પરમેશ્વરને - ખુશ કરતું સંગીત
પરમેશ્વરને - ખુશ કરતું સંગીત
“બધી જ કળાઓમાં સૌથી જૂની કળા અને કુદરતી ભેટ” તરીકે સંગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ ભાષા માનવીઓને પ્રાણીઓથી અલગ પાડે છે, તેમ સંગીત પણ અલગ પાડે છે. સંગીત ભાવનાઓને જન્માવે છે, એ સાંભળવું ગમે છે અને મનમાં રહી જાય છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે સંગીત પરમેશ્વરને ખુશ કરે છે.
બાઇબલ બતાવે છે કે ઈસ્રાએલીઓ ગાવા-વગાડવાના શોખીન હતા. અંગરનો બાઇબલ શબ્દકોશ જણાવે છે કે “સંગીત પ્રાચીન બાઇબલ સમયોમાં એક મુખ્ય કળા” હતી. તેઓની ભક્તિમાં ગાવું-વગાડવું એ દરરોજના જીવનનો એક ભાગ હતો. પરંતુ એમાં ગાવું એ મુખ્ય હતું.
પોતાના પુત્ર સુલેમાને બાંધેલા મંદિરનું ઉદ્ઘાટન થયું એ પહેલા, દાઊદ રાજાએ મુલાકાતમંડપમાં “ભજન કરવા સારૂ” લેવીઓમાંથી અમુક પ્રતિનિધિઓને નીમ્યા હતા. (૧ કાળવૃત્તાંત ૬:૩૧, ૩૨) યહોવાહ પરમેશ્વરની હાજરીને રજૂ કરતો કરારકોશ, યરૂશાલેમમાં લાવવામાં આવ્યો. એ સમયે દાઊદ રાજાએ ‘યહોવાહના સંભારણાનાં ગીત ગાવા, તેમનો આભાર માનવા તથા તેમની સ્તુતિ કરવા સારૂ’ અમુક લેવીઓને નીમ્યા. તેઓએ ગીતની સાથે ‘સિતાર તથા વીણા વગાડી; . . . ઝાંઝ લઇને મોટેથી વગાડ્યું, . . . તથા રણશિંગડાં’ વગાડીને દેવની સ્તુતિ કરી. આ પુરુષો “નામવાર નોંધાએલા હતા, તેઓને યહોવાહ જેની કૃપા સર્વકાળ સુધી ટકે છે તેની ઉપકારસ્તુતિ કરવા સારૂ નીમ્યા” હતા.—૧ કાળવૃત્તાંત ૧૬:૪-૬, ૪૧; ૨૫:૧.
ગીતશાસ્ત્રનું પુસ્તક સંગીત સાથે વધુ સંકળાયેલું છે. એ પુસ્તકમાં “[યહોવાહ]ની કૃપા અનંતકાળ છે” એ શબ્દાવલિ ઘણી વખત જોવા મળે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્રના ૧૩૬માં અધ્યાયની ૧થી ૨૬ કલમોમાં, દરેક કલમના બીજા ભાગમાં એ જોવા મળે છે. “એ શબ્દાવલિ એટલી ટૂંકી છે કે લોકોને તરત યાદ રહી જાય છે,” એમ એક બાઇબલ વિદ્વાન જણાવે છે, “એ જેના કાને પડે તે બધા જ યાદ રાખી શકે એવી છે.”
ગીતશાસ્ત્રના અધ્યાયોની ઉપર લખેલી નોંધ બતાવે છે કે સંગીતનાં વાજિંત્રોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હતો. ગીતશાસ્ત્રનો ૧૫૦મો અધ્યાય રણશિંગડું, સિતાર, ડફ, શરણાઈ, ઝાંઝ અને સારંગીનો ઉલ્લેખ કરે છે. પણ એ બધામાં ગીત તો ગાવાનું જ હતું. કલમ ૬ ભલામણ કરે છે: “શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાહની સ્તુતિ કરો.”
