારા સર્વનો હંમેશ માટે નાશ કરશે. ત્યારે માર્યા જનાર વિષે કોઈ એવો વાંધો નહિ ઉઠાવી શકે કે, તે તો અપૂર્ણ હતો એટલે ખોટા માર્ગે ગયો, અને તેને સુધરવાની કોઈ તક ન મળી. કેમ કે એ સમયે તેઓ આદમ અને હવા જેવા સંપૂર્ણ હશે, જેઓએ યહોવાહના ન્યાયી શાસન વિરુદ્ધ જવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું.—પ્રકટીકરણ ૨૦:૭-૧૦; નાહૂમ ૧:૯.

૧૫. વફાદાર લોકો યહોવાહ સાથે કેવો સંબંધ બાંધી શકશે?

૧૫ બીજી બાજુ, મોટા ભાગના લોકો યહોવાહની સર્વોપરિતાને ટેકો આપવાનું પસંદ કરશે. એ સમયે બધા ખરાબ લોકો માર્યા ગયા હશે અને વફાદારીની છેલ્લી કસોટી પાર કરીને, ન્યાયીઓ યહોવાહ આગળ ઊભા હશે. પછી, આ ન્યાયી લોકોને યહોવાહ પરમેશ્વર પોતાના દીકરા-દીકરીઓ તરીકે સ્વીકારશે. આમ, આદમ અને હવાનો પાપ કર્યા અગાઉ પરમેશ્વર સાથે જેવો સંબંધ હતો, એવો જ સંબંધ તેઓ બાંધી શકશે. એ સમયે રૂમી ૮:૨૧ના શબ્દો પૂરા થશે: “સૃષ્ટિ [મનુષ્યો] પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.” પરમેશ્વરના સેવક યશાયાહે ભાખ્યું: “[પરમેશ્વરે] સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.”—યશાયાહ ૨૫:૮.

હંમેશ માટેના જીવનની આશા

૧૬. હંમેશ માટેના જીવનની આશા રાખવી શા માટે યોગ્ય છે?

૧૬ એ વફાદાર લોકો માટે કેવું સુંદર ભાવિ રાહ જુએ છે, જેમાં પરમેશ્વર તેઓને સર્વ રીતે ભરપૂર આશીર્વાદ આપશે! ગીતશાસ્ત્રના લેખકે ખરું જ કહ્યું: “તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની [યોગ્ય] ઈચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) યહોવાહ પરમેશ્વર ઇચ્છે છે કે સુંદર, બગીચા જેવી પૃથ્વી પર રહેવાની આશા રાખીને આપણે તેમના પર ભરોસો રાખીએ. ખરું કે, યહોવાહની સર્વોપરિતા મહત્ત્વની છે છતાં, તે એમ ચાહતા નથી કે લોકો ભાવિમાં કોઈ પણ આશીર્વાદની આશા વિના તેમની ભક્તિ કરે. આખા બાઇબલમાં, પરમેશ્વરને વફાદારી અને હંમેશ માટેનું જીવન એકબીજા સાથે જોડાયેલું છે. એ ખ્રિસ્તી વિશ્વાસનો એક મહત્ત્વનો ભાગ છે. “દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.”—હેબ્રી ૧૧:૬.

૧૭. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ભાવિની આશા રાખવી યોગ્ય છે?

૧૭ ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) અહીં તે પરમેશ્વરને અને તેમના હેતુઓને જાણવાથી આવનાર આશીર્વાદો વિષે કહે છે. દાખલા તરીકે, ઈસુ તેમના રાજ્યમાં આવે ત્યારે, પોતાને યાદ કરવાનું એક ચોરે કહ્યું. ઈસુએ તેને જવાબ આપ્યો: “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” (લુક ૨૩:૪૩) તેમણે ચોરને એમ ન કહ્યું કે ‘તને કંઈ બદલો ન મળે તો પણ વિશ્વાસ રાખ.’ પરંતુ ઈસુ જાણતા હતા કે યહોવાહ ઇચ્છે છે કે તેમના ભક્તો ભાવિ નવી દુનિયાની આશા રાખે, જે તેઓને જગતનાં દુઃખો સહન કરવા મદદ કરશે. આમ, ભાવિની આશા આપણને ટકી રહેવા ઘણી જ મદદ કરે છે.

