સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાપણી પહેલાં ‘ખેતરમાં’ કામ કરવું

કાપણી પહેલાં ‘ખેતરમાં’ કામ કરવું

કાપણી પહેલાંખેતરમાં’ કામ કરવું

ઈસુના શિષ્યો મૂંઝાઈ ગયા હતા. એ દિવસે ઈસુએ તેઓને ઘણા દૃષ્ટાંતો કહ્યાં હતાં. એમાં તેમણે ઘઉં અને કડવા દાણાની વાત પણ કહી હતી. ઈસુએ શીખવવાનું પૂરું કર્યું, પછી મોટા ભાગના લોકો જતા રહ્યા. પરંતુ તેમના શિષ્યો જાણતા હતા કે, ઈસુ કંઈ સારી વાર્તાઓ કહેનાર જ ન હતા. તેમણે આપેલા દૃષ્ટાંતોનો, ખાસ કરીને ઘઉં અને કડવા દાણાનો જરૂર કોઈ અર્થ હોવો જોઈએ.

પછી તેઓ ઈસુને પ્રશ્ન પૂછે છે જે માત્થીના અહેવાલમાં જોવા મળે છે: “ખેતરના કડવા દાણાના દૃષ્ટાંતનો અર્થ અમને કહે.” ઈસુએ તેઓને દૃષ્ટાંત સમજાવતા જણાવ્યું કે પોતાના શિષ્યોમાંથી ઘણા ધર્મત્યાગી ઊભા થશે. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૩૮, ૪૩) ખરેખર એમ જ થયું. પ્રેષિત યોહાનના મરણ પછી ઝડપથી તેઓમાં ધર્મત્યાગ ફેલાઈ ગયો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સાલોનીકી ૨:૬-૧૨) એની ખૂબ જ ઊંડી અસર પડી હતી. તેથી, ઈસુએ જે પ્રશ્ન પૂછ્યો હતો એ એકદમ યોગ્ય હતો જે લુક ૧૮:૮માં જોવા મળે છે: “માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું!”

ઈસુની હાજરીથી ઘઉં જેવા ખ્રિસ્તીઓની ‘કાપણીની’ શરૂઆત ચિહ્‍નિત થશે. એ ‘જગતના અંતની’ શરૂઆત ચિહ્‍નિત કરશે, જે ૧૯૧૪થી થઈ છે. તેથી કાપણીના સમય પહેલાં કેટલાક લોકોનો બાઇબલમાં રસ જાગ્યો હતો, એનાથી આપણને આશ્ચર્ય થવું ન જોઈએ.—માત્થી ૧૩:૩૯.

ઇતિહાસ તપાસવાથી જોવા મળે છે કે ખાસ કરીને ૧૫મી સદીથી ખ્રિસ્તીરાષ્ટ્રમાં અમુક લોકો વિચારવા લાગ્યા હતા કે, “કડવા દાણા” અથવા નકલી ખ્રિસ્તીઓ કોણ છે. જેમ બાઇબલ છૂટથી મળવા લાગ્યું અને બાઇબલના શબ્દકોષ પણ તૈયાર કરવામાં આવ્યા, તેમ પ્રમાણિક હૃદયના લોકો બાઇબલનો કાળજીપૂર્વક ઊંડો અભ્યાસ કરવા લાગ્યા.

સમજણનો પ્રકાશ વધ્યો

એવા એક માણસ ૧૯મી સદીના (૧૭૮૧-૧૮૬૨) હેન્રી ગ્રૂ હતા જે બર્મિંગહામ, ઇંગ્લૅંડમાં રહેતા હતા. જુલાઈ ૮, ૧૭૯૫માં, ૧૩ વર્ષની ઉંમરે તે પોતાના કુટુંબ સાથે ઍટલૅંટિક મહાસાગર પાર કરીને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં આવ્યા. તેઓ ત્યાં આવીને રોડ ટાપુમાં રહેવા લાગ્યા. તેમના માબાપે આપેલા શિક્ષણને કારણે તેમને બાઇબલ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. વર્ષ ૧૮૦૭માં, ૨૫ વર્ષની ઉમરે હેન્રીને હાર્ટફર્ડ, કનેક્ટિકટમાં, બાપ્ટિસ્ટ ચર્ચના પાદરી તરીકે સેવા કરવાની જવાબદારી મળી.