સંગીતથી આપણી લાગણીઓને વ્યક્ત કરી શકાય છે. તેથી બાઇબલ સમયમાં દુઃખની લાગણીઓ બતાવવા મરસિયા કે વિલાપનાં ગીતો ગાવામાં આવતાં હતાં. પરંતુ આવું સંગીત ઈસ્રાએલીઓના સંગીતમાં બહું ઓછું જોવા મળતું. બાઇબલ એન્સાયક્લોપેડિયા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ * જણાવે છે: “મોટે ભાગે તો બધા મધુર કે સૂરીલું સંગીત સાંભળવાનું જ પસંદ કરતા, મરશિયા કે વિલાપનું સંગીત ફક્ત શોકના સમયમાં જ ગાવામાં આવતું.”
ઈસુએ પોતાના મરણની આગલી રાત્રે પોતાના શિષ્યો સાથે યહોવાહની સ્તુતિ માટે જે ગીતો ગાયાં, એ હાલેલનાં ગીતો હતાં એમાં કોઈ શંકા નથી. (ગીતશાસ્ત્ર ૧૧૩-૧૧૮) પોતાના શિક્ષકને ગુમાવવાના હતા ત્યારે એ ખોટની લાગણીનો સામનો કરવા એ ગીતોએ શિષ્યોને કેટલા દૃઢ કર્યા હશે! એથી પણ વધુ, તેઓએ “તેની કૃપા સર્વકાળ ટકે છે,” એ પાંચ વખત ગાયું. એ કારણે સર્વોપરી યહોવાહ પરમેશ્વરના વિશ્વાસુ સેવકો બની રહેવાનો તેઓનો નિર્ણય કેટલો વધુ દૃઢ બન્યો હશે.—ગીતશાસ્ત્ર ૧૧૮:૧-૪, ૨૯.
એફેસી અને કોલોસીના શરૂઆતના ખ્રિસ્તીઓએ પણ “પ્રભુનાં ગાયનો તથા ભજનો” (શાબ્દિક, “સ્તોત્ર”) ગાયાં હતાં. એની સાથે તેઓએ પોતાના હૃદયમાં ‘આત્મિક ગીતો’ પણ ગાયાં હતાં. (એફેસી ૫:૧૯; કોલોસી ૩:૧૬) આમ, ગીતો અને શબ્દોથી તેઓએ એ સ્તુતિનાં ગીતો ગાયાં હતા. શું ઈસુએ નહોતું કહ્યું કે ‘મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે?’—માત્થી ૧૨:૩૪.
પરમેશ્વરને નાખુશ કરતું સંગીત
બાઇબલમાં ઉલ્લેખ કરેલું બધા પ્રકારનું સંગીત પરમેશ્વરને ખુશ કરતું નથી. સિનાય પર્વત પર બનેલા સંગીતના બનાવ વિષે વિચારો કે જ્યાં મુસાએ દસ આજ્ઞા સમેત નિયમો મેળવ્યા હતા. મુસા પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે તેમણે શું સાંભળ્યું? એ “જીત્યાને લીધે હોકારા પાડનારાઓનો સાદ” ન હતો, તેમ જ “હાર્યાને લીધે પોકાર કરનારાઓનો સાદ પણ” ન હતો, “પણ ગાયન કરનારાઓનો સાદ” તેમણે સાંભળ્યો. એ મૂર્તિપૂજા સંબંધિત સંગીત હતું કે જેનાથી પરમેશ્વર યહોવાહ નાખુશ થયા અને તેમણે એ સંગીત રચનારા લગભગ ૩૦૦૦ લોકોનો નાશ કર્યો.—નિર્ગમન ૩૨:૧૮, ૨૫-૨૮.
માનવી દરેક પ્રકારનું સંગીત રચી શકે, વગાડી કે ગાઈ શકે, અને એનો આનંદ માણી શકે. પરંતુ એ બધા પ્રકારના સંગીતથી પરમેશ્વર ખુશ થતા નથી. શા માટે? ખ્રિસ્તી પ્રેષિત પાઊલ સમજાવે છે: “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) કામવાસનાને લગતી મૂર્તિપૂજક વિધર્મી વિધિઓ, માનવ જીવના અમરપણાનો સિદ્ધાંત, અને “પરમેશ્વરની માતા” તરીકે મરિયમની પૂજાને હંમેશા લોકપ્રિય સંગીતમાં સ્થાન આપવામાં આવે છે. તોપણ, આ પ્રકારનું સંગીત સત્યના દેવને ખુશ કરી શકતું નથી. કેમ કે એમાં રહેલી બાબતો બાઇબલ જે કહે છે એનાથી તદ્દન વિરુદ્ધ છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; હઝકીએલ ૧૮:૪; લુક ૧:૩૫, ૩૮.
