સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સફળતાની ચાવી શું છે?

સફળતાની ચાવી શું છે?

સફળતાની ચાવી શું છે?

બે યુવાન પુરુષો ખાસ અખતરા માટે એક વિચિત્ર યંત્રને પદ્ધતિસર રીતે તૈયાર કરી રહ્યા હતા. અચાનક, પવનના એક જોરદાર સપાટાએ આ હલકા યંત્રને હવામાં ફંગોળીને ધડાકા સાથે નીચે પાડ્યું. નિરાશ થયેલા, આ પુરુષો ચુપચાપ ઊભા રહ્યા. તેઓની બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું, અને તેઓનું આ યંત્ર લાકડા અને ધાતુનો ઢગલો થઈ ગયું.

ઓરવિલ અને વીલ્બર રાઈટ વિમાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓના આ કામ પર ઑક્ટોબર ૧૯૦૦માં જે વિઘ્ન આવ્યું એ દુઃખદ બનાવ પહેલી વાર બન્યો ન હતો. તેઓએ એના અખતરા પાછળ પુષ્કળ પૈસાનું પાણી કર્યું અને ઘણાં વર્ષો એમાં પસાર કર્યાં.

છેવટે, તેઓની મહેનત ફળી. ડિસેમ્બર ૧૭, ૧૯૦૩ના રોજ, કિટ્ટી હૉક ઉત્તર કૅરોલીન યુ.એસ.એમાં, રાઈટ ભાઈઓ મોટરથી ચાલતું નાનું વિમાન ૧૨ સેકન્ડ સુધી ઉડાવી શક્યા. જોકે, આજની સરખામણીમાં એ કંઈ ન કહેવાય, પરંતુ એ ટૂંકુ ઉડાણ દુનિયામાં મોટા ફેરફારો લાવવા માટે પૂરતું હતું!

મોટા ભાગે કોઈ પણ પ્રવૃત્તિમાં સફળ બનવું હોય તો, ધીરજથી મંડ્યા રહેવું જરૂરી છે. નવી ભાષા શીખતા હોઈએ કે પછી, કોઈ પણ નવો ધંધો શીખતા હોઈએ, અથવા દોસ્તી બાંધતા હોઈએ, એ બધુ સખત મહેનત માગી લે છે. લેખક ચાર્લ્સ ટેમ્પલટન કહે છે, “દસમાંથી નવ વખત સફળતા મેળવવા પાછળ એક મહત્ત્વની બાબત રહેલી છે: એ છે તનતોડ મહેનત.” કટાર લેખક લીઓનાર્ડ પીટ્‌સ, જુનિયર નોંધે છે: “આપણે આવડત વિષે વાત કરીએ છીએ, આપણે નસીબમાં માનીએ છીએ, પરંતુ ઘણી વખત, આપણે સૌથી મહત્ત્વની બાબતને ભુલી જઈએ છીએ. એ છે સખત મહેનત અને નિષ્ફળતા. વહેલી સવારથી મોડી રાત સુધી સખત મહેનત.”

વર્ષો અગાઉ બાઇબલમાં જે કહ્યું હતું એને એ સમર્થન આપે છે: “ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે.” (નીતિવચન ૧૨:૨૪) પરિશ્રમનો અર્થ થાય કે આપણે પ્રયત્નોમાં મંડ્યા રહીએ. આપણે જે ધ્યેય બાંધ્યા હોય એને પહોંચી વળવું હોય તો એમ કરવું જરૂરી છે. મંડ્યા રહેવું એટલે શું? આપણે આપણા ધ્યેયો કઈ રીતે સિદ્ધ કરી શકીએ, અને આપણે શામાં મંડ્યા રહેવું જોઈએ? હવે પછીના લેખમાં આ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. National Archives photo