સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી તંદુરસ્તી તમારા હાથમાં

તમારી તંદુરસ્તી તમારા હાથમાં

તમારી તંદુરસ્તી તમારા હાથમાં

રુસ્તમ રશિયામાં રહે છે. તેમનું જીવન ભાગદોડ ભરેલું છે. તેમને પહેલાં વધારે દારૂ પીવાની અને ધૂમ્રપાન કરવાની કુટેવ હતી. સમય જતાં, તેમને અહેસાસ થયો કે એના લીધે પોતાની તંદુરસ્તી પર માઠી અસર થઈ રહી છે. એટલે તેમણે એ વ્યસનો છોડી દીધાં. એ પછી પણ તે ઘણો થાક અનુભવતા, કેમ કે તે આખો દિવસ કૉમ્પ્યુટર પર કામ કરે છે.

ખરું કે રુસ્તમ સવારના આઠ વાગ્યે કામ શરૂ કરતા, પણ દસ વાગ્યા સુધી સુસ્તી રહેતી. તેમ જ, વારંવાર બીમાર પડતા. એટલે તેમણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કર્યો. એનું શું પરિણામ આવ્યું? તે કહે છે કે “છેલ્લા સાત વર્ષથી દર વર્ષે માંડ એક-બે દિવસ જ બીમાર રહ્યો છું. હવે મારી તબિયત હાય ક્લાસ છે, પૂરા જોશમાં હોઉં છું અને જીવવાની મઝા આવે છે.”

રામ અને તેની પત્ની નેપાળમાં રહે છે. તેઓને બે બાળકો છે. તેમના વિસ્તારમાં મળમૂત્રના નિકાલની પૂરતી સગવડ નથી. એ કારણે બહુ માખી-મચ્છર થાય છે. રામ અને તેમના કુટુંબને પહેલાં શ્વાસને લગતી તકલીફ હતી. તેમ જ, તેઓને આંખમાં વારંવાર ચેપ લાગતો. તેઓએ પણ જીવનમાં ફેરફાર કર્યો અને તેઓની તબિયત સુધરી.

તંદુરસ્તીનું જતન કરો

અમીર હોય કે ગરીબ, તેઓ જોઈ શકતા નથી કે પોતાની કુટેવોની તંદુરસ્તી પર ખરાબ અસર થાય છે. તેઓનું માનવું છે કે સારી તંદુરસ્તી ભાગ્યે જ મળી શકે અને એ મેળવવા કંઈ થઈ શકે એમ નથી. એટલે ઘણા પોતાની તબિયત સુધારવા અને જીવનનો આનંદ માણવા કંઈ કરવા તૈયાર નથી.

સારી તંદુરસ્તી માટે શું અમીર હોવું જરૂરી છે? ના, અમુક સાદા પગલાં લઈને પણ તમે પોતાની અને કુટુંબની તબિયત સુધારી શકો. એમ કરવાથી જરૂર લાભ થશે. એ તમને તંદુરસ્ત રહેવા અને સુખેથી લાંબું જીવવા મદદ કરશે.

માબાપે બાળકોને સારી ટેવો કેળવતા શીખવવું જોઈએ અને પોતે પણ એમ કરીને સારો દાખલો બેસાડવો જોઈએ. થોડી મહેનતના ફાયદા અનેક છે. જો હમણાં થોડો સમય અને પૈસા ખર્ચીશું, તો બીમારીથી ઓછા પીડાઈશું, જલદી સાજા થઈશું અને દવાનો ખર્ચો ઘટી જશે. એનાથી જાણે પાણી પહેલાં પાળ બાંધીએ છીએ.

હવે પછીના લેખોમાં આપણે તંદુરસ્ત રહેવાના પાંચ પગલાં જોઈશું. એનાથી રુસ્તમ, રામ અને બીજા ઘણાને ફાયદો થયો છે. તમને પણ જરૂર ફાયદો થશે. (g11-E 03)

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

રુસ્તમ

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

રામ, કુટુંબ સાથે પીવાનું ચોખ્ખું પાણી ભરે છે