સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકોના વખાણ કઈ રીતે કરશો?

બાળકોના વખાણ કઈ રીતે કરશો?

મુશ્કેલી

અમુક લોકો કહે છે કે, બાળકોના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. તો બીજા કેટલાક કહે છે કે, સતત વખાણ કરવાથી બાળક ઘમંડી બની જાય છે અને મન ફાવે એમ વર્તવા લાગે છે.

તેથી, સવાલ થાય કે તમે તમારા બાળકના કેટલા વખાણ કરશો? તમે કઈ બાબતના વખાણ કરશો? તમારા બાળકને કેવા વખાણથી ઉત્તેજન મળશે? કેવા વખાણ અડચણરૂપ બની શકે? બાળકને મદદ મળે એ માટે તમે કઈ રીતે વખાણ કરશો?

તમારે શું જાણવું જોઈએ?

દરેક વખાણની અસર એક સરખી હોતી નથી. ચાલો, એ વિશે જોઈએ.

વધારે પડતા વખાણ નુકસાન કરી શકે. અમુક માબાપ પોતાના બાળકનું સ્વમાન વધારવા બિનજરૂરી વખાણ કર્યા કરે છે. ડૉ. ડેવિડ વૉલ્શ ચેતવે છે: બાળકો ‘એટલા હોશિયાર હોય છે કે બડાઈ-ચઢાઈને કરેલા વખાણ તેઓ તરત પારખી લે છે. તમે નામ પૂરતા વખાણ કરી રહ્યા છો એવા નિર્ણય પર તેઓ આવી જાય છે. તેઓ જાણે છે કે, પોતે આટલા વખાણને લાયક નથી. તેમ જ, તમારા પર ભરોસો ન રાખી શકાય એવું માની લે છે.’ *

બાળકની ક્ષમતાના વખાણ કરવા સારું છે. માની લો કે તમારી દીકરી નાનપણથી જ સારું ડ્રોઇંગ કરે છે. ચોક્કસ તમે તેના વખાણ કરશો. એનાથી, તેને પોતાની આવડતમાં વધારે સારું કરવા ઉત્તેજન મળશે. પરંતુ, એમ કરવાથી નુકસાન પણ થઈ શકે. તમે બાળકની આવડતના જ વખાણ કરશો તો શું થશે? તે એવી જ આવડત કેળવશે જે તેના માટે સહેલી છે. નિષ્ફળ જવાના ડરને લીધે તે કદાચ નવા નવા પડકારોનો સામનો નહિ કરે. તે વિચારશે, ‘જો કોઈ નવી આવડત શીખવામાં મહેનત લાગે, તો એ આવડત મારા માટે નથી. હું શું કામ એના માટે પ્રયત્ન કરું?’

બાળકના પ્રયત્નો માટે વખાણ કરવા વધારે સારું છે. બાળકની ક્ષમતાના વખાણ કરવાને બદલે તેની મહેનત અને ધીરજના વખાણ કરો. આમ કરવાથી, તે એક મહત્ત્વની હકીકત શીખશે. તે શીખી શકશે કે આવડત કેળવવા ધીરજ અને પ્રયત્નો જરૂરી છે. એક પુસ્તક જણાવે છે કે, એ જાણ્યા પછી ‘તેઓ નક્કી કરેલું પરિણામ લાવવા બનતી મહેનત કરે છે. અરે, તેઓ કોઈ વાર નિષ્ફળ જાય તોપણ નિરાશ થવાને બદલે વધુ શીખવા ઉત્સુક રહે છે.’—લેટિંગ ગૉ વિથ લવ ઍન્ડ કૉન્ફિડન્સ.

તમે શું કરી શકો?

ફક્ત આવડતના નહિ, મહેનતના વખાણ કરો. ‘તું જન્મથી જ ચિત્રકાર છે!’ એવું બાળકને કહેવાને બદલે આમ કહેવું સારું રહેશે, ‘હું જોઈ શકું છું કે તું ઘણું વિચારીને ડ્રોઇંગ કરે છે.’ એ બંને વાક્ય બાળકની પ્રશંસા કરે છે. પરંતુ, પહેલા વાક્યમાં તમે બાળકને અજાણતા શીખવો છો કે, ફક્ત જન્મથી જે આવડત હશે એમાં જ તે સારું કરશે.

તમે બાળકની મહેનતના વખાણ કરો છો ત્યારે, તેને પ્રયત્નો કરીને આવડતમાં સુધારો કરવાનું શીખવો છો. એમ કરવાથી, તે કદાચ નવા પડકારોનો સામનો વધારે સારી રીતે કરી શકશે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૪:૨૩.

નિષ્ફળતાનો સામનો કરવાનું બાળકને શીખવો. સારા લોકો પણ અમુક વાર ભૂલો કરે છે. (નીતિવચનો ૨૪:૧૬) પરંતુ, તેઓ હતાશ થઈ જવાને બદલે પ્રયત્નો કરતા રહે છે. તેમ જ, ભૂલોમાંથી શીખીને તેઓ જીવનમાં આગળ વધે છે. એવું સારું વલણ કેળવવા તમે કઈ રીતે બાળકને મદદ કરી શકો?

ફરી એક વાર, મહેનત કરવા પર વિચાર કરીએ. એ સમજવા એક દાખલો લઈએ. માની લો કે, તમે પોતાની દીકરીને વારંવાર કહો છો: “ગણિત તો તારા લોહીમાં છે.” પણ, તે એક વાર એમાં નાપાસ થઈ જાય છે. તેને થશે કે, હવે પોતાની આવડત જતી રહી છે તો ગણિતમાં પ્રયત્ન શું કામ કરવો?

તમે મહેનત કરવા પર ભાર મૂકો છો, ત્યારે તમે બાળકને હાર ન માનવા ઉત્તેજન આપો છો. તમે દીકરીને મદદ કરો છો કે, નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધી શકાય છે. એ કંઈ દુનિયાનો અંત નથી. એમ કરવાથી, તે હાર માનવાને બદલે બીજી વાર સફળ થવા પ્રયત્ન કરતી રહેશે અથવા વધારે પ્રયત્ન કરશે.—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૩:૨.

ઉત્તેજન આપતી ટીકા. યોગ્ય રીતે ટીકા આપવાથી બાળકને નિરાશા નહિ પણ મદદ મળશે. એવી જ રીતે, તમે યોગ્ય વખાણ કરતા રહેશો તો, બાળક તમારાં સૂચનો સ્વીકારશે અને જરૂરી ફેરફાર કરશે. એ પછી, તે જે કંઈ કામ કરશે એમાં સફળ થશે. એનાથી, તેને સંતોષ મળશે અને તમને ખુશી.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૩:૪. (g૧૫-E ૧૧)

^ ફકરો. 8 ના: કેમ બધી ઉંમરનાં બાળકોએ એ જાણવું જોઈએ અને માબાપ કઈ રીતે એ કહી શકે નામનું અંગ્રેજી પુસ્તક.