સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

શું તમને કદી એવું લાગ્યું છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા નથી? ઘણા લોકોને એવું જ લાગે છે. તેઓ દુઃખ દૂર થાય માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પણ દુઃખ તો એવું ને એવું જ રહે છે. શું એનો અર્થ એવો થાય છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી? ના! એવું નથી. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરીએ તો ઈશ્વર જરૂર સાંભળે છે. ચાલો હવે જોઈએ કે શાસ્ત્ર એના વિશે શું કહે છે.

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

‘હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોકો આવશે.’—ગીતશાસ્ત્ર ૬૫:૨.

અમુક લોકોને લાગે છે કે તેઓની પ્રાર્થના કોઈ સાંભળતું નથી. તેમ છતાં તેઓ પ્રાર્થના કરે છે. તેઓને લાગે છે કે પ્રાર્થના કરવાથી મનની શાંતિ મળે છે. પણ ફક્ત મન હળવું કરવા માટે પ્રાર્થના ન કરીએ. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે, ‘જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા * છે. યહોવા તેઓનો પોકાર પણ સાંભળશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.

આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે જેઓ યહોવા ઈશ્વરને સાચા દિલથી પોકારે છે તેઓનું તે સાંભળે છે. તે કહે છે: ‘તમે મને પોકારશો અને મને પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.’—યર્મિયા ૨૯:૧૨.

ઈશ્વર ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરીએ.

“પ્રાર્થનામાં લાગુ રહો.”—રોમનો ૧૨:૧૨.

પવિત્ર શાસ્ત્ર આપણને ઉત્તેજન આપે છે કે, ‘પ્રાર્થના કરતા રહીએ.’ અરે, ‘બધા સંજોગોમાં પ્રાર્થના કરતા રહીએ.’ યહોવા ઈશ્વર ચાહે છે કે આપણે તેમની આગળ આપણું દિલ ઠાલવીએ.—માથ્થી ૨૬:૪૧; એફેસીઓ ૬:૧૮.

યહોવા ઈશ્વર કેમ ચાહે છે કે આપણે પ્રાર્થનામાં તેમની સાથે વાત કરીએ? ચાલો એક દાખલો લઈએ: એક બાળક પોતાના પિતા પાસે દોડીને આવે છે અને કહે છે: ‘પપ્પા, પપ્પા, મને પેલું આપો ને!’ હવે પિતાને તો પહેલેથી જ ખબર છે કે બાળકને શાની જરૂર છે. પણ જ્યારે તે બાળકના મોઢે એ શબ્દો સાંભળે છે ત્યારે તેમને ખુશી થાય છે. બાળકના એ શબ્દો શું બતાવે છે? એ જ કે તેને પિતા પર ભરોસો છે અને તે તેમને ખૂબ પ્રેમ કરે છે. એવી જ રીતે, યહોવા ઈશ્વરને પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણને તેમના પર પૂરો ભરોસો છે અને તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ.—નીતિવચનો ૧૫:૮; યાકૂબ ૪:૮.

ઈશ્વર તમારી ખૂબ જ કાળજી રાખે છે.

“તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.

ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને આપણી કાળજી રાખે છે. તે આપણી ચિંતાઓ સારી રીતે જાણે છે અને આપણને મદદ કરવા માંગે છે. એટલે તે ચાહે છે કે આપણે દિલ ખોલીને તેમને આપણી મુશ્કેલીઓ જણાવીએ.

સદીઓ પહેલાં એક રાજા થઈ ગયા. તેમનું નામ દાઊદ હતું. તે હંમેશાં મદદ માટે ઈશ્વરને પોકારતા અને પોતાના દિલના વિચારો તેમને જણાવતા. (ગીતશાસ્ત્ર ૨૩:૧-૬) શું ઈશ્વર તેમની પ્રાર્થના સાંભળતા હતા? હા, ચોક્કસ! તે દાઊદને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે, તેમની પ્રાર્થનાઓ સાંભળતા અને એનો જવાબ પણ આપતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૩:૨૨) એવી જ રીતે, ઈશ્વર આપણને પણ ખૂબ પ્રેમ કરે છે, એટલે તે આપણી પ્રાર્થના સાંભળે છે.

‘હું યહોવાને ચાહું છું કારણ કે તે મારા કાલાવાલા સાંભળે છે’

વર્ષો પહેલાં એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં એ શબ્દો કહ્યા હતા. તેમને ભરોસો હતો કે ભગવાન તેમની પ્રાર્થના સાંભળે છે. એનાથી તેમને ખૂબ મદદ મળી. ભગવાન સાથેનો તેમનો સંબંધ મજબૂત થયો અને તેમને દરેક મુશ્કેલીનો સામનો કરવા હિંમત મળી.—ગીતશાસ્ત્ર ૧૧૬:૧-૯.

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે એવી ખાતરી થયા પછી, આપણે ક્યારેય પ્રાર્થના કરવાનું નહિ છોડીએ. પેડ્રો નામના એક ભાઈનો વિચાર કરો. તે ઉત્તર સ્પેનમાં રહે છે. એક કાર એક્સિડન્ટમાં તેમણે પોતાનો ઓગણીસ વર્ષનો દીકરો ગુમાવ્યો. એનાથી પેડ્રો પૂરી રીતે ભાંગી પડ્યા હતા. તેમણે ભગવાન આગળ વારંવાર પોતાનું દિલ ઠાલવ્યું. તે કહે છે: “યહોવાએ મારી પ્રાર્થના સાંભળી છે. તેમણે મને સારા દોસ્તો આપ્યા. તેઓએ મને અને મારી પત્નીને ખૂબ જ દિલાસો આપ્યો. તેઓ હંમેશાં અમારી પડખે રહ્યા.”

ઘણી વાર ભગવાન આપણને દોસ્તો દ્વારા દિલાસો અને સાથ સહકાર આપે છે

ખરું કે, પ્રાર્થના કરવાથી પેડ્રોને પોતાનો દીકરો પાછો ન મળી ગયો, પણ એનાથી તેમને અને તેમના પરિવારને ખૂબ જ હિંમત મળી. તેમની પત્ની મારિયા કારમેન કહે છે: “પ્રાર્થના કરવાથી મને દુઃખ સહન કરવા મદદ મળી. જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી ત્યારે મારું દિલ હળવું થઈ જતું અને મને મનની શાંતિ મળતી. એનાથી હું જોઈ શકી કે ભગવાન મારું દુઃખ સમજે છે.”

બાઇબલ અને ઘણા લોકોના અનુભવો પરથી જોવા મળે છે કે ઈશ્વર ખરેખર પ્રાર્થના સાંભળે છે. પણ ઈશ્વર અમુક પ્રાર્થનાનો જવાબ આપતા નથી. એવું કેમ?

^ ફકરો. 5 પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.