સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મારે તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ?

શું મારે તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ?

યુવાનો પૂછે છે

શું મારે તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ?

“ત્રણ મહિના પહેલાં એવું લાગતું હતું કે જાણે અમે એકબીજા માટે જ બન્યા છીએ. અને અમે હંમેશાં સાથે રહેવાનો વિચાર કર્યો.”—જેસિકા. *

“મારા કરતાં મોટી ઉંમરના છોકરા પર હું ફિદા હતી. મને એવું હતું કે એ છોકરો મારી સંભાળ રાખશે. બે વર્ષ પછી મારું સ્વપ્નું પૂરું થયું.”—કૅરલ.

પેટ્રોલની લાઇટની અવગણના કરશો તો, તમે જ મુશ્કેલીમાં મૂકાશો. એવી જ રીતે સંબંધમાં ઊભા થતા સવાલોને નજર અંદાજ કરશો તો, તમે મુસીબતમાં આવી પડશો

કલ્પના કરો કે તમે છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા છો. એ વખતે તમને લાગે છે કે આ જ મારો “જીવનસાથી છે.” * આ વર્ષ દરમિયાન તમને કદીયે પણ સંબંધ તોડવાનો વિચાર નથી આવ્યો. પણ હવે એવું કંઈ બને છે જેના લીધે તમે સંબંધ તોડવાનું વિચારો છો.

જો તમારા મનમાં આવો વિચાર આવે તો એને નજર અંદાજ ન કરો. એમ કરશો તો તમે જ મુસીબતમાં આવી પડશો. એ સમજવા એક દાખલો લઈએ. તમે કારમાં છો અને પેટ્રોલ ખતમ થવાની અણીએ છે એની લાઇટ ઝબકી રહી છે. જો તમે એ લાઇટની અવગણના કરશો તો એ ઝબકવાનું બંધ નહિ કરે પણ આગળ જતા તમે જ મુસીબતમાં આવી પડશો. એવી જ રીતે સંબંધમાં ઊભા થતા સવાલોની અવગણના કરશો તો, તમે જ મુસીબતમાં આવી પડશો. ચાલો એવી બાબતો જોઈએ જેનાથી સંબંધમાં તિરાડ પડી શકે.

સ્વભાવ સારો ન હોય. પહેલા એકબીજાનો સ્વભાવ જાણવામાં સમય લાગતો. પણ આજે લોકો જલદીથી એકબીજાને ઓળખી લે છે. એ વિષે કૅરલ કહે છે કે ‘હું ને મારો બોયફ્રેન્ડ એકબીજાને ઈ-મેઈલ કરતા, ચેટિંગ કરતા અને ફોન પર વાતો કરતા. આ રીતે અમે એકબીજા સાથે ઘણા બધા વિચારોની આપલે કરતા. પણ હકીકતમાં વ્યક્તિને મળીને વાત કરવાથી ખરો સ્વભાવ જાણી શકાય છે.’ એટલે તમે વ્યક્તિને મળીને વાત નહિ કરો તો, તેમનો ખરો સ્વભાવ જાણી શકશો નહિ.

બોલવું સારું ન હોય. ઍની કહે છે કે ‘મારો બોયફ્રેન્ડ હંમેશા મારી મશ્કરી કરતો. તે મારી સાથે ખરાબ વર્તન કરતો. તેમ છતાં તે મને ખૂબ ગમતો.’ બાઇબલ જણાવે છે ‘સર્વ પ્રકારની ખુન્‍નસથી’ દૂર રહો. (એફેસી ૪:૩૧) તમારો બોયફ્રેન્ડ તમને ખરો પ્રેમ કરતો હશે તો મશ્કરી નહિ કરે.—નીતિવચનો ૧૨:૧૮.

જલદી ગુસ્સે થતો હોય. બાઇબલ જણાવે છે કે “ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.” (નીતિવચનો ૧૭:૨૭) અમીને લાગ્યું કે તેનો બોયફ્રેન્ડ ખૂબ જ જલદી ગુસ્સે થાય છે. તે જણાવે છે કે “અમારે વચ્ચે મતભેદ થાય ત્યારે તે મને ગુસ્સાથી મારતો. ઘણી વાર મને વાગી જતું.” બાઇબલ જણાવે છે કે ‘સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તમારામાંથી દૂર કરો.’ (એફેસી ૪:૩૧) જલદી ગુસ્સે થતી વ્યક્તિ સાથે ડેટિંગ કરતા પહેલા બે વાર વિચારો.—૨ તીમોથી ૩:૧, ૩,.