યોગ્ય સંગીતની પસંદગી
અત્યારે પ્રાપ્ય છે એ સંગીતમાંથી યોગ્ય પસંદગી કરવી અઘરું છે. કેમ કે અત્યારે જે સંગીત બહાર પડે છે એની કોમ્પેક્ટ ડિસ્કના કવર એટલા આકર્ષક બનાવવામાં આવે છે કે ગ્રાહકને બધી જ ડિસ્ક ખરીદવાનું મન થઈ જાય. પરંતુ પરમેશ્વરને ખુશ કરવા ઇચ્છતા તેમના સેવકો, ચેતવણીને ધ્યાન આપશે. તેથી તેઓ જૂઠા ધર્મોની માન્યતા કે આત્માના અમરપણા અને પિશાચવાદને લગતા ગીતો કે વગાડેલા સંગીતને પસંદ કરશે નહિ.
આલ્બર્ટ એક વખત આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરિ તરીકે કામ કરી ચૂક્યા હતા. તે કબૂલે છે કે ત્યાં તેમને પિઆનો વગાડવા માટે ભાગ્યે જ તક મળતી. છતાં તે પોતાની સાથે થોડી ગ્રામોફોન રેકર્ડ લઈ ગયા હતા અને વારંવાર સાંભળતા હતા. પોતાના દેશમાં પાછા આવીને આલ્બર્ટ હવે પ્રવાસી નિરીક્ષક તરીકે ખ્રિસ્તી મંડળોની મુલાકાત લે છે. તેમને હવે સાંભળવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે. તે કહે છે, “બીથોવેન મારો માનીતો ગીત રચયિતા છે.” “વર્ષોથી મેં તેણે રચેલા સંગીતના ઘણા બધા રેકર્ડિંગ ભેગા કર્યા છે.” એ સાંભળવાથી મને ખૂબ જ ખુશી મળે છે. બેશક, દરેક વ્યક્તિની પસંદગી અલગ અલગ હોય છે. પરંતુ ખ્રિસ્તીઓ તરીકે આપણે પાઊલની સલાહને ધ્યાન આપવું જ જોઈએ: “માટે તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ ૧ કોરીંથી ૧૦:૩૧.
કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”—સંગીત અને સમર્પણ
સુઝીને સંગીત બહુ જ ગમતું હતું. તે કહે છે, “મેં ૬ વર્ષની વયે પિઆનો, ૧૦ વર્ષની વયે વાયોલિન અને છેવટે ૧૨ વર્ષની વયે વીણા વગાડવાનું શરૂ કર્યું હતું.” પાછળથી સુઝી વીણા શીખવા, ઇંગ્લૅંન્ડના લંડન શહેરમાં સંગીતની રોયલ કૉલેજમાં દાખલ થઈ. તે પ્રખ્યાત સ્પેનિશ વીણાવાદક પાસે ચાર વર્ષ શીખી. એ ઉપરાંત સંગીતની ઓનર્સની ડીગ્રી મેળવવા અને વીણા વગાડવા તથા પિઆનો શીખવવા માટેનું ડીપ્લોમાનું પ્રમાણપત્ર મેળવવા વધુ એક વર્ષ પેરિસ કોનસરવેટોરમાં અભ્યાસ કર્યો.
