સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

હાથીઓ “પોતાના મિત્રોને ભૂલતા નથી”

નવો વૈજ્ઞાનિક (અંગ્રેજી) સામયિક જણાવે છે કે “હાથીઓ ભૂલી જતા નથી, અથવા ઓછામાં ઓછા પોતાના મિત્રોને કદી ભૂલતા નથી.” ઇંગ્લૅંડની સસેક્ષ યુનિવર્સિટીના ડૉ. કરણ મેકોબે, કયા હાથી એકબીજાને મળે છે અને કયા નથી મળતા એ નોંધવા, કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કમાં આફ્રિકન હાથણોના “મળવા બોલાવતા” ઊંચા નીચા અવાજને રેકર્ડ કરી લીધો. હાથીઓ કેવો પ્રત્યાઘાત પાડે છે એ જોવા, તેમણે એ રેકર્ડ કરેલો અવાજ બીજા ૨૭ હાથી પરિવારોને ફરી સંભળાવ્યો. એનાથી જોવા મળ્યું, કે હાથીઓ એ અવાજને ઓળખી જાય તો એનો તરત જ સામે જવાબ આપતા હતા. અવાજ બરાબર પરિચિત ન હોય તો, એઓ અવાજ સાંભળતા હતા પરંતુ એનો જવાબ આપતા ન હતા. અને અવાજ એકદમ અજાણ્યો હોય તો, એનાથી એઓ ઉશ્કેરાઈ જતા અને ગુસ્સે થઈ જતા હતા. એ લેખે આગળ કહ્યું, કે “એઓ બીજા ૧૪ હાથીના પરિવારનો અવાજ પારખી શકે છે. એ બતાવે છે કે દરેક હાથી ૧૦૦ જેટલા પુખ્ત હાથીઓને યાદ રાખી શકે છે.” હાથીઓ માનવીઓને પણ યાદ રાખી શકે છે. ઇંગ્લૅંડના બ્રિસ્ટોલ પ્રાણીસંગ્રહાલયના માદા પ્રાણીઓના રખેવાળ જોન પારટ્રીજ કહે છે, કે તેમણે એક એશિયન હાથી સાથે ૧૮ વર્ષ સુધી કામ કર્યું હતું. જ્યારે તે ત્રણ વર્ષ માટે બીજી જગ્યાએ જઈને પાછા આવ્યા ત્યારે પણ તે હાથી તેમને ઓળખી ગયો હતો. (g01 5/22)

તણાવપૂર્ણ રિસેસ

લંડનનું નાણાકીય સમયો (અંગ્રેજી) છાપુ જણાવે છે કે “બ્રિટનના કર્મચારીઓ કામના એટલા તો બંધાણી બની ગયા છે કે તેઓ કામ કરતા કરતા જ સેન્ડવિચ ખાઈ લે છે અને સરખી રીતે બપોરે જમતા પણ નથી.” તાજેતરનું સંશોધન બતાવે છે કે બ્રિટનમાં સરેરાશ “રિસેસનો સમય” ફક્ત ૩૬ મિનિટ લાંબો હોય છે. તબીબી તજજ્ઞો કહે છે કે બપોરની રિસેસનો સમય તણાવ ઓછો કરે છે. પરંતુ કેટલાક માલિકો રિસેસના સમયમાં પણ સભાઓ ભરીને, કર્મચારીઓને બિલકુલ વિરામનો સમય આપતા નથી. ડેટામોનીટર, સંશોધન સંસ્થાનો એક સંકલિત અહેવાલ જણાવે છે: “કામદારો પાસે વધુ કામની માંગણી કરનાર અને સમયને કીમતી ગણનાર સમાજ સાથે ચાલવા માટે, ઘણા લોકો બપોરે જમવા માટે સમય ખર્ચવાને, સમય બગાડવા બરાબર ગણે છે.” ડેટામોનીટરનું પૃથક્કરણ કરનાર, સેરા નુન્‍ની ઉમેરે છે: “આપણે જગતવ્યાપી બજાર સાથે હરીફાઈ કરીએ છીએ. તેથી, હું એ પછી કરીશ એવું કહેવાનો સવાલ જ ઊભો થતો નથી. એ કામ હમણાં જ પતવું જોઈએ.” (g01 5/22)