સંબંધો છુપાવતો હોય. એંજલા જણાવે છે, ‘મારો બોયફ્રેન્ડ ચાહતો હતો કે અમે ડેટિંગ કરીએ છીએ એની કોઈને જાણ ન થાય. પણ મારા પપ્પાને અમારા વિષે ખબર પડી ત્યારે મારા બોયફ્રેન્ડને ગુસ્સો આવ્યો.’ ખરું કે આવી વાતનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. પણ જો બોયફ્રેન્ડ સંબંધ છુપાવે તો સમજવું કે દાળમાં કંઈક કાળું છે.

લગ્‍ન કરવામાં રસ ન હોય. ઘણા યુવાનો લગ્‍ન પહેલાં એકબીજાને ઓળખવા માટે ડેટિંગ કરે છે. પણ ડેટિંગનો અર્થ એ નથી કે તમારે એ જ વ્યક્તિ સાથે લગ્‍ન કરવું જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે ડેટિંગ કોઈની સાથે અને લગ્‍ન બીજા કોઈ સાથે. પણ જો તમારા બોયફ્રેન્ડનો ઇરાદો લગ્‍ન કરવાનો ન હોય તો તેની સાથે ડેટિંગ કરવું સારું નથી.

સંબંધમાં ઘડીકમાં તિરાડ ને ઘડીકમાં સુલેહ થતી હોય. બાઇબલ જણાવે છે કે “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે.” (નીતિવચનો ૧૭:૧૭) જોકે તમે બંને બધી બાબતોમાં સહમત નહીં થાવ. તોપણ જો તમારા સંબંધો મધદરિયે ડોલા ખાતા વહાણ જેવા હોય તો, તમારે એના પર ધ્યાન આપવાની જરૂર છે. ઍની કહે છે, ‘ઘણી વખતે મારા બોયફ્રેન્ડ સાથે સંબંધો તૂટી જતા. હું ઘણી દુઃખી થઈ જતી અને સંબંધો સુધારવાની કોશિશ કરતી. પણ મને લાગે છે કે મેં તેની સાથે સંબંધ બાંધ્યો ન હોત તો સારું.’

સેક્સ માટે દબાણ કરતો હોય. “જો તું મને પ્રેમ કરતી હોય તો તું મારી સાથે સેક્સ માણીશ.” “એનાથી આપણો પ્રેમ વધશે” આવું કહીને અમુક બોયફ્રેન્ડ સેક્સ માટે દબાણ કરતા હોય છે. પણ બાઇબલ જણાવે છે કે “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નૈતિક” છે. (યાકૂબ ૩:૧૭) બોયફ્રેન્ડ માન-મર્યાદા જાળવે એવો હોવો જોઈએ. સંસ્કારી હોવો જોઈએ.

બીજાઓ ચેતવે તો. બાઇબલ જણાવે છે કે “વધુ સલાહકારો સફળતામાં દોરી જાય છે.” (નીતિવચનો ૧૫:૨૨, IBSI) જેસિકા જણાવે છે કે “મમ્મી-પપ્પા કે મિત્રો તમારા બોયફ્રેન્ડ વિષે ચેતવે તો, એના પર તમારે વિચાર કરવો જોઈએ. જો એમ નહિ કરો તો તમે જ મુશ્કેલીમાં આવી પડશો.”

તમે ડેટિંગ કરતા હોય તો ઉપરના મુદ્દાઓ પર વિચાર કરો. * આમાંથી કોઈ પણ મુદ્દો તમારા બોયફ્રેન્ડમાં હોય અથવા તમને બીજી કોઈ ચિંતા હોય તો નીચે લખી લો.

․․․․․

કઈ રીતે સંબંધો તોડી શકાય

માનો કે તમારે બોયફ્રેન્ડ સાથે સંબંધ તોડવો છે. એ માટે અનેક રસ્તાઓ છે. પણ આ બાબતો ધ્યાનમાં રાખજો.

હિંમત રાખો. ટીના કહે છે કે ‘હું મારા બોયફ્રેન્ડને પૂછ્યા વગર કંઈ કરતી ન હતી. જોકે સમય જતા મને લાગ્યું કે તે મારો જીવનસાથી બનવા લાયક નથી. પણ એ વાત તેને કહેતા મને ખૂબ જ ડર લાગ્યો.’ આવો નિર્ણય લેવા હિંમતની જરૂર છે. એમ કરશો તો, તમારું ભલું થશે. (નીતિવચનો ૨૨:૩) જો તમે હિંમત રાખીને મનની વાત જણાવશો તો, સારો જીવનસાથી મળશે.