તે શીખવવાની જવાબદારી સારી રીતે ઉપાડતા, અને બાઇબલના શિક્ષણ પ્રમાણે લોકોને જીવવા મદદ કરતા. એ ઉપરાંત તે માનતા હતા કે, જાણીજોઈને પાપ કરનારને મંડળમાંથી દૂર કરવા જોઈએ, અને મંડળને શુદ્ધ રાખવું જોઈએ. ઘણી વાર, તેમણે બીજા જવાબદાર ભાઈઓની મદદથી વ્યભિચાર આચરનાર કે ખોટા કામ કરનારને મંડળમાંથી દૂર (બહિષ્કૃત) કર્યા હતા.

ચર્ચમાં બીજી પણ અમુક મુશ્કેલીઓ હોવાથી હેન્રીને ઘણી ચિંતા થતી. જેમ કે ચર્ચના સભ્ય ન હોય એવા લોકો પણ ચર્ચના કામમાં અને ગીત ગાવામાં આગેવાની લેતા હતા. આ લોકો મંડળના કામમાં પોતાનો મત આપી શકતા હતા અને આ કારણે તેઓએ અમુક હદે મંડળનું કામ લઈ લીધુ હતું. હેન્રી બાઇબલનું શિક્ષણ જાણતા હતા, કે જગતથી અલગ રહેવું જોઈએ. તે પૂરા દિલથી માનતા હતા કે, ફક્ત વફાદાર ભાઈઓ જ મંડળનું કામ કરી શકે. (૨ કોરીંથી ૬:૧૪-૧૮; યાકૂબ ૧:૨૭) તેમ જ તે એ પણ માનતા હતા કે, ચર્ચમાં અવિશ્વાસી લોકો ગીત ગાય એ પરમેશ્વરની નિંદા કર્યા બરાબર છે. આવી માન્યતાઓને કારણે ૧૮૧૧માં ચર્ચે તેમને કાઢી મૂક્યા. એ સમયે હેન્રી ગ્રૂ સાથે સહમત થતા બીજા સભ્યો પણ ચર્ચમાંથી નીકળી ગયા.

ખ્રિસ્તીરાષ્ટ્રથી અલગ

બીજા સભ્યો પણ હેન્રી ગ્રૂની માફક બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા, જેથી તેઓ પોતાનું જીવન એની સુમેળમાં લાવી શકે. અભ્યાસ કરવાથી તેઓને બાઇબલ સત્યની વધુ સમજણ પડી અને તેઓ ખ્રિસ્તીરાષ્ટ્રના જૂઠાં શિક્ષણોને ખુલ્લા પાડવા લાગ્યા. દાખલા તરીકે, ૧૮૨૪માં ગ્રૂએ સારી રીતે સાબિતી આપી કે, ત્રૈક્યનું શિક્ષણ જૂઠું છે. તેમણે કયો તર્ક કર્યો એની નોંધ લો: “‘પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી કોઈ માણસ જાણતો નથી, સ્વર્ગમાંના દૂતો પણ નહિ તેમ જ દીકરો પણ નહિ, પણ ફક્ત પિતા જાણે છે.’ [માર્ક ૧૩:૩૨] અહીં જે ક્રમ આપ્યો છે એની નોંધ લો. માણસ, સ્વર્ગદૂતો, પુત્ર અને પિતા. . . . આપણા પ્રભુ આપણને શીખવે છે કે, તે દહાડા વિષે ફક્ત પિતા જાણે છે. પરંતુ [ત્રૈક્યના શિક્ષણ] પ્રમાણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણે એક પરમેશ્વરમાં હોય તો એ સાચું નથી. કેમ કે, એ શિક્ષણ પ્રમાણે જોઈએ તો . . . પુત્ર પણ પિતા જેટલું જ જાણે છે.”