ફ્રીજ વગર તાજો ખોરાક

જલદી બગડી જાય એવા ખોરાકને ફ્રીજ વગર ઠંડો અને તાજો રાખવો મુશ્કેલ છે. તેમ છતાં, અર્ધવર્ષાવાળા ઉત્તર નાઇજીરિયામાં એક સાદી અને સસ્તી નવી શોધ થઈ છે જે ઘણી સફળ નીવડી છે. એક માટીના કૂંડામાં બીજું કૂંડું મૂકવું અને એ બંને વચ્ચેની જગ્યાને ભીની રેતીથી ભરી દેવી. ખોરાકને નાના કૂંડામાં રાખવો અને એ કૂંડાને ભીના કપડાથી ઢાંકી દેવું. “બહારની ગરમ હવાને લીધે બહારનું કૂંડું ભેજવાળું થઈ જાય છે અને એ ભેજનું બાષ્પીભવન થઈ જાય છે,” નવો વૈજ્ઞાનિક (અંગ્રેજી) સામયિક કહે છે. “પાણીની વરાળ પોતાની સાથે ગરમી પણ લઈ જાય છે, તેથી, રેતી અને કપડું ભીના હોય ત્યાં સુધી, બહારથી સૂકાવાની પ્રક્રિયા સતત ચાલતી હોવાથી અંદરના કૂંડામાં ગરમી પ્રવેશતી નથી.” આ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે, ટામેટા અને મરી ફળ ત્રણ સપ્તાહ સુધી તાજા રહી શક્યા અને રીંગણ તો એક મહિના સુધી તાજા રહ્યા. “કૂંડામાં કૂંડું”વાળી આ રીતને શોધનાર મોહમ્મદ અબ્બા કહે છે કે હવે ખેડૂતો જરૂર હોય તેમ પોતાની નીપજ વેચી શકે છે અને ખોરાક વેચવા જ ઘરે રહેતી તેઓની દીકરીઓ હવે શાળાએ જઈ શકે છે. (g01 6/8)

સેલ્યૂલર ફોનને કારણે અકસ્માતો

સેલ્યૂલર ફોનને કારણે ઘણા અકસ્માતો ફક્ત રોડ પર જ થાય છે એવું નથી. જાપાનના રેલવે અધિકારી કહે છે કે પ્લૅટફૉર્મ પર ગાડીની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ સેલ્યૂલર ફોન પર વાતચીતમાં એટલા ડૂબી જાય છે કે તેઓ ક્યાં ઊભા છે એ પણ ભૂલી જાય છે. અસાહી ઈવનીંગ ન્યૂઝ નામના અંગ્રેજી છાપાએ એક યુવકના અકસ્માત વિષે અહેવાલ આપ્યો, કે જે પ્લૅટફૉર્મની ધાર પર ઊભો રહીને પોતાના સેલ્યૂલર પર વાત કરતો હતો. તે વાત કરતા કરતા અજાણતાથી નમ્યો અને તેનું માથું આવી રહેલી ટ્રેન સાથે અથડાયું. જો કે સારું થયું કે “તેની જમણી આંખ જતી જતી બચી ગઈ.” તેમ છતાં, બીજા એક કિસ્સામાં, “એક કૉલેજનો વિદ્યાર્થી પ્લૅટફૉર્મની ધાર પર ઊભો રહીને સેલ્યૂલર ફોન પર વાત કરતો હતો ત્યારે, માલગાડીની અડફેટમાં આવી જતા મૃત્યુ પામ્યો.” રેલવે-સ્ટેશનના અધિકારીઓએ અહેવાલ આપ્યો, કે ઘણી વખત લોકોના હાથમાંથી તેઓનો ફોન રેલવેના પાટા પર પડી જતો હોય છે. એક ૨૬ વર્ષનો યુવક પોતાના હાથમાંથી પડી ગયેલો ફોન લેવા નીચે વળ્યો કે તરત “ટ્રેનથી કપાઈ” ગયો. તેથી, રેલવે અધિકારીઓએ લોકોને “રેલવે પ્લૅટફૉર્મ સૌથી ખતરનાક વિસ્તાર છે એ યાદ રાખવાનું” જણાવ્યું. (g01 6/22)