સામેવાળી વ્યક્તિનો વિચાર કરો. માની લો કે તમારો બોયફ્રેન્ડ તમારી સાથે સંબંધ તોડવા માંગે છે. જો એ તમને ઈ-મેઈલ કે એસ.એમ.એસ. દ્વારા જણાવે તો તમને કેવું લાગશે? તમને એ જરાય નહિ ગમે. એટલે બીજી વ્યક્તિની લાગણીઓને હંમેશાં ધ્યાનમાં રાખો.—માત્થી ૭:૧૨.

એકાંતમાં ના મળો. તમે વ્યક્તિ સાથે આમને-સામને વાત કરો. ફોન પર વાત કરો કે પછી પત્ર લખો. પણ હંમેશાં યાદ રાખો કે તમે મળો તો એકાંતવાળી જગ્યાએ ન મળો. એકાંતમાં મળવાથી તમારી સલામતી જોખમમાં આવી શકે. અથવા સામેવાળી વ્યક્તિના મનમાં ખોટી ઇચ્છા થઈ શકે.—૧ થેસ્સાલોનીકી ૪:૩.

કંઈ છુપાવશો નહિ. તમે કેમ સંબંધ તોડવા માંગો છો એની હકીકત જણાવો. જો તમને લાગતું હોય કે તમારા બોયફ્રેન્ડનું વલણ સારું નથી તો તેને સાફ જણાવો. દાખલા તરીકે, ‘તું હંમેશા મજાક ઉડાવે છે’ એમ કહેવાને બદલે કહો કે ‘તું મારે વિષે આમ કહે છે ત્યારે મને ગમતું નથી.’

તેનું ધ્યાનથી સાંભળો. તમારે બન્‍ને વચ્ચે કંઈ ગેરસમજ હોય તો એ વિષે વાત કરો. પણ વ્યક્તિની મીઠી મીઠી વાતોમાં ન આવતા. જે બન્યું છે એ માટે યોગ્ય નિર્ણય લો. બાઇબલ જણાવે છે કે આપણે ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા’ થવું જોઈએ.—યાકૂબ ૧:૧૯. (g09 01)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં નામો બદલવામાં આવ્યા છે.

^ લેખ છોકરીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે પણ એ છોકરાઓને પણ લાગુ પડે છે.

^ વધારે માહિતી માટે જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૭ના સજાગ બનો!ના પાન ૧૬-૧૮ જુઓ.

આનો વિચાર કરો

◼ તમારા બોયફ્રેન્ડમાં તમે જે ચાહતા હોય એનું નીચે લીસ્ટ બનાવો. ․․․․․

◼ તેની કઈ આદત તમને ગમતી નથી. ․․․․․

[પાન ૩૧ પર બોક્સ]

તમારી સાથે ડેટિંગ કરતી વ્યક્તિ આવી હોવી જોઈએ . . .

□ તમારી બન્‍નેની માન્યતાઓ સરખી હોવી જોઈએ.—૧ કોરીંથી ૭:૩૯.

□ નૈતિક ધોરણો સારા હોવા જોઈએ.૧ કોરીંથી ૬:૧૮.

□ બીજાઓની લાગણીને સમજતી હોવી જોઈએ.—ફિલિપી ૨:૪.

□ તેના વાણી-વર્તન સારા હોવા જોઈએ.—ફિલિપી ૨:૨૦.

[પાન ૩૧ પર બોક્સ]

જો તમારો બોયફ્રેન્ડ આવો હોય તો ધ્યાન રાખવાની જરૂર છે . . .

□ તેના કહ્યા પ્રમાણે કરવા તમને દબાણ કરે.

□ તમે સાવ નકામો છો એવું અહેસાસ કરાવે.

□ તમારા બીજા મિત્રો અને સગાં-વહાલાંઓથી દૂર રાખે.

□ દરેક નાની-નાની વાતમાં માથું મારે.

□ તમે બીજા સાથે ફલર્ટિંગ કરો છો એવું તહોમત લગાવે.

□ તમને ધમકી આપે.

[પાન ૨૯ પર ચિત્ર]

પણ સમય જતાં જેસિકા અને કૅરલે પોતાના બોયફ્રેન્ડ સાથેનો સંબંધ તોડી નાખ્યો. શું આવું કરીને તેઓએ યોગ્ય નિર્ણય લીધો?

પેટ્રોલ