ગ્રૂએ પાદરીઓ અને સેનાપતિઓનો ઢોંગ પણ ખુલ્લો પાડ્યો, કેમ કે તેઓ ખ્રિસ્તની સેવા કરે છે એવો દાવો કરતા હતા. વર્ષ ૧૮૨૮માં તેમણે જાહેર કર્યું: “શું આપણે જૂઠું માની લેવું જોઈએ? શું એક ખ્રિસ્તીએ ઓરડીમાં શત્રુઓ માટે પ્રાર્થના કરીને નીકળ્યા પછી, યુદ્ધમાં એ જ શત્રુઓને ક્રૂર શસ્ત્રોથી મારી નાખવા દોડી જવું જોઈએ? એક તરફ તેઓ આનંદથી ઈસુના જેવા બને છે, પરંતુ બીજી તરફ તેઓ કોના જેવા છે? ઈસુએ પોતાના ખૂનીઓ માટે પણ પ્રાર્થના કરી હતી. જ્યારે ખ્રિસ્તીઓ તો જેઓ માટે પ્રાર્થના કરે છે, તેઓને જ મારી નાખે છે.”

ગ્રૂએ ભારપૂર્વક લખ્યું: “પરંતુ આપણે ક્યારે માનીશું? કેમ કે સર્વશક્તિમાન આપણને કહે છે કે, તેમની ‘મશ્કરી કરાય’ નહિ. આપણે કુદરતને એની બુદ્ધિને, અને પવિત્ર ધર્મ, જે આપણને શીખવે છે કે ‘ભૂંડાથી દૂર’ રહો એને ક્યારે સમજીશું,? . . . આપણે ‘કંઈ પણ ખોટું’ કરવું જોઈએ નહિ, પણ ક્યારે આપણે એને સમજી શકીશું? . . . શું એ પરમેશ્વરના પુત્રની બદનામી નથી કે એક તરફ તેમનો ધર્મ લોકોને ફરિશ્તા બનવાનું શીખવે અને બીજી તરફ લોકોને રાક્ષસની જેમ વર્તવા ઉત્તેજન આપે?

કાયમનું જીવન વારસામાં નથી

રેડિયો અને ટીવી બન્યાં એ પહેલાં પોતાના વિચારો જણાવવા માટે એને પત્રિકામાં લખીને વહેંચવામાં આવતા હતા. લગભગ ૧૮૩૫માં, ગ્રૂએ એક મહત્ત્વનો સંદેશો લખ્યો, એમાં તેમણે જણાવ્યું કે અમર જીવ અને નરકનું શિક્ષણ બાઇબલ આધારિત નથી. તે માનતા હતા કે, જૂઠાં શિક્ષણો પરમેશ્વરની નિંદા કરે છે.

આ પત્રિકાનું વિતરણ ઘણે દૂર સુધી થયું હતું. વર્ષ ૧૮૩૭માં, જ્યોર્જ સ્ટોર્ઝ ૪૦ વર્ષના હતા, ત્યારે તેમને ટ્રેનમાં આ પત્રિકા મળી હતી. જોકે સ્ટોર્ઝ લેબનન, ન્યૂ હૅમ્પશિયરના રહેવાસી હતા. પરંતુ એ સમયે તે યુટીકા, ન્યૂયૉર્કમાં રહેતા હતા.

મેથૉડિસ્ટ ચર્ચમાં જ્યોર્જ સ્ટોર્ઝને ખૂબ જ માન મળતું હતું. એ પત્રિકા વાંચીને તે ઘણા પ્રભાવિત થયા, કેમ કે ખ્રિસ્તી ધર્મના સામાન્ય શિક્ષણનો એમાં સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેના વિષે તેમને કદી શંકા આવી ન હતી. જોકે ત્યારે એ પોતે પણ જાણતા ન હતા કે, આ પત્રિકાના લેખક કોણ છે. ઘણાં વર્ષો પછી તેમને એ લેખકની ખબર પડી. લગભગ ૧૮૪૪માં તે પત્રિકાના લેખક, હેન્રી ગ્રૂને મળી શક્યા. એ સમયે તેઓ બંને પેન્સીલ્વેનિયા, ફિલાડેલ્ફીયામાં રહેતા હતા. છતાં, સ્ટોર્ઝે પોતે ત્રણ વર્ષ સુધી એનો ઊંડો અભ્યાસ કર્યો અને ફક્ત પાદરીઓ સાથે જ એના વિષે ચર્ચા કરી હતી.