રાજ્યનું ભાવિ

૧૮, ૧૯. હજાર વર્ષના રાજ્યને અંતે રાજા અને રાજ્યનું શું થશે?

૧૮ આ સ્વર્ગીય રાજ્યની ગોઠવણથી યહોવાહ પૃથ્વી અને એમાં રહેનારા લોકોને ફરીથી સંપૂર્ણ બનાવશે. ફરીથી લોકો તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકશે. પરંતુ, એ હજાર વર્ષ પછી રાજા ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ રાજાઓ અને યાજકો શું કરશે? “પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સઘળી રાજ્યસત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. કેમકે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ.”—૧ કોરીંથી ૧૫:૨૪, ૨૫.

૧૯ આમ, ખ્રિસ્ત એ રાજ્ય પરમેશ્વરને સોંપી દેશે. પરંતુ, રાજ્ય હંમેશ માટે રહેશે એમ જણાવતાં શાસ્ત્રવચનોનો શું અર્થ થાય છે? એનો અર્થ એ થાય કે, રાજ્યની પરિસ્થિતિ હમેશાં એવી જ રહેશે. પરમેશ્વરની સર્વોપરિતાને દોષમુક્ત કરવા ઈસુ ખ્રિસ્તે જે કંઈ કર્યું, એ માટે તેમને હમેશાં માન મળશે. પરંતુ તે કાયમ માટે આપણા ઉદ્ધારકર્તા નહિ રહે, કેમ કે ત્યારે પાપ અને મરણને હંમેશ માટે કાઢી નાખવામાં આવ્યા હશે, અને મનુષ્યોને છુટકારો મળી ગયો હશે. તેમ જ, હજાર વર્ષના અંતે રાજ્યના હેતુ પણ પૂરા થઈ ગયા હશે; એટલે કે યહોવાહ પરમેશ્વર અને આજ્ઞાંકિત મનુષ્યો વચ્ચે કોઈ સરકારની જરૂર રહેશે નહિ. આમ, “દેવ સર્વમાં સર્વ” થશે.—૧ કોરીંથી ૧૫:૨૮.

૨૦. ખ્રિસ્ત અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ માટે કયું ભાવિ છે, એ આપણે કઈ રીતે જાણી શકીશું?

૨૦ હજાર વર્ષનું શાસન પૂરું થયા પછી ખ્રિસ્ત અને તેમના સાથી શાસકો શું કરશે? એ વિષે બાઇબલ કંઈ કહેતું નથી. તોપણ, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ તેઓને હંમેશ માટે ઘણા લહાવાઓ આપશે. ચાલો, આપણે પણ યહોવાહની સર્વોપરિતાને ટેકો આપીએ અને હંમેશ માટેનું જીવન મેળવીએ. જેથી આપણે જાણી શકીએ કે, રાજા ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ તથા આ અદ્‍ભુત વિશ્વ માટે યહોવાહ પરમેશ્વરે કયો હેતુ રાખ્યો છે!

ફરીથી યાદ કરો

• કયા મોટા ફેરફારો હાથવેંતમાં છે?

• પરમેશ્વર કઈ રીતે ન્યાયીઓ અને અન્યાયીઓનો ન્યાય કરશે?

• નવી દુનિયામાં કેવી પરિસ્થિતિ હશે?

• કઈ રીતે યહોવાહની સર્વોપરિતા પૂરેપૂરી દોષમુક્ત થશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રો]

ન્યાયીઓ અને અન્યાયીઓ બંનેને સજીવન કરવામાં આવશે

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહ ફરીથી વફાદાર ભક્તો સાથે ગાઢ સંબંધ બાંધશે