સુઝી લંડનમાં યહોવાહના સાક્ષીઓની સભાઓમાં હાજરી આપવા લાગી. ત્યાં તેણે સાક્ષીઓને એકબીજા માટે સાચો રસ અને પ્રેમ બતાવતા જોયા. એ કારણે તે ધીમે ધીમે યહોવાહને વધુને વધુ ચાહવા લાગી. પોતાના ઉત્સાહને કારણે તે વધુ ભક્તિ કરવા પ્રેરાઈ. પરિણામે તેણે યહોવાહ પરમેશ્વરને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. સુઝી કહે છે, “સંગીત જ મારી કારકિર્દી હોવાથી હું એને સમર્પિત હતી. માટે જીવનનું સમર્પણ કોને કહેવાય એની મને ખબર હતી.” તે ઈસુની આજ્ઞાને આધીન થઈને દેવના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવા ખ્રિસ્તી પ્રચારકાર્યમાં જોડાઈ. પછી તેને સંગીત માટે બહુ જ ઓછો સમય મળતો હતો.—માત્થી ૨૪:૧૪; માર્ક ૧૩:૧૦.
હવે સુઝી બહુ જ થોડો સમય સંગીત પાછળ ગાળે છે ત્યારે, તેને કેવું લાગે છે? તે કબૂલે છે, “મને પ્રૅક્ટિસ કરવાનો સમય મળતો નથી માટે ક્યારેક હું થોડી વાર માટે નિરાશ થઈ જાઉં છું. પરંતુ હજુપણ હું મારા વાજિંત્રો વગાડું છું અને સંગીતનો આનંદ માણું છું. સંગીત દેવ તરફથી ભેટ છે. મેં મારા જીવનમાં પરમેશ્વરની સેવાને પ્રથમ મૂકી છે તેથી હવે હું સંગીતનો વધુ આનંદ માણું છું.”—માત્થી ૬:૩૩.
દેવને ખુશ કરતું સંગીત
આલ્બર્ટ અને સુઝી ઉપરાંત લગભગ ૬૦ લાખ બીજા યહોવાહના સાક્ષીઓ નિયમિત રીતે સંગીતથી યહોવાહ દેવની ઉપાસના કરે છે. કુલ ૨૩૪ દેશોમાં યહોવાહના સાક્ષીઓનાં રાજ્યગૃહોમાં ખ્રિસ્તી સભાઓ ભરવામાં આવે છે. ત્યાં તેઓ યહોવાહનાં ગીતો ગાઈને સભાની શરૂઆત અને સમાપ્તિ કરે છે. એની મધુર સંગીત સાથેની લીટીઓ બાઇબલ પર આધારિત હોય છે.
હાજર રહેનાર દરેક પોતાના ઊંચા અવાજથી ઉષ્માભરી રીતે ગાય છે કે યહોવાહ કાળજી લેનાર દેવ છે (ગીત ૪૪). તેઓ યહોવાહની સ્તુતિને અર્થે ગીત ગાય છે (ગીત ૧૯૦). તેઓનાં ગીતોમાં આનંદ, ખ્રિસ્તી ભાઈચારાની જવાબદારી, ખ્રિસ્તી ધોરણો અને ખ્રિસ્તી ગુણોનો સમાવેશ થાય છે. વધુમાં અલગ અલગ પ્રકારનું સંગીત આનંદ આપે છે. કેમકે એ સંગીતની રચનામાં એશિયા, ઑસ્ટ્રેલિયા, યુરોપ અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકાના સાક્ષીઓનો પણ હિસ્સો છે. *
એક ગીતકર્તાએ ગાયું: “યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ. યહોવાહની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો. વિદેશીઓમાં તેનો મહિમા, અને સર્વ લોકોમાં તેના ચમત્કાર, જાહેર કરો.” (ગીતશાસ્ત્ર ૯૬:૧-૩) આજે યહોવાહના સાક્ષીઓ તમારા વિસ્તારમાં એ જ કરી રહ્યા છે અને તમને પણ સ્તુતિમાં જોડાવાનું આમંત્રણ આપે છે. તેઓના રાજ્યગૃહમાં તમને પણ આમંત્રણ આપવામાં આવે છે. ત્યાં તમે શીખી શકશો કે યહોવાહને ખુશ કરતા સંગીતથી કઈ રીતે તેમની સ્તુતિ કરવી.
[ફુટનોટ્સ]
^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત
^ આ ગીતો વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત સીંગ પ્રેઈસીસ ટુ જેહોવાહ નામના પુસ્તકમાં જોવા મળે છે.
[પાન ૨૮ પર ચિત્ર]
ગીત ગાઈને યહોવાહની સ્તુતિ કરવી