જ્યોર્જ સ્ટોર્ઝ જે શીખી રહ્યા હતા, એ કોઈ જૂઠું સાબિત કરી શકે એમ ન હતું. છેવટે તેમણે નક્કી કર્યું કે મેથૉડિસ્ટ ચર્ચમાં રહીને તે પરમેશ્વરને વફાદાર રહી શકે એમ નથી. તેથી ૧૮૪૦માં તેમણે ચર્ચમાંથી રાજીનામું આપ્યું અને ઓલ્બની, ન્યૂયૉર્કમાં રહેવા ચાલ્યા ગયા.

વર્ષ ૧૮૪૨ની વસંતમાં “શું દુષ્ટો અમર છે?” એ વિષય પર સ્ટોર્ઝે છ સપ્તાહોમાં છ પ્રવચનો આપ્યાં. ઘણા લોકોને એમાં ખૂબ રસ પડ્યો, તેથી તેમણે એનું પુસ્તક છાપ્યું. એ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે પછીના ૪૦ વર્ષોમાં અમેરિકા અને બ્રિટનમાં એની બે લાખ પ્રતોનું વિતરણ કરવામાં આવ્યું. પછી સ્ટોર્ઝ અને ગ્રૂએ સાથે મળીને અમર જીવના શિક્ષણ વિરુદ્ધ ઘણી જાહેર ચર્ચાઓ કરી. ગ્રૂએ ફિલાડેલ્ફીયામાં ઑગસ્ટ ૮, ૧૮૬૨માં મરણ પામ્યાં ત્યાં સુધી ઉત્સાહથી પ્રચાર કર્યો હતો.

સ્ટોર્ઝે છ પ્રવચનો આપ્યા એના થોડા સમય પછી તેમને વિલિયમ મિલરના પ્રચારકાર્યમાં રસ જાગ્યો. વિલિયમ મિલર માનતા હતા કે, ૧૮૪૩માં ખ્રિસ્ત દૃશ્ય રીતે પાછા આવશે. સ્ટોર્ઝ પણ બે વર્ષ સુધી અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આ સંદેશાનો પ્રચાર કરતા રહ્યા. પરંતુ ૧૮૪૪ પછી ખ્રિસ્તના પાછા આવવા વિષે, કોઈ તારીખ નક્કી કરવાનું તેમણે છોડી દીધું. છતાં કોઈ સમયની ગણતરી કરીને તારીખ નક્કી કરવા માગતા હોય તો તેમને વાંધો ન હતો. સ્ટોર્ઝ માનતા હતા કે, ખ્રિસ્તનું પાછા આવવું નજીક હોવાથી સર્વ ખ્રિસ્તીઓએ આધ્યાત્મિક રીતે સજાગ રહેવું જોઈએ, જેથી તેઓ એ દિવસ માટે તૈયાર હોય. પરંતુ પાછળથી મિલર અને તેમના સાથીદારોથી તે અલગ થઈ ગયા. કેમ કે તેઓ અમર જીવ, દુનિયાનો અગ્‍નિથી નાશ થશે, અને પરમેશ્વરનું સત્ય શિક્ષણ જાણ્યા વગર જે ગુજરી ગયા છે, તેઓ માટે અનંતજીવનની કોઈ આશા નથી જેવા શિક્ષણોમાં માનતા હતા જે બાઇબલ આધારિત ન હતું.

પરમેશ્વર માટેનો પ્રેમ ક્યાં દોરી જશે?

એડવેન્ટિસ્ટ ચર્ચના લોકો એવું માનતા હતા કે, પરમેશ્વર મૂએલાં દુષ્ટોને પૃથ્વી પર સજીવન કરીને પછી ફરી તેઓને મારી નાખશે. એ જાણીને સ્ટોર્ઝને ખૂબ જ અણગમો થયો, કેમ કે તેમને પવિત્ર શાસ્ત્રમાંથી એવો કોઈ જ પુરાવો મળ્યો ન હતો કે, પરમેશ્વર તેઓનો બદલો લેશે. સ્ટોર્ઝ અને તેમના સાથીઓ પછી કંઈક જુદું જ વિચારવા લાગ્યા. જેમ કે દુષ્ટ લોકોને ફરી સજીવન કરવામાં આવશે જ નહિ. ખરું કે તેઓ અમુક શાસ્ત્રવચનો સમજાવી શકતા ન હતા, જેમ કે અન્યાયીઓને સજીવન કરવામાં આવશે. છતાં તેઓનો નિષ્કર્ષ પરમેશ્વરના પ્રેમની સુમેળમાં હતો. થોડા જ સમયમાં તેઓને પરમેશ્વરના હેતુ વિષે વધારે સમજણ મળવાની હતી.

વર્ષ ૧૮૭૦માં સ્ટોર્ઝ ઘણા બીમાર હોવાથી અમુક મહિના સુધી કામ કરી શકે એમ ન હતા. એ સમય દરમિયાન, ૭૪ વર્ષમાં તે જે શીખ્યા હતા એની ફરીથી તપાસ કરવાનો તેમને મોકો મળ્યો. પછી તેમણે કહ્યું કે, મનુષ્ય માટે પરમેશ્વરના એક ખાસ હેતુ વિષે પોતે ભૂલી ગયા હતા. એ ઈબ્રાહીમ સાથેનો પરમેશ્વરનો કરાર હતો જે દર્શાવતો હતો કે, ‘પૃથ્વીના સર્વ કુળો અને લોકો આશીર્વાદ પામશે કારણ કે ઈબ્રાહીમે દેવનું કહ્યું માન્યું છે.’—ઉત્પત્તિ ૨૨:૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૫

આનાથી સ્ટોર્ઝને નવી સમજણ મળી! જો “સર્વ કુળો” આશીર્વાદ પામવાના હોય તો, શું બધાએ સુસમાચાર સાંભળવા ન જોઈએ? કઈ રીતે તેઓ સાંભળશે? શું કરોડો લોકો ગુજરી ગયા નથી? પવિત્ર શાસ્ત્રની વધુ તપાસ કરવાથી તે એ નિષ્કર્ષ પર આવ્યા કે, “દુષ્ટો” બે પ્રકારના હોવા જોઈએ: એક, જેઓએ જાણીજોઈને પરમેશ્વરના પ્રેમનો નકાર કર્યો હોય અને બીજા, જેઓ પરમેશ્વરના પ્રેમ વિષે અજાણ હોય.

પછીથી સ્ટોર્ઝ સમજી શક્યા કે દુષ્ટોને ફરી સજીવન કરવામાં આવશે, જેથી તેઓને ઈસુના ખંડણી બલિદાનમાંથી લાભ મળી શકે. પછી જેઓ એનો સ્વીકાર કરશે તેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવશે અને એનો નકાર કરશે તેઓનો નાશ કરવામાં આવશે. હા, સ્ટોર્ઝ માનતા હતા કે, જેઓ જીવન માટે લાયક નહિ હોય, તેઓને સજીવન કરવામાં નહિ આવે. છેવટે, ફક્ત આદમ સિવાય, આદમના પાપને કારણે કોઈ મરશે નહિ! પરંતુ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછા આવ્યા પછી જેઓ જીવતા હશે તેઓ વિષે શું? અંતે સ્ટોર્ઝ જોઈ શક્યા કે આખી પૃથ્વી પર પ્રચાર થવો જ જોઈએ, જેથી સર્વ લોકો જાણી શકે. જોકે તે પોતે જાણતા ન હતા કે, એ કઈ રીતે થશે. પરંતુ વિશ્વાસથી તેમણે લખ્યું: “ઘણા લોકો માનતા નથી કે આ કાર્ય આખી પૃથ્વી પર થશે કેમ કે તેઓ સમજી શકતા નથી કે એ કામ કઈ રીતે થશે. તેઓ એમ પણ વિચારતા નથી કે પરમેશ્વર એ કરી શકે છે.”

ડિસેમ્બર ૧૮૭૯માં ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં જ્યોર્જ સ્ટોર્ઝ તેમના ઘરે મરણ પામ્યાં. થોડા જ સમય પછી જે જગ્યાએથી જગતવ્યાપી પ્રચારકાર્ય શરૂ થવાનું હતું એની નજીકમાં જ તે રહેતા હતા જેના વિષે તે ખૂબ જ વિચારતા હતા.

વધુ સમજણની જરૂર હતી

આજે આપણે જે રીતે સત્ય જાણીએ છીએ, એ શું હેન્રી ગ્રૂ અને જ્યોર્જ સ્ટોર્ઝ જાણતા હતા? ના. તેઓ જાણતા હતા કે, એ કંઈ સહેલું નથી. જેમ ૧૮૪૭માં સ્ટોર્ઝે કહ્યું: “આપણે યાદ રાખવું જોઈએ કે, ચર્ચના જૂઠાં શિક્ષણમાંથી આપણે હમણાં જ બહાર નીકળ્યા છીએ. વળી એ શક્ય છે કે આપણે હજુ પણ અમુક જૂઠાં શિક્ષણોને સત્ય સમજીને માનતા હોય.” દાખલા તરીકે ગ્રૂ ઈસુના બલિદાનની કદર કરતા હતા. પરંતુ તેમને સમજ પડતી ન હતી કે એ “અનુરુપ ખંડણી” હતી. એટલે કે આદમે ગુમાવી દીધેલા એક સંપૂર્ણ માનવ જીવનના બદલામાં ઈસુએ પોતાનું સંપૂર્ણ માનવ જીવન આપી દીધું. (૧ તીમોથી ૨:૬, NW) હેન્રી ગ્રૂ પણ માનતા હતા કે ઈસુ દૃશ્ય રીતે પૃથ્વી પર પાછા આવશે અને રાજ કરશે. છતાં, ગ્રૂને યહોવાહનું નામ પવિત્ર મનાવવા વિષે ખૂબ ચિંતા હતી. પરંતુ બીજી સદી પછી એના વિષે ફક્ત થોડા જ લોકોને જ રસ હતો.

એ જ રીતે જ્યોર્જ સ્ટોર્ઝને પણ અમુક મહત્ત્વના શિક્ષણો વિષે ખરી સમજણ ન હતી. તે ખ્રિસ્તી ધર્મના જૂઠાં શિક્ષણો પારખી શકતા હતા. પરંતુ, અમુક વખત તેમના વિચારો પણ ઊલટી જ દિશામાં જતા હતા. દાખલા તરીકે, ધર્મચુસ્ત પાદરીઓ શેતાન વિષે જે માનતા હતા, તેની સાથે સ્ટોર્ઝ સહમત ન હતા. તેથી તે માનવા તૈયાર ન હતા કે, શેતાન એક વાસ્તવિક વ્યક્તિ છે. એ ઉપરાંત તે ત્રૈક્યમાં માનતા ન હતા તોપણ તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી તે ચોક્કસ ન હતા કે, પવિત્ર આત્મા વ્યક્તિ છે કે કેમ. જ્યોર્જ સ્ટોર્ઝ માનતા હતા કે, શરૂઆતમાં ખ્રિસ્તનું પાછા આવવું અદૃશ્ય હશે પણ પછીથી દૃશ્ય બનશે. બાબત ગમે તે હોય, પણ તેઓ બંને પ્રમાણિક અને સાચા દિલથી સત્ય શોધી રહ્યા હતા. તેથી બીજાઓ કરતાં તેઓ સત્યની ઘણી જ નજીક હતા.

ઈસુએ ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંત વિષે જણાવ્યું હતું એ “ખેતર” હજી કાપણી માટે તૈયાર ન હતું. (માત્થી ૧૩:૩૮) ગ્રૂ અને સ્ટોર્ઝ કાપણીની તૈયારી માટે ‘ખેતરમાં’ કામ કરી રહ્યા હતા.

વર્ષ ૧૮૭૯માં આ સામયિકની શરૂઆત કરનાર ચાર્લ્સ ટેઝ રસેલે તેમના અગાઉના સમય વિષે આમ લખ્યું: “પ્રભુએ આપણને તેમના શબ્દનો અભ્યાસ કરવા માટે ઘણી મદદ પૂરી પાડી છે. એમાંના આપણા પ્રેમાળ અને વૃદ્ધ ભાઈ જ્યોર્જ સ્ટોર્ઝનો પણ સમાવેશ થાય છે. તેમણે શબ્દ અને કલમ દ્વારા આપણને ઘણી મદદ પૂરી પાડી છે. પરંતુ આપણે ‘પ્રેમાળ બાળકો તરીકે દેવને અનુસરનારા’ બનવું જોઈએ માણસોને નહિ.” હા, ગ્રૂ અને સ્ટોર્ઝ જેવા માણસો જે શીખ્યા એમાંથી બાઇબલ વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. પરંતુ પરમેશ્વરનું સત્ય તો ફક્ત બાઇબલમાંથી જ મળી શકે તેથી એનો અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી છે.—યોહાન ૧૭:૧૭.

[પાન ૨૬ પર બોક્સ/ચિત્ર]

હેન્રી ગ્રૂ શું માનતા હતા?

યહોવાહના નામની નિંદા કરવામાં આવી છે. તેથી એ પવિત્ર મનાવવું જ જોઈએ.

ત્રૈક્ય, અમર જીવ અને નરકનું શિક્ષણ જૂઠું છે.

ખ્રિસ્તી મંડળે જગતથી અલગ રહેવું જોઈએ.

ખ્રિસ્તીઓએ યુદ્ધોમાં ભાગ લેવો ન જોઈએ.

ખ્રિસ્તીઓ શનિવાર અને રવિવારના સાબ્બાથના નિયમ હેઠળ આવતા નથી.

ખ્રિસ્તીઓએ ગુપ્ત પંથોના સભ્ય બનવું જોઈએ નહિ.

ખ્રિસ્તીઓમાં પાદરી વર્ગ અને સામાન્ય વર્ગ જેવો ભેદભાવ ન હોવો જોઈએ.

ધાર્મિક પદ ખ્રિસ્તવિરોધી છે.

દરેક મંડળમાં વડીલોનું જૂથ હોવું જોઈએ.

વડીલો પોતાનાં આચરણોમાં પવિત્ર હોવા જોઈએ.

સર્વ ખ્રિસ્તીઓએ સુસમાચારનો પ્રચાર કરવો જોઈએ.

એવા લોકો પણ હશે જેઓ સુખ-શાંતિથી પૃથ્વી પર જીવશે.

ખ્રિસ્તી ગીતો યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરતા હોવા જોઈએ.

[ક્રેડીટ લાઈન]

Photo: Collection of The New-York Historical Society/69288

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

જ્યોર્જ સ્ટોર્ઝ શું માનતા હતા?

ઈસુએ મનુષ્ય માટે ખંડણી તરીકે પોતાનું જીવન આપી દીધું.

હજુ સુધી (૧૮૭૧માં) પ્રચાર કરવામાં આવ્યો ન હતો.

તેથી એ સમયે (૧૮૭૧માં) અંત નજીક હોય જ ન શકે. ભવિષ્યમાં એ પ્રચારકાર્ય પૂરું કરવામાં આવશે.

એવા લોકો પણ હશે જેઓને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે.

સત્ય જાણ્યા વિના જેઓ ગુજરી ગયા છે, તેઓને સજીવન કરવામાં આવશે. જેઓ ઈસુના ખંડણી બલિદાનને સ્વીકારશે તેઓને પૃથ્વી પર સદાકાળનું જીવન મળશે. જેઓ નહિ સ્વીકારે તેઓનો નાશ કરવામાં આવશે.

અમર જીવ અને નરકની માન્યતા જૂઠી છે અને એ પરમેશ્વરનું અપમાન કરે છે.

ઈસુનું ભોજન દર વર્ષે નિશાન ૧૪ તારીખે ઉજવવામાં આવે છે.

[ક્રેડીટ લાઈન]

Photo: SIX SERMONS, by George Storrs (1855)

[પાન ૨૯ પર ચિત્રો]

વર્ષ ૧૯૦૯માં “ઝાયન્સ વૉચ ટાવર” લખનાર સી. ટી. રસેલ, યુ.એસ.એ., બ્રુકલિન રહેવા